નોકાલીકાઈ ધોધ

                                        નોકાલીકાઈ ધોધ

ભારતનો સૌથી ઉંચો ધોધ કયો છે, તે જાણો છો? મેઘાલય રાજ્યમાં આવેલો નોકાલીકાઈ ધોધ ભારતનો સૌથી ઉંચો ધોધ છે. તે ૩૪૦ મીટર (૧૧૧૫ ફૂટ) ઉંચાઇએથી પડે છે. આમ તો ભારતનો સૌથી ઉંચો ધોધ થોસેઘર ગણાય, કેમ કે તે ૫૦૦ મીટર ઉંચાઈથી પડે છે, પણ ફેર એટલો છે કે તે એક કરતાં વધુ સ્ટેપમાં થઈને પડે છે, જયારે નોકાલીકાઈ એક જ સ્ટેપમાં પડે છે, આથી તેને નંબર એકનું બિરુદ આપી શકાય. થોસેઘર મહારાષ્ટ્રમાં સતારાથી ૨૦ કી.મી. દૂર આવેલો છે. જો થોસેઘરને નં. ૧ કહીએ તો નોકાલીકાઈ બીજા નંબરે આવે. નોકાલીકાઈ ભલે સૌથી ઉંચો ધોધ હોય, પણ તે નદીની જેમ પહોળો નથી, એ એક ધધુડો જ છે, અને તેથી તેમાં પાણીનો જથ્થો પણ બહુ નથી. આમ છતાં, આટલી બધી ઉંચાઈએથી પડતો હોય એટલે જોવાની મજા તો આવે જ. જાણે કે આકાશમાંથી પડતો હોય એવું લાગે.

નોકાલીકાઈ ચેરાપુજીથી ૭ કી.મી. દૂર આવેલો છે. ચેરાપુજી એ દુનિયાનું સૌથી વધુ વરસાદવાળું સ્થળ ગણાય છે. અહીં ઉપરના ભાગે ગાઢ જંગલોમાં વરસાદી પાણી ભેગું થવાથી આ ધોધ સર્જાય છે. ખાસી ભાષામાં ‘નોકાલીકાઈ’નો અર્થ છે, ‘કા લીકાઈનો કૂદકો’. લીકાઈ એક સ્ત્રીનું નામ છે. સ્ત્રી માટે નામ આગળ જેમ આપણે મીસ કે મીસીસ લગાડીએ, એ રીતે અહીં કા લગાડે છે, એટલે લીકાઈને કા લીકાઈ કહેવાય. આ સ્ત્રી ધોધ આગળથી નીચે કૂદી પડી હતી.

એની પાછળની કથા કંઇક આવી છે. કા લીકાઈ, ધોધના ઉપરવાસમાં રંગજીતે નામના ગામમાં રહેતી હતી. તેનો પતિ મરી જતાં તેને ફરી પરણવું પડ્યું. કા લીકાઈને આગલા પતિથી એક નાની બાળકી હતી. તેને  આવકનું કોઈ સાધન ન હતું. આથી તેણે મજૂરીનું કોઈ કામ શોધી કાઢ્યું. તે તેની બાળકીને એકલી મૂકીને  બહાર કામ પર જતી. આથી તે જયારે કામ પરથી પાછી આવતી ત્યારે, વધુમાં વધુ સમય બાળકી જોડે ગુજારતી. પરિણામે, તે તેના નવા પતિ માટે સમય ફાળવી શકતી નહિ. પતિને આ ગમતું નહિ. એક દિવસ એ બહાર હતી ત્યારે, અદેખા પતિએ બાળકીને મારી નાખી અને તેનું માથું અને હાડકાં ફગાવીને તેનું માંસ રાંધીને ખાઈ ગયો. જયારે લીકાઈ પાછી ફરી ત્યારે તેણે બાળકીને જોઈ નહિ અને માંસ રાંધેલું જોયું. તેને ભૂખ લાગી હતી, એટલે તેણે માંસ ખાઈ લીધું, એટલામાં તેની નજર કપાયેલી આંગળીઓ પર પડી. લીકાઈને તેની ગેરહાજરીમાં શું બન્યું હશે, તેનો ખ્યાલ આવી ગયો. તે ગુસ્સા અને શોકથી આકુળવ્યાકુળ થઇ ગઈ, અને હાથમાં ધારિયું લઈને દોડી, અને પર્વતની ધારે ધોધ આગળથી નીચે કૂદી પડી. આથી અહીંથી જે ધોધ પડતો હતો, તેનું નામ નોકાલીકાઈ (કા લીકાઈનો કૂદકો) પડી ગયું. એક કરુણ ઘટના.

અહીં એક મુખ્ય ધોધની જોડે જોડે બીજા નાના ધોધ પણ પડે છે. ગાઢ જંગલોમાં થઈને ધોધનું પાણી આવે છે. અને નીચે ખડક પર પડે છે. ધોધ નીચે પડે ત્યાં પાણીનું તળાવ ભરાય છે, ચોમાસામાં તળાવનું પાણી  બ્લ્યુ રંગનું લાગે છે, પણ ઉનાળામાં તે લીલા રંગનું થઇ જાય છે. અહીં વાદળ છવાયેલાં રહે છે. ઘણી વાર ધોધ વાદળમાં ઢંકાઈ જાય છે. ધોધનો આ બધો વિસ્તાર ખાસી હિલ્સમાંનો બહુ જ લીલોતરીવાળો છે.

ધોધ જોવા માટે, ધોધની સામે ઉપર ગેલેરી બનાવી છે. અહીંથી ધોધનાં સરસ દર્શન થાય છે. આટલી બધી ઉંચાઈએથી પડતો ધોધ જોઇને મુખમાંથી આશ્ચર્યનો ઉદગાર નીકળી પડે છે. ધોધ નીચે જે જગાએ પડે છે, તે જગા જોવી હોય તો કરાડ પર બનાવેલાં પગથિયાં ઉતરીને નીચે જવું પડે. એમાં વચ્ચે વચ્ચે વ્યૂ પોઈન્ટ આવે છે. જો કે પગથિયાં છેક નીચે સુધી નથી જતાં. અડધે જતામાં પગથિયાં પૂરાં થઇ જાય છે. બાકીનું તો આડાઅવળા રસ્તે ટ્રેકીંગ કરીને જ ઉતરવું પડે. લોકો આ ધોધ આગળ ટ્રેકીંગ, કેમ્પીંગ, પક્ષીનિરીક્ષણ, અને ફોટોગ્રાફી કરતા હોય છે.

ધોધ તરફ જતા રસ્તે અને ધોધ આગળ નાસ્તો અને ફ્રુટ વેચનારા બેસે છે. ઘણા સ્થાનિક લોકો તજ અને મધ વેચતા નજરે પડે છે. ઉપર ગેલેરી આગળ ઘણી દુકાનો છે. ધોધ તરફ જતા રસ્તે હવે ઝાડપાન કપાઈ રહ્યાં છે, અને કોલસાની ખાણો ખુલી રહી છે. ધોધ જોવાનો ઉત્તમ સમય સપ્ટેમ્બર-ઓક્ટોબર છે. શિયાળામાં ધોધમાં પાણી ઓછું થઇ જાય છે. મેઘાલયનું ટુરીઝમ ખાતું ધોધની સારસંભાળ રાખે છે. આ ધોધ મેઘાલય ટુરીઝમ માટે ગૌરવ સમાન છે. મેઘાલય ફરવા આવનારા પ્રવાસીઓ આ ધોધ જોવા અચૂક જતા હોય છે.

ચેરાપુજી અહીં સોહરા તરીકે જાણીતું છે. મેઘાલયની રાજધાની શિલોંગથી તે ૫૩ કી.મી. દૂર છે. ચેરાપુજીમાં રહેવા માટે હોટેલો છે. અહીં ખાસી પ્રકારનું ખાવાનું, ખાસ કરીને પોર્ક ભાત મળે છે. સોહરા પુલાવ એ અહીંની બહુ જાણીતી આઈટેમ છે, તે ખાસ ખાવી જોઈએ. પંજાબી, ચાઇનીઝ અને બંગાળી વાનગીઓ પણ મળે છે.  નોકાલીકાઈ ધોધ ઉપરાંત, ચેરાપુજીમાં ડેઇન્થલેન ધોધ, રામકૃષ્ણ મિશન, ડબલ ડેકર લીવીંગ રૂટ બ્રીજ વગેરે જોવા જેવી જગાઓ છે. આસામના જાણીતા શહેર ગૌહતીથી ચેરાપુજી ૧૪૮ કી.મી. દૂર છે.

નોંધ: મેં આ ધોધ જોયેલો નથી. ફોટા ગુગલ વેબસાઈટ પરથી લીધા છે.

1_Nohkalikai Falls

4_Viewing gallery

7_Steps to go down

8_Steps

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: