કર્મચારીઓ પાસેથી કામ લેવાની કળા
હું જયારે સરકારી નોકરીમાં હતો, ત્યારે એક સેમીનારમાં ટ્રેનીંગ લેવા ગયો હતો. ટ્રેનીંગનો વિષય હતો, ’કર્મચારીઓ પાસેથી કામ લેવાની કળા.’ સરકારી નોકરીમાં સિનીયોરીટીના વાડા બહુ હોય છે. અધિકારીઓએ હાથ નીચેના કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે. વળી, સરકારી નોકરીમાં સલામતી હોવાથી, નીચેના કર્મચારી પાસેથી કામ લેવાનું બહુ કઠિન થઇ પડે છે. આ સંજોગોમાં કામ કઈ રીતે લેવું? સેમીનારમાં પધારેલા ઉચ્ચ અધિકારીઓ, આ વિષય પર, એક પછી એક, ભાષણો આપી રહ્યા હતા. અમે એકચિત્તે સાંભળી રહ્યા હતા.
એક અધિકારીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું, ‘કર્મચારી પાસેથી કડક હાથે કામ લેવું જોઈએ. જો તે કામ ન કરે તો તેને સજા કરવા માટે ઘણા રૂલ્સ છે. એ રૂલ્સનો અમલ કરી, તેને ‘પાઠ’ ભણાવવો જોઈએ.’
બીજા મહાનુભાવોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા. પણ એ બધામાં રાખી ત્રિવેદી નામની એક સ્ત્રી અધિકારીએ રજૂ કરેલા વિચારો મને ખૂબ ગમી ગયા. તેમણે કહ્યું કે, ‘આપણે આપણી હાથ નીચેના માણસો પાસે કામ કરાવવું છે, પણ એક વસ્તુનું ધ્યાન રાખીએ કે તેઓ પણ આપણા જેવા જ માણસો છે. આપણે અધિકારી છીએ, બોસ છીએ, કામ કરાવવાની આપણી પાસે સંપૂર્ણ સત્તા છે, નિયમો છે, આપણને કામ લેતાં ય આવડે છે. એમ છતાં, આપણે એક જુદી તરાહ ન અપનાવી શકીએ? કડકાઈ અને નિયમો બતાવવાને બદલે, કર્મચારી પાસેથી પ્રેમપૂર્વક, નમ્રતાથી, ભાઈચારાથી કામ ના લઇ શકીએ? ધારો કે એક અરજી કોમ્પ્યુટરની મદદથી લખવાની છે, તો સંબંધિત કર્મચારીને બોલાવીને શાંતિથી કહીએ કે, ‘શાહભાઈ, આ અરજી જરા તૈયાર કરી આપો ને’, તો શાહભાઈ ઉત્સાહપૂર્વક તે કામ કરી દેશે. તેને કામ કરવાનું ગમશે, તેને કામ કર્યાનો સંતોષ થશે, તેનું મગજ શાંત રહેશે, તેને કોઈ ઉશ્કેરાટ નહિ થાય.
એને બદલે જો એને એમ કહીએ કે, ‘મિસ્ટર શાહ, આ અરજી અબઘડી તૈયાર કરો. મારે અડધો કલાકમાં જોઈએ.’ તો મી. શાહ અરજી કરી તો દેશે, પણ એના પર તમે કડપ દાખવ્યો, એ એને ખૂંચશે. તે ઉશ્કેરાટમાં જ કામ કરશે, કદાચ ભૂલો પણ કરશે. તમારા માટે તેને માન નહિ, પણ અણગમો જ પેદા થશે.’
રાખી મેડમનું આ ભાષણ મને તો ગમી ગયું. તેમણે થોડા આંકડા અને દાખલા પણ રજૂ કર્યા કે નિયમોને વળગીને કામ લેવાને બદલે, સદવર્તનથી લેવાતા કામમાં સફળતાની ટકાવારી વધારે છે.
આ સેમીનારનું હાર્દ આપણને કામ લેવાની કળા શીખવાડી જાય છે. આ બાબત અંગે મેં મારા એક પ્રીન્સીપાલ મિત્ર શ્રી શુક્લ સાથે ચર્ચા કરી. શુક્લ સાહેબ પ્રિન્સીપાલ છે, એટલે તેમની પાસે તો કામ કરાવવાની વિશાળ સત્તા છે, છતાં તેઓ ભાઈચારાની ટેકનીકને જ સફળતાની ચાવી ગણે છે. તેમણે કહેલી વાતો, તેમનાં શબ્દોમાં જ અહીં લખું છું.
‘પ્રવીણભાઈ, જુઓ, હું મારા સ્ટાફ આગળ ક્યારે ય ‘બોસગીરી’ કરતો નથી. તેઓને મારા મિત્રો જ ગણું છું. તેઓને પ્રેમથી કામ સોંપુ છું, અને બધું જ કામ થઇ જાય છે. છતાં ય કોઈ એવો નીકળે કે સોંપેલું કામ ના કરે, તેને હું ફરીથી બોલાવીને કામ યાદ કરવું, ફરીથી ના કરે તો ત્રીજી વાર યાદ કરવું, ત્રીજી વારમાં તો કામ થઇ જ જાય. આમ છતાં ય કોઈ માઈનો લાલ કામ ના કરે તો તેને કહું કે, ‘ભાઈ, ચાલ, અહીં મારી કેબીનમાં બેસીને કામ કર, તને ના આવડે તો હું મદદ પણ કરીશ.’ અને તે મારી સામે બેસીને કામ કરે, પછી બોલો, કામ થયા વગર રહે ખરું?
મારા સ્ટાફ મિત્રોને હું ખબરઅંતર પૂછું, તેમને મુઝવતા પ્રશ્નો અંગે પૂછું, તેમની તકલીફોનું શક્ય એટલું સમાધાન સૂચવું, બધાને એમ જ લાગે કે સાહેબ તો આપણા જ છે. તેમને મારા માટે ઘણો જ આદર છે. તેઓ બધા જ ખુશ રહે છે. તેમના મગજમાં કોઈ તણાવ પેદા નથી થતો. ઘણા તો સામે ચાલીને મારી પાસે કામ માગવા આવે છે. કોઈ મારાથી મોં છૂપાવીને નથી ફરતા. આ બધાથી અમારી કોલેજનું વાતાવરણ પણ ઘણું જ સરસ રહે છે. મારે બધા સાથે સુમેળભર્યા સંબંધો રહે છે. મને પણ અહીં કામ કરવાની મજા આવે છે.’
શુક્લ સાહેબની વાત સાંભળ્યા પછી મેં તેમણે પૂછ્યું, ‘સાહેબ, તમારી આ પદ્ધતિ બહુ જ સારી, પણ તમે ક્યારેય સખતાઈ ના બતાવો તો ક્યારેક એવી છાપ ના પડે કે ‘સાહેબ તો બહુ નબળા છે?’
શુક્લ સાહેબે જવાબ આપ્યો, ‘હા, એવું થવાની શક્યતા ખરી, પણ એવે વખતે હું નમ્રતાની સાથે કડકાઈ પણ બતાવી દઉં, એટલે બધાને ખ્યાલ આવી જાય કે સાહેબ કંઇ જતું તો નહિ જ કરે. ફરી પાછો ભાઈચારાનો માહોલ પાછો લાવી દઉં. બોલો, મારી આ સીસ્ટીમ તમને કેવી લાગી?’ મારે કંઇ જ કહેવાનું ન હતું. શુક્લ સહેનની કામ લેવાની કળા ઉત્તમ હતી.
બસ, મારે અહીં આટલું જ કહેવું છે. હાથ નીચેના માણસો પાસેથી કામ લેવા કઈ પદ્ધતિ રાખવી, તે આમાંથી શીખવા જેવું છે. મેં મારી કારકિર્દીમાં આ રીત અપનાવી છે, અને હું સફળ થયો છું. અધિકારીઓને જે તણાવ પેદા થાય, તેવો તણાવ મને ક્યારે ય નથી થયો, અને છતાં ય હું આદર પામ્યો છું. તમે પણ આ નવી તરાહ અજમાવી જુઓ, અને પછી જુઓ ચમત્કાર !