શબરીમાલા મંદિર
ભારતનું એવું કયું મંદિર છે કે જ્યાં ભારતના બીજા કોઈ પણ મંદિર કરતાં સૌથી વધુ ભક્તો દર્શને આવતા હોય? એ મંદિર છે કેરાલા રાજ્યમાં આવેલું શબરીમાલાનું ભગવાન અય્યપાનું મંદિર. આ મંદિર વર્ષના ૩૬૫ દિવસોમાંથી ફક્ત સોએક દિવસો જ ખુલ્લું રહેતું હોવા છતાં અહીં વર્ષે લગભગ ૫ કરોડ જેટલા યાત્રિકો આવે છે. યાત્રિકોની સંખ્યાની દ્રષ્ટિએ શબરીમાલા મંદિર દુનિયામાં બીજા નંબરે છે. (પહેલા નંબરે મક્કા છે.) શબરીમાલા મંદિરની બીજી ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના બંધન વગર દરેક વ્યક્તિને પ્રવેશ મળે છે. આમ છતાં, અહીં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓ માટે પ્રવેશબંધી છે. એનું કારણ એ છે કે ભગવાન અય્યપા બ્રહ્મચારી છે, એટલે યુવાન અને પુખ્ત વયની સ્ત્રીઓને અહીં આવવાની છૂટ નથી. આ મંદિર ખુલ્લું હોય એ દિવસોમાં ટ્રેનો અને બસો ભરીભરીને ભક્તો અહીં ઠલવાય છે. ચાલો, આપણે પણ આ લેખમાં અય્યપાનાં દર્શને ઉપડીએ.
અય્યપા એ ભગવાન શીવ અને મોહિની સ્વરૂપધારી ભગવાન વિષ્ણુના પુત્ર છે. એટલે એમનામાં શીવ અને વિષ્ણુ બંનેની શક્તિ છે. અય્યપાને શ્રી ધર્મ સષ્ઠા પણ કહેવાય છે. ભગવાન અય્યપાએ રાક્ષસ મહિષીનો વધ કર્યા પછી આ જગાએ તપ કર્યું હતું. કહેવાય છે કે આ મંદિર પરશુરામે બાંધ્યું હતું. ભગવાન રામ જયારે અહીંથી પસાર થતા હતા ત્યારે તેમણે ભક્ત શબરીનાં એંઠાં બોર આ જગાએ પ્રેમથી આરોગ્યાં હતાં, એટલે આ જગાને શબરીમાલા કહે છે. જો કે ભારતમાં બીજી જગાઓએ પણ રામે શબરીનાં બોર આરોગ્યાં હોવાનું કહેવાય છે. એટલે શબરીવાળી સાચી જગા કઈ, એનું પ્રમાણ મળવું મુશ્કેલ છે. ગુજરાતમાં ડાંગ જીલ્લામાં પણ આવું એક શબરીધામ છે.
શબરીમાલા મંદિર કેરાલા રાજ્યના પથાનમથીટ્ટા જીલ્લામાં આવેલું છે. પથાનમથીટ્ટા શહેરથી તે ૭૦ કી.મી. દૂર છે. પશ્ચિમઘાટની સહ્યાદ્રિ પર્વતમાળાની ૧૮ ટેકરીઓ વચ્ચેની એક ટેકરી પર આ મંદિર આવેલું છે. આ ટેકરીની ઉંચાઈ ૪૬૮ મીટર છે. આજુબાજુની ટેકરીઓ પર પણ બીજાં મંદિરો છે. શબરીમાલા મંદિરની ટેકરીની તળેટીમાં નીચે પમ્બા નામનું ગામ છે. (પમ્બાને પમ્પા પણ કહે છે.) તથા ત્યાં પમ્બા નામની નદી વહે છે. પમ્બા એ શબરીમાલા જવા માટેનો બેઝ કેમ્પ છે. શબરીમાલા જવા માટે પથાનમથીટ્ટાથી અથવા બીજા કોઈ શહેરથી પહેલાં પમ્બા પહોંચવું પડે છે. પછી અહીંથી ટેકરી પર પાંચેક કી.મી. જેટલું ચડીને શબરીમાલા પહોંચાય છે. આ ચડાણ પર કોઈ વાહન જતું નથી. ભક્તો મોટે ભાગે ચાલીને જ ઉપર ચડે છે. ઘોડા કે ડોળી ભાડે મળે છે. ઉપર ચડવાનો રસ્તો પાકો બનાવેલો છે. આખે રસ્તે તથા ઉપર મંદિરમાં લાઈટની વ્યવસ્થા છે. અહીં ક્યારેય લાઈટ ના જાય તેની પૂરી કાળજી લેવામાં આવે છે. રસ્તામાં વચ્ચે ઘણી દુકાનો છે. મેડિકલ સહાય પણ મળી રહે છે. લોકો નીચે પમ્બા નદીમાં સ્નાન કરી, પવિત્ર થઇ ઉપર ચડવાનું શરુ કરે છે. વચ્ચે માર્ગમાં જે ટેકરી, જંગલ, ઝરણાં વગેરે આવે તેને અય્યપાનો પવિત્ર બગીચો (પુકાવનમ) કહે છે.
ટેકરી પર પહોંચ્યા પછી, છેલ્લે ૧૮ સોનેરી પગથિયાં ચડીને મંદિર પહોંચાય છે. .આ પગથિયાં ખૂબ જ પવિત્ર ગણાય છે. મંદિરને સન્નીધાનમ કહે છે. અહી વિશાળ ગર્ભગૃહમાંથી ભગવાનનાં દર્શન થાય છે. લોકો અય્યપાનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર્શન માટે ખૂબ જ મોટી લાઈનો લાગે છે. પગથિયાંની બાજુમાં નીચે બીજાં બે મંદિરો છે, એક ગણેશજીનું અને બીજું મલિકાપુરાત્તમા દેવીનું.
શબરીમાલાનાં દર્શને આવનાર અય્યપાના ભક્તો આકરી બાધાઓ લે છે. અહીં આવતા પહેલાં તેઓ ૪૧ દિવસના ઉપવાસ કરે છે.ઉપવાસ મનની શુદ્ધિ માટે છે. યાત્રા પૂરી થાય ત્યાં સુધી વાળ નહિ કપાવાના, દાઢી નહિ કરવાની, નખ નહિ કાપવાના, તમાકુ-માંસ-મદિરાનું સેવન નહિ કરવાનું, રુદ્રાક્ષ કે તુલસીની માળા ગળામાં પહેરવાની, રોજ કોઈ મંદિરે દર્શન કરવા જવાનું, કાળાં કે વાદળી રંગનાં જ વસ્ત્રો પહેરવાનાં, કપાળે ચંદન કે વિભૂતિ લગાડવાની વગેરે.
તેઓ યાત્રા પર નીકળે ત્યારે પણ કાળાં કે વાદળી વસ્ત્રો પહેરે છે. સાથે ભગવાનને અર્પણ કરવાની ચીજો, શ્રીફળ, ઘી વગેરે એક થેલીમાં ભરીને લઇ જાય છે. આ થેલી માથે મૂકીને જ જવાનું. ટેકરી ચડતી વખતે પણ થેલી માથે મૂકેલી જ રાખવાની. આ થેલીને ઈરુમુડી કહે છે.
અહીં યાત્રિકો એકબીજાને સ્વામી કહીને બોલાવે છે. આ મંદિરનો સંદેશ છે કે દરેક જણ ભગવાનનો અંશ છે. સંસ્કૃતમાં તેને ‘તત ત્વમ અસિ’ કહે છે. મંદિરના પ્રવેશ આગળ પણ વાદળી રંગના બોર્ડ પર સંસ્કૃત અને મલયાલમ ભાષામાં આ સૂત્ર લખેલું છે. પ્રભુ અય્યપાનું સ્મરણ કરવા માટેનો મંત્ર ‘સ્વામીયે સરનમ અય્યપા’ છે. એનો અર્થ છે ‘હે પ્રભુ અય્યપા, હું તમારે શરણે છું.’
શબરીમાલા મંદિર નીચે મૂજબના દિવસોએ ખુલ્લું રહે છે.
(૧) આશરે ૧૫ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધી. આ મંડલ પૂજાના દિવસો ગણાય છે.
(૨) આશરે ૩૦ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી સુધી. આ દિવસો મકરસંક્રાંતિ (મક્કાવિલાકું) તહેવારના ગણાય છે. એમાં ૧૪ જાન્યુઆરી મુખ્ય દિવસ છે.
(૩) ૧૪ એપ્રિલ. આ દિવસ મહાવિષ્ણુસંક્રાંતિ કહેવાય છે.
(૪) આ ઉપરાંત, દરેક મલયાલમ મહિનાના પહેલા પાંચ દિવસ.
બધા દિવસોએ મંદિરનો સમય સવારના સાડા પાંચથી રાતના દસ વાગ્યા સુધીનો છે.
મંદિરમાં સવારે ભગવાન અય્યપાને ઉઠાડવા માટેનું ગીત ‘અય્યપા સુપ્રભાતમ’ કહેવાય છે. રાત્રે મંદિર બંધ થતા પહેલાં ‘હરિવરસનમ’ ગીત ગવાય છે. ભક્તો પોતાની થેલીમાં જે ચીજો ઘી વગેરે લાવ્યા હોય તે શ્રી અય્યપાને અર્પણ કરે છે. ઘી ચડાવવાની વિધિને નય્યાભિષેક કહે છે. આ વિધિ એ જીવાત્માના પરમાત્મા સાથેના મિલનનું પ્રતિક છે. ૧૮ પગથિયાંની બાજુમાં મોટો અગ્નિકુંડ (હોમકુંડ) છે. યાત્રિકો એમાં પોતાનાં પાપ બાળવાના પ્રતિક રૂપે શ્રીફળ હોમે છે.
શબરીમાલા મંદિરમાં અરાવના પાયસમ અને અપ્પમનો પ્રસાદ હોય છે. પ્રસાદ ચોખા, ઘી, ખાંડ અને ગોળનો બને છે. આ બધી ચીજો ચેટ્ટીકુલંગારા દેવીના મંદિર દ્વારા પૂરી પડાય છે. આ મંદિર મવેલીક્કારામાં આવેલું છે. શબરીમાલા અને ચેટ્ટીકુલંગારા બંને મંદિરનો વહીવટ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડને હસ્તક છે.
શબરીમાલા મંદિરની સંભાળ તાજામોન માટોમ પૂજારી કુટુંબ રાખે છે. સૌથી ઉપરી પૂજારીને તંત્રી કહેવાય છે. બધી ધાર્મિક પૂજા તંત્રીના હાથે થાય છે. મંદિરના પ્રસંગો પણ તંત્રીની દેખરેખ હેઠળ ઉજવાય છે.
શબરીમાલા પહોંચવાના ૩ માર્ગ છે. એક માર્ગ તો આપણે જોયો તે પમ્બાથી ઉપર ચડવાનો છે. આ માર્ગને ચલકાયમ માર્ગ કહે છે. અહીં પેરુન્ડ ગામથી પણ ઉપર ચડી શકાય છે. બીજો માર્ગ વંદીપેરીયાર માર્ગ છે. એ ૧૩ કી.મી. લાંબો છે. ત્રીજો માર્ગ એરુમલી છે. આ માર્ગ સૌથી લાંબો ૬૧ કી.મી.નો છે અને સૌથી કઠિન છે. એમાં વચ્ચે ઘણી ટેકરીઓ અને મંદિરો આવે છે. ઘણા ભક્તો હજુ એ આ વિકટ માર્ગે જાય છે. ભગવાન અય્યપા મહિષીને મારવા આ માર્ગે ગયા હતા.
શબરીમાલાથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ચેન્ગાન્નુર ૨૬ કી.મી. દૂર છે. આ સ્ટેશન શબરીમાલાનો ગેટવે ગણાય છે. થીરુવલ્લા રેલ્વે સ્ટેશન શબરીમાલાથી ૩૦ કી.મી. દૂર છે. પથાનમથીટ્ટાને રેલ્વે સ્ટેશન નથી. સીઝનમાં બીજાં શહેરોથી ચેન્ગાન્નુર અને થીરુવલ્લા સુધી ખાસ ટ્રેનો દોડે છે. આ ટ્રેનો પર ‘શબરીમાલા સ્પેશ્યલ’ લખેલું હોય છે. આ સ્ટેશનોએથી શબરીમાલા માટેની ઘણી બસો દોડે છે.
કેરાલા રાજ્યની બસો, પથાનમથીટ્ટા ઉપરાંત, ત્રિવેન્દ્રમ, કોચીન તથા બીજાં શહેરોથી શબરીમાલા તરફ દોડે છે. અરે ! મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર અને માયસોરથી પણ શબરીમાલાની બસો ઉપડે છે. શબરીમાલા કોચીન એરપોર્ટથી ૧૦૪ કી.મી. અને ત્રિવેન્દ્રમ એરપોર્ટથી ૧૧૩ કી.મી. દૂર છે. સીઝન દરમ્યાન આ એરપોર્ટો ‘અય્યપા સ્પેશ્યલ સર્વીસ કાઉન્ટર’ ખોલે છે. અહીંથી પણ શબરીમાલાની બસો ઉપડે છે. સીઝનમાં દેશભરમાંથી અને પરદેશથી અસંખ્યલોકો શબરીમાલા આવે છે. ખાસ ટુરિસ્ટ સેન્ટરો ઉભાં કરાય છે. પમ્બામાં નજીકમાં મોટું પાર્કીંગ ઉભું કર્યું છે. પાર્કીંગથી પમ્બાના બેઝ પોઈન્ટ સુધી મફત શટલની વ્યવસ્થા છે.
અહીં મલયાલમ, તમિલ અને હિન્દી ભાષા બોલાય છે. આ વિસ્તારમાં વરસાદ ઘણો પડે છે. ગંદકી પણ થતી હોય છે. ૨૦૧૧ની ૧૪ જાન્યુઆરીએ અહીં એક વાહન ઢાળમાં પડી ગયું ત્યારે ઘણી અંધાધૂધી સર્જાઈ હતી. ત્યારે સોએક લોકો મરી ગયા હતા.
શબરીમાલા મંદિરને લગતી ‘સ્વામી અય્યપા’ નામની ફિલ્મ મલયાલમ અને બીજી ભાષાઓમાં બની છે. પથાનમથીટ્ટાથી ૩૬ કી.મી. દૂર પેરુન્થેનારુવી નામનો ધોધ છે. પેરુન્થેનારુવીનો અર્થ છે ‘મોટો મધ જેવો ધોધ’. આ ધોધ એક ટુરિસ્ટ કેન્દ્ર છે. આ ધોધનું પાણી પમ્બા નદીને મળે છે.
શબરીમાલાનું અય્યપા મંદિર દેશવિદેશમાં પ્રખ્યાત છે. કેરાલા ફરવા જાવ ત્યારે આ મંદિર જોવા અચૂક જજો, પણ મંદિર ખુલ્લું છે કે નહિ તે તપાસ કરીને જજો. મંદિરમાં લાગતી લાઈનો જોતાં એમ લાગે છે કે દર્શન કરવા માટે ઘણો ટાઈમ ફાળવવો પડે. પણ દર્શન કરીને સંતોષ તો જરૂર થાય જ.