અથીરાપલ્લી અને વાઝાચલ ધોધ

                                               અથીરાપલ્લી અને વાઝાચલ ધોધ

અથીરાપલ્લી ધોધનું નામ ભલે સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પણ મોટા ભાગના લોકોએ આ ધોધ જોયો છે. ક્યાં જોયો છે એ કહું? ‘ગુરુ’ ફિલ્મનું ગીત ‘બરસો રે મેઘા મેઘા’ યાદ કરો. આ ગીતનું શુટીંગ અથીરાપલ્લી ધોધ આગળ થયું છે. હવે, ફરીથી આ ગીતનો વિડીયો જોઈ લેજો. અને ખાસ વાત એ કે અત્યારે ‘બાહુબલી’ ફિલ્મ ચાલી રહી છે એમાં પણ આ અથીરાપલ્લી ધોધ બતાવે છે. ‘જંગલ લવ’ ફિલ્મનું ‘કોયલિયાં ગાતી હૈ’ તથા ‘દિલ સે’ ફિલ્મના એક ગીતનું શુટીંગ પણ અહીં થયેલું છે. હિન્દી ‘રાવણ’ તથા ઘણી મલયાલમ ફિલ્મો અહીં ઉતરી છે. જેમ ફિલ્મ પ્રોડ્યુસરોનો આ માનીતો ધોધ છે, એમ ટુરિસ્ટોનો પણ એટલો જ માનીતો છે. દર વર્ષે ૭૦ લાખ જેટલા પ્રવાસીઓ આ ધોધ જોવા આવે છે. ચોમાસામાં જયારે ધોધમાં ભરપુર પાણી હોય ત્યારે તે અમેરીકાના નાયગરા ધોધ જેવો દેખાય છે. એટલે એને ભારતનો નાયગરા કહે છે. અહીં ચલાકુડી નદી આખી જ ધોધરૂપે પડે છે. આ જ નદી પર અથીરાપલ્લીની ૫ કી.મી. ઉપરવાસમાં વાઝાચલ નામનો બીજો ધોધ છે. વળી, અથીરાપલ્લીથી વાઝાચલ જતાં રસ્તામાં ચપરા નામનો ત્રીજો ધોધ છે. ચાલો, અહીં આ બધાની વિગતે વાત કરીએ.

કેરાલા રાજ્યના ત્રિસુર જીલ્લામાં અથીરાપલ્લી ગામ આવેલું છે. (ત્રિસુરને થ્રીસુર પણ કહે છે.) પશ્ચિમઘાટના અનામુડી પર્વતમાંથી નીકળતી ચલાકુડી નદી વાઝાચલનાં જંગલોમાં થઈને, અથીરાપલ્લી ગામ આગળ ધોધરૂપે પડે છે. આગળ જતાં આ નદી પર થુમ્બુરમુઝી આગળ બંધ બાંધેલો છે. પછી આ નદી અરબી સમુદ્રને મળે છે. નદીની કુલ લંબાઈ ૧૪૫ કી.મી. છે.

અથીરાપલ્લી ધોધ ચલાકુડી ગામથી ૩૦ કી.મી. દૂર છે. ચલાકુડીમાં રેલ્વે સ્ટેશન છે. ચલાકુડીથી બસ કે ટેક્સીમાં અથીરાપલ્લી જવાય છે. આ રસ્તો સરસ ગ્રીનરીવાળો છે. ત્રિસુર શહેરથી આ ધોધ ૬૦ કી.મી. દૂર છે. કેરાલાના જાણીતા શહેર કોચીનથી આ ધોધ ૭૦ કી.મી. અને કોચીન એરપોર્ટથી ૫૫ કી.મી. દૂર છે.

અથીરાપલ્લી ધોધ, કેરાલા રાજ્યનો સૌથી મોટો ધોધ છે. ચલાકુડી નદી અહીં ખડકોમાં વહીને આવે છે, અને ૨૪ મીટર ઉંચેથી ધોધરૂપે નીચે પછડાય છે. ધોધનું દૂધ જેવું સફેદ પાણી અને પછડાટનો અવાજ, ઘુઘવાટ લોકોનાં મન મોહી લે છે. ધોધ ૩ મોટી જાડી ધારાઓમાં પડે છે. પાણી વધુ હોય ત્યારે આ બધી ધારાઓ ભેગી થઇ જાય છે અને ૧૦૦ મીટર પહોળી આખી નદી જ ધોધ બની જાય છે. એવે વખતે આ ધોધનું દ્રશ્ય બહુ જ અદભૂત લાગે છે.

અથીરાપલ્લી ગામથી ૨ કી.મી. જેટલું ચાલીને આ ધોધ આગળ પહોંચાય છે. રસ્તો પાકો છે, એટલે ચાલવાનું ફાવે એવું છે. રસ્તો ચઢાણવાળો છે એટલે પહેલાં તો ધોધની ટોચ આગળ પહોંચાય છે. અહીંથી ઉપરવાસમાં વહેતી ચલાકુડી નદીનું સુંદર દ્રશ્ય દેખાય છે. ધોધ પણ દેખાય છે. કિનારે વાંસની સાદી વાડ બનાવેલી છે. વાડ ઓળંગીને ધોધ આગળ જવામાં જોખમ છે. પણ અહીંથી ખડકોમાં થઈને નીચે ઉતરાય છે, અને નીચે નદી કિનારે ઉભા રહી ધોધનું મનોહર દર્શન થાય છે. અહીં નદીના પાણીમાં ઉતરાય એવું છે, એટલે નદીમાં ઉતરી, કોઈ પત્થર પર બેસી, ધોધને સામેથી ધરાઈ ધરાઈને જોઈ શકાય છે, અને ફોટા પાડી શકાય છે. જો કે ધોધ પડે છે, એ જગાએ તો બિલકુલ ના જઇ શકાય. લોકો અહીં નદીમાં નહાય છે, તરે છે. સ્થાનિક લોકો માછલાં પણ પકડે છે.

નદીને સામે કિનારે ઉંચી ટેકરીઓ છે, તે શોલાયર ટેકરીઓ કહેવાય છે. આ ટેકરીઓ પર ગાઢ જંગલો છે. ધોધની નજીક નદીના કિનારા પર રેઇનફોરેસ્ટ નામનો એક રીસોર્ટ છે, એના રૂમોની બાલ્કનીમાંથી ધોધ દેખાય છે, અને ધોધનો અવાજ પણ સંભળાય છે. પણ અહીં રહેવાનું ઘણું મોંઘુ છે. ધોધથી ૧ કી.મી. દૂર કર્ણાટક ટુરીઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશનની હોટેલ અને રીસોર્ટ છે, ત્યાં રહેવાનું વધુ અનુકૂળ આવે.

ધોધ આગળ પક્ષીઓનો કલરવ સંભળાય છે. પક્ષીશોખીનો અહીં બર્ડ વોચીંગ માટે આજુબાજુ ટ્રેકીંગ  કરતા હોય છે. આ વિસ્તારમાં ઔષધિ માટેની વનસ્પતિનો બગીચો છે. બાળકો માટેનો પાર્ક પણ છે. અથીરાપલ્લીની નજીક બે વોટરપાર્ક છે. એમાં ધોધનું પાણી વાળીને બગીચામાં ધોધ જેવી રચના કરી છે.

અથીરાપલ્લી ધોધ જોવાનો સમય સવારના ૮ થી સાંજના ૬ સુધીનો છે. ધોધ જોવા માટે ટીકીટ લેવાની હોય છે. આ ટીકીટમાં વાઝાચલ ધોધ જોવાની ટીકીટ પણ આવી જાય છે.

વાઝાચલ ધોધ : આ જ ચલાકુડી નદી પર, અથીરાપલ્લી ધોધની ઉપરવાસમાં ૫ કી.મી. દૂર વાઝાચલ ધોધ આવેલો છે. આ ધોધનો દેખાવ અથીરાપલ્લી ધોધ કરતાં જુદા પ્રકારનો છે. અથીરાપલ્લી ધોધ એકદમ ઉપરથી ઉભી ધારો રૂપે નીચે પડે છે. જયારે વાઝાચલ ધોધ ઢોળાવ પર વહે છે. લગભગ ૧૦૦ મીટર જેટલી લંબાઈમાં નદી ઢોળાવવાળા ખડકો પર વહે છે. ઢોળાવ પૂરો થયા પછી મોટું તળાવ ભરાય છે., પછી તે પાણી આગળ વહે છે. અહીં ધોધમાં ઉતરવામાં જોખમ છે. જો ઢાળમાં ગબડો તો નીચે તળાવમાં પડાય અને ડૂબી જવાય. એટલે કિનારે ઉભા રહીને જ ધોધને નિહાળવો સારો.

વાઝાચલ, અથીરાપલ્લીથી વાલાપરાઈ જવાના રસ્તે આવેલો છે. અથીરાપલ્લીથી વાઝાચલ વચ્ચે ઘણાં વાહનો દોડે છે. આ રોડ, ચલાકુડી નદીને લગભગ કિનારે કિનારે જ છે. વાઝાચલ આગળથી જ શોલાયારનાં જંગલો શરુ થાય છે. વાઝાચલ આગળ, ચલાકુડી નદીમાં બંધ બાંધવાનો પ્લાન છે, પણ હજુ તે વિવાદમાં છે.

અથીરાપલ્લીથી વાઝાચલ જતાં વચ્ચે રોડ પર જ ચપરા ધોધ આવે છે. ચપરા બહુ જાણીતો નથી, પણ રોડ પર જ આવતો હોવાથી અહીં બેઘડી ઉભા રહેવાનું મન થઇ જાય. આ ધોધ ૬૩ મીટર ઉંચેથી પડે છે. સીઝનમાં અહીં પાણી સારું એવું હોય છે.

અથીરાપલ્લી-વાલાપરાઈ રોડ પર અથીરાપલ્લીથી ૪૩ કી.મી. દૂર શોલાયાર ડેમ આવેલો છે. આ ડેમ જોવા જેવો છે. અથીરાપલ્લીથી વાલાપરાઈ ૬૦ કી.મી. દૂર છે. વાલાપરાઈ હીલ સ્ટેશન છે. અહીં ચા અને કોફીના ઘણા બગીચા છે. એને દક્ષિણનું ચેરાપુંજી કહે છે. અહીંથી મંકી ધોધ ૨૪ કી.મી. દૂર છે. તે વાલાપરાઈ-પોલાચી રોડ પરાવેલો છે. ધોધ રોડ સાઈડ પર જ છે. આ એક પ્રખ્યાત ટુરિસ્ટ સ્થળ છે. અહીં ધોધમાં નહાવાની મજા આવે છે. ટીકીટ લેવાની હોય છે. અહીં વાંદરાઓ બહુ પાછળ પડે છે. કોઈમ્બતોરથી આ ધોધ ૬૫ કી.મી. દૂર છે.

ત્રિસુરમાં વડાકુનાથન, પારામેકાવુ, થીરુવમ્બડી વગેરે મંદિરો છે. ત્રિસુરમાં દર વર્ષે ત્રિસુર પુરમ તહેવાર ઉજવાય છે.  ત્રિસુરથી ૨૯ કી.મી. દૂર ગુરુવાયુર ગામમાં ગુરુવાયુરનું પ્રખ્યાત મંદિર છે. આ મંદિર કૃષ્ણ ભગવાનને સમર્પિત છે. કૃષ્ણ, વિષ્ણુના અવતાર હોવાથી અહીં કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો આ મંદિરનાં દર્શને આવે છે. ગુરુવાયુર રેલ્વે સ્ટેશન છે અને મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે.

કોચીન જાણીતું બંદર છે. વાસ્કો-ડી-ગામા અહીં ૫૦૦ વર્ષ પહેલાં આવ્યો હતો, અને યુરોપના ભારત સાથેના વેપારની શરૂઆત કરી હતી. કોચીનને કોચી પણ કહે છે. કોચીન-અર્નાકુલમ ટ્વીન સીટી છે.

કોચીનથી ૧૨૦ કી.મી. દૂર મુન્નાર નામનું એક સુંદર સ્થળ છે. એને દક્ષિણ ભારતનું સ્વીટઝરલેન્ડ કહે છે. અહીં ઘણા ટી એસ્ટેટ છે. અથીરાપલ્લીથી મુન્નાર ૧૦૦ કી.મી. દૂર છે. કેરાલાની ટુરવાળા ટુરિસ્ટોને કોચીનથી મુન્નાર લઇ જતા હોય છે. તેઓ જો કોચીનથી અથીરાપલ્લી થઈને મુન્નાર જાય તો ત્રણેક કલાક વધુ લાગે, પણ વચ્ચે એક મોટો ધોધ જોવાઈ જાય.

અથીરાપલ્લી અને વાઝાચલ બંને જાણીતાં ટુરિસ્ટ આકર્ષણ છે. અહીં ફરવા માટે જૂનથી ઓક્ટોબર સારો સમય છે. ક્યારેક આ ધોધ જોવા જજો. જોઇને એમ લાગશે કે શું આપણા દેશમાં પણ આવા ભવ્ય ધોધ છે !

તસ્વીરો: (1) અને (2) અથીરાપલ્લી ધોધ  (3) વાઝાચલ ધોધ (4) મંકી ધોધ (5) ગુરુવાયુર મંદિર

1_Athirapalli fall

5_Athirappalli Waterfalls

8_Vazachal Falls

14_Monkey falls

15_Guruvayur Temple

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. D N Dave
  માર્ચ 25, 2016 @ 03:43:17

  Nice information masa and we will plan for this trip.

  જવાબ આપો

 2. અમિત પટેલ
  માર્ચ 26, 2016 @ 10:27:30

  પ્રવિણભાઈ આપ પ્રવાસ વિશે ખુબજ સરસ માહીતી આપો છો,
  અથીરાપલ્લી અને વાઝાચલ ધોધના ફોટોગ્રાફ ખુબજ આલ્હાદક છે.

  જવાબ આપો

 3. Darpan Dodiya
  એપ્રિલ 13, 2016 @ 05:51:35

  Very good photos!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: