મારા ગામની વાત

                                     મારા ગામની વાત

કોઈ ગામમાં વીજળીનું કનેક્શન ના હોય, એસટી બસની સગવડ ના હોય, ટેલિફોન ના હોય, ઘેર પાણીના નળ ના હોય – આવું ગામ તમે કલ્પી શકો છો? આજે તો ગામડાઓમાં આ બધી સગવડ પહોંચી ગઈ છે, પણ થોડા દસકાઓ પહેલાં, ગુજરાતનાં ઘણાં ગામડાંઓમાં આવી પ્રાથમિક સગવડો પણ ન હતી. હું તમને મારા જ ગામની વાત કરું.

મારું ગામ મહેલોલ. તે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરની નજીક મેસરી નદીને કિનારે આવેલું છે. ઈ.સ. ૧૯૬૦ના અરસામાં મારું ગામ કેવું હતું, તેની થોડી વાતો કહું.

ત્યારે ગામમાં વીજળી આવી નહતી. એટલે દરેક ઘરમાં રાતે ફાનસ કે ચીમની સળગાવવાની. રસ્તા તો અંધારિયા જ હોય. રાત્રે માણસોની અવરજવર પણ ઓછી હોય.

મહેલોલની નજીકનું શહેર ગોધરા. મહેલોલથી ખરસાલિયા, વેજલપુર થઈને ગોધરા જવાય. મહેલોલથી વેજલપુરનો ૭ કી.મી.નો રસ્તો કાચો. ગોધરા જવું હોય તો વેજલપુર સુધી ચાલતા કે બળદગાડામાં જવું પડે, પછી વેજલપુરથી ગોધરાની બસ મળે. મહેલોલ સુધી બસની સગવડ નહોતી. વચમાં મેસરી નદી અને જીતપુરા આગળ બીજી એક નદી આવે, તે ચાલતા ઓળંગવાની. તેના પર પૂલ બાંધેલો ન હતો, એટલે બસ આવી શકે જ નહિ. વળી, ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તો ચાલતા કે ગાડામાં પણ ના જવાય. ગામ આખું વિખૂટું પડી જાય. ૫ કી.મી. દૂરના ખરસાલિયામાં રેલ્વે સ્ટેશન ખરું, ત્યાંથી ગોધરા અને વડોદરા તરફની ટ્રેન મળે. ગામમાં કોઈ પબ્લીક પાસે સ્કુટર કે ગાડી ન હતાં. ગામમાં રીક્ષાઓ ન હતી.

ગામમાં ટેલિફોન આવ્યા ન હતા. એટલે બહારગામ કોઈની સાથે વાત કરવાનો પ્રશ્ન જ ન હતો. પોસ્ટ ઓફિસ હતી, એટલે પત્રથી જ બહારગામનો સંપર્ક રહેતો. ગામમાં પણ કોઈની સાથે વાત કરવી હોય તો તેને ત્યાં રૂબરૂ જવું પડે.

ગામમાં પાકા રસ્તા ન હતા, એટલે ધૂળમાં જ ચાલવાનું. ચોમાસામાં આ ધૂળનો કાદવ થાય, ત્યારે રસ્તાની સાઈડે માંડ ચાલી શકાય. ગંદકી અને મચ્છરો થાય તે વધારામાં.

પાણી માટે વોટરવર્કસ જેવી કોઈ યોજના ન હતી. ગામમાં કૂવા હતા. પાણી ભરવા કૂવે જવાનું, દોરડું અને ઘડાથી પાણી કૂવામાંથી ખેંચવાનું, અને માથે બેડું મૂકી પાણી ઘેર લાવવાનું. પીવાનું, નહાવાધોવાનું, રસોઈ, કપડાં, વાસણ – આ બધા માટેનું પાણી આ રીતે લાવવાનું. વળી, કૂવાનું પાણી ભારે હોય, ઘણી વાર આ પાણીથી દાળ ચડે નહિ, એટલે દાળ માટેનું પાણી લેવા નદીએ જવું પડે. ઘણી સ્ત્રીઓ કપડાં ધોવા નદીએ જાય, પણ એમાં બહુ જ ટાઈમ બગડે.

રસોઈ માટે ચૂલા કે સગડીનો ઉપયોગ કરવાનો. સગડી માટે કોલસા અને ચૂલા માટે લાકડાં જોઈએ. આ બળતણો ખરીદવાં ક્યાંથી? બહુ જ અઘરું કામ હતું. વળી, ચૂલામાં ધુમાડો થાય, એટલે રસોડાની ભીંતો કાળી થાય. બહુ જ ઓછા લોકો કેરોસીનવાળો સ્ટવ વાપરતા. ગેસ કે ઈલેક્ટ્રીક સગડીની તો કલ્પના જ ન હતી.

ગામમાં બેંક ન હતી. બધો જ વ્યવહાર રોકડાથી થતો. ગામમાં ધોરણ સાત સુધીની પ્રાથમિક શાળા હતી. પછી, ૧૯૫૯માં હાઈ સ્કુલનું ધોરણ આઠમું શરુ થયું. દર વર્ષે એક એક ધોરણ ખુલતું ગયું, ૧૯૬૩ સુધીમાં ધોરણ ૧૧ સુધીની સ્કુલ શરુ થઇ ગઈ હતી. કોલેજ ભણવું હોય તેને તો ગોધરા કે બીજે જ જવું પડે. આમ છતાં, એ જમાનામાં ગામમાંથી ઘણા વિદ્યાર્થીઓ હોસ્ટેલોમાં રહીને બીએ, બીએસસી, બીકોમ, બીએડ અને એન્જીનીયર થયેલા. થોડાકે માસ્ટર પણ કર્યું. અરે ! પીએચડી થનાર પણ હતા ! અમારા ગામના પ્રવીણ દરજી પીએચડી થયા, એટલું જ નહિ, સાહિત્ય ક્ષેત્રમાં તેમનું અદભૂત પ્રદાન છે. તેઓ પદ્મશ્રી વિજેતા છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે. ગામના  ઘણા વિદ્યાર્થીઓ ભણીને પરદેશમાં પણ સ્થાયી થયા છે.

ગામમાં બેચાર ઘરને બાદ કરતાં, કોઈની પાસે રેડીઓ ન હતા. ટેપ રેકોર્ડ એ કલ્પના માત્ર હતી. ટીવી કે કોમ્પ્યુટરનું નામે ય નહોતું સાંભળ્યું. ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય અને પૈસાની સગવડ હોય તો ગોધરા કે કાલોલથી બેન્ડ વાજાં મંગાવે કે થાળી વાજુ ભાડે લઇ આવે, ત્યારે ગીતો સાંભળવા મળે.

ગામમાં સીનેમા થીયેટર નહોતું. વરસે એક વાર શિયાળામાં નાટકકંપની આવે, તે ગામના એક ચોકમાં રાત્રે ધાર્મિક કે બીજાં નાટકો કરે, એ જ મનોરંજનનું સાધન હતું.

ગામમાં એક સરકારી અને એક ખાનગી દવાખાનું હતું. એ પ્રાથમિક સારવાર માટે જ કામ લાગે. સહેજ મોટો રોગ કે ઓપરેશન હોય તો ગોધરા કે મોટા શહેરમાં જ જવું પડે.

ગામમાં વાણીયા લોકો દુકાન કરે, બ્રાહ્મણો પૂજાપાઠ કે ખેતી કરે, ખેડૂતો ખેતી કરે, સુથાર, લુહાર, દરજી વગેરે પોતાના ધંધા કરે, અને આ રીતે બધાનું કામકાજ ચાલ્યા કરે. ગામમાં મંદિર, મહાદેવ તો હોય જ. ધાર્મિક તહેવારો ઘણા ઉજવાય. ચોમાસામાં કથા થાય.

ગામનું આખું ચિત્ર તમારા મગજમાં બેસી ગયું હશે. તમને એમ લાગશે કે આ બધી પાયાની સગવડો વગર લોકો કઈ રીતે જીવતા હશે? પણ અમે બધા એ રીતે જીવતા જ હતા ! અને આનંદથી જીવતા હતા. કશાયની કમી નહોતી લાગતી. લોકોના જીવ ઉદાર હતા. ગામમાં એક જણને ત્યાં કંઇક પ્રોબ્લેમ થાય તો આખું ગામ ત્યાં ભેગું થઇ જતું હતું. કોઈ માંદુ હોય તો બધા જ ખબર કાઢવા જતા અને મદદ પણ કરતા. લોકો સાંજે ફળિયામાં ભેગા થઈને ગપ્પાં પણ મારે. દિવાળીમાં બધા જ એકબીજાને ત્યાં મળવા જાય. કોઈને કશી ઉતાવળ નહિ, કોઈને ટાઈમ બગડવાની ચિંતા નહિ. બહારગામ ભણતા વિદ્યાર્થીઓ વેકેશનમાં ગામમાં આવે ત્યારનો માહોલ તો કોઈ ઓર પ્રકારનો હોય.

અને આજે? આજે ગામમાં બધી સગવડો આવી ગઈ છે. પણ એ માણસો રહ્યા નથી. મોટા ભાગના લોકો ભણીને શહેરમાં રહેવા ચાલ્યા ગયા છે. એ જમાનો બદલાઈ ગયો છે. અત્યારે અમે ગામમાં જઈએ છીએ ત્યારે બહુ જ થોડા ઓળખીતા લોકો મળે છે. સહુ પોતપોતાના કામમાં વ્યસ્ત છે, એટલે જૂની યાદોને સંભારીને થોડા કલાકોમાં પાછા આવી જઈએ છીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: