વાર્તા “ટેલિફોનનું રીફંડ”

                               ટેલિફોનનું રીફંડ

‘આમાં હવે કંઇ થઇ શકે નહિ.’ ટેલિફોન ખાતાના કર્મચારી શ્રી બારીયાએ જવાબ આપ્યો.

‘પણ આ રૂપિયા મને મળ્યા જ નથી.’ જયંતિભાઈએ કહ્યું.

‘જુઓ ભાઈ, અમે તો તમને ૨૨૦૦ રૂપિયાનો ચેક ટપાલમાં મોકલી આપ્યો હતો.’

‘પણ મને તો ટપાલમાં કોઈ ચેક મળ્યો જ નથી.’

‘એવું બને કે એ ટપાલ બીજા કોઈએ લઇ લીધી હશે, અને કોઈ પણ રીતે એણે એ ચેક પોતાના ખાતામાં જમા કરાવી દીધો હશે.’

જયંતિભાઈએ કહ્યું, ‘ધારો કે બીજા કોઈએ એ ચેક પોતાના ખાતામાં જમા કરાવી દીધો હોય તો તમારા ટેલિફોનના બેંકના ખાતામાંથી એ રૂપિયા ઉપડ્યા તો હશે ને? એ જરા જોઈ જુઓ ને?’

પણ ટેલિફોન ખાતાનો કર્મચારી આવી શોધ કરવાની મહેનત કરે ખરો? તેણે કંઇ જ ના શોધ્યું, અને કંઇ પણ કરવાની ચોખ્ખી ના પાડી દીધી.

આ વાત છે ૨૦૧૪ની સાલની. સ્થળ છે અમદાવાદની ટેલિફોન ખાતાની હેડ ઓફિસ. જયંતિભાઈ એક નિવૃત્ત શિક્ષક હતા. તેઓ ચાંદલોડિયાના ગીચ વિસ્તારમાં રહેતા હતા. ઘરમાં ફોનનું લેન્ડલાઈન કનેક્શન હતું. તેઓએ તેમની બચતમાંથી અને પુત્રોની સહાયથી મોકળાશવાળા સોલા વિસ્તારમાં નવો ફ્લેટ લીધો હતો. એ બાજુ લેન્ડલાઈન ફોનનાં કનેક્શન હજુ અપાતાં ન હતાં. આથી ત્યાં રહેવા જતી વખતે જયંતિભાઈએ જૂના ઘરના ફોનનું કનેક્શન પાછું સોંપી દીધું. તેમણે એક વર્ષની બીલની રકમ એડવાન્સમાં ભરેલી હતી, એટલે કનેક્શન પાછું આપતી વખતે, ટેલિફોન ખાતા પાસેથી ૨૨૦૦ રૂપિયા લેવાના નીકળ્યા. ટેલિફોન ઓફિસનો જયંતિભાઈના મોબાઈલ પર મેસેજ પણ આવ્યો કે ‘તમારે ૨૨૦૦ રૂપિયા લેવાના નીકળે છે, તે તમને બે મહિનામાં ચેકથી પાછા મળી જશે.’

જયંતિભાઈ ખુશ હતા. બે મહિના થયા, ત્રણ મહિના થયા, પણ ચેક આવ્યો નહિ. એટલે જયંતિભાઈ ટેલિફોન ઓફિસમાં મળવા ગયા. ત્યાં હિસાબી શાખામાં જે કર્મચારી બેઠા હતા તેને બધી વાત કરી. મોબાઈલમાં આવેલો મેસેજ સંઘરી રાખેલો, તે પણ બતાવ્યો. ‘સારું, અમે તમારા કેસની તપાસ કરીને તમને જવાબ આપીશું.’ એમ કહીને જયંતિભાઈને વિદાય કર્યાં.

બીજા ૩ મહિના પસાર થઇ ગયા, પણ ચેક આવ્યો નહિ. જયંતિભાઈ બીજી વાર ટેલિફોન ઓફિસે ગયા. આ વખતે તેઓ ઉપરી સાહેબને પણ મળ્યા. સાહેબે પણ ‘તમારા કેસની વિગતો ચેક કરી, તમને ચેક મોકલીશું.’ કહીને તેમને કાઢી મૂક્યા.

બીજા ત્રણ મહિના સુધી રાહ જોયા પછી, જયંતિભાઈ ત્રીજી વાર ટેલિફોન ઓફિસે ગયા. ત્યારે ઓફિસના કર્મચારીએ કહ્યું કે ‘તમારો કેસ હેડ ઓફિસે મોકલ્યો છે, ત્યાંથી જવાબ આવ્યા પછી કાર્યવહી થાય.’ જયંતિભાઈ વીલા મોઢે ઘેર આવ્યા.

બીજા ત્રણ મહિના જવા દીધા, પણ કંઇ થયું નહિ. જયંતિભાઈને થયું કે ‘૨૨૦૦ રૂપિયા એ કંઇ બહુ મોટી રકમ નથી. ભલે ના આવે તો કંઇ નહિ. પણ ‘લાવ, હજુ એક પ્રયત્ન કરી જોઉં’ એમ વિચારી તેમણે ટેલિફોન ઓફિસને એક પોસ્ટકાર્ડ લખ્યો. તેમાં લખ્યું કે

“મારો લેન્ડલાઈન ફોન, આપની ઓફિસને સુપ્રત કર્યો ત્યાર બાદ મારે ૨૨૦૦ રૂપિયા લેવાના નીકળે છે, એ બાબતનો મેસેજ તમારી ઓફિસ તરફથી ફલાણી તારીખે મારા મોબાઈલ પર આવેલો છે. એમાં બે મહિનામાં ચેકથી પૈસા મળી જશે, એવું લખ્યું છે. આજે આ વાતને એક વર્ષ થવા છતાં, મને પૈસા મળ્યા નથી. આ દરમ્યાન હું ત્રણ વાર તમારી ઓફિસે રૂબરૂ આવીને તમને મળ્યો છું, છતાં પણ તમે મને ચેક મોકલ્યો નથી. તો આ પત્ર મળે મને તરત જ મારા બાકી નીકળતા પૈસા મોકલી આપશો. મારો મોબાઈલ નંબર ____ છે.’

આ પત્ર મળતાં જ, ટેલિફોન ઓફિસેથી જયંતિભાઈના મોબાઈલ પર ફોન આવ્યો, ‘તમે આ પૈસા માટે અમારી હેડ ઓફિસે મળી આવજો.’ એમ કહી તેમણે હેડ ઓફિસનું સરનામું જણાવ્યું.

જયંતિભાઈ હેડ ઓફિસે પહોંચ્યા. ઉનાળાના દિવસો હતા, ગરમી સખત હતી. પરસેવે રેબઝેબ થતા જયંતિભાઈએ હેડ ઓફિસ પહોંચી, ત્યાના કર્મચારી શ્રી બારીયાને બધી વાત કરી. બારીયાએ શું જવાબ આપ્યો, તે તો આ વાર્તાની શરૂઆતમાં લખ્યો છે.

બારીયાનો જવાબ સાંભળી, જયંતિભાઈએ છેવટના ઉપાય તરીકે કહ્યું, ‘સારું, મને એક વાર તમારા ઉપરી સાહેબને મળવા દો. પછી, મને મારા પૈસા મળે તો ઠીક છે, ના મળે તો કંઇ નહિ.’

બારીયાએ કહ્યું, ‘તમે અમારા ઉપરી અધિકારીને મળશો તો ય કંઇ થશે નહિ. તમારે તેમને મળવું હોય તો ભલે મળો. જુઓ, પેલું દૂર બારણું દેખાય છે, એ કેબીનમાં શુક્લ સાહેબ બેસે છે.’ એમ કહી બારીયાએ દૂર દેખાતા એક બારણા તરફ આંગળી ચીંધી.

જયંતિભાઈ, સરકારી તંત્રની નફટાઈને મનમાં ભાંડતા ભાંડતા શુક્લ સાહેબની કેબીન આગળ પહોંચ્યા. ધીરેથી બારણું ખોલી, ખૂબ જ નમ્રતાપૂર્વક ‘મે આઈ કમ ઇન સર?’ બોલી, સાહેબનું હકારમાં હાલેલું માથું જોઈ કેબીનમાં દાખલ થયા. અને સાહેબના ટેબલ આગળ ઉભા રહી પોતાની કેફિયત શક્ય એટલી ટૂંકમાં રજૂ કરી, ‘સાહેબ, હું જયંતિ એક નિવૃત્ત શિક્ષક છું. મેં મારો લેન્ડલાઈન ફોન ટેલિફોન ખાતામાં જમા કરાવ્યો છે. હિસાબ કરતાં મારે ૨૨૦૦ રૂપિયા ટેલિફોન ખાતા પાસેથી લેવાના નીકળે છે. એ બાબતનો ટેલિફોન  ઓફિસ તરફથી મને મારા મોબાઈલ પર મેસેજ પણ આવેલો છે. આજે એને એક વર્ષ થયું, તો પણ મને એ રૂપિયા મળ્યા નથી. બહાર બેઠેલા શ્રી બારીયાભાઈ કહે છે કે આ રૂપિયાનો ચેક મોકલી અપાયો છે, પણ મને તે મળ્યો નથી. બારીયાભાઈ કહે છે કે હવે એ રૂપિયા મને નહિ મળે. એટલે હું આપને મળવા આવ્યો છું.’ જયંતિભાઈ એકીશ્વાસે આટલું બધું બોલી ગયા. સાહેબે લાંબી વાત શાંતિથી સાંભળી, એની જ જયંતિભાઈને નવાઈ લાગી. સામાન્ય રીતે કોઈ ઓફિસર આટલી લાંબી વાત સાંભળવા તૈયાર ના હોય.

જયંતિભાઈની વાત પૂરી થયા પછી, શુક્લ સાહેબ બોલ્યા, ‘જયંતિભાઈ, તમે સુપ્રત કરેલ ફોનનો નંબર અને તમારો મોબાઈલ ફોન નંબર મને લખાવો.’

જયંતિભાઈએ નંબરો લખાવ્યા. શુક્લ સાહેબે તેમનું નામ અને ફોન નંબરો પોતાની ડાયરીમાં નોંધી લીધા, પછી બોલ્યા, ‘જયંતિભાઈ, હું તપાસ કરું છું. પંદર દિવસમાં તમારો ચેક તૈયાર થઇ જશે. પંદર દિવસ પછી તમારે આ ઓફિસનો એક જ ધક્કો ખાવાનો રહેશે, અને એ પણ તમારો રીફંડનો ચેક લેવા માટે.’

જયંતિભાઈ તો નવાઈ પામી ગયા અને ખુશ પણ થઇ ગયા. બોલ્યા, ‘સાહેબ, મને ખરેખર ચેક મળી જશે?’ તેમને તો આ સાચું નહોતું લાગતું. તેમને મનમાં એમ પણ થયું કે ‘આ મોટો ઓફિસર મને ઉલ્લુ બનાવીને, અહીંથી કાઢી મૂકવા માટે તો આમ નહિ કહેતો હોય ને?’

શુક્લ સાહેબ બોલ્યા, ‘હા, હા, કેમ નહિ? તમારા પૈસા છે, તો તમને મળવા જ જોઈએ ને? અલબત્ત, એક વર્ષ જેટલું મોડું થયું તેનું મને દુઃખ છે.’

જયંતિભાઈને વિશ્વાસ બેઠો. તેમને લાગ્યું કે સરકારમાં ય કોઈક માણસ સારા હોય છે ખરા. તેમનામાં જરા હિંમત આવી, બોલ્યા, ‘સાહેબ, તમારો ખૂબ ખૂબ આભારી છું. સરકારમાં જો આ રીતે કામ થતું હોય તો કોઈ પણ કામ પેન્ડીંગ ના રહે, કોઈને ય અસંતોષ ના રહે, પ્રજા ખુશ રહે, અને દેશ કેટલો બધો આગળ વધે ! હું જયારે નોકરીમાં હતો ત્યારે મેં પણ કોઈનું ય કામ અટક્યું ના રહે એવો ધ્યેય રાખ્યો હતો.’ આટલું કહ્યા  પછી, જયંતિભાઈને લાગ્યું કે વધુ વાતો કરીને સાહેબનો સમય ના બગાડવો જોઈએ, એટલે સાહેબનો ફરી આભાર માની બહાર નીકળી ગયા.

બરાબર પંદરમા દિવસે જયંતિભાઈ ફરીથી હેડ ઓફિસમાં આવ્યા. પહેલાં તો તેઓ શ્રી બારીયાના ટેબલ આગળ ગયા. બારીયા રજા પર હતો ! પછી તેમણે શુક્લ સાહેબની કેબીનનું બારણું ધીમે રહીને ખોલ્યું. શુક્લ સાહેબ પણ કેબીનમાં ન હતા ! ખલાસ, જયંતિભાઈની આશા પર પાણી ફરી વળ્યું. હવે કોને મળવું? હવે કોઈને મળવાનો અર્થ પણ શું? નિરાશ વદને જયંતિભાઈ પાછા વળ્યા. જતાં જતાં બારીયાની રૂમમાં તેમની નજર પડી. બારીયાના ટેબલની બાજુના ટેબલ પર એક બહેન બેઠેલાં હતાં. જયંતિભાઈને થયું કે ‘લાવ, આ બહેનને પૂછું તો ખરો’

અંદર જઈને એ બહેનને પૂછ્યું, ‘બહેન, આજે શુક્લ સાહેબ નથી આવ્યા?’

બહેને કહ્યું, ભાઈ, તમારું નામ શું?’

‘જયંતિભાઈ’

‘ઓ હો ! જયંતિભાઈ, હું તમને જ યાદ કરતી હતી. સારું થયું કે તમે આવી ગયા. હમણાં દસ મિનીટ પહેલાં જ શુક્લ સાહેબ મને એક ચેક આપી ગયા છે, તેમને મીટીંગમાં જવાનું થયું, એટલે જયંતિભાઈ નામની વ્યક્તિ આવે તો તેને આ ચેક આપી દેવાનું કહીને ગયા છે. લો, આ તમારો ચેક.’

૨૨૦૦ રૂપિયાનો ચેક જયંતિભાઈના હાથમાં હતો ! જયંતિભાઈના મનમાં શુક્લ સાહેબ માટે કેટલો આદર પ્રગટ્યો હશે તે કલ્પી જુઓ.

બીજે દિવસે, શુક્લ સાહેબનો જયંતિભાઈના મોબાઈલ પર સામેથી ફોન આવ્યો, ‘જયંતિભાઈ, તમને તમારો ચેક મળી ગયો ને?’ જયંતિભાઈ શુક્લ સાહેબ માટે લાગણીના પ્રવાહમાં એવા ખેંચાઈ ગયા કે શું બોલવું તે પણ તેમને સુઝ્યું નહિ, માત્ર એટલું જ બોલી શક્યા, ‘હા, સાહેબ, તમારો આભાર.’

સરકારી નોકરીમાં શુક્લ સાહેબ જેવા કર્તવ્યનિષ્ઠ માણસો ક્યાંક હોય છે ખરા.

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. MG
  એપ્રિલ 19, 2016 @ 03:39:02

  મા. શ્રી ડો. પ્રવિણ શાહ, આ ફક્ત વાર્તા જ છે કે સત્ય ઘટના? તમારી પોસ્ટમાં કોઇ ચોખવટ નથી.

  જવાબ આપો

 2. Kunj Dodiya
  મે 25, 2016 @ 14:02:07

  હવે સરકારી નોકરીમાં શુક્લ સાહેબ જેવા ઘણા ઓછા રહ્યા છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: