એક કિસ્સો-રુદ્રપ્રયાગનો રુદ્રાક્ષ

                                     રુદ્રપ્રયાગનો રુદ્રાક્ષ

કહે છે કે રુદ્રાક્ષનો મણકો જેને ફળે એને જ ફળે. એને લગતી એક ઘટના કહું. ૧૯૯૨ની સાલની વાત છે. અમે અને અમારા બે પુત્રો બદરીનાથ, કેદારનાથ અને ગંગોત્રીના પ્રવાસે નીકળ્યા હતા. આ બધે, અમે ઉત્તર પ્રદેશની એસટી બસોમાં જ ફરવાના હતા. ઋષિકેશથી અમે બદરીનાથની બસમાં બેઠા.  આ અંતર ૨૯૬ કી.મી. છે. પહાડી રસ્તા પર અલકનંદા નદીને કિનારે કિનારે જ જવાનું છે. વચ્ચે દેવપ્રયાગ, શ્રીનગર (કાશ્મીરવાળું નહિ), રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, ચમોલી, પીપલકોટી, જોશીમઠ, ગોવિંદઘાટ વગેરે ગામો આવે છે. ચડાણવાળા વાંકાચૂકા, પહાડી માર્ગે ઉછળતીકૂદતી અલકનંદા નદી જોતા જોતા જવાની મજા આવે છે. રુદ્રપ્રયાગ આગળ અલકનંદા અને મંદાકિની નદીઓનો સંગમ થાય છે, અહીં બસ ઉભી રહી, અમે બસમાંથી સહેજ લટાર મારવા નીચે ઉતર્યા.

રુદ્રપ્રયાગ ગામ સંગમ આગળ જ વસેલું છે. બસ સ્ટેન્ડ આગળ ઘણી દુકાનો છે. અમે આજુબાજુ થોડું ફર્યા. એક દુકાનમાં ભગવાનની પૂજાને લગતો સામાન મળતો હતો. અમે રુદ્રાક્ષ વિષે સાંભળ્યું હતું. શીવજીના ગળામાં રુદ્રાક્ષની માળા હોય છે. રુદ્રાક્ષ ચમત્કારો સર્જે છે. રુદ્રાક્ષ એકમુખી, પંચમુખી એમ અલગ અલગ પ્રકારના હોય છે. મારો પુત્ર વીરેન કહે, ‘પપ્પા, આપણે એક રુદ્રાક્ષ ખરીદીએ.’ મને રુદ્રાક્ષનું કોઈ આકર્ષણ હતું નહિ. પણ વીરેન-મિલનને ‘રુદ્રાક્ષથી ચમત્કાર થાય છે કે નહિ’ એ જોવાની બહુ ઈચ્છા હતી. મેં કહ્યું, ‘ભલે, લઇ લઈએ.’ અમે દુકાનમાંથી એકમુખી રુદ્રાક્ષનો એક મણકો ખરીદ્યો, અને બસમાં બેઠા.

બસ ઉપડી. રુદ્રાક્ષ મિલનની મુઠ્ઠીમાં હતો. તેને રુદ્રાક્ષ રમવાની મજા આવી ગઈ. રુદ્રાક્ષની સપાટીનું તે બારીકાઇથી નિરીક્ષણ કરતો હતો. એવામાં તેને પેટમાં સહેજ ગરબડ જેવું લાગ્યું. થોડીવારમાં પેટમાં દુખાવો શરુ થયો. પહેલાં તો આ બાબત બહુ સામાન્ય લાગી. પણ પછી દુખાવો વધવા માંડ્યો. હવે, વાત જરા ગંભીર લાગી. અમે બધી દવાઓ જોડે રાખી હતી. તેમાંથી તેને દુખાવાની એક ગોળી ગળાવી દીધી. પણ દુખાવો ઘટવાને બદલે વધી રહ્યો હતો. આજુબાજુના પેસેન્જરોને પણ ખબર પડી કે આ છોકરાને પેટમાં દુખી રહ્યું છે. કોઈકે બીજી ગોળી આપી. કોઈકે અજમો આપ્યો. આ દવાઓથી પણ ફેર પડ્યો નહિ.

એટલામાં કર્ણપ્રયાગ આવ્યું, ત્યાં બસ ઉભી રહી. કોઈકે સૂચન કર્યું, ‘ગામમાં જઇ કોઈ ડોક્ટરનું દવાખાનું શોધી કાઢી, દવા લઇ આવો.’ અમારી પાસે કોઈ ઉપાય બચ્યો ન હતો. છેવટે કંડકટરને બસ ઉભી રાખવાનું કહી, અમે ગામમાં દોડ્યા. થોડી વારમાં એક દવાખાનું દેખાયું. હાશ ! ચાલો હવે કંઇક ઉપાય મળશે ! ડોક્ટરને બતાવ્યું, બધી વાત કહી. ડોકટરે ત્યાં જ કોઈક દવા પીવડાવી, અને દવાની બીજી બે પડીકીઓ બાંધી આપી. અમે દવા લઈને ફટફટ બસ સ્ટેન્ડે આવ્યા. અમારી જ રાહ જોવાતી હતી. અમે બસમાં ચડ્યા અને કંડકટરે બસ ઉપાડી.

અમને એમ હતું કે ડોક્ટરની દવાથી તો દુખાવો મટી જ જશે, પણ કંઇ ફેર પડ્યો નહિ. રુદ્રાક્ષ તેના ખીસામાં જ હતો. થોડી વાર પછી પેલી પડીકી પીવડાવી. પણ ઘટવાનું નામ લે એ બીજા. દુખાવો બિલકુલ ઓછો ના થયો. છોકરો હેરાન થતો હતો, અમે બધાય દુખી હતા. હવે તો અમારી પાસે કોઈ ઉપાય બચ્યો ન હતો. શું કરવું એ સમજાતું ન હતું.

બસ દોડતી હતી. ચમોલી અને પીપલકોટી ગામ પસાર થઇ ગયાં. જોશીમઠ આવ્યું. જોશીમઠ મોટું ગામ છે. અહીં બસ ઉભી રહી. બાજુમાં જ પેટ્રોલ પંપ હતો. મનમાં એક તુક્કો આવ્યો, રુદ્રાક્ષના મણકાને ફેંકી દઈએ. પણ ભગવાનની પૂજાની વસ્તુ એમ ફેંકાય નહિ. એટલે વીરેન બસમાંથી નીચે ઉતરી, રુદ્રાક્ષના મણકાને પેટ્રોલ પંપના ઓટલા પર મૂકી આવ્યો. તરત જ મિલનને દુખાવો ઓછો થવા માંડ્યો. દસેક મિનીટમાં તો ઘણું સારું થઇ ગયું. થોડી વારમાં દુખાવો સંપૂર્ણ મટી ગયો ! બદરીનાથ પ્રભુની કૃપાથી આગળનો પ્રવાસ બહુ જ આનંદથી કરી શક્યા, અને બદરીનાથ પહોંચીને બદરીનાથ પ્રભુનાં દર્શન કર્યાં.

પેટનો દુખાવો ડોક્ટરની દવાથી મટ્યો કે રુદ્રાક્ષ મૂકી દેવાથી? આ એક જોગાનુજોગ હતો કે રુદ્રાક્ષનો ચમત્કાર, કંઇ જ કહી શકાય નહિ. પણ રુદ્રપ્રયાગનો એ રુદ્રાક્ષ અમને યાદ રહી ગયો છે.

Rudraprayag

To Joshimath

Joshimath

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: