બ્રાઝીલમાં અત્યારે ઓલિમ્પિક ચાલે છે. તેના અનુસંધાનમાં બ્રાઝીલમાં આવેલ એક ધોધ, ઇગ્વાસુ ધોધનો લેખ અહીં મૂકું છું. મેં જોયેલ નથી. માહિતી ભેગી કરીને લેખ લખેલ છે. ફોટા ગુગલ પરથી લીધા છે.
ઇગ્વાસુ ધોધ
દુનિયાના બે મહાન ધોધ, નાયગરા અને વિક્ટોરિયા, ત્યાર પછી ત્રીજા નંબરે આવતો હોય એવો ધોધ છે દક્ષિણ અમેરીકામાં આવેલો ઇગ્વાસુ ધોધ. આ ધોધ ભલે ઓછો જાણીતો હોય તો પણ દર વર્ષે લાખો લોકો આ ધોધ જોવા આવતા હોય છે. આ ધોધની પહોળાઈ, સેંકડો ફાંટારૂપે પડતો ધોધ અને પાણીનો જથ્થો જોઈને લાગે છે કે ખરેખર, આ એક જોવા જેવી કુદરતની અદભૂત રચના છે.
દક્ષિણ અમેરીકાના બ્રાઝીલ અને આર્જેન્ટીના દેશો વચ્ચે થઈને વહેતી ઇગ્વાસુ નદી પર આ ધોધ આવેલો છે. બલ્કે, આખી ઇગ્વાસુ નદી જ ધોધરૂપે પડે છે. નીચે પડેલી નદી, ખીણમાં આગળ વહીને લગભગ ૨૩ કી.મી. પછી પારાના નામની નદીને મળે છે. ઇગ્વાસુ ધોધ જ બ્રાઝીલ અને આર્જેન્ટીના વચ્ચેની સરહદનું કામ કરે છે.
ઇગ્વાસુ ધોધ અર્ધગોળાકાર સ્વરૂપનો છે. તેની ધાર કુલ ૨.૭ કી.મી. પહોળી છે. એટલે કે પહોળાઈમાં આ ધોધ નાયગરા અને વિક્ટોરિયા બંને કરતાં મોટો છે. ધોધની સરેરાશ ઉંચાઈ ૬૮ મીટર છે. જોકે ધોધના વચલા ભાગ આગળ ઉંચાઈ ૮૨ મીટર જેટલી છે. એટલું જ નહિ, આ વચલા ભાગ આગળ જ ધોધનું મોટા ભાગનું પાણી પડે છે. આ જગાએ તો જવાય જ નહિ, દૂરથી જ તેનાં દર્શન કરવાનાં. વચલો અ ભાગ અંગ્રેજી U-આકારનો છે. તેને Devil’s throat (ડેવીલ્સ થ્રોટ, દુષ્ટ માણસનું ગળું) કહે છે. આ ભાગની પહોળાઈ ૭૦૦ મીટર જેટલી છે.
આખી પહોળાઈમાં આ ધોધ સળંગ નથી, પણ ૭૫ થી માંડીને ૨૭૫ ફાંટાઓમાં વહેંચાયેલો છે. તેના આ ફાંટાઓ વિષે પણ એક કથા છે. એક સુંદર કન્યા એક વાર ઇગ્વાસુ નદીમાં હોડીમાં બેસીને તેના પ્રેમીને મળવા નીકળી હતી. એક દેવને આ કન્યા ગમી ગઈ, પણ કન્યાએ દેવને દાદ દીધી નહિ. આથી દેવે ગુસ્સામાં આવીને નદીને અસંખ્ય ફાંટામાં વહેંચી નાખીને ફાંટાવાળો ધોધ બનાવી દીધો અને તે કન્યાના પ્રેમીને ધોધમાં વહાવી દીધો. છે ને મઝાની વાર્તા ! આવી દંતકથાઓ આપણે ત્યાં જ હોય છે, એવું નથી. દુનિયામાં બધે હોય છે. અહીના ફાંટાઓના દરેક ધોધને પણ નામ આપેલાં છે જેમ કે સાન માર્ટીન ધોધ, બોસેટી ધોધ, સાલ્ટો ફ્લોરીયાનો વગેરે.
ઇગ્વાસુનો અર્થ છે big water,એટલે કે ઘણું પાણી. હા, આ ધોધમાં સરેરાશ દર સેકન્ડે ૧૭૪૬ ઘનમીટર પાણી વહે છે. નાયગરા પછી તે બીજા નંબરે આવે છે. આ ધોધનો ભૂતકાળનો મહત્તમ રેકોર્ડ દર સેકન્ડે ૧૨૮૦૦ ઘનમીટરનો છે. ૨૦૦૬ માં આ વિસ્તારમાં દુકાળ પડ્યો ત્યારે ધોધમાં પાણી ઘટીને દર સેકન્ડે ફક્ત ૩૦૦ ઘનમીટર થઇ ગયું હતું.
ડેવીલ્સ થ્રોટ આગળ પાણી પડે ત્યારે ત્યાં પેદા થતું ધુમ્મસ ૩૦ થી ૧૫૦ મીટર ઉંચે ઉંડે છે. નાયગરા કરતાં પણ આ ધુમ્મસની ઉંચાઈ વધારે છે. અને અવાજ તો એટલો બધો કે વાદળો ગાજતાં હોય એવું લાગે. અહીં પક્ષીઓ પણ ઉડતાં દેખાય છે.
૧૪૯૨માં કોલંબસે અમેરીકા ખંડ શોધ્યા પછી, યુરોપના દેશોમાંથી, લોકોનાં ધાડેધાડાં અમેરીકા તરફ દોડી રહ્યાં હતાં. ઇગ્વાસુ ધોધ, સૌ પ્રથમ સ્પેનિશ યુરોપિયન કાબેઝા-ડી-વાકાએ ૧૫૪૧માં જોયો હતો. હાલ ધોધની બંને બાજુ બંને દેશોએ નેશનલ પાર્ક બનાવ્યા છે. બ્રાઝીલ. બંને નેશનલ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે.
આર્જેન્ટીના તરફ ધોધની સૌથી નજીકનું શહેર પ્યુરટો, બ્રાઝીલ તરફ ફોઝ ડો અને પારાગ્વે તરફ સ્યુદાદ ડેલ છે. બ્રાઝીલના સાઓ પાઉલો કે આર્જેન્ટીનાના બ્યુએનોસ એરીસથી આ શહેરોમાં વિમાનમાર્ગે આવી શકાય છે. પ્યુરટોથી ધોધ ૨૫ કી.મી. દૂર છે, ફોઝ ડોથી પણ લગભગ એટલો જ. આ બધાં શહેરોથી ઇગ્વાસુ ધોધના નેશનલ પાર્ક તરફ જવા માટે બસ કે ટેક્ષી મળી રહે છે. આ શહેરોને પોતાનાં એરપોર્ટ છે તથા હોટેલો પણ બહુ મોંઘી નથી. આ સિવાય નેશનલ પાર્કની નજીક પણ એરપોર્ટ ઉભાં કર્યાં છે. આર્જેન્ટીના તરફ ઇગ્વાસુ ઇન્ટરનેશનલ એરપોર્ટ, આર્જેન્ટીના અને બ્રાઝીલ તરફ ઇગ્વાસુ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બ્રાઝીલ. આ બંને એરપોર્ટથી ધોધ સાવ નજીક છે. પણ અહીંની હોટેલો મોંઘી છે.
નેશનલ પાર્કમાં પ્રવેશ માટે બંને બાજુ ટીકીટ લેવાની રહે છે. જો કે પાર્કમાં પ્રવેશ્યા પછી અંદરની બસ સર્વીસ ફ્રી છે. બ્રાઝીલ બાજુ, ઉપરના ભાગે ખુલ્લી એવી ડબલ ડેકર બસની વ્યવસ્થા છે. બંને બાજુનું દ્રશ્ય જોતા જોતા જવાની મઝા આવે. આર્જેન્ટીના બાજુ ટ્રેનની સગવડ છે. અહીં ટ્રેન જંગલમાં થઈને ધોધ સુધી જાય છે. આર્જેન્ટીના સાઈડે, ધોધ આગળ મુખ્ય બે રસ્તા (Trail) છે, એક ઉપરનો અને એક નીચેનો. ઉપરના માર્ગે બ્રીજ પર ચાલીને આજુબાજુનો પેનેરોમિક વ્યુ જોતા જોતા જવાય. ધોધના ઘણા બધા ફાંટા જોવા મળે. આ એક ન ભૂલાય એવો અનુભવ છે. આ માર્ગે ડેવીલ્સ થ્રોટ બહુ સારી રીતે જોઈ શકાય છે. નીચેનો માર્ગ ધોધ જ્યાં પડતા હોય એ તરફ લઇ જાય છે. આથી ધોધની સાવ નજીક જવાય છે. આમાં પાણીના છંટકાવથી પલળી પણ જવાય. આ માર્ગે થોડું સાહસ અને જોખમ ખરું પણ એક અજોડ અનુભવ કરવા મળે.
નીચેના માર્ગમાં બોટમાં બેસીને પણ જવાય છે. બોટ રાઈડ એક અનોખો અનુભવ છે. અહીં બોટમાં બેસાડી ધોધની બિલકુલ સામે લઇ જાય છે. બોટીંગ દરમ્યાન આપણા ફોટા પડી જાય એવી ઓટોમેટીક વ્યવસ્થા છે. ફોટાની કોપી જોઈતી હોય તો બોટમાંથી પાછા આવીને ખરીદી શકાય છે. બોટને ધોધની શક્ય એટલી નજીક ધુમ્મસિયા વાતાવરણ સુધી લઇ જાય છે. ધુમ્મસને કારણે આપણે પણ આપણા કેમેરાથી ફોટા પડી નથી શકતા. બોટવાળો આપણને કેમેરા ઢાંકવા વોટરપ્રૂફ બેગ પણ આપે છે. અને પછી બોટને ધુમ્મસમાં ઘુસાડે છે. આજુબાજુ કંઈ જ દેખાય નહિ. સામે પડતા ધોધનો પ્રચંડ અવાજ સંભળાય. આપણે ધોધની સાવ નજીક જ છીએ. કેવો અકલ્પનીય અને આહલાદક અનુભવ ! ડેવીલ્સ થ્રોટનો દેખાવ જોઈને જ ડર લાગે, એવા ધોધની સામે ઉંડા પાણીમાં સાવ નજીક જઈને ઉભા રહેવાનો અનુભવ કેવો રોમાંચક હોય !
બ્રાઝીલ બાજુથી ખીણ તરફ ચાલીને ફરી શકાય છે. ડેવીલ્સ થ્રોટ બ્રાઝીલ બાજુથી પણ સારી રીતે જોઈ શકાય છે. અહીં ઘણા વોકવે છે, જેના મારફતે અલગ અલગ પોઈન્ટ પર જઈ શકાય છે. બ્રાઝીલ તરફ હેલીકોપ્ટર રાઈડની પણ સગવડ છે. મોટા ભાગનો, લગભગ ૮૦ % જેટલો ધોધ, આર્જેન્ટીના બાજુથી સારી રીતે જોઈ શકાય છે. ૨૦ % જેટલો ભાગ બ્રાઝીલ તરફથી જોઈ શકાય છે.
આર્જેન્ટીનાના પ્યુરટો શહેરની નજીક ઇગ્વાસુ નદીના નીચવાસમાં નદી પર પૂલ બાંધેલો છે. આ પૂલ આર્જેન્ટીનાને બ્રાઝીલ સાથે જોડે છે. અહીંથી એકબીજા દેશોમાં અવરજવર કરી શકાય છે. પણ વીઝા તો જોઈએ જ. ઇગ્વાસુ ધોધ બંને દેશો બાજુથી જોવો જોઈએ. નેશનલ પાર્કમાં થઈને ઉપર-નીચેના માર્ગ, ઘણા બધાં વોકવે, બોટ રાઈડ – આ બધા માટે એક દિવસ ઓછો પડે. બે દિવસ ફાળવ્યા હોય તો વધુ સારું. ધોધ જોવા માટે લાઈન પણ લગતી હોય છે.
ધોધની બંને તરફ દુકાનો પણ લાગેલી છે. અહીં ધોધને લગતાં સોવેનિયર, ફોટા તથા સ્મૃતિચિહ્નો મળે છે. ખાણીપીણી તો ખરી જ.
અહીં મેથી જુલાઈ વરસાદ પડે છે. આ ગરમ પ્રદેશ છે. એટલે ગરમી અને ભેજ તો હોય જ. પણ વરસાદી મહિનાઓમાં ધોધમાં પાણી વધુ હોય એટલે જોવાની મઝા આવે. અહીં આજુબાજુનાં જંગલોમાં પણ ફરવાનું ગમે એવું છે.
અહીં મુલાકાતીઓની સંખ્યા વધવા સાથે પ્રદુષણ ન વધે તેની ખાસ કાળજી લેવાય છે. બસના ધુમાડા અને અવાજ પ્રદુષણમાં વધારો કરે છે. એ ન થાય એ માટે ખાસ પગલાં લેવામાં આવે છે. વાહનો, ઝડપ અને અવાજ ઓછો હોય તો જંગલી પ્રાણીઓ અને જીવજંતુઓ મુક્ત રીતે પોતાની જીંદગી જીવી શકે છે. અહીં બસના રંગ, જંગલી જાનવરોના રંગ જેવા રખાય છે. અહીંના લોકોની વિચારધારા છે કે ભગવાને આવો સુંદર ધોધ અહીં સર્જ્યો છે, તો તેને ભવિષ્યની પ્રજા માટે એવો ને એવો જાળવી રાખવો. આવી સુંદરતા, સરસ કુદરતી માહોલ, અદભૂત જગા, ભવ્ય ધોધ અને જંગલ – બીજે ક્યાં જોવા મળવાનું હતું ?
૨૦૧૧માં કુદરતની નવી સાત અજાયબીઓમાં ઇગ્વાસુ ધોધને સ્થાન મળ્યું છે. આ ધોધ ઘણી અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળ્યો છે. જેવી કે મૂનરેકર (૧૯૭૯), ધી મિશન (૧૯૮૬), હેપી ટુગેધર (૧૯૭૯), ઇન ધી હેન્ડ્સ ઓફ ગોડ (૨૦૦૭) વિગેરે. આપણા દેશમાં કેરાલામાં અથીરાપલ્લી નામનો ધોધ છે, તે લગભગ ઇગ્વાસુ ધોધ જેવો દેખાય છે.







