હલ્દીઘાટીની ચેતક સમાધિ, મહારાણા પ્રતાપ મ્યુઝીયમ અને ગુફા
ભારતમાં ઘણા દેશભક્ત સપૂતો વિદેશી શાસકો સામે ઝઝૂમ્યા છે. મેવાડના મહારાણા પ્રતાપ આવા જ એક શૂરવીર દેશભક્ત હતા. તેમની વાત કંઇક આ પ્રમાણે છે.
મુગલ સમ્રાટ અકબરે, ભારતના ઘણા રાજાઓને જીતી, તેમનાં રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધાં હતાં. પણ મેવાડના મહારાણા પ્રતાપ અકબરને તાબે થયા નહિ. આથી અકબરે, પ્રતાપની સામે ઈ.સ. ૧૫૭૬માં યુદ્ધ છેડ્યું. રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં અકબર અને પ્રતાપનાં સૈન્યો સામસામે ગોઠવાયાં. આ જગાની માટી પીળી હળદર જેવી હોવાથી, આ જગા હલ્દીઘાટી તરીકે ઓળખાય છે. અકબરનું સૈન્યબળ બહુ જ પ્રચંડ હતું. રાજા માનસીંગ તેનો સેનાપતિ હતો. મહારાણા પ્રતાપ પોતાના ચેતક ઘોડા પર સવાર થઈને યુદ્ધમેદાનમાં આવ્યા. ચેતક બહુ જ બળવાન અને વફાદાર અશ્વ હતો. પ્રતાપે યુદ્ધમાં બહુ જ બહાદુરી બતાવી, પણ તેના ઘોડાનો પગ ઘાયલ થતાં, તેણે ભાગવું પડ્યું. ઘોડો, માલિકનો જીવ બચાવવા, ઘાયલ પગે પણ ભાગ્યો. એક જગાએ તો તે ૨૨ ફૂટ પહોળી ખાઈ એક જ કૂદકે ઓળંગી ગયો. અંતે ઘોડો પડ્યો, અને મૃત્યુ પામ્યો. મહારાણા પ્રતાપે હલ્દીઘાટીમાં એ જગાએ ચેતક સમાધિ બનાવી. તેમણે જે વીરતા બતાવી, તેની વાત કહેતું એક મ્યુઝીયમ હલ્દીઘાટીમાં બન્યું છે. પ્રતાપ પોતાનાં શસ્ત્રો જે ગુફામાં છૂપાવીને રાખતા હતા, તે ગુફા, મહારાણા પ્રતાપ ગુફા તરીકે જાણીતી છે. હલ્દીઘાટી, નાથદ્વારાથી ૨૦ કી.મી. અને ઉદયપુરથી ૪૦ કી.મી. દૂર આવેલુ છે.
અમને હલ્દીઘાટીમાં આ બધી જગાઓ જોવાની બહુ જ ઈચ્છા હતી. એટલે અમે નાથદ્વારા ગયા ત્યારે, આ જગાઓ જોવાનો પ્લાન બનાવી કાઢ્યો. એક બપોરે અમે નાથદ્વારાથી ટેક્સી કરીને નીકળી પડ્યા, તથા મોલેલા અને ખીમનોર થઈને હલ્દીઘાટી પહોંચ્યા. મોલેલા ગામ, માટીની ચીજવસ્તુઓ માટે જાણીતું છે. અહીં માટીની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ઘેરઘેર ખીલ્યો છે. આ વસ્તુઓ પરદેશમાં પણ નિકાસ થઈને પહોંચે છે. હલ્દીઘાટી ટેકરીઓમાં વસેલું છે. ટેકરીઓ કોરીને રસ્તો બનાવેલો છે. હલ્દીઘાટી જેમ નજીક આવતું ગયું તેમ, ટેકરીઓની માટી પીળાશ પડતી દેખાવા લાગી. અમારો ટેક્સી ડ્રાઈવર આ વિસ્તારનો જાણકાર હતો, તે અમને બધી માહિતી આપતો હતો. આ વિસ્તારમાં ગુલાબના છોડ ખૂબ જ થાય છે. તમને જ્યાં ને ત્યાં ગુલાબના બગીચા જોવા મળશે. ગુલાબને કારણે અહીં ગુલાબજળ, ગુલાબનું શરબત, ગુલકંદ વગેરે બનાવવાનો ધંધો પૂરબહારમાં વિકસ્યો છે. અહીં આ બધી ચીજો બનાવવાની નાની નાની ફેક્ટરીઓ અને તે વેચવા માટેની દુકાનો પણ ઘણી છે. અમે એક ફેક્ટરી કમ દુકાન આગળ ગાડી ઉભી રાખી, એ જોવા માટે નીચે ઉતર્યા. દુકાનના માલિકે અમને ગુલાબજળ, ગુલકંદ, જાંબુનો અર્ક વગેરે બનાવવાની નાનકડી મશીનરી બતાવી, તથા દુકાનમાંથી ગુલાબના શરબત અને ગુલકંદનો અમને ટેસ્ટ કરાવ્યો. અદભૂત ટેસ્ટ હતો. આવું શરબત અમે ક્યાંય પીધું ન હતું. અમે ગુલાબ, વરીયાળી અને પાનનાં શરબત ખરીદ્યાં પણ ખરાં.
ગાડી આગળ ચાલી. પહેલાં તો ચેતક સમાધિ આવી. અહીં અંદર જઇ સમાધિનાં દર્શન કર્યાં, ચેતક ઘોડા પ્રત્યે અહોભાવ પેદા થયો. આજુબાજુ બગીચો બનાવ્યો છે. એક મંદિર પણ છે.
અહીંથી આગળ જઇ અમે મહારાણા પ્રતાપ મ્યુઝીયમ પહોંચ્યા. એક રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ, જાતે રસ લઈને આ મ્યુઝીયમ ઉભું કર્યું છે. હલ્દીઘાટીનું આ મુખ્ય આકર્ષણ છે. બહાર પાર્કીંગની વ્યવસ્થા છે. નાસ્તાપાણીની થોડી દુકાનો છે. થોડાં શણગારેલાં ઉંટ અહીં હતાં. ઉંટમાલિકો પ્રવાસીઓને ઉંટ પર બેસાડી આજુબાજુ ફેરવે છે. મ્યુઝીયમનું પ્રવેશદ્વાર ઘણું જ ભવ્ય છે. તે રાજસ્થાની શૈલીના કિલ્લાના પ્રવેશદ્વાર જેવું છે. બહાર દિવાલ પર, યુદ્ધના એક દ્રશ્યનું તામ્રકલરનું મોટું ઉપસાવેલું ચિત્ર મૂકેલું છે. ટીકીટ લઇ અમે અંદર પ્રવેશ્યા.
અંદર ખુલ્લા મેદાનમાં ડાબી બાજુએ રાણા પ્રતાપ અને મુગલ સૈન્ય વચ્ચેના યુદ્ધના દ્રશ્યનાં વિશાળ તામ્રવર્ણ સ્ટેચ્યુ ઉભાં કરેલાં છે. હાથી પર સવાર મુગલ સેનાપતિ સામે રાણા પ્રતાપનો ઘોડો આગલા પગે હાથીની ઉંચાઇ જેટલો ઉંચો થઇ જાય છે, અને ઘોડા પર બેઠેલો પ્રતાપ ભાલાથી સેનાપતિ પર વાર કરે છે. આ પ્રખ્યાત દ્રશ્ય અહીં આબેહૂબ ખડું કર્યું છે. આ જોઇને આપણને પ્રતાપની શૂરવીરતા પર ગર્વ થઇ આવે છે. અહીં બીજા સૈનિકોનાં સ્ટેચ્યુ પણ છે. આ દ્રશ્યની બાજુમાં, સ્વાગત કરતા બે હાથીઓની પ્રતિમાઓ મૂકેલી છે.
ડાબી બાજુએ યુદ્ધનાં સ્ટેચ્યુની પાછળ, ઢાળ ચડીને એક ઓડીટોરીયમમાં જવાય છે. અહીં પ્રતાપની ગાથા વર્ણવતો વિડીયો જોવા મળે છે. અહીં યુદ્ધનાં બીજાં ચિત્રો પણ છે. ત્યાર બાદ એક પછી એક હોલમાં રાણા પ્રતાપના જીવનના પ્રસંગો દર્શાવતાં સ્ટેચ્યુ મૂકેલાં છે. ઉદાહરણ તરીકે એક પ્રસંગ એવો છે કે જેમાં દાનવીર ભામાશા, પ્રતાપને મેવાડ બચાવવા માટે લાખો રૂપિયાનું દાન આપે છે. આ પ્રસંગો સાથે તેની વિગતની ઓડિયો ટેપ પણ સંભળાય છે. પ્રવાસીઓ આ બધું જોતા સાંભળતા આગળ વધે છે. આ પ્રસંગો અને યુદ્ધના એક વિડીયો પછી આપણે બહાર ખુલ્લી જગામાં આવીએ છીએ.
બહાર ગ્રામ્ય જીવનનાં દ્રશ્યો દર્શાવતાં કેટલાંક પૂતળાં ઉભાં કર્યાં છે, જેવાં કે બળદો હાંકતો ખેડૂત, લોખંડ ટીપતો લુહાર, ગાય, ઉંટ વગેરે. આ પૂતળાં જોઇને મેડમ તુષાડનું વેક્સ મ્યુઝીયમ યાદ આવી જાય. આ પૂતળાં, મેડમ તુષાડના મ્યુઝીયમથી કમ નથી. પણ મેડમનું મ્યુઝીયમ આખી દુનિયામાં પ્રખ્યાત થયું છે, જયારે આ પૂતળાંને બહુ ઓછી પ્રસિદ્ધિ મળી છે. આ પૂતળાંની જોડે એક નાનકડું તળાવ છે. તેમાં પેડલ વડે બોટીંગ કરવાની સુવિધા છે. બાજુમાં ખાણીપીણી માટે રેસ્ટોરન્ટ છે. એક જગાએ ઘાણીની જેમ બળદ દ્વારા શેરડીનો રસ કાઢવાનો સંચો છે. અમે અહીં રસ પીધો. તેની જોડે એક શોપ છે. એમાં રાજસ્થાની કલાકારીગરીની ઘણી ચીજો વેચાતી મળે છે. બાજુમાં શીવજીનું મંદિર છે. આમ, મ્યુઝીયમમાં જોવા જેવી ઘણી ઘણી ચીજો છે. આ મ્યુઝીયમ જરાય નીરસ નહિ લાગે, બલ્કે આનંદ આવશે. એક વાર તો આ મ્યુઝીયમ જરૂર જોવા જેવું છે. જોવામાં દોઢબે કલાક તો લાગે જ. મ્યુઝીયમ જોઇને અમે બહાર આવ્યા. મ્યુઝીયમની નજીકમાં કપડા અને કાષ્ઠની ચીજોની દુકાનો છે, રહેવા માટે એક હોટેલ પણ છે.
અહીંથી અમે આશરે એક કી.મી. દૂર આવેલી મહારાણા પ્રતાપ ગુફા જોવા ગયા. ગુફાનું પ્રવેશદ્વાર સરસ છે. કુદરતી રીતે બનેલી આ ગુફામાં મહારાણા પ્રતાપ શસ્ત્રો સંતાડીને રાખતા હતા, એવું જાણવા મળ્યું. ગુફામાં અંદર અંધારું છે, એમાં એક નાની સળગતી જ્યોત રાખેલી છે. ગુફાની જોડે જ ઝાડ નીચે ખુલ્લામાં રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરની જોડે, પાછળની ટેકરી પરથી પાણીની એક ધારા કુદરતી રીતે જ પડે છે. ચોમાસામાં આ ધારા ધોધ જેવી લાગે. દ્રશ્ય બહુ જ સુંદર છે.
હવે હલ્દીઘાટી વિસ્તારમાં અમારે બધું જ જોવાઈ ગયું હતું. એટલે એ જ રસ્તે ખીમનોર થઈને અમે નાથદ્વારા પાછા વળ્યા. ખીમનોરમાં શ્રી હરિરાય મહાપ્રભુની બેઠક આવેલી છે. ઘણા ભક્તો અહીં દર્શને આવે છે.
હલ્દીઘાટી એટલે મહારાણા પ્રતાપની કર્મભૂમિ. તેમણે આ ધરતી ક્યારેય પરદેશીઓને હસ્તક જવા દીધી નહિ. દેશદાઝથી ભરેલ આ ભૂમિનાં દર્શન કરી અમને ખૂબ આનંદ થયો, અને વીરપુરુષ પ્રતાપ માટે ખૂબ આદરભાવ પેદા થયો. ક્યારેક તક મળે તો હલ્દીઘાટી જોવા જરૂર જજો.