એક કિસ્સો – ચાનું વળગણ

                                           એક કિસ્સો – ચાનું વળગણ

મારા એક મિત્ર સૂરતની કોલેજમાં પ્રોફેસર હતા. ખૂબ જ વિદ્વાન માણસ, પરોપકારી અને ભલા પણ એટલા જ. અડધી રાતે પણ મદદ કરવા તત્પર. હસમુખા સ્વભાવના એ પ્રોફેસર જોડે સહુ કોઈને ફાવે. તેઓ ચા પીવાના જબરા શોખીન હતા. દિવસમાં કેટલાય કપ ચા પી નાખે.

એક વાર હું સૂરત તેમને મળવા માટે ગયો. મારે અમુક વિષયમાં તેમનું માર્ગદર્શન લેવું હતું. અગાઉથી ફોન કરીને જ મળવાનું નક્કી કર્યું હતું. સૂરત પહોંચીને મેં ફરી ફોન કર્યો, ‘સાહેબ, હું સૂરત આવી ગયો છું, કેટલા વાગે આપને મળવા આવું?’

તેમણે જવાબ આપ્યો, ‘વેલકમ, મારા દોસ્ત, તમને રાતે બાર વાગે મળવાનું ફાવશે?’

જવાબ સાંભળીને જરા નવાઈ લાગી. સાહેબ કદાચ બહુ જ busy હશે, એટલે રાતનો ટાઈમ આપ્યો હશે. રાત્રે ઉંઘવાને બદલે તે મળવા તૈયાર હતા. મારે તો ‘હા’ જ પાડવાની હતી. મેં કહ્યું, ‘સાહેબ, જરૂર ફાવશે.’

‘બસ, તો રાતે કોલેજમાં મારી ઓફિસમાં આવી જજો. નિરાંતે વાતો કરીશું.’

સાહેબ રાતે બાર વાગે નિરાંતે વાતો કરવા તૈયાર હતા. મોટા પ્રોફેસરોને ઘણું કામ હોય છે. એટલે તેઓ પોતાની ઓફિસની એક ચાવી પોતાની પાસે રાખતા હોય છે. આથી તેઓ ગમે ત્યારે પણ ઓફિસમાં જઈને કામ કરી શકે.

હું રાતે બાર વાગે કોલેજ પહોંચ્યો. ચોકીદારને સાહેબનું નામ કહ્યું, એટલે એણે અંદર જવા દીધો. સાહેબ ઓફિસમાં બેઠા બેઠા કોઈ વિદ્યાર્થીની નોટ ચેક કરતા હતા. મને જોઇને બોલ્યા, ‘આવો, આવો, મી. શાહ, કેમ છો? તમારી રીસર્ચ વિષે આપણે ચર્ચા કરવાના જ છીએ, પણ પહેલાં એક કપ ચા પીએ.’

મેં કહ્યું, ‘સાહેબ, અત્યારે તમે ઘેર જવાની ઉતાવળમાં હશો. અત્યારે ચા મુલતવી રાખીએ.’

‘અરે, ચા વગરતે કંઇ ચાલતું હશે? ચા તો પીવી જ પડે. આપણે એમ કરીએ, કોલેજના ગેટની સામેની હોટેલમાં ચા સરસ બને છે, ત્યાં જઈને પીએ, મજા આવશે.’

મારી આનાકાની છતાં ય એ મને ખેંચી ગયા. અમે બે ય બહાર નીકળ્યા. મેં કહ્યું, ‘મારી ગાડી લઇ લઉં’

એ કહે, ‘ના, ના, ચાલતા જ જઈએ. હોટેલ સામે નજીક જ છે.’

અમે ચાલતા ત્યાં પહોંચ્યા. પણ હોટેલવાળો રાતે બાર વાગ્યા સુધી હોટેલ થોડી ખુલ્લી રાખે? હોટેલ બંધ હતી ! પણ એમ હાર માને તો એ પ્રોફેસર શાના? કહે, ‘ચાલો, થોડે દૂર બીજી હોટેલ છે, ત્યાં જઈએ.’

મેં ફરી ગાડી લેવાની વાત કરી. તે બોલ્યા, ‘અરે, ગાડી રહેવા દો, ચાલતા મજા આવશે.’

અડધો કી.મી. પછી, ચાની એક દુકાન આવી. સદનસીબે એ ખુલ્લી હતી. અમે ચા પીધી અને ચાલતા પાછા આવ્યા. એમની ઓફિસના બારણે પહોંચ્યા, ત્યાં પટાવાળો બહાર ખુરસીમાં બેઠો બેઠો લગભગ ઉંઘતો હતો. અમારાં પગલાંના અવાજથી ઝબકીને જાગ્યો. સાહેબે તેને કહ્યું, ‘મગન, જો દૂધ રહ્યું હોય તો અડધો અડધો કપ ચા બનાવી કાઢ ને !!’

બોલો, આ સાંભળીને તમે ચમકી ગયા ને? બહાર ચા પીને આવ્યા પછી, સાહેબ તરત જ ચા મૂકવાનું કહેતા હતા !

પછી તો અમે તેમની ઓફિસમાં બેસીને વિગતે વાતો કરી, મારા પ્રશ્નોનું તેમણે સંતોષકારક સમાધાન આપ્યું. પછી કહે, ‘ચાલો, ધાબા પર બેસીએ. થોડાં ગપ્પાં મારીએ.’

મને થયું કે સાહેબને ઉંઘ નહિ આવતી હોય? ઘેર જવાની ઉતાવળ નહિ હોય? મારી ‘ના’ છતાં ય અમે બંને ધાબા પર ગયા. અંધારામાં લેબોરેટરીનાં સાધનો જોયાં, અને ધાબાની પાળી પર બેસી વાતો અને ગપ્પાં ચલાવ્યાં. સૂરતનો રાતનો નજારો જોયો. પછી હું મારા મુકામે પહોંચ્યો ત્યારે રાતના ત્રણ વાગ્યા હતા. સાહેબની દિલેરીને યાદ કરતાં કરતાં ઉંઘી ગયો.