મને શું શું ગમે?
બધાને કંઇક ને કંઇક શોખ તો હોય જ. પણ રોજિંદી જિંદગીમાં, નોકરી કે ધંધામાં બધા શોખ સંતોષકારક રીતે પૂરા નથી થતા હોતા. જીવન જીવવા માટે પૈસાની જરૂર તો હોય છે જ, એટલે નોકરીધંધો તો કરવો જ પડે. ઘણાની નોકરી એવી હોય છે કે તે ગમતી ના હોય તો ય કરવી પડે. એ બધામાં જિંદગીની મજા મારી જાય છે. એને બદલે આપણે નોકરીધંધો એવા પ્રકારનો સેટ કરીએ કે એ આપણને ગમતો હોય, તો પૈસા ય મળે અને શોખ પણ પૂરા થાય. અમારા પાડોશી પંકજની જ વાત કરું. એ એન્જીનીયર થયો, કારખાનામાં નોકરી મળી, પણ તેને જરા ય મજા ના આવી. એને કારીગરો કરતાં વિદ્યાર્થીઓની સંગત વધુ પસંદ હતી. છેવટે એણે કોલેજમાં લેકચરરની નોકરી શોધી કાઢી. આજે એ બહુ ખુશ છે.
આ બધા ઉપરથી આજે મને વિચાર આવ્યો કે લાવ, મને શું શું ગમે છે, એની નોંધ કરું. મને એમ કે આપણને જે બેચાર શોખ છે, એની જ નોંધ કરવાની ને? એમાં શું વાર લાગવાની? પણ જેમ જેમ વિચારતો ગયો, તેમ તેમ યાદી લાંબી થતી ગઈ. મને જે નાની નાની ચીજો ગમતી હતી, તે બધી યાદ આવવા લાગી, અને તે પણ નોંધી, એ યાદી અહીં બ્લોગમાં મૂકું છું.
મને શું શું ગમે?
૧. નવાં નવાં સ્થળો જોવા જવાનું. સાથે કોઈ કંપની હોય તો બહુ ગમે.
૨. જૂનાં ઐતિહાસિક સ્થળો જોવા જવાનું.
૩. આ બધાં સ્થળોએ ફોટા પાડવાના.
૪. એ ફોટાઓનો વ્યવસ્થિત સંગ્રહ કરવાનો.
૫. એ સ્થળો વિષે પ્રવાસવર્ણન લખવાનું અને બ્લોગમાં મૂકવાનું.
૬. એ વર્ણન અને ફોટા મિત્રો, સ્નેહીઓને મોકલવાના.
૭. એ ફોટા ફેઈસબુક અને વોટ્સઅપ પર મૂકવાના.
૮. ગુગલ પરથી કે ઓળખીતાઓ દ્વારા કે ચોપડીઓ વાંચીને પ્રવાસનાં નવાં સ્થળો વિષે માહિતી ભેગી કરવાની અને તે જગાઓએ જવાનો પ્લાન બનાવવાનો.
૯. કોઈ બનેલી ઘટના કે કિસ્સા પરથી વાર્તા લખવાની. (આપનો કે આપે સાંભળેલો કોઈ બનાવ કે કિસ્સો હોય તો મને લખજો, હું તેના પરથી વાર્તા લખીશ.)
૧૦. જોક્સ, કિસ્સા અને કોયડા લખવાના અને તેને બ્લોગ પર મૂકવાના.
૧૧. વાંચવાનું. (સફારી, ચિત્રલેખા, કિસ્સાઓ, જોક્સ, કોયડા, પુસ્તકો, વાર્તાઓ, મોટીવેશન, ઉંધાં ચશ્માં, એન્કાઉન્ટર વગેરે.)
૧૨. ગમતા લેખકો: શરદ ઠાકર, જીતેન્દ્ર અઢિયા, સુધા મૂર્તિ, અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા, ગિરીશ ગણાત્રા, વીજળીવાળા વગેરે.
૧૩. મોટીવેશન અંગે વાંચવાનું અને તેના સેમીનારમાં ભાગ લેવાનું.
૧૪. હિન્દી ફિલ્મોનાં કર્ણપ્રિય ગીતો સાંભળવાનાં અને તેનો સંગ્રહ કરવાનો. વિડીયો ગીતો જોવાનાં.
૧૫. નવરાત્રિના ગરબા.
૧૬. મંદિરોમાં દર્શન કરવા જવાનું અને મંદિરમાં પ્રસાદી લેવાની.
૧૭. ગાડી લઈને ફરવાનું.
૧૮. ગુજરાતી જમવાનું.
૧૯. કુટુંબી અને સગાંઓને ત્યાં જવાનું.
૨૦. તેમને, મારે ત્યાં બોલાવવાનું અને જમાડવાનું.
૨૧. મનગમતા વિષયો પર વાતો અને ચર્ચા કરવાનું.
૨૨. બધાને ભેગા કરી કોઈ ફંક્શન કરવાનું.
૨૩. ધોધ ખૂબ ગમે, તેમાં નહાવાનું મળે તો મજા આવી જાય.
૨૪. ખડ ખડ વહેતી નદીમાં નહાવાનું.
૨૫. દરિયાનો કિનારો અને મોજાંમાં નહાવાનું.
૨૬. વરસાદ જોવાનું અને તેમાં નહાવાનું.
૨૭. જંગલોમાં રખડવાનું.
૨૮. ટ્રેન અને સ્ટેશન
૨૯. બસ અને ટ્રેનની મુસાફરીમાં બાહરી દ્રશ્યો જોવાનું.
૩૦. વિમાનના ટેક ઓફ અને લેન્ડીંગની ક્ષણો અનુભવવાનું.
૩૧. વિમાનમાંથી નીચેની ધરતી જોવાનું.
૩૨. બાંકડા પર બેસીને વાતો કરવાનું.
૩૩. સુંદર ફૂલોવાળો બગીચો.
૩૪. ટીકીટ સંગ્રહ, સિક્કા સંગ્રહ (જો કે હું બહુ કરી શક્યો નથી.)
જુઓ, યાદી કેટલી લાંબી થઇ ગઈ ! તમે પણ તમારી જાત સાથે વાતો કરી, તમારી ગમતી ચીજો શોધી કાઢજો.
મને ગમતી બાબતોની થોડી તસ્વીરો અહીં મૂકી છે. (૧) ઐતિહાસિક સ્થળ (૨) મંદિરમાં પ્રસાદી (૩) ગાડી લઈને ફરવાનું (૪) બધાને ભેગા કરી કોઈ ફંક્શન કરવાનું (૫) ધોધમાં નહાવાનું (૬) દરિયામાં નહાવાનું (૭) જંગલમાં રખડવાનું






