ચીમેર ધોધ
આપણા ગુજરાતમાં ખૂણેખાંચરે એવાં કેટલાં યે સ્થળો છે જે જોવા જેવાં હોય, પણ એ બહુ જાણીતાં ના હોય, એટલે એવી જગાએ બહુ ઓછા લોકો જતા હોય. આવી એક કુદરતના સાંનિધ્યમાં આવેલી સરસ જગા છે ચીમેરનો ધોધ. ડાંગ જીલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આ ધોધ આવેલો છે. નામ બહુ જાણીતું નથી, પણ તે જોવા જેવો જરૂર છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે તો એને ‘ગુજરાતનો નાયગરા’ કહે છે. આ ધોધ જુઓ ત્યારે એમ લાગશે જ કે ‘અરે ! અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા ?’
ચીમેર ધોધ, ચીમેર ગામની નજીક આવેલો છે. ત્યાં જવા માટે સોનગઢથી સુબીરના રસ્તે જવાનું. આ રસ્તે ૨૮ કી.મી. જેટલું ગયા પછી ચીમેર ગામ આવે છે. સોનગઢથી જ જંગલ વિસ્તાર શરુ થઇ જાય છે. આ રસ્તો એ કોઈ મોટો હાઈ વે નથી. પણ જંગલમાં થઈને પસાર થતો, વળાંકોવાળો ઉંચોનીચો રસ્તો છે. આમ છતાં, ગાડી તેમ જ બસ પણ આરામથી જઈ શકે.
અહીં ગામ એટલે છૂટાંછવાયાં ફક્ત આઠ દસ ઘર જ. ગામ જેવું લાગે જ નહિ. હા, રસ્તા પર ચીમેરનું બોર્ડ છે ખરું. ચીમેરમાં સ્કુલના મકાન આગળથી જમણી બાજુની સાંકડી ગલીમાં વળી જવાનું. આ ગલીમાં એક કી.મી. સુધી ગાડી જઈ શકે છે. પછી ગાડી મૂકી દેવાની અને ચાલતા જવાનું. ઉંચાનીચા, ખેતરમાંથી પસાર થતા, ક્યાંક પાણીના વહેળામાંથી પસાર થતા કેડી જેવા રસ્તે લગભગ ૨ કી.મી. જેટલું ચાલ્યા પછી ધોધ આગળ પહોંચાય છે. કેડીની આજુબાજુનાં ખેતરોમાં ડાંગરના છોડ લહેરાતા જોવા મળે છે. બધે જ લીલોતરી છે. ક્યાંક અહીંની આદિવાસી પ્રજાનું ખોરડું દેખાય છે. અહીં રહેતાં છોકરાછોકરીઓમાંથી કોઈને રસ્તો બતાવવા ધોધ સુધી લઇ જઇ શકાય.
ચીમેરનો ધોધ જોઇને જ એમ લાગશે કે ‘આ હા ! શું ભવ્ય ધોધ છે !’ ધોધ નીચે પડીને જે નદી વહે છે, તેમાં ઉતરાય એવું તો છે જ નહિ. બસ, ધોધથી આશરે ૧૦૦ ફૂટ દૂર રહીને સામા કિનારેથી જ ધોધ જોવાનો. અહીં કુલ ૪ ધોધ નીચે પડે છે. સામેના ધોધ ઉપરાંત, જ્યાં ઉભા રહીને ધોધ જોઈએ છીએ, તેની બાજુમાં વહેતું પાણી પણ નીચે ધોધરૂપે પડે છે. જો આ પાણીમાં લપસ્યા કે ખેંચાઈ ગયા, તો ૩૦૦ ફૂટ નીચેની નદીમાં ખાબક્યા જ સમજો. કોઈ બચાવવા પણ ન આવી શકે. સાઇડમાં બીજા બે ધોધ નીચે પડે છે, જે ઝાડીઝાંખરાંને કારણે દેખાતા નથી.
સામે દેખાતો ધોધ એ જ ચીમેરનો મુખ્ય ધોધ. ધોધનો દેખાવ અને જંગલનો માહોલ અદભૂત છે. સૂમસામ જંગલમાં એકમાત્ર ધોધનો કર્ણપ્રિય અવાજ. નીચે પડતું પાણી ધુમ્મસમય વાતાવરણ સર્જે છે. અહીં સામે પથ્થરો પર બેસી એમ થાય કે બસ, ધોધને જોયા જ કરીએ. ધોધનું આ દ્રશ્ય મગજમાં કોતરાઈ જાય છે. નવાઈ લાગે છે કે આપણા ગુજરાતમાં આવી સરસ જગા છે. ધોધની અલગ અલગ એંગલથી તસ્વીરો લઇ શકાય છે. ધોધ આગળ કોઈ દુકાન નથી, કે બીજી કોઈ સગવડ નથી. અહીં તો માત્ર કુદરતના સાનિધ્યનો જ અનુભવ કરી શકાય.
જે ૨ કી.મી. ચાલવાનું છે, એમાં જો સરસ રસ્તો બનાવી દેવાય તો છેક ધોધ સુધી ગાડી લઈને જવાય, જવાનું સરળ બની જાય. પ્રવાસીઓ પણ વધુ આવે. ચીમેરથી ૬ કી.મી. દૂર નિશાના ગામે એક સરસ ધોધ આવેલો છે. ચીમેરથી ૧૬ કી.મી. દૂર શબરીધામ જોવા જેવું છે. શબરીએ રામને એંઠાં બોર આ જગાએ ચખાડ્યાં હતાં. શબરીધામથી ૪ કી.મી. દૂર રહેવાજમવા માટે એક રીસોર્ટ છે.