ગંગોત્રી અને ગૌમુખ
ગંગા એ ભારતની અતિ પવિત્ર નદી છે. આ નદીને કિનારે કેટલાંયે શહેરો, ગામો, મંદિરો, આશ્રમો અને સાધુસંતોની કુટિરો બન્યાં છે. ગંગા અસંખ્ય લોકોની જીવાદોરી છે. ગંગાનું નામ સાંભળીને જ આપણા મનમાં એક જાતનો પવિત્ર ભાવ પેદા થાય છે. આવી અદભૂત નદી ક્યાંથી નીકળે છે એની વાત અહીં કરીશું.
કહે છે કે ગંગા નદી સ્વર્ગમાં હતી. એને પૃથ્વી પર લાવવા ભગીરથ નામના રાજાએ શંકર ભગવાનને પ્રસન્ન કરવા વર્ષો સુધી તપ કર્યું. છેવટે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું, શંકર ભગવાને ગંગાને પોતાની જટામાં ઝીલી લીધી, અને ગંગા પૃથ્વી પર વહેતી થઇ.
ગંગા, હિમાલયમાં આવેલી ગૌમુખ નામની જગાએથી નીકળે છે. ગૌમુખની સમુદ્રસપાટીથી ઉંચાઇ ૩૮૯૦ મીટર છે. તે ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લામાં, ચીનની સરહદની નજીક આવેલું છે. આ આખો વિસ્તાર પર્વતોવાળો છે. ગંગા ગૌમુખ આગળથી નીકળે ત્યાં તે ભાગીરથીના નામે ઓળખાય છે. આગળ જતાં દેવપ્રયાગ આગળ તેને બદરીનાથ તરફથી આવતી અલકનંદા નદી મળે છે. પછીથી તે ગંગા તરીકે ઓળખાય છે. ગંગા આગળ વધીને ઋષિકેશ આગળ મેદાની વિસ્તારમાં પ્રવેશે છે, પછી હરદ્વાર, અલાહાબાદ વગેરે આગળ વહીને કલકત્તાની નજીક તે દરિયાને મળે છે.
ગંગાનું ઉદગમસ્થાન ગૌમુખ ક્યાં આવેલું છે, અને ત્યાં ક્યાંથી જવાય એ જોઈએ. ઋષિકેશથી જ હિમાલયના પહાડોનું ચડાણ શરુ થઇ જાય છે. ઋષિકેશથી ગંગાને કિનારે કિનારે પહાડોની ધારે રસ્તો બનાવેલો છે. નદી ઉપરથી ખીણમાં નીચે તરફ આવે અને આપણે તેના કિનારે ઉપર તરફ જવાનું. રસ્તો પહાડોની ધારે હોવાથી તે સાંકડો, વાંકોચૂકો અને વળાંકો લેતો આગળ વધે છે. વાહન બહુ સાચવીને ચલાવવું પડે. ગાડી નદીમાં પડી ના જાય એનું ધ્યાન રાખવું પડે. જો કે રસ્તા સારા છે, એટલે એસ.ટી. જેવું મોટું વાહન પણ જઇ શકે છે. આ રસ્તો ઋષિકેશથી ઉત્તરકાશી, હરસીલ વગેરે ગામો થઈને ગંગોત્રી સુધી જાય છે. ઋષિકેશથી ઉત્તરકાશી ૧૭૦ કી.મી. અને ત્યાંથી ગંગોત્રી ૯૫ કી.મી. દૂર છે. આખો માર્ગ પહાડી અને ચડાણવાળો છે.
ગંગોત્રી એક પવિત્ર અને ધાર્મિક સ્થળ છે. અહીં ભાગીરથી નદીને કિનારે ગંગા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ગંગોત્રીની સમુદ્રસપાટીથી ઉંચાઈ ૩૦૪૮ મીટર છે. અહીં ઠંડી ઘણી પડે છે. ભાગીરથીનું પાણી બહુ જ ઠંડુ હોય છે. છતાં, ઘણા લોકો અહીં નદીમાં સ્નાન કરે છે. નદીમાં સ્નાન કરવાનો મહિમા છે. શિયાળામાં તો અહીં બધે બરફ જામી જાય, એટલે નવેમ્બરથી મે સુધી ગંગોત્રી મંદિર બંધ રહે છે. લગભગ મેના અધવચ્ચે મંદિરનાં કપાટ ખુલે છે. રાજા ભગીરથે ગંગોત્રી મંદિર આગળ જ શીલા પર બેસીને તપ કર્યું હતું. આ શીલા ભગીરથ શીલા તરીકે ઓળખાય છે. શીવજીએ, અત્યારે જ્યાં નદી છે, તેમાં બેસીને ગંગાને જટામાં ઝીલી હતી. અહીં શીવલીંગ છે, પણ તે પાણીમાં ડૂબેલું રહે છે. ગંગોત્રીમાં રહેવા માટે હોટેલો, ધર્મશાળાઓ અને આશ્રમો પણ છે. ઘણા લોકો ચાર ધામની યાત્રા કરે છે. ગંગોત્રી, ચાર ધામોમાંનું એક છે. બાકીનાં ત્રણ ધામ બદરીનાથ, કેદારનાથ અને જમનોત્રી છે.
ગંગોત્રીથી હજુ આગળ જઈએ તો ગૌમુખ આવે. ગંગોત્રીથી ગૌમુખનું અંતર ૧૮ કી.મી. છે. અહીં પણ ભાગીરથીને કિનારે જ જવાનું. પણ આ રસ્તો સારો નથી. આ રસ્તે વાહન ના જઇ શકે, એટલે ચાલીને કે ઘોડા પર જ જવું પડે. ૨૦૧૩ના જૂનમાં અહીં સખત પૂર આવ્યું હતું, એટલે આ રસ્તો બહુ જ ખરાબ થઇ ગયો છે. છતાં ય ભક્તો, સાધુઓ, પ્રવાસીઓ અને ટ્રેકીંગ કરનારા લોકો ગૌમુખ જતા હોય છે. આ રસ્તે દેવગઢ, ચીરવાસા અને ભોજવાસા ગામો આવે છે. ગંગોત્રીથી ભોજવાસા ૧૩ કી.મી. દૂર છે. ભોજવાસા એ આ રૂટ પરનું છેલ્લું ગામ છે. ભોજવાસા સુધી ઝાડપાન અને જંગલો જોવા મળે છે. ભોજવાસાથી આગળનો રસ્તો ઉજ્જડ અને વેરાન છે. ભોજવાસામાં રહેવાજમવાની સગવડ છે. અહીં એક મંદિર પણ છે.
પ્રવાસીઓ ભોજવાસાથી ગૌમુખ પહોંચે છે. ગૌમુખની પાછળ હિમાલયનાં ઉત્તુંગ શીખરો આવેલાં છે. ભોજવાસાથી જ આ શીખરો દેખાવા માંડે છે.
ગૌમુખ એ હિંદુઓનું અતિ પવિત્ર સ્થાન છે. અહીં ખડકોમાં ગુફા જેવી એક મોટી બખોલ છે, એમાંથી પાણીનો જોરદાર પ્રવાહ બહાર આવે છે. આ પ્રવાહ એ જ ભાગીરથી નદી.. ભાગીરથીનું આ ઉદભવસ્થાન. આ ગુફામાં અંદર જઇ શકાય નહિ. ગુફા અને ખડકોનો દેખાવ ગાયના મોં જેવો હોવાથી એ ગૌમુખ કહેવાય છે. ગૌમુખ આગળ લાકડાના થાંભલાઓ ઉભા કરીને નાનુંસરખા મંદિર જેવું બનાવ્યું છે. મંદિર પર લાલ પીળી ધજાઓ ફરકે છે. ગૌમુખની ઉંચાઈ ૩૮૯૦ મીટર છે. અહીં ગંગોત્રી કરતાં યે વધુ ઠંડી હોય છે. ભાગીરથીનું પાણી અતિશય ઠંડુ બરફ જેવું હોય છે. છતાં યે ઘણા શ્રદ્ધાળુઓ અને સાધુઓ અહીં ભાગીરથીમાં સ્નાન કરે છે, અને નદીને વંદન કરે છે. લોકોને જીવન બક્ષનારી નદીનું મૂળ જોઇને લોકોનાં મન અહોભાવથી ભરાઈ જાય છે.
ગૌમુખમાં આ પાણી ક્યાંથી આવતું હશે? ગૌમુખની પાછળ પાંચેક કિલોમીટર જેટલો મેદાની વિસ્તાર છે, એ તપોવનના નામે ઓળખાય છે. એની પાછળ ગંગોત્રી ગ્લેશિયર અને એની યે પાછળ બરફછાયાં શીખરો આવેલાં છે. ગ્લેશિયર એટલે બરફનો લાંબોપહોળો જાડો થર. આ ગ્લેશિયર પીગળીને એનું જે પાણી બને તે પાણી તપોવનની નીચેના ખડકોમાં થઈને ગૌમુખમાં પહોંચે છે, અને ભાગીરથી નદી રૂપે નીકળે છે.
તપોવન ભારતનાં ઉંચાં મેદાનોમાંનું એક છે. તેની સરેરાશ ઉંચાઈ ૪૪૬૩ મીટર જેટલી છે. તપોવનના વિસ્તારમાં ઘાસ, ફૂલ, ઝરણાં વગેરે છે. ઘણા સાધુ પુરુષો અહીં ધ્યાન અને યોગ કરે છે, અને અહીં ઝુંપડી કે તંબૂ બાંધીને એકાંતમાં રહે છે. ઘણા સાહસિકો ગૌમુખથી ચડીને અહીં ટ્રેકીંગ કરવા આવે છે.
ગંગોત્રી ગ્લેશિયર, બરફાચ્છાદિત શીખરો વચ્ચે ઢાળમાં પથરાયેલો પડ્યો છે. તેની લંબાઈ ૩૦ કી.મી. અને પહોળાઈ ૨ થી ૩ કી.મી. જેટલી છે. કલ્પના કરો અહીં કેટલો બધો બરફ હશે ! ગ્લેશિયરના નીચેના છેડેથી બરફનું પાણી બની ભાગીરથીમાં વહી જાય તો પણ ગ્લેશિયરનો બરફ ઓછો થતો નથી, કેમ કે ઠંડીને લીધે નવો બરફ બન્યા જ કરે છે. લાખો વર્ષોથી ગ્લેશિયર ટકી રહ્યો છે. હા, અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે તેની સાઈઝ સહેજ ઘટી છે. આ ગ્લેશિયરની ઉંચાઈ આશરે ૪૨૦૦ મીટરથી ૬૫૦૦ મીટર જેટલી છે.
હવે ગ્લેશિયરની પાછળનાં ગંગોત્રી ગ્રુપનાં શીખરોની વાત. આ શીખરોનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. દરેક મોટા શીખરને નામ આપેલુ છે. મુખ્ય શીખરો ભાગીરથી, શીવલીંગ, મેરુ, થલયસાગર, કેદારનાથ અને ચૌખંબા છે. આ દરેક પર હમેશાં બરફ પડ્યો રહે છે. સાહસિકોએ આ શીખરો પર ચડવાના પ્રયત્નો કર્યા છે. ભાગીરથી સમૂહમાં ૩ શીખરો છે. તેમાં ભાગીરથી-૧ સૌથી ઉંચું, ૬૮૫૬ મીટર ઉંચું છે. તેની ઉપર, ગ્લેશિયર તરફથી ચડવાનું અઘરું છે, પાછળની બાજુથી સહેલું છે. શીવલીંગ ૬૫૪૩ મીટર ઉંચું છે. તે શીવની સિમ્બોલ જેવું અને સૌથી વધુ પવિત્ર છે. મેરુ ૬૬૬૦ મીટર ઉંચું છે. તે શીવલીંગ અને થલયસાગરની વચમાં આવેલું છે. પર્વતારોહકોએ તે હમણાં જ સર કર્યું છે. થલયસાગર ૬૯૦૪ મીટરની ઉંચાઈ ધરાવે છે, તેના પર ચડવાનું સૌથી અઘરું છે. કેદારનાથ ૬૯૪૦ મીટર ઊંચું છે. ચૌખંબામાં જોડે જોડે ૪ શીખરો છે (ચૌખંબા ૧ થી ૪). તેમાં ચૌખંબા-૧ સૌથી ઉંચું ૭૧૩૮ મીટર છે. શીવલીંગ, મેરુ અને થલયસાગર શીખરો પર ચડવા માટે એવોર્ડ અપાયા છે. શીખરો પર ચડવા માટેનો બેઝ કેમ્પ સામાન્ય રીતે તપોવનમાં કરાય છે. ગૌમુખ લગભગ શીવલીંગ શીખરના પાયા આગળ છે.
તપોવનની બાજુમાં નંદનવન નામનું મેદાન છે. એમાં પણ ટ્રેકર્સ અને યાત્રીઓ આવે છે. અહીં તંબૂ બાંધીને રહી શકાય છે. નંદનવનથી થોડું ચડી ચતુરંગી ગ્લેશિયર તરફ જતાં ૪૪૬૩ મીટર ઉંચાઈએ વાસુકી નામનું સરોવર આવે છે. તે વાસુકી તાલ તરીકે જાણીતું છે.
નોંધ: મેં ગંગોત્રી જોયું છે. ગૌમુખ જોયું નથી. ફોટા ગૂગલ પરથી લીધા છે. (૧) ગંગોત્રી મંદિર (૨) ગૌમુખ (૩) ગૌમુખ (૪) ગૌમુખ આગળ નાનું મંદિર (૫) તપોવન (૬) ભાગીરથી શીખર (7) શીવલીંગ શીખર (૮) મેરુ શીખર
એપ્રિલ 18, 2016 @ 20:38:57
Can’t read the words, but those are really nice images 🙂
મે 29, 2018 @ 09:21:28
ખૂબ ખૂબ સુંદર ઉપયોગી માહિતી છે આભાર