ભારતનો કોહીનૂર હીરો

                                ભારતનો કોહીનૂર હીરો

કોહીનૂર હીરાનું નામ કોણે નહિ સાંભળ્યું હોય? ફારસી ભાષામાં કોહીનૂરનો અર્થ છે, પ્રકાશનો પહાડ એટલે કે ખૂબ જ પ્રકાશવાળો. આ એક મોટો રંગવિહીન હીરો છે. તે આન્ધ્રપ્રદેશના ગંતુર જીલ્લાની કોલારની ખાણમાંથી ૧૩મી સદીમાં મળી આવ્યો હતો. ત્યારે તે ૭૯૩ કેરેટનો, ૧૫૮.૬ ગ્રામ વજનનો હતો. તે વારંગલના કાકટીય સામ્રાજ્યના રાજાની  માલિકીનો હતો. તે કેટલીયે વ્યક્તિઓના હાથમાં ફેરબદલી થયા પછી, આજે લંડનમાં ટાવર ઓફ લંડનના જ્વેલ હાઉસમાં ચોકીપહેરા હેઠળ પ્રદર્શનમાં મૂકેલો છે. દર વર્ષે લાખો લોકો તેને જોવા આવે છે. તેનો આકાર અને તેના પર પાડેલા પહેલથી તે પ્રકાશને બધી દિશામાં પરાવર્તિત કરે છે, આથી તે તેજસ્વી અને સુંદર લાગે છે. રૂપિયા કે પાઉન્ડમાં તેનું મૂલ્ય અંકાય નહિ એવો તે અમૂલ્ય છે. પૈસા લઈને કોઈ તેને વેચે જ નહિ, અને અતિ ધનવાન માણસ તેને ખરીદીને પોતાની પાસે રાખી શકે નહિ.

આ હીરાના ઈતિહાસની જરા વિગતે વાત કરીએ. આ હીરો એટલો બધો મૂલ્યવાન અને પ્રખ્યાત હતો કે કેટલાય રાજાઓએ એને મેળવવાનો પ્રયત્ન કર્યો છે. સૌ પ્રથમ, અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ મલિક કાફૂરે વારંગલ પર ઈ.સ. ૧૩૧૦માં ચડાઈ કરીને, આ હીરો હસ્તગત કર્યો. તેના વારસદારો પાસેથી આ હીરો મુગલ સમ્રાટ બાબર પાસે આવ્યો. પછીથી તે, તેના વારસો હુમાયુ, જહાંગીર અને શાહજહાં પાસે આવ્યો.

કેટલાકનું કહેવું છે કે આ હીરો ગોડકોન્ડાની ખાણોમાંથી મળેલો છે, અને મીર જુમલાએ તે શાહજહાંને આપેલો. શાહજહાંએ તે તેના મયૂરાસનમાં જડ્યો હતો. પછી આ હીરો, તેના પુત્ર ઔરંગઝેબ પાસે આવ્યો. તેના વખતમાં આ હીરો કાપીને ૧૮૬ કેરેટ (૩૭.૨ ગ્રામ)નો કરાયો.

ઈરાનના નાદિરશાહે ઈ.સ. ૧૭૩૯માં દિલ્હી પર ચડાઈ કરી અને મોગલોનો ખજાનો લુંટ્યો, તે મયૂરાસન અને કોહીનૂર હીરો પોતાની જોડે લઇ ગયો. તેણે જ આ હીરાને ‘કોહીનૂર’ નામ આપ્યું. ૧૭૪૭માં નાદિરશાહનું ખૂન થયા પછી, આ હીરો તેના સેનાપતિ અહમદશાહ દુરાની, પછી શાહ સુજા દુરાની અને પછી મહમદશાહ પાસે આવ્યો. મહમદ શાહ, શીખ સામ્રાજ્યના સ્થાપક રણજીતસિંહને મળવા ૧૮૧૩માં લાહોર ગયો, ત્યારે રણજીતસિંહે તેની સરસ મહેમાનગતિ કરી, અને બદલામાં તેની પાસેથી આ હીરો માગી લીધો. રણજીતસિંહ ૧૮૩૯માં મરી ગયા, પછી અંગ્રેજોએ પંજાબનું રાજ જીતી લઇ, ૨૯ માર્ચ, ૧૮૪૯ના રોજ લાહોર કરાર કરી, આ હીરો પડાવી લીધો. અંગ્રેજોએ આ હીરો બ્રિટનની રાણી વિક્ટોરિયાને ભેટ ધર્યો. આમ કોહીનૂર હીરો લંડન પહોંચી ગયો.

૧૮૫૨માં રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે આ હીરાને કાપીને સુંદર બનાવવાનો હુકમ કર્યો. કાપ્યા પછી, તે ૧૦૫.૬ કેરેટ (૨૧.૧૨ ગ્રામ)નો થઇ ગયો. તેને કાપતાં ૩૮ દિવસ લાગ્યા હતા. આજે તે આ જ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તેની સાઈઝ  ૩.૬ સેમી. x ૩.૨ સેમી x ૧.૩ સેમી છે. રાણી વિક્ટોરિયા પછી, આ હીરો રાણી એલેક્ઝાન્દ્રાના મુગટમાં જડવામાં આવ્યો, અને પછી કવીન મેરી અને છેલ્લે રાણી એલીઝાબેથના મુગટમાં તેને સ્થાન મળ્યું. તે, રાણીના મુગટમાં બીજા હીરાઓની વચ્ચે જડેલો છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે આ હીરો કોઈ ગુપ્ત જગાએ સંતાડી રખાયેલો. કોહીનૂરનો ઈતિહાસ જોતાં લાગે છે કે એને ઘણા પુરુષો વચ્ચે યુદ્ધ કરાવ્યાં છે, આથી પુરુષો આ હીરો પહેરે તો તે કમનસીબ ગણવામાં આવે છે. બ્રિટીશ રોયલ કુટુંબમાં પણ તે સ્ત્રીઓએ જ પહેર્યો છે.

હીરા સહિતનો રાણીનો મુગટ આજે લંડનના મ્યુઝીયમમાં છે. મુગટની સાથે અસલી સાઈઝનો નકલી હીરો પણ મૂકેલો છે. લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમમાં પણ નકલી કોહીનૂર હીરો પ્રદર્શનમાં મૂકેલો છે. લંડન જાવ તો આ હીરો જોવા મળશે, અને ભારતના ભૂતકાળનો ઈતિહાસ તાજો થશે.

ભારતે ૧૯૪૭માં સ્વતંત્ર થયા પછી તરત જ બ્રિટન પાસે આ હીરાની માંગણી કરેલી. ફરી પણ ઘણી વાર માંગણી કરી. પણ બ્રિટીશ સરકાર એ પાછો આપતી નથી. એ કહે છે કે છેલ્લે લાહોર કરારો દ્વારા અમે આ હીરો કાયદેસર રીતે મેળવેલો છે.

ભારત ઉપરાંત, પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનની સરકારોએ પણ આ હીરા પર પોતાની માલિકીના દાવા કર્યા છે, અને પાછો આપવાની અવારનવાર માંગણી કરી છે. બ્રિટન કોઈને દાદ દેતું નથી. ભારતનો હીરો બ્રિટનના મ્યુઝીયમમાં જોવા મળે એ કેવું કહેવાય !

નોંધ: આ હીરો મેં લંડનના મ્યુઝીયમમાં જોયો છે, ત્યાં ફોટો પાડવા દેતા નથી. એટલે અહીં મૂકેલા ફોટા મેં ગુગલ પરથી લીધા છે.

1_Kohonoor hiro

2_Kohinoor in the crown

Kohinoor in the crown

4_Queen Elizabeth with her husband

5_Nadir Shah painting

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: