વીશ યુ હેપી બર્થડે

                                  વીશ યુ હેપી બર્થડે

સામાન્ય રીતે, આપણે ઘરમાં તો બધાની બર્થડે (જન્મદિવસ) ઉજવતા હોઈએ છીએ. બર્થડેના દિવસે સારું ખાવાનું બનાવીએ, શક્ય હોય તો કેક પણ કાપીએ અને મજા કરીએ. જેની બર્થડે હોય તે તો બહુ જ ખુશ થાય.

એક વાર મને વિચાર આવ્યો કે કોલેજમાં પણ બધા વિદ્યાર્થીઓની બર્થડે ઉજવીએ તો કેવું? છોકરાઓને કેટલો બધો આનંદ થાય ! ત્યારે હું સિલ્વર ઓક કોલેજમાં પ્રીન્સીપાલ હતો. ૨૦૦૯ની સાલની આ વાત છે. કોલેજ નવી નવી ખુલી હતી. પહેલું જ વર્ષ હતું. કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૨૪૦ હતી. પ્રોફેસર મિત્રો અને અન્ય સ્ટાફ સાથે સાથે ગણીએ તો બહુમાં બહુ ૨૭૦ જેવી સંખ્યા થાય.

મેં એક વાર વાતવાતમાં મારો આ વિચાર કોલેજની મેનેજમેન્ટને જણાવ્યો. ટ્રસ્ટીઓ બહુ જ સારા માણસો હતા. મેં કહ્યું, ‘મયંકભાઈ, આપણે આપણા છોકરાઓની બર્થડે કોલેજમાં ઉજવીને, છોકરાઓમાં એક ખુશી ના વહેંચી શકીએ?’

મયંકભાઈ કહે, ‘વિચાર તો સારો છે. કેટલો ખર્ચ થાય એવો છે, એ જરા ગણી કાઢો ને’

અમે યોજના બનાવી અને ખર્ચ ગણવા બેઠા. ૨૪૦ વિદ્યાર્થીઓમાંથી દર મહિને સરેરાશ પચીસેક જણની બર્થડે તો આવે. આ પચીસ જણની બર્થડેની ઉજવણી તેમની સાચી તારીખે કરવાને બદલે, મહિનાના કોઈ એક જ દિવસે, તે બધાની બર્થડે એક સાથે જ ઉજવવી. આમ, દર મહિને એક જ વાર ઉજવણી કરવાની આવે. જે દિવસે ઉજવણી રાખી હોય તે દિવસે અડધા કલાકની રીસેસ વખતે કોલેજના બધા જ છોકરાઓ, પ્રોફેસરો અને ટ્રસ્ટીઓ કોલેજના મેદાનમાં ભેગા થાય, ત્યાં એક ટેબલ ગોઠવી, બર્થડેવાળા પચીસેક છોકરાઓ ટેબલની એક બાજુ ઉભા રહે, અને બાકીના બધા સામે ઉભા રહે. ટેબલ પર મૂકેલી કેક કપાય, બધા એકસાથે ‘હેપી બર્થડે’ પાઠવે અને પછી બધા કેકમાંથી ટુકડા કાપીને એકબીજાને ખવડાવે. સાઈડમાં બીજા ટેબલ પર ડેરી મિલ્ક કે એવી કોઈ ચોકલેટો રાખી હોય. કેકના પ્રોગ્રામ પછી, દરેકને એક એક ચોકલેટ વહેંચવામાં આવે. બર્થડેવાળા અને બીજા બધા ય પણ ખુશ થઇ જાય.

કાર્યક્રમ અડધો કલાક ચાલે, અને પછી બધા પોતપોતાના ક્લાસમાં જાય. બીજો કોઈ જ ટાઈમ બગડે નહિ. ફક્ત રીસેસ ટાઈમનો જ સદુપયોગ થાય, અને છતાં ય મગજ રીલેક્સ થઇ જાય, ખુશી મળે એ તો વધારામાં. મહિનામાં ફક્ત એક જ દિવસના અડધો કલાકનો આ પ્રોગ્રામ. બીજા મહિને, બીજા જે પચીસેક જણની બર્થડે આવતી હોય, તેમના માટે આ પ્રોગ્રામ યોજાય. આમ, આખું વર્ષ ચાલ્યા કરે. જેની બર્થડે વેકેશનના મહિનાઓમાં આવતી હોય, તેઓ માટે વેકેશનના આગળના કે પાછળના મહિનામાં તેમનો સમાવેશ કરી લેવાનો.

બસ, પ્રોગ્રામ તૈયાર. ખર્ચ કેટલો થાય? થોડાક ગેરહાજરને બાદ કરતાં, દર મહિને ૨૫૦ જેટલી ચોકલેટ અને એક કેક. એક ચોકલેટના આશરે ૫ રૂપિયા ગણો અને કેકના ઉમેરો તો મહિને ૧૫૦૦ રૂપિયા જેવો ખર્ચ થાય. કોલેજ માટે મહિને ૧૫૦૦ રૂપિયાનો ખર્ચ તો કંઇ વિસાતમાં નથી.

ટ્રસ્ટીઓ આગળ આ પ્લાન રજૂ કરવામાં આવ્યો. ખર્ચ તો સાવ મામૂલી હતો અને બદલામાં દરેકને જે આનંદ મળે તે અવર્ણનીય હતો. દરેક વિદ્યાર્થી ગૌરવ અનુભવે કે ‘કોલેજમાં મારું પણ મહત્વ છે. કોલેજ મારો બર્થડે ઉજવે છે !’ છોકરાઓને કોલેજ માટે જે આદર ઉદભવે તે ઘણી સારી નિશાની છે.

સંચાલકોએ યોજના તરત જ મંજૂર કરી દીધી, એટલું જ નહિ તેમાં સાથ અને પ્રોત્સાહન આપવાનું પણ જણાવ્યું. બીજા જ મહિનાથી તેનો અમલ કરવાનું નક્કી કરી દીધું. આ અંગેનો એક સર્ક્યુલર પણ કોલેજના નોટીસબોર્ડ પર મૂકી દેવાયો. “વ્હાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ કોલેજમાં પ્રવેશ લીધો છે, તે બદલ કોલેજ ગૌરવ અનુભવે છે. હવે આવતા મહિનાથી, આપણે દરેક વિદ્યાર્થીનો બર્થડે ઉજવીને તમને પણ ગૌરવના હિસ્સેદાર બનાવીશું.”

વિદ્યાર્થીઓ ખુશ થઇ ગયા. આવી કોઈ ઉજવણી, આ પહેલાં કોઈ સ્કુલ કે કોલેજે કરી ન હતી. કોલેજની ઓફિસે, આવતા મહિને જેઓની બર્થડે આવતી હતી તેઓનું લીસ્ટ તૈયાર કરીને ‘જન્મદિવસનો ઉત્સવ’ (બર્થડે ફેસ્ટીવલ)ના મથાળા હેઠળ, નોટીસ બોર્ડ પર મૂકી દીધું. ઓફિસમાં તો બધો રેકોર્ડ હોય જ. કાપડનું ૬ ફૂટ બાય ૪ ફૂટનું એક બેનર પણ તૈયાર કરાવડાવ્યું. તેમાં મોટા કલરફુલ અક્ષરોમાં ‘જન્મદિવસ ઉત્સવ’ એવું લખવામાં આવ્યું.

……..અને આવતા મહિનાની ૧૫મી તારીખે યોજના મૂજબ, બર્થડે ઉજવણીનો પહેલો પ્રોગ્રામ ગોઠવાયો. વિદ્યાર્થીઓ ઉત્સાહમાં હતા. જેનો બર્થડે હતો, તેઓ તો ઓર ઉત્સાહમાં હતા. રીસેસમાં મેદાનમાં એક મોટું  ટેબલ અને તેના પર કેક મૂકી. ટેબલની પાછળ સહેજ ઉંચે પેલું બેનર લગાડાયું અને જેમનો બર્થડે હતો તે વિદ્યાર્થીઓ ત્યાં ગોઠવાઈ ગયા. સામે બાકીના બધા જ ઉભા હતા. હું અને બધા સ્ટાફ તો હતા જ. ટ્રસ્ટીઓ પણ હતા.

એકબે વિદ્યાર્થીઓએ કેક કાપી, અને વાતાવરણમાં ‘હેપી બર્થડે ટુ યુ’ તથા તાળીઓનો નાદ ગુંજતો રહ્યો. બધાએ કેક ખાધી અને પછી ચોકલેટ. પછી સૌ પોતપોતાના વર્ગોમાં પહોંચી ગયા. બધા જ ખુશ હતા. પછી તો દર મહિને આ કાર્યક્રમ ચાલતો રહ્યો. વહેંચણીમાં અલગ અલગ પ્રકારની ચોકલેટ કે આઈસક્રીમ કે બીજી કોઈ વસ્તુ – એમ સ્વરૂપ બદલાતું રહ્યું. કોઈક મહિને ખર્ચ માટે, સ્ટાફમાંથી સ્પોન્સરર પણ મળવા લાગ્યા.

પ્રોગ્રામ બહુ જ નાનો કહેવાય. છતાં ય છોકરાઓ માટે મહત્વનો હતો. કોલેજે એક નવી પ્રથા શરુ કરી, તેની વાત બધે ફેલાવા લાગી. કોલેજ અને છોકરાઓ બધાને આ ગમી ગયું. છોકરાઓને કોલેજ માટે એક જાતની આત્મીયતા ઉભી થઇ. એક લાગણી પેદા થઇ. કોલેજ પોતાને પણ મહત્વના સમજે છે એવો એક આત્મવિશ્વાસ પેદા થયો. અને જે ગરીબ વિદ્યાર્થી, ઘેર પોતાનો જન્મદિવસ નથી ઉજવી શકતા, તેઓનો જન્મદિવસ આટલા બધા લોકો ઉજવે, તેની તેઓને આભારની કેટલી બધી લાગણી થતી હશે તે કલ્પી જોજો. કોલેજે આવા અન્ય કાર્યક્રમો પણ શરુ કર્યા, તેની વાત ફરી કોઈ વાર.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: