દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોના લીસા

                             દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોના લીસા

મોના લીસાના પેઈન્ટીંગ (ચિત્ર) વિષે કોણે નહિ સાંભળ્યું હોય? ઘણાએ તો એ અસલી ચિત્ર જોયું પણ હશે. એ પેઈન્ટીંગ અત્યારે પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં જોવા મળે છે. આ ચિત્ર એ એક સ્ત્રીનું પોર્ટ્રેઈટ છે. ઇટાલિયન ચિત્રકાર લીઓનાર્ડો દ વિન્ચીએ તે દોરેલું છે. આ ચિત્ર દુનિયાના સૌથી વધુ લોકોએ જોયેલું અને સૌથી વધુ જાણીતું છે. એના વિષે સૌથી વધુ સાહિત્ય લખાયેલું છે.

લીઓનાર્ડો દ વિન્ચી મહાન ચિત્રકાર હતો. એણે આ ચિત્ર ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં ઈ.સ. ૧૫૦૩થી ૧૫૦૬ વચ્ચેના સમયગાળામાં દોર્યું છે. એવું કહેવાય છે કે લીઓનાર્ડોએ લીસા ગેરારડીની નામની સ્ત્રીને સામે મોડેલ તરીકે બેસાડીને આ ચિત્ર તૈયાર કર્યું છે. આ સ્ત્રી એક ગૃહિણી હતી. તે ફ્રાન્સેસ્કો ડેલ ગીઓકોન્ડો નામના વેપારીની પત્ની હતી. આ તૈલ ચિત્ર છે અને લીઓનાર્ડોએ તે પોપ્લર વુડ પેનલ પર દોર્યું છે. ચિત્ર સ્ત્રીના માથાથી કમર સુધીનું ભાગનું એટલે કે અડધી ઉંચાઈનું છે. સ્ત્રી ખુરસીમાં બેઠેલી છે, તેનો ડાબો હાથ ખુરસીના હાથા પર મૂકેલો છે, અને જમણો હાથ ડાબા હાથના કાંડા પર મૂકેલો છે. તેના ચહેરા પર હાસ્ય દેખાય છે, આ હાસ્ય જ બહુ પ્રખ્યાત છે. આ હાસ્ય સુખનું પ્રતિક છે. આ ચિત્ર બનાવવાનો હેતુ જ આ હાસ્ય છે. ચિત્રમાં સ્ત્રીના હાવભાવ, રંગોનું મિશ્રણ, મોડેલ તરીકે બેસવાની કલા – એ બધું અદભૂત છે. ચિત્રમાં આંખ પરની ભ્રમરો સ્પષ્ટ દેખાતી નથી. તે જમાનામાં કદાચ ભ્રમરો ચૂંટી નાખવાની પ્રથા હતી. ચિત્રની સાઈઝ ૨’ ૬” X ૧’ ૯” છે.

ચિત્ર એકદમ જીવંત લાગે છે. ચિત્રમાં પાછળ બર્ફીલો લેન્ડસ્કેપ છે, વળાંકવાળો રસ્તો અને બ્રીજ ત્યાં માનવની હાજરી હોવાનું દર્શાવે છે. ચિત્રમાં પાછળ દેખાતી ક્ષિતિજ સ્ત્રીના ગળાના લેવલે નહિ, પણ આંખના લેવલે છે.

‘મોના’ ઇટાલિયન શબ્દ છે, અંગ્રેજીમાં એનો અર્થ ‘મેડમ’ એવો થાય છે. સ્ત્રી માટે આ માનવાચક શબ્દ છે. મોડેલ તરીકે બેઠેલી સ્ત્રી લીસાને માનભર્યું સંબોધન કરવા લીઓનાર્ડોએ ચિત્રનું નામ મોના લીસા રાખ્યું હતું.

ફ્રાન્સના રાજા ફ્રાન્સીસ પહેલાએ લીઓનાર્ડોની ખ્યાતિ સાંભળીને તેને ૧૫૧૬માં ફ્રાન્સ બોલાવ્યો. લીઓનાર્ડો મોના લીસાનું ચિત્ર ત્યાં સાથે લઈને ગયો, ૧૫૧૭માં તેણે ત્યાં એ ચિત્રમાં થોડા સુધારાવધારા પણ કર્યા. લીઓનાર્ડોના મૃત્યુ પછી, આ ચિત્ર તેના મદદનીશ સલાઈ પાસે રહ્યું. રાજા ફ્રાન્સીસ પહેલાએ આ ચિત્ર તેની પાસેથી ખરીદી લીધું અને પોતાના મહેલમાં મૂક્યું. વર્ષો પછી રાજા લુઇસ ચૌદમાએ આ ચિત્ર ત્યાંથી વર્સીલી મહેલમાં ખેસવ્યું. ફ્રેચ ક્રાંતિ પછી, આ ચિત્ર ૧૭૯૭માં પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યું. ચિત્ર  ફ્રાન્સ સરકારની માલિકીનું છે. વચ્ચે થોડો સમય તે નેપોલિયનના બેડરૂમમાં પણ રહેલું.

૧૮૭૦-૭૧ના યુદ્ધ દરમ્યાન આ ચિત્ર બ્રેસ્ટ આર્સેનલ નામના લશ્કરી મકાનમાં રાખવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તે ચાર અલગ અલગ જગાએ રખાયેલું.

એક વાર લુવ્રે મ્યુઝીયમમાંથી આ ચિત્ર ચોરાઈ જવાની ઘટના બની. ૧૯૧૧ની ૨૧ ઓગસ્ટે આ ચિત્ર લુવ્રે મ્યુઝીયમમાંથી ચોરાઈ ગયું. એને શોધવા માટે એક આખું અઠવાડિયું મ્યુઝીયમ બંધ રાખવામાં આવ્યું. પણ મળ્યું નહિ. બે વર્ષે ચોર હાથ લાગ્યો. લુવ્રેનો જ એક કર્મચારી વિન્સેન્ઝો પેરુજીયાએ જ આ ચિત્ર ચોર્યું હતું. ચાલુ દિવસે જ ચિત્રને એક મોટા કવરમાં મૂકી, કવર કોટની અંદર સંતાડી, સાંજે મ્યુઝીયમ બંધ થવાના સમયે તે બહાર નીકળી ગયો. આમ ચિત્ર પેરુજીયાના ઘરે પહોંચ્યું. પેરુજીયા ઇટાલિયન હતો અને દેશભક્ત હતો. લીઓનાર્ડો દ વિન્ચી પણ ઇટાલિયન હતો. પેરુજીયા માનતો હતો કે ઇટાલીના ચિત્રકારે દોરેલું ચિત્ર ઇટાલીના મ્યુઝીયમમાં જ હોવું જોઈએ. પેરુજીયાના કોઈ મિત્રએ તેને એમ પણ કહ્યું કે ચિત્ર ચોરાઈ ગયું હોવાથી, તેની કોપીની પણ સારી એવી કિંમત મળશે. પેરુજીયાએ એ ચિત્ર ૨ વર્ષ સુધી પોતાના મકાનમાં રાખ્યા પછી, તેની ધીરજ ખૂટી અને તે ફ્લોરેન્સ શહેરના યુફીઝી ગેલેરી નામના મ્યુઝીયમના ડાયરેક્ટરને વેચવા જતાં પકડાઈ ગયો. યુફીઝી ગેલેરીમાં આ ચિત્ર બે અઠવાડિયાં રાખ્યા પછી, ૧૯૧૪ ની ચોથી જાન્યુઆરીએ લુવ્રેમાં પાછું લાવવામાં આવ્યું. પેરુજીયા છ મહિના જેલમાં ગયો અને પછી તેને તેની ઇટાલી તરફની દેશભક્તિને કારણે ઇટાલી મોકલી દેવાયો. મોના લીસા ચિત્ર ચોરાવાને લીધે તે દુનિયામાં વધુ જાણીતું થયું.

અત્યારે લુવ્રે મ્યુઝીયમમાં તેના પર બુલેટપ્રૂફ કાચ જડી દેવામાં આવ્યો છે, અને તેની આગળ લાકડાનો કઠેડો બનાવ્યો છે. મુલાકાતીઓએ કઠેડા આગળ ઉભા રહીને જ ચિત્ર જોવાનું.

ચિત્રને સ્વચ્છ રાખવા, ક્યારેક તે સાફ કરાયું છે, અને હલકી વાર્નિશ લગાડાઈ છે. ચિત્રને ફ્રેમમાંથી કાઢવાનું થયું હોય ત્યારે પડેલી નાનકડી ક્રેક દૂર કરાઈ છે.  ચિત્ર પર કરચલી ના પડે કે વધુ દબાણ ન આવે તેવી ફ્રેમમાં તે મઢેલું છે. ૨૦૦૫ થી તે એલઈડી લેમ્પથી પ્રકાશિત કરાય છે. લેમ્પ એવો છે કે જે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને ચિત્ર પર પડવા ડે નહિ. ચિત્ર પર વાતાવરણના તાપમાન અને ભેજની અસર ના થાય તેનો કંટ્રોલ પણ કરાય છે.

ડિસેમ્બર ૧૯૬૨થી માર્ચ ૧૯૬૩ દરમ્યાન આ ચિત્ર ફ્રેચ સરકારે અમેરીકાને ન્યૂયોર્ક અને વોશીંગટન ડી.સી.માં પ્રદર્શિત કરવા માટે આપ્યું હતું. અમેરીકામાં ત્યારે ૧૭ લાખ લોકોએ આ ચિત્ર જોયું હતું, ચિત્રની માત્ર ૨૦ સેકંડ પૂરતી એક ઝાંખી માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. ૧૯૭૪માં તે ટોકિયો અને મોસ્કોમાં પ્રદર્શિત કરાયું હતું. દર વર્ષે સરેરાશ ૬૦ લાખ લોકો આ ચિત્ર જોવા આવે છે. ૨૦૧૪ના વર્ષ દરમ્યાન ૯૩ લાખ લોકો પેરીસમાં આ ચિત્ર જોવા આવ્યા હતા.

મોના લીસાના રક્ષણ માટે અઢળક પૈસા ખર્ચાય છે. આજે તેની કિંમત ૭૮ કરોડ ડોલર જેટલી આંકવામાં આવે છે. જો કે ફ્રાન્સના નિયમો મૂજબ તે વેચી શકાય જ નહિ.

મોના લીસાની કોપી જેવાં અનેક ચિત્રો બન્યાં છે, તે યુ ટ્યુબ પર જોવા મળે છે. ૧૯૮૬માં મોના લીસા નામની ફિલ્મ બની છે. મોના લીસા વિષે નવલકથાઓ પણ લખાઈ છે. કેટલીક આઈટેમો પર મોના લીસાનાં ચિત્રો હોય છે. પાંચસો વર્ષ પછી પણ મોના લીસા આ દુનિયામાં જીવંત છે.

નોંધ: લીઓનાર્ડોએ બીજાં ચિત્રો પણ દોર્યાં છે જેવાં કે ધ લાસ્ટ સપર, વર્જીન ઓફ ધ રોક્સ વગેરે.

નોંધ: મને પેરીસ જવાની  તક મળી છે, પણ લુવ્રે મ્યુઝીયમ જોવા જઇ શકાયું ન હતું. અહીં મૂકેલી તસ્વીરો ગુગલ વેબસાઈટ પરથી લીધી છે.  (૧) મોના લીસાનું ચિત્ર (૨) ફ્રેમમાં મઢેલું ચિત્ર (૩) લુવ્રે મ્યુઝીયમ (૪) બુલેટપ્રૂફ કાચમાં ચિત્ર, આગળ કઠેડો (૫) ચિત્ર જોવા માટે લોકોનું ટોળું (૬) ચિત્ર જોવા આવેલા અમેરીકન પ્રમુખ કેનેડી

1_Mona Lisa

2_Mona Lisa

3_Louvre Museum

4_Mona Lisa behind bulletproof glass

5_Crowd at Mona Lisa painting

6_President Kenedy at Mona Lisa

ગ્રાહક હંમેશાં સાચો

                                  ગ્રાહક હંમેશાં સાચો

અમેરીકામાં, સ્ટોરમાં કે દુકાનમાં ખરીદી કરવા આવતા ગ્રાહકને બહુ જ સાચવવો પડે છે. સ્ટોરમાં કામ કરતા કર્મચારીએ ગ્રાહકને ખુશ રાખવા પડે છે, કે જેથી ધંધો સારો ચાલે અને સ્ટોરની આબરૂ વધે. એક કિસ્સાની વાત કરું.

થોડા દિવસ પહેલાં અમે અમારા એક પરિચિત મિત્ર નીરજ-સ્મૃતિને જમવા માટે નોતર્યા. સ્મૃતિ એક ફાર્મસી સ્ટોરમાં કામ કરે છે. તેણે તેની ફાર્મસી સ્ટોરનો એક કિસ્સો કહી સંભળાવ્યો, તે અહીં તેના જ શબ્દોમાં લખું છું.

એક વાર એક વૃદ્ધ વડિલ કાકા અમારા ફાર્મસી સ્ટોરમાં ડ્રાઈવ થ્રો બારી આગળ ખરીદી માટે આવ્યા. ‘ડ્રાઈવ થ્રો’ એટલે એવી બારી કે જ્યાં ખરીદી કરવા માટે ગાડીમાંથી નીચે ના ઉતરવું પડે, ગાડીમાં બેઠા બેઠા જ હાથ લંબાવી ખરીદી કરી શકાય. કાકાએ કહ્યું, ‘મારે નાના બેટરી સેલ જોઈએ છે.’

આ તો ફાર્મસી એટલે કે દવા માટેનું કાઉન્ટર હતું, અહીં બેટરીના સેલ ક્યાંથી હોય? હા, સ્ટોરની અંદરના બીજા વિભાગમાં સેલ મળે ખરા. એટલે મેં કહ્યું, ‘ કાકા, તમારે સેલ જોઈતા હોય તો અંદર આવી બીજા વિભાગમાંથી લઇ લો.’

પણ વડિલ કહે, ‘ના, હું અંદર નહિ આવું. તમે મને બીજા વિભાગમાંથી સેલ લાવી આપો.’ કાકાની પાછળ બીજા લોકો લાઈનમાં ઉભા હતા, છતાં યે એ વડિલનું મન રાખવા, હું બીજા વિભાગમાં જઇ, કાકાએ કહેલા સેલ લઇ આવી અને કાકાને આપ્યા. કાકા કહે, ‘ આ નહિ, મારે તો એ૩ પ્રકારના સેલ જોઈએ છે.’

હું ફરીથી સ્ટોરમાં ગઈ, અને એ મૂજબના સેલ લઇ આવી. કાકાએ પૈસાને બદલે કુપનો કાઢી, અને કુપનોમાં લખેલા સેલ સાથે આ સેલ સરખાવી જોયા, તો જુદા નીકળ્યા. બોલ્યા, ‘મારે તો આ કુપનોમાં લખ્યા છે, તે સેલ જોઈએ છે, કે જેથી આ કુપનો હું વાપરી શકું. મારે પૈસા ના ખર્ચવા પડે.’ હું ત્રીજી વાર સ્ટોરમાં દોડી અને બને એટલી ત્વરાથી સેલ લઇ પછી વળી. કાકાની પાછળ લાઈનમાં ઉભેલા ગ્રાહકો અકળાતા હતા.

હજુ પણ કાકાએ વાંધો કાઢ્યો કે આ સેલનું પ્રોડક્શન વર્ષ જુદું છે. વળી પાછી હું ચોથી વાર સ્ટોરમાં ભાગી, અને નવા સેલ લઇ આવી અને કાકાને આપ્યા. કાકા એ લઈને જ જંપ્યા. મારો તો દમ નીકળી ગયો. મને થયું કે ‘હશે, વૃદ્ધ માણસને ક્યાં ના પાડવી?’

આવા ગ્રાહકોને પણ સાચવવા પડે છે. અમેરીકામાં તો એવું છે કે Customer is always right. ગ્રાહકને ખુશ ના રાખો તો તે કદાચ સ્ટોર અને સ્ટોરના કર્મચારી પર કેસ પણ કરે.”

સ્મૃતિની વાત સાંભળ્યા પછી, નીરજે કહ્યું, ‘તારે એ કાકાને કહી દેવું હતું ને કે અહીં દવાઓ વેચવાની બારી પર સેલ ના મળે. અને જો તમે અહીંથી નહિ ખસો તો હું પોલિસને કોલ કરીને બોલાવું છું. તો કાકા ત્યાંથી હઠી જાત. અને આપણે સાચા હતા એટલે તેઓ કેસ પણ ના કરત’ નીરજે બતાવેલો આ વ્યવહારુ રસ્તો હતો. પણ અત્યારે તો સ્મૃતિએ કાકાને ખુશ રાખીને સંતોષનો શ્વાસ લીધો.

ગંગોત્રી અને ગૌમુખ

                                          ગંગોત્રી અને ગૌમુખ

ગંગા એ ભારતની અતિ પવિત્ર નદી છે. આ નદીને કિનારે કેટલાંયે શહેરો, ગામો, મંદિરો, આશ્રમો અને સાધુસંતોની કુટિરો બન્યાં છે. ગંગા અસંખ્ય લોકોની જીવાદોરી છે. ગંગાનું નામ સાંભળીને જ આપણા મનમાં એક જાતનો પવિત્ર ભાવ પેદા થાય છે. આવી અદભૂત નદી ક્યાંથી નીકળે છે એની વાત અહીં કરીશું.

કહે છે કે ગંગા નદી સ્વર્ગમાં હતી. એને પૃથ્વી પર લાવવા ભગીરથ નામના રાજાએ શંકર ભગવાનને પ્રસન્ન કરવા વર્ષો સુધી તપ કર્યું. છેવટે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું, શંકર ભગવાને ગંગાને પોતાની જટામાં ઝીલી લીધી, અને ગંગા પૃથ્વી પર વહેતી થઇ.

ગંગા, હિમાલયમાં આવેલી ગૌમુખ નામની જગાએથી નીકળે છે. ગૌમુખની સમુદ્રસપાટીથી ઉંચાઇ ૩૮૯૦ મીટર છે. તે ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં, ચીનની સરહદની નજીક આવેલું છે. આ આખો વિસ્તાર પર્વતોવાળો છે. ગંગા ગૌમુખ આગળથી નીકળે ત્યાં તે ભાગીરથીના નામે ઓળખાય છે. આગળ જતાં દેવપ્રયાગ આગળ તેને બદરીનાથ તરફથી આવતી અલકનંદા નદી મળે છે. પછીથી તે ગંગા તરીકે ઓળખાય છે. ગંગા આગળ વધીને ઋષિકેશ આગળ મેદાની વિસ્તારમાં પ્રવેશે છે, પછી હરદ્વાર, અલાહાબાદ વગેરે આગળ વહીને કલકત્તાની નજીક તે દરિયાને મળે છે.

ગંગાનું ઉદગમસ્થાન ગૌમુખ ક્યાં આવેલું છે, અને ત્યાં ક્યાંથી જવાય એ જોઈએ. ઋષિકેશથી જ હિમાલયના પહાડોનું ચડાણ શરુ થઇ જાય છે. ઋષિકેશથી ગંગાને કિનારે કિનારે પહાડોની ધારે રસ્તો બનાવેલો છે. નદી ઉપરથી ખીણમાં નીચે તરફ આવે અને આપણે તેના કિનારે ઉપર તરફ જવાનું. રસ્તો પહાડોની ધારે હોવાથી તે સાંકડો, વાંકોચૂકો અને વળાંકો લેતો આગળ વધે છે. વાહન બહુ સાચવીને ચલાવવું પડે. ગાડી નદીમાં પડી ના જાય એનું ધ્યાન રાખવું પડે. જો કે રસ્તા સારા છે, એટલે એસ.ટી. જેવું મોટું વાહન પણ જઇ શકે છે. આ રસ્તો ઋષિકેશથી ઉત્તરકાશી, હરસીલ વગેરે ગામો થઈને ગંગોત્રી સુધી જાય છે. ઋષિકેશથી ઉત્તરકાશી ૧૭૦ કી.મી. અને ત્યાંથી ગંગોત્રી ૯૫ કી.મી. દૂર છે. આખો માર્ગ પહાડી અને ચડાણવાળો છે.

ગંગોત્રી એક પવિત્ર અને ધાર્મિક સ્થળ છે. અહીં ભાગીરથી નદીને કિનારે ગંગા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ગંગોત્રીની સમુદ્રસપાટીથી ઉંચાઈ ૩૦૪૮ મીટર છે. અહીં ઠંડી ઘણી પડે છે. ભાગીરથીનું પાણી બહુ જ ઠંડુ હોય છે. છતાં, ઘણા લોકો અહીં નદીમાં સ્નાન કરે છે. નદીમાં સ્નાન કરવાનો મહિમા છે. શિયાળામાં તો અહીં બધે બરફ જામી જાય, એટલે નવેમ્બરથી મે સુધી ગંગોત્રી મંદિર બંધ રહે છે. લગભગ મેના અધવચ્ચે મંદિરનાં કપાટ ખુલે છે. રાજા ભગીરથે ગંગોત્રી મંદિર આગળ જ શીલા પર બેસીને તપ કર્યું હતું. આ શીલા ભગીરથ શીલા તરીકે ઓળખાય છે. શીવજીએ, અત્યારે જ્યાં નદી છે, તેમાં બેસીને ગંગાને જટામાં ઝીલી હતી. અહીં શીવલીંગ છે, પણ તે પાણીમાં ડૂબેલું રહે છે. ગંગોત્રીમાં રહેવા માટે હોટેલો, ધર્મશાળાઓ અને આશ્રમો પણ છે. ઘણા લોકો ચાર ધામની યાત્રા કરે છે. ગંગોત્રી, ચાર ધામોમાંનું એક છે. બાકીનાં ત્રણ ધામ  બદરીનાથ, કેદારનાથ અને જમનોત્રી છે.

ગંગોત્રીથી હજુ આગળ જઈએ તો ગૌમુખ આવે. ગંગોત્રીથી ગૌમુખનું અંતર ૧૮ કી.મી. છે. અહીં પણ ભાગીરથીને કિનારે જ જવાનું. પણ આ રસ્તો સારો નથી. આ રસ્તે વાહન ના જઇ શકે, એટલે ચાલીને કે ઘોડા પર જ જવું પડે. ૨૦૧૩ના જૂનમાં અહીં સખત પૂર આવ્યું હતું, એટલે આ રસ્તો બહુ જ ખરાબ થઇ ગયો છે. છતાં ય ભક્તો, સાધુઓ, પ્રવાસીઓ અને ટ્રેકીંગ કરનારા લોકો ગૌમુખ જતા હોય છે. આ રસ્તે દેવગઢ, ચીરવાસા અને ભોજવાસા ગામો આવે છે. ગંગોત્રીથી ભોજવાસા ૧૩ કી.મી. દૂર છે. ભોજવાસા એ આ રૂટ પરનું છેલ્લું ગામ છે. ભોજવાસા સુધી ઝાડપાન અને જંગલો જોવા મળે છે. ભોજવાસાથી આગળનો રસ્તો ઉજ્જડ અને વેરાન છે. ભોજવાસામાં રહેવાજમવાની સગવડ છે. અહીં એક મંદિર પણ છે.

પ્રવાસીઓ ભોજવાસાથી ગૌમુખ પહોંચે છે. ગૌમુખની પાછળ હિમાલયનાં ઉત્તુંગ શીખરો આવેલાં છે. ભોજવાસાથી જ આ શીખરો દેખાવા માંડે છે.

ગૌમુખ એ હિંદુઓનું અતિ પવિત્ર સ્થાન છે. અહીં ખડકોમાં ગુફા જેવી એક મોટી બખોલ છે, એમાંથી પાણીનો જોરદાર પ્રવાહ બહાર આવે છે. આ પ્રવાહ એ જ ભાગીરથી નદી.. ભાગીરથીનું આ ઉદભવસ્થાન. આ ગુફામાં અંદર જઇ શકાય નહિ. ગુફા અને ખડકોનો દેખાવ ગાયના મોં જેવો હોવાથી એ ગૌમુખ કહેવાય છે. ગૌમુખ આગળ લાકડાના થાંભલાઓ ઉભા કરીને નાનુંસરખા મંદિર જેવું બનાવ્યું છે. મંદિર પર લાલ પીળી ધજાઓ ફરકે છે. ગૌમુખની ઉંચાઈ ૩૮૯૦ મીટર છે. અહીં ગંગોત્રી કરતાં યે વધુ ઠંડી હોય છે. ભાગીરથીનું પાણી અતિશય ઠંડુ બરફ જેવું હોય છે. છતાં યે ઘણા શ્રદ્ધાળુઓ અને સાધુઓ અહીં ભાગીરથીમાં સ્નાન કરે છે, અને નદીને વંદન કરે છે. લોકોને જીવન બક્ષનારી નદીનું મૂળ જોઇને લોકોનાં મન અહોભાવથી ભરાઈ જાય છે.

ગૌમુખમાં આ પાણી ક્યાંથી આવતું હશે? ગૌમુખની પાછળ પાંચેક કિલોમીટર જેટલો મેદાની વિસ્તાર છે, એ તપોવનના નામે ઓળખાય છે. એની પાછળ ગંગોત્રી ગ્લેશિયર અને એની યે પાછળ બરફછાયાં શીખરો આવેલાં છે. ગ્લેશિયર એટલે બરફનો લાંબોપહોળો જાડો થર. આ ગ્લેશિયર પીગળીને એનું જે પાણી બને તે પાણી તપોવનની નીચેના ખડકોમાં થઈને ગૌમુખમાં પહોંચે છે, અને ભાગીરથી નદી રૂપે નીકળે છે.

તપોવન ભારતનાં ઉંચાં મેદાનોમાંનું એક છે. તેની સરેરાશ ઉંચાઈ ૪૪૬૩ મીટર જેટલી છે. તપોવનના વિસ્તારમાં ઘાસ, ફૂલ, ઝરણાં વગેરે છે. ઘણા સાધુ પુરુષો અહીં ધ્યાન અને યોગ કરે છે, અને અહીં ઝુંપડી કે તંબૂ બાંધીને એકાંતમાં રહે છે. ઘણા સાહસિકો ગૌમુખથી ચડીને અહીં ટ્રેકીંગ કરવા આવે છે.

ગંગોત્રી ગ્લેશિયર, બરફાચ્છાદિત શીખરો વચ્ચે ઢાળમાં પથરાયેલો પડ્યો છે. તેની લંબાઈ ૩૦ કી.મી. અને પહોળાઈ ૨ થી ૩ કી.મી. જેટલી છે. કલ્પના કરો અહીં કેટલો બધો બરફ હશે ! ગ્લેશિયરના નીચેના છેડેથી બરફનું પાણી બની ભાગીરથીમાં વહી જાય તો પણ ગ્લેશિયરનો બરફ ઓછો થતો નથી, કેમ કે ઠંડીને લીધે નવો બરફ બન્યા જ કરે છે.  લાખો વર્ષોથી ગ્લેશિયર ટકી રહ્યો છે. હા, અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે તેની સાઈઝ સહેજ ઘટી છે. આ ગ્લેશિયરની ઉંચાઈ આશરે ૪૨૦૦ મીટરથી ૬૫૦૦ મીટર જેટલી છે.

હવે ગ્લેશિયરની પાછળનાં ગંગોત્રી ગ્રુપનાં શીખરોની વાત. આ શીખરોનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. દરેક મોટા શીખરને નામ આપેલુ છે. મુખ્ય શીખરો ભાગીરથી, શીવલીંગ, મેરુ, થલયસાગર, કેદારનાથ અને ચૌખંબા છે. આ દરેક પર હમેશાં બરફ પડ્યો રહે છે. સાહસિકોએ આ શીખરો પર ચડવાના પ્રયત્નો કર્યા છે. ભાગીરથી સમૂહમાં ૩ શીખરો છે. તેમાં ભાગીરથી-૧ સૌથી ઉંચું, ૬૮૫૬ મીટર ઉંચું છે. તેની ઉપર, ગ્લેશિયર તરફથી ચડવાનું અઘરું છે, પાછળની બાજુથી સહેલું છે. શીવલીંગ ૬૫૪૩ મીટર ઉંચું છે. તે શીવની સિમ્બોલ જેવું અને સૌથી વધુ પવિત્ર છે. મેરુ ૬૬૬૦ મીટર ઉંચું છે. તે શીવલીંગ અને થલયસાગરની વચમાં આવેલું છે. પર્વતારોહકોએ તે હમણાં જ સર કર્યું છે. થલયસાગર ૬૯૦૪ મીટરની ઉંચાઈ ધરાવે છે, તેના પર ચડવાનું સૌથી અઘરું છે. કેદારનાથ  ૬૯૪૦ મીટર ઊંચું છે. ચૌખંબામાં જોડે જોડે ૪ શીખરો છે (ચૌખંબા ૧ થી ૪). તેમાં ચૌખંબા-૧ સૌથી ઉંચું ૭૧૩૮ મીટર છે. શીવલીંગ, મેરુ અને થલયસાગર શીખરો પર ચડવા માટે એવોર્ડ અપાયા છે. શીખરો પર ચડવા માટેનો બેઝ કેમ્પ સામાન્ય રીતે તપોવનમાં કરાય છે. ગૌમુખ લગભગ શીવલીંગ શીખરના પાયા આગળ છે.

તપોવનની બાજુમાં નંદનવન નામનું મેદાન છે. એમાં પણ ટ્રેકર્સ અને યાત્રીઓ આવે છે. અહીં તંબૂ બાંધીને રહી શકાય છે. નંદનવનથી થોડું ચડી ચતુરંગી ગ્લેશિયર તરફ જતાં ૪૪૬૩ મીટર ઉંચાઈએ વાસુકી નામનું સરોવર આવે છે. તે વાસુકી તાલ તરીકે જાણીતું છે.

નોંધ: મેં ગંગોત્રી જોયું છે. ગૌમુખ જોયું નથી. ફોટા ગૂગલ પરથી લીધા છે. (૧) ગંગોત્રી મંદિર (૨) ગૌમુખ (૩) ગૌમુખ (૪) ગૌમુખ આગળ નાનું મંદિર (૫) તપોવન (૬) ભાગીરથી શીખર (7) શીવલીંગ શીખર (૮) મેરુ શીખર

1_Gangotri Temple

3_Gaumukh

4_Gaumukh

5_Small shrine at Gaumukh

6_Tapovan and shivling peak

8_Bhagirathi_II,III_and_I

9_Shiv linga

10_Meru peak

વૈજનાથ મંદિર, પરલી

                                             વૈજનાથ મંદિર, પરલી

પરલી ગામનું વૈજનાથ મંદિર, એ શીવજીનાં બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. દેશભરમાં તે જાણીતું છે. ધર્મ કે જાતિના કોઈ ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિ આ મંદિરમાં દર્શન કરવા આવી શકે છે. અહીં લીંગને અડકવાની છૂટ છે.

એવી કથા છે કે લંકાના રાજા રાવણે કૈલાસ પર્વત પર જઈને શીવજીને રીઝવવા સખત તપ કર્યું, એ દરમ્યાન સખત ઠંડી અને વરસાદને લીધે તે માંદો પડ્યો. શીવજીએ તેને ઔષધિઓથી સાજો કર્યો. આથી શીવજી વૈદ્યનાથ તરીકે ઓળખાયા. આ જ્યોતિર્લીંગ વૈદ્યનાથ તરીકે પણ જાણીતું છે. કહે છે કે અહીં જે વનસ્પતિ અને ઝાડપાન થાય છે તેમાં ઔષધીય ગુણો ઘણા છે. ઝારખંડના દીઓઘરમાં પણ એક બીજું  વૈદ્યનાથ જ્યોતિર્લીંગ છે, પણ વધારે જાણીતું તો આ પરલીવાળું જ છે. બંનેમાંથી એકનાં દર્શન કરો તો પણ બંનેના દર્શનનું પુણ્ય મળે છે.

પરલી, મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં આવેલું પુરાણું નગર છે. તે કાંતિપુર કે વૈજયંતિ તરીકે પણ ઓળખાય છે. તે મેરુ કે નાગનારાયણ પર્વતના ઢોળાવ પર, બ્રહ્મા, વેણુ અને સરસ્વતી નદીઓના સંગમ આગળ આવેલું છે. ઉજ્જૈન અને કન્યાકુમારીને એક સીધી લીટીથી જોડીએ તો પરલી બિલકુલ આ લાઈન પર આવશે.

શીવજીનાં બાર જ્યોતિર્લીંગમાંનાં પાંચ તો એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં છે, એટલે અહીં જ્યોતિર્લીંગોનું ખાસ મહત્વ છે. પરલીના જ્યોતિર્લીંગનો, શીવભક્ત અહલ્યાદેવી હોલ્કરે ઈ.સ. 1706માં જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.

વૈજનાથ મંદિર પત્થરનું બનેલું છે. આગળ મોટો દીપ સ્થંભ છે. ગર્ભગૃહ ઉંડું છે. અહીંનું શીવલીંગ શાલીગ્રામનું બનેલું છે. લોકો અહીં અભિષેક અને પૂજા કરે છે. પૂજા કરતી વખતે મનમાં ખાસ સ્પંદનો અનુભવે છે. તેમને અહીં આધ્યાત્મિક શક્તિ મળે છે. મંદિર ઘણું જ સરસ અને શાંત છે. ભીડ હોય ત્યારે પણ ભીડ જેવું લાગતું નથી. મહાશીવરાત્રિનો એ અહીંનો મુખ્ય તહેવાર છે.

પરલીમાં રહેવા માટે ઘણી હોટેલો છે. પરલી રેલ્વે સ્ટેશનથી મંદિર માત્ર ૨ કી.મી. દૂર છે. હૈદરાબાદ અને બેંગ્લોરથી અહીં આવવા માટે સીધી ટ્રેન મળે છે. મુંબઈથી નાગપુરના રૂટ પર પરભની ઉતરી જવાનું, ત્યાંથી પરલી જવા માટે બીજી ટ્રેન કે અન્ય કોઈ વાહન મળી રહે.

પરલી, અંબેજોગાઈથી 26 કી.મી., લાતુરથી 67 કી.મી., પરભનીથી 70 કી.મી., બીડથી 90 કી.મી., નાંદેડથી 100 કી.મી., ઔરંગાબાદથી 200 કી.મી., અને હૈદરાબાદથી 362 કી.મી. દૂર છે. બીડ, મુંબઈથી અહમદનગરના રૂટ પર 382 કી.મી. દૂર છે.

ઔંધ નાગનાથ જ્યોતિર્લીંગ પરલીથી નજીક જ છે. પરલીથી તે 118 કી.મી., પરભનીથી 51 કી.મી. અને  ઔરંગાબાદથી 196 કી.મી. દૂર છે.

નોંધ: મેં  આ જ્યોતિર્લીંગ જોયેલ નથી. ફોટા ગુગલ પરથી લીધા છે.

1_Parali Vaijnath jyotirlinga

2_Parli Vaijnath

3_Parli Vaijnath Temple