કચ્છની એક નાનીસરખી મુલાકાત
ગુજરાતના કચ્છ જીલ્લામાં ઘણી જોવાલાયક જગાઓ આવેલી છે. એમાંની થોડી ગણાવું? ધોળાવીરા, વ્રજવાણી, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, માતાનો મઢ, પુંઅરેશ્વર મહાદેવ, ભુજનો આયના મહેલ, ભદ્રેશ્વરનું જૈન મંદિર, માંડવીનો દરિયાકિનારો, વિજયવિલાસ પેલેસ, રોહાનો કિલ્લો, ઘોરડોનો રણોત્સવ…. લીસ્ટ બહુ લાંબુ છે. ભુજમાં કે ગાંધીધામમાં મુકામ રાખીને આ બધું ફરી શકાય. અમે કચ્છમાં એક દિવસની એક નાની ટ્રીપ કરી, એની વાત અહીં કરું છું.
અમે સાત જણ હતા, અને ગાંધીધામમાં રોકાયા હતા. અમે એક ઈનોવા ગાડી ભાડે કરીને સવારે નીકળી પડ્યા. સૌ પહેલાં ભદ્રેશ્વર તરફ ચાલ્યા. દિવાળીના દિવસો હતા. નહિ ઠંડી કે નહિ ગરમી એવા સરસ વાતાવરણમાં બહાર નીકળવાનું બહુ મજેદાર લાગતું હતું. આજુબાજુનાં દ્રશ્યો જોવાની મજા આવતી હતી. ૧૯ કી.મી. પછી અમે જોગણીનાર પહોંચ્યા.
અહીં નદીકિનારે જોગણીમાતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અમે માતાજીનાં દર્શન કરીને પરમ આનંદ અનુભવ્યો. મંદિરના વિશાળ કંપાઉંડમાં બગીચો, છે, બાળકોને રમવા માટે લપસણી, હીંચકા વગેરે છે, પુષ્કળ ઝાડ ઉગાડેલાં છે. મંદિર આગળથી થોડાં પગથિયાં ઉતરીને, અખંડ જલધારા આગળ જવાય છે. અહીં શ્રી જોગણીમાતાજીએ પોતાનું ત્રિશુળ ખોડીને, અખંડ ઝરણા સ્વરૂપે પાણી વહેતું કર્યું હતું, અને રા’નવઘણના લશ્કરની તરસ છીપાવી હતી. ત્યારથી આ ઝરણું અહીં અખંડ વહ્યા કરે છે. બાજુમાં એક કુંડ છે. મંદિરની પાછળ નદી દેખાય છે.
આ બધું જોઈ અમે અહીંથી નીકળ્યા. ૧૯ કી.મી. પછી ભદ્રેશ્વરનું જૈન મંદિર આવ્યું. આ મંદિર વસઈ જૈન મંદિર તરીકે પણ ઓળખાય છે. લાલ પત્થરના બનેલા આ મંદિરની બહારની દિવાલો પર કલાત્મક કોતરણી કરેલી છે. શિખરો શોભાયમાન છે. મંદિરમાં પ્રવેશવાના બારણા આગળ ઉપરથી નીચે સુધીના આખા તોરણને છેડે ઘંટડીઓ લટકાવેલી છે. એમાં થઈને દાખલ થતાં, ઘંટડીઓ રણકી ઉઠે છે. તેનો મધુર રણકાર મનને ખુશ કરી દે છે. મંદિરમાં ભગવાન અજીતનાથ, પાર્શ્વનાથ અને શાંતિનાથની આરસની મૂર્તિઓ છે. મંદિરના મંડપ અને ગર્ભગૃહમાં આરસ પર ભવ્ય શિલ્પકામ કરેલું છે. મુખ્ય મંદિરના પરિસરમાં બધા તીર્થંકરો બિરાજમાન છે. મંદિર સંકુલમાં રહેવાજમવાની વ્યવસ્થા છે. ભદ્રેશ્વર, અરબી સમુદ્રના કિનારાથી લગભગ ૨ કી.મી. જેટલું દૂર છે.
ભદ્રેશ્વર મંદિરથી આશરે ૨ કી.મી. દૂર અને દરિયાની નજીક ચોખંડામાં શ્રીનાળેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં કુદરતી વાતાવરણ વચ્ચે બિરાજતા શીવજીનાં દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે. દૂર દરિયો પણ દેખાય છે.
ભદ્રેશ્વરથી અમે મુન્દ્રાને સાઈડમાં રાખી, માંડવી તરફ આગળ ચાલ્યા. ૬૬ કી.મી. પછી માંડવી આવ્યું. રસ્તામાં વચ્ચે, એન્કર કંપની દ્વારા નિર્મિત પશુ ચિકિત્સા કેન્દ્ર આવે છે, તે બહારથી જ ગાડીમાં બેઠા બેઠા જોયું.
માંડવી પણ અરબી સમુદ્રના કિનારે છે. દરિયા કિનારે જઇ દરિયામાં નાહ્યા. મોજાંનો માર ખાવાની મજા પડી ગઈ. દરિયાનાં પાણી પર, બાઈકની જેમ દોડતી જેટસ્કીની મજા પણ અમે માણી. જો કે ડર લાગે ખરો. લોકો અહીં ફાસ્ટ બોટ અને ટાયર વડે તરવાનો આનંદ પણ લે છે. ઘણા લોકો કિનારે ઉંટસવારી કરતા હોય છે. અહીં કિનારે ઘણી બધી વિન્ડ મીલો ઉભી કરેલી છે, જે પવનના જોરે ચાલે છે અને વીજળી પેદા કરી આપે છે. માંડવીનો દરિયા કિનારો એ સુંદર મજાનું ફરવાનું સ્થળ છે. માંડવી ગામમાં, શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ‘ક્રાંતિતીર્થ’ જોવા જેવું છે. માંડવીથી ચારેક કી.મી. દૂર આવેલો વિજય વિલાસ પેલેસ પણ ટુરિસ્ટોનું આકર્ષણ કેન્દ્ર છે. બપોર થવા આવી હતી, એટલે અમે માંડવીમાં જ એક રેસ્ટોરન્ટમાં ‘ગુજરાતી થાળી’ જમી લીધી.
જમીને અમે ઉપડ્યા જખ ગામ તરફ. માંડવીથી ૩૦ કી.મી. પછી ગઢશીશા, ત્યાંથી ૧૨ કી.મી. પછી મંગવાણા અને ત્યાંથી ૭ કી.મી. પછી જખ ગામ આવ્યું. આ ગામ ભુજથી માતાના મઢ જવાના રસ્તે, ભુજથી ૩૭ કી.મી. દૂર, મંજલ ગામ આગળ આવેલું છે. જખને કક્કડભીટ પણ કહે છે. અહીં ટેકરી પર જખ બોતેરા મંદિર અને યક્ષેશ્વર મહાદેવ આવેલાં છે. જખ બોતેરા મંદિરમાં ઘોડા પર સવાર એવા ૭૨ યક્ષ કે જખ યોદ્ધાઓની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. આ યોદ્ધાઓ અંગે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. એક કથા એવી છે કે આ યોદ્ધાઓ રોગ મટાડનાર હતા, તેઓ ઘોડા પર નીકળતા, અને લોકોને મદદ કરતા. લોકો તેમને ઈશ્વરના દૂત સમજતા. લોકોમાં તેઓ ખૂબ જ પ્રિય હતા. તેમના બલિદાનની યાદગીરીમાં કક્કડભીટ ટેકરી પર તેમનું મંદિર બનાવાયું છે. સૌથી મોટા યક્ષના નામ કક્કડ હતું, તેના પરથી આ ટેકરીનું નામ કક્કડભીટ પડ્યું. કક્કડભીટની તળેટીમાં દર વર્ષે ભાદરવા મહિનામાં મેળો ભરાય છે. જખ બોતેરા મંદિર જવા માટે ૮૦ પગથિયાં અને યક્ષેશ્વર મહાદેવ માટે ૫૦ પગથિયાં ચડવાનાં છે.
આ મંદિરો જોઈ અમે ભુજ તરફ વળ્યા. બેએક કી.મી. પછી, રોડની બાજુમાં બે માળનું એક ખંડેર જોવા મળ્યું. એ કોઈ જૂના કિલ્લાના ખંડેરો છે, એને વેદી મેદી કહે છે. તેની નજીક પુંઅરેશ્વર મહાદેવ છે. પત્થરનું આ નાનકડું મંદિર નવમી સદીમાં બનેલું છે. ઉપરથી થોડું તૂટી ગયું છે. પણ એમાં ગર્ભગૃહ, મંડપ અને પ્રદક્ષિણાકક્ષ બધું જ છે.
અહીંથી ભુજ જઈને અમે સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યાં. નવું બંધાયેલું આ મંદિર ઘણું જ ભવ્ય છે. વિશાળ જગામાં મંદિર ઉપરાંત, બગીચા, પાર્કીંગ, રહેઠાણ, ખાવાપીવાનું – એમ બધી જ સગવડ છે. મંદિરની આરસની દિવાલો, થાંભલા, છત અને શિખરો પર કરેલી કોતરણી બેજોડ છે.
ભુજથી અમે ગાંધીધામ તરફ ગાડી લીધી. ભુજ શહેરને છેડે ભુજિયા ડુંગરનાં દર્શન થયાં. સાતેક કી.મી. પછી ભુજોડી ગામમાં હીરાલક્ષ્મી પાર્કમાં એક આંટો મારી આવ્યા. અહીં કચ્છની વિવિધ કલાઓનું પ્રદર્શન કરેલું છે. એ ઉપરાંત, અહીં હમણાં દિલ્હીનું સંસદભવન, લાલ કિલ્લો વગેરેની પ્રતિકૃતિઓ તૈયાર થઇ રહી છે.
ભુજોડી પછી અમે અંજાર ગામમાં શ્રીરઘુનાથજીની બેઠકે દર્શન કરવા ગયા. પુષ્ટિ સંપ્રદાયની આ બેઠકે બેઘડી બેસવાનું મન થાય એવું છે. સાંજ પડવા આવી હતી, એટલે અહીંથી અમે ગાંધીધામ ઘેર પરત ફર્યા. ભુજથી અંજાર ૪૨ કી.મી. અને ત્યાંથી ગાંધીધામ ૧૫ કી.મી. છે.
એક દિવસની ઉડતી સફરમાં અમે ઘણી જગાઓ જોઈ, મજા પણ એટલી જ આવી. કચ્છમાં હજુ તો ઘણું જોવાનું છે, એ માટે સારો એવો સમય ફાળવવો પડે. એટલે જ તો કહે છે કે ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.’







