પહેલું સુખ તે જાતે નર્યા
આજે સવારે હું ઓફિસે જવા નીકળતો હતો, ને મારો ફોન રણક્યો. મારા એક સંબંધીનો ફોન હતો, ‘હેલો, પ્રવીણભાઈ, મારા પપ્પાનું બીપી એકદમ વધી ગયું છે, અમારા ફેમિલી ડોક્ટરની સલાહ મૂજબ, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ખાસ ચિંતા જેવું નથી. આ તો સહેજ તમારી જાણ માટે.’
હું સાંજે ઓફિસેથી નીકળી સીધો હોસ્પિટલ પહોંચ્યો. કાકા આરામમાં હતા, પણ ખબર પડી કે તેમનું કોલેસ્ટોરલ વધી ગયું છે. બેચાર દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે. પછી સંજોગો અનુસાર, શું કરવું તે ડોક્ટર નક્કી કરશે.
આપણી આજુબાજુ માંદગીના આવા કિસ્સા અવારનવાર બન્યા જ કરતા હોય છે. આજે ડાયાબીટીસ, હાઈ બીપી, કોલેસ્ટોરલ, પેરાલીસીસ, ઢીંચણનો દુખાવો અને કેન્સર જેવા રાજરોગોનું પ્રમાણ વધી ગયું છે. ડોકટરો જાતજાતનાં ઓપરેશનો કરે છે. ડોકટરો અને દવાની કંપનીઓ અઢળક કમાઈ રહી છે. આજે આટઆટલી સગવડો હોવા છતાં લોકો માંદા પડે છે, હોસ્પિટલો દરદીઓથી ઉભરાય છે. હોસ્પિટલમાં ય જગા ના મળે તો ત્યાંની લોબીઓમાં દરદીને નાખી મૂકાય છે.
આટલી બધી માંદગી શાથી આવે છે? માંદા ન પડાય કે ઓછામાં ઓછી માંદગી આવે તે માટે શું કરવું? આ અંગે કોઈ કંઇ વિચારે છે ખરું?
માણસ હંમેશાં પોતાની ઈચ્છિત વસ્તુઓ મેળવવા માટે દોડ્યા કરે છે. મોટા ભાગના લોકો ધન કમાવા દોડાદોડી કરે છે. પૈસો ગમે તેટલો એકઠો કર્યો હોય તો પણ તે વધુ ને વધુ મેળવવા પાછળ લાગેલો રહે છે. જેની પાસે લાખ રૂપિયા હોય તેને કરોડ મેળવવા છે, કરોડવાળાને અબજ મેળવવા છે. ઘણાને સત્તાનો મોહ હોય છે, તેઓ સત્તા મેળવવા તનતોડ પ્રયાસ કરે છે. કોઈને જમીનો, તો કોઈને મકાનો તો કોઈને સોનું એકઠું કરવું છે.
આ બધું મેળવવાની લ્હાયમાં શરીરની કાળજી રાખનારા લોકો બહુ ઓછા હોય છે. ભગવાને આ જે શરીર આપ્યું છે, તે ખૂબ જ મહામૂલું અને કિમતી છે. પણ લોકોને તે સમજાતું નથી. જો આ શરીર જ રોગગ્રસ્ત હોય, તો એ પૈસા, સત્તા, જમીન, મકાનો કે સોનું શું કામનાં? પથારીમાંથી ઉઠાતું ના હોય, હલનચલન થતું ના હોય, તો આ બધું ભેગું કરેલું ધન શું કામ લાગવાનું?
કોઈ પણ વસ્તુને ભોગવવા અને તેનો આનંદ માણવા શરીર સારું અને તંદુરસ્ત હોય એ બહુ જ જરૂરી છે. તમે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત સાંભળી છે ને? મારું મંતવ્ય છે કે શરીર આરોગ્યમય હોવું એ માણસની પહેલી જરૂરિયાત છે. શરીર સારું હશે તો બધું જ મેળવી શકાશે, અને માણી શકાશે. આથી જીવન સુખમય બનાવવા માટે, માણસે સૌથી વધુ મહત્વ તંદુરસ્તીને આપવું જોઈએ.
તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ? એ માટે અગત્યની બાબતો છે, ખોરાક, વ્યાયામ અને રહેણીકરણી. આ દરેક બાબત વિષે આખા લેખ લખી શકાય, પણ અહીં તે દરેક વિષે ટૂકાણમાં વાત કરીશું. રોજ તાજો, પૌષ્ટિક અને માપસરનો ખોરાક લેવાય તે ખૂબ જ જરૂરી છે. રોજિંદા ભોજનમાં લીલાં શાકભાજી, મગ જેવાં કઠોળ, ટામેટા, ગાજર, કાકડી વગેરે સલાડ, દૂધ, દહીં, છાશ, લીંબુ, આદુ વગેરેનો સમાવેશ થવો જોઈએ. ફળો નિયમિત લેવાં જોઈએ. અવારનવાર તલ, ખજૂર, ચણા, સીંગ, અંજીર, અખરોટ, બદામ વગેરે લેવાં જોઈએ. રોજ ત્રણેક લીટર જેટલું પાણી પીવું જરૂરી છે. ખોરાકની નિયમિતતા શરીરને આરોગ્યમય અને મજબૂત રાખવામાં ખૂબ મદદ કરે છે. તળેલું અને ગળ્યું ના ખાવું અથવા બને તેટલું ઓછું લેવું. ચોકલેટ, બ્રેડ, મેંદો, બજારુ પીણાં, તમાકુ, ગુટકા- આ બધું નુકશાનકારક છે.
ચાલવાનો વ્યાયામ ખૂબ જ ઉપયોગી છે. રોજ ત્રણેક કી.મી. જેટલું ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. અડધો કલાક કસરતો કરવી જોઈએ. નિયમિત રીતે ધ્યાન અને શવાસન કરવાં જોઈએ. રોજ વધુ નહિ તો અડધો કલાક સવારના સૂર્યનાં કોમળ કિરણોમાં બેસવું જોઈએ. તમને એમ થાય કે આ બધો ટાઈમ ક્યાંથી કાઢવો? પણ વહેલા ઉઠીને બધું એડજસ્ટ કરવું પડે. વ્યાયામમાં અઠવાડિયે એક રજા પણ રાખી શકાય. દર વર્ષે ઓછામાં ઓછું એક વાર બોડી ચેક અપ કરાવવું જોઈએ.
આ ઉપરાંત, થોડા સારા આચારવિચારનું પાલન કરવું જોઈએ. જેવા કે,
(૧) હંમેશાં પ્રસન્નચિત, સંતોષી અને ખુશ રહેવું.
(૨) મગજ પર કામનો બોજ લઈને ના ફરવું.
(૩) કોઈ પ્રશ્ન ઉભો થાય કે ખરાબ ઘટના બને, તો દુઃખી થવાને બદલે તેમાંથી માર્ગ શોધવાનો પ્રયત્ન કરવો, અને તે દૂર ના થાય એવું હોય તો તે પરિસ્થિતિને હળવાશથી સ્વીકારી લેવી.
(૪) ઘરમાં તથા સગાંસંબંધી અને લોકો સાથે સુમેળ તથા સ્નેહભર્યા સંબંધો રાખવા.
(૫) કોઈને ય દુઃખી ના કરવા, બલ્કે શક્ય તેટલા મદદરૂપ થવું.
(૬) ગુસ્સો ના કરવો, અહંકારથી દૂર રહેવું, લોકોને તેમની ભૂલો માટે માફ કરવા.
(૭) પ્રામાણિકતાથી જીવવું.
(૮) ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી. ઈશ્વર જે કરે છે, તે હંમેશાં સારા માટે જ હોય છે.
આ બધી બાબતો શરીરની આધ્યાત્મિક તાકાતમાં વધારો કરે છે, અને તે શરીરની તંદુરસ્તી જાળવવામાં અને સુખમય લાંબી જિંદગી જીવવામાં સહાયરૂપ થાય છે. યુવાનીનાં વર્ષોમાં આ બધો ખ્યાલ નથી આવતો, યુવાનીમાં કાળજી ના કરીએ તો પણ ખાસ તકલીફ પડતી નથી. પણ પચાસની ઉંમર પછી, કાળજી ન કર્યાની અસર દેખાવા માંડે છે, પણ ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે.
મોટા ભાગના લોકો વિચારે છે કે પૈસા કમાઈને સાચવી રાખવા જોઈએ, કે જેથી ઘડપણમાં માંદગી આવે તો કામ લાગે. મારો પ્રશ્ન એ છે કે પૈસા તમે ભલે બચાવી રાખો, પણ ‘ઘડપણમાં માંદા પડાશે’ એવું ધારો છો શું કામ? લોકોની આ માન્યતા જ ખોટી છે. એને બદલે એવું ના ધારી શકાય કે ‘હું ઘડપણમાં પણ તંદુરસ્ત જ રહીશ?’ મારું એક સૂચન છે કે તમે ઘર કરી ગયેલી આ માન્યતા બદલો અને એવું જ વિચારો કે હું હંમેશાં તંદુરસ્ત જ રહીશ.
આજે આરોગ્યની બાબતમાં લોકોમાં થોડી જાગૃતિ આવી છે ખરી. ઘણા લોકો નિયમિત ચાલવાનું, જોગીંગ, જીમ, રમતગમતો- એ બધું કરતા થયા છે. આ એક સારી બાબત છે. છતાં ય હજુ વધુ કરવાની જરૂર છે. ઘણા લોકો વાતવાતમાં ડોક્ટર પાસે દોડી જાય છે, અને ડોક્ટરની બતાવેલી જાતજાતની ગોળીઓ લે છે. મેં એવા લોકો જોયા છે કે સહેજ માથું દુખ્યું તો તરત જ ગોળી, ખાંસીનો ઠમકો આવ્યો તો ગોળી, ટેમ્પરેચર એકબે ડીગ્રી વધ્યું અને ગોળી લઇ જ લેવાની. અરે ભાઈ, શરીરમાં સહેજ વિકાર પેદા થાય તો શરીર પોતે જ તેને બહાર કાઢવા મથે, એ માટે શરીર સહેજ ખાંસી કે તાવ લાવે છે. શરીરને એનું કામ કરવા દો, એને સહેજ ટાઈમ આપો, નહિ તો પછી તો ગોળી છે જ. થોડા કુદરતી ઉપચાર, ઉપવાસ, ખોરાકમાં કાળજી વગેરે તરફ ધ્યાન આપો. હોટેલોની ચટાકેદાર વાનગીઓ, સમોસા, કચોરી, ભજીયાં, નૂડલ્સ અને મીઠાઈઓ ના ખાવ અથવા ઓછી ખાવ. નાનાં છોકરાંને પેટમાં દુખવાનું ઘણી વાર બને છે, ત્યારે તેનું મુખ્ય કારણ વધુ પડતું અને આચરકુચર ખાવાનું જ હોય છે. પણ તેની મમ્મીને સાચી વાતનો ભાગ્યે જ ખ્યાલ આવે છે.
તો મિત્રો, આજથી જ આરોગ્ય પ્રતિ સભાન (Health conscious) બની જાવ, અને સુખી જીવનનાં શમણાં જોવાનું શરુ કરો.