‘ટચ-એ-ટ્રક’ પ્રોગ્રામ
અસલી હેલિકોપ્ટરને અંદર જઈને જોવાની કે તેની નજીક ઉભા રહી તેને ઉચકાતું જોવાની તક કેટલા લોકોને મળતી હશે? સામાન્ય લોકોને પોલિસના વડાની ગાડીની અંદર બેસવા મળે ખરું? અગ્નિશામક બંબાની વાન અંદરથી જોવા મળે ખરી? આવું બધું જોવાની નાનાં બાળકો અને મોટાંને પણ કેટલી બધી મજા આવે !
આ બધું જોવા મળે એવી વ્યવસ્થા ખરેખર છે. અમેરીકાના હ્યુસ્ટન શહેરમાં દર વર્ષે બાળકો માટે એક કાર્યક્રમ યોજાય છે. એ કાર્યક્રમનું નામ ‘ટચ-એ-ટ્રક ઇવન્ટ’ (ટ્રકને અડકો) છે. બાળકોની સાથે મોટાંઓને જવાની છૂટ છે. 2016માં આવો પ્રોગ્રામ ફેબ્રુઆરીની 20મી તારીખે હતો. અમે ઘરના સૌ સભ્યો અમારા નાના ચિરંજીવીને લઈને નીકળી પડ્યા. પ્રોગ્રામનો ટાઈમ સવારના 9 થી 12નો હતો.
આ પ્રોગ્રામની તારીખ, સમય અને સ્થળની અગાઉથી જાહેરાત કરવામાં આવે છે. એટલે જોવા આવનારા લોકો પોતાનો પ્લાન નક્કી કરી શકે. પ્રોગ્રામ માટે, બધા પ્રકારનાં વાહનો અહીં લાવીને એક મોટા ખુલ્લા મેદાનમાં ગોઠવવામાં આવે છે. વાહનોની સંભાળ રાખનારા અને સલામતી માટેનાં પોલિસ દળો પણ હાજર હોય છે. શો જોવાની કોઈ ફી નથી.
અમે દસેક વાગે ત્યાં પહોંચી ગયા. દૂર દૂર સુધી ગાડીઓ પાર્ક થયેલી હતી. એના પરથી લાગ્યું કે કેટલા બધા લોકો પ્રોગ્રામ જોવા આવ્યા છે ! અમને નજીકમાં પાર્કીંગ મળી ગયું. ગાડી પાર્ક કરીને અમે મેદાનમાં પહોંચ્યા. દરેક વાહનો આગળ બાળકો અને તેમની સાથેના મોટાઓની લાંબી લાઈનો લાગેલી હતી. અમે અમારા નાનકાને લઇ, સૌ પહેલાં હેલિકોપ્ટરની લાઈનમાં ઉભા રહી ગયા. આ લાઈન સૌથી લાંબી હતી. તમારે હેલિકોપ્ટરની અંદર ના જવું હોય અને ખાલી બહારથી જ જોવું હોય તો લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહિ. ખુલ્લામાં હેલિકોપ્ટરની નજીક ઉભા રહીને જોઈ શકો. બારણાં ખુલ્લાં હોય એટલે અહીં ઉભા ઉભા હેલિકોપ્ટરની સીટો વગેરે દેખાય. નાનાં બાળકો અને તેની સાથેના વાલીને તો લાઈનમાં અંદર જઇ સીટ પર બેસવા મળે.
હેલિકોપ્ટર પછી, અમે આગ હોલવવાના બંબા આગળ જઈને ઉભા રહ્યા. આ વાનનાં બધાં બારણાં ખુલ્લાં, એટલે તમે સાવ નજીકથી અંદર રાખેલી બધી જ ચીજો જોઈ શકો. આ ટ્રક પર, ઉંચા મકાનમાં છેક ઉપરની બારીઓ સુધી પહોંચવા માટેની લાંબી સીડી પણ લગાડેલી હતી. જોવાની મજા આવી ગઈ.
ત્યાર પછી, અર્થ મુવર ટ્રક જોયો. એમાં એના મોટા હુપરમાં માટી, કચરો કે પથરા ઉપાડીને ટ્રકમાં ભરવાની કે બીજે ઠાલવવાની વ્યવસ્થા હોય છે. ડ્રાઈવરની સીટ પર બેસાડીને આ બધું બતાવે છે. પછી, ટ્રેક્ટર, ટ્રેક્ટરની પાછળ જમીન ખેડવા માટેનું હળ, એ બધું જોયું.
પછી અમે પોલિસની ગાડી આગળ ગયા. પોલિસ ગાડી જયારે શહેરમાં ફરતી હોય કે ક્યાંક ઉભી હોય ત્યારે તે અંદરથી જોવા મળે ખરી? પણ અહીં મૂકેલી પોલિસ ગાડીને અંદરથી જોવાની છૂટ હતી. અંદરથી તે કેવી હોય છે, એ જોવા મળ્યું.
પછી અમે રેફ્રિજરેટેડ વાન જોઈ. જે સામાન રેફ્રીજરેટરમાં મૂકીને લઇ જવાનો હોય તેને માટે આવી ટ્રકનો ઉપયોગ થાય છે. અંદરની આખી રચના જોવા મળી.
દુનિયામાં એવી કારો પણ બની છે કે જેનાં બારણાં ઉપર તરફ ખુલતાં હોય. આવી કારો પણ અહીં મૂકેલી હતી. વળી, બે ગાડીનાં આગળનાં બોનેટ ખોલીને રાખેલાં હતાં, એને લઈને ગાડીનું આખું એન્જીન જોવા મળ્યું.
આ ઉપરાંત પણ બીજાં વાહનો હતાં, તે બધાં જોયાં. ટૂંકમાં, દુનિયામાં વપરાતાં જાતજાતનાં વાહનો અહીં, જોવા માટે ખુલ્લાં મૂકી દીધેલાં હતાં.
એક જગાએ નાનાં બાળકોને રમવા માટે રમકડાંની નાનીમોટી ગાડીઓ હતી. એ ઉપરાંત, સ્પેર પાર્ટ જોડીને ગાડી, ટ્રક વગેરે બનાવી શકાય, એવી રમતો પણ હતી. બીજી એક જગાએ, નાનાં બાળકોને રેતીમાં રમવા માટે, રેતીનું નાનું મેદાન બનાવેલું હતું. અહીં બાળકો રેતી ઉછાળે, રેતીને ડબલામાં ભરે અને ખાલવે, રેતી ચાળે- એમ ઘણી બધી પ્રવૃત્તિ કરે. આવું રમવાની તક એમને ક્યાં મળવાની હતી? બીજી એક જગાએ ખાણીપીણીની સગવડ પણ હતી.
બધું જોવામાં બે કલાક તો સહેજે નીકળી ગયા. બધે ફોટા પડ્યા. પછી છેલ્લે, ખૂબ જ રોમાંચક એવો હેલિકોપ્ટરના ઉડવાનો પ્રોગ્રામ હતો. બાર વાગ્યા એટલે બધા જ લોકો મેદાનમાં હેલિકોપ્ટરની સામે પચાસેક મીટરના અંતરે ગોઠવાઈ ગયા. હેલિકોપ્ટરના પાયલોટ અને ઓફિસરો હેલિકોપ્ટરમાં બેસી ગયા. બધી બાજુ સલામતી માટે અને કોઈ દોડીને નજીક ના પહોંચી જાય તેની કાળજી કરવા માટે સલામતીના માણસો ઉભા રહી ગયા. અને પછી જેને જોવા લોકો ખૂબ આતુર હતા, તે પ્રોગ્રામ શરુ થયો.
હેલિકોપ્ટરનું એન્જીન ધણધણી ઉઠ્યું. ઉપરનો મોટો પંખો ધમધમાટ ઘુમવા લાગ્યો. થોડી વારમાં તો તેની ઝડપ વધી. પવનના વેગથી જમીન પરની ધૂળ ઉડીને અમારી તરફ આવવા લાગી. જોતજોતામાં તો હેલિકોપ્ટર ઉંચકાયું અને આકાશમાર્ગે ચડીને આગળ તરફ ઉડવા લાગ્યું. એ દેખાયું ત્યાં સુધી લોકો એને જોતા રહ્યા. અમે વિડીયો પણ ઉતાર્યો. આવો અવસર ફરી થોડો મળવાનો હતો? બધા જ ખુશ થઇ ગયા અને આનંદની એ ક્ષણો માણીને ઘર તરફ પ્રયાણ આદર્યું.
બીજાં શહેરોમાં આવા શો યોજાય છે કે નહિ, તેની ખબર નથી. પણ દરેક શહેરમાં અને ભારતનાં શહેરોમાં પણ આવા શો યોજવા જોઈએ, કે જેથી નાનાં બાળકો અને મોટાઓને પણ આવું બધું જોવાજાણવાનો લ્હાવો મળે.
માર્ચ 16, 2016 @ 14:43:53
અતિસુંદર .. ભારતમાં પણ આવો પ્રોગ્રામ થવો જોઈએ.
માર્ચ 17, 2016 @ 14:02:42
હા, આપણે ત્યાં પણ આવો પ્રોગ્રામ થાય તો બધાને બહુ જ ગમે.