અંબેધામ, ગોધરા, કચ્છ: કચ્છના ગોધરા ગામમાં પ્રખ્યાત અંબેધામ આવેલું છે. (પંચમહાલ જીલ્લામાં આવેલું ગોધરા એ અલગ છે.) ભૂજથી માંડવી જવાના રસ્તે, માંડવી આવતા પહેલાં કોડાય ચાર રસ્તાથી ગોધરા ગામ જવાનો રસ્તો પડે છે. અહીંથી ગોધરા ૧૬ કી.મી. દૂર છે. અહીં આરસનું બનાવેલું અંબામાતાનું ભવ્ય મંદિર છે. મંદિરનો ગેટ, ઓટલો, છત, થાંભલા – બધું જ આરસનું છે. મંદિરના ઓટલા પર વાઘની બે પિત્તળની મૂર્તિઓ ગોઠવેલી છે. તે તરત જ ધ્યાન ખેંચે છે. મંદિર જાણે હમણાં જ બન્યું હોય એટલું નવું લાગે છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ પામે છે. અહીં પ્રવાસીઓ કરતાં ભક્તો વધુ આવતા હોય એવું લાગે છે. ભૂજથી કોડાય ચાર રસ્તા ૫૦ કી.મી. અને કોડાય ચાર રસ્તાથી માંડવી ૧૦ કી.મી. દૂર છે.
અંબેધામ મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. સંકુલમાં બીજાં ઘણાં મંદિરો છે. મુખ્ય મંદિરની પાછળ ભારતમાતાની ભવ્ય મોટી મૂર્તિ છે. મૂર્તિને વંદન કરવાનું મન થઇ જાય છે. મનમાં દેશદાઝ પ્રગટી આવે છે. બાજુમાં જ એક પ્રદર્શન રૂમ છે. તે જોવા જેવું છે. બીજા એક નાના કુંડમાં પાણી ભરેલું છે અને તેમાં મૂકેલો પથ્થર પાણી પર તરે છે. પાણી પર તરી શકે એવા પથ્થરનો આ નમૂનો છે. રામાયણની કથા મૂજબ, રામ ભગવાને આવા પથ્થર વાપરીને લંકા જવા માટેનો પૂલ, સમુદ્ર પર બનાવ્યો હતો.
એની બાજુમાં પ્રેરણાધામ છે. અહીં મહાવીર સ્વામીની મૂર્તિ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓ વિગેરેની પ્રતિકૃતિ અને મૂર્તિઓ છે. બે ઘડી ઉભા રહીને આ બધું જોવાનું ગમે એવું છે. તેની બાજુમાં એક વધુ પ્રદર્શન કક્ષ છે. અહીં આપણા ધાર્મિક ગ્રંથોમાં આવતા પ્રસંગોને પૂતળાં રૂપે રજૂ કર્યા છે એ જોઈને આપણને આ પ્રસંગોની યાદ મનમાં તાજી થઇ જાય છે. જેમ કે એક પગે ઉભા રહીને તપ કરતા ધ્રુવ, હિરણ્યકશ્યપનો વધ કરતા નરસિંહ ભગવાન વગેરે.
એની બાજુમાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને મોટો કૈલાસ પર્વત બનાવ્યો છે. એની ટોચ પર શંકર ભગવાન બિરાજે છે. પર્વત બહુ જ સરસ અને જોવા જેવો છે. દૂરથી જ તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે. પર્વતની અંદર ગુફામાં દાખલ થઇ, વાંકાચૂકા ચઢાણવાળા માર્ગે ફરી, છેક ટોચ પર બહાર નીકળાય છે. ગુફાના માર્ગમાં પણ ઘણા દેવદેવીઓની મૂર્તિઓ છે. ગુફાની રચના ખૂબ જ આકર્ષક અને અદભૂત છે. ટોચ પર શંકર ભગવાનની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન થાય છે. ટોચ પરથી પગથિયાં ઉતરીને નીચે આવી જવાય છે.
આ બધાં મંદિરો આગળ બગીચા અને રસ્તાઓ પણ છે. તેમાં થઈને અન્નક્ષેત્રમાં જવાય છે. અન્નક્ષેત્રમાં અહીં આવતા પ્રવાસીઓને માટે જમવાની વ્યવસ્થા છે. જમવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, જે ઈચ્છા હોય એટલી ભેટ નોંધાવી દેવાની. જમવાનું ખૂબ જ સારું અને વ્યવસ્થા પણ ઘણી સારી છે. રસોડામાં અને જમવાના હોલની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી છે. આમ જુઓ તો આખો અંબેધામ વિસ્તાર ખૂબ જ ચોખ્ખો છે. જમીને બગીચામાં કે મંદિરમાં કે ઓફિસ વિસ્તારમાં બેસવાનું કે થોડો આરામ ફરમાવવાનું ગમે એવું છે. આખું સ્થળ એવું સરસ છે કે અહીં બેસીને બધું જોયા કરવાનું મન થાય. અંબેધામમાં ત્રણેક કલાક તો સહેજે પસાર થઇ જાય. ખરેખર આ એક જોવાલાયક જગા છે.