અમરીકાના વૈજ્ઞાનિક ડો. વિન્સ્ટન સાથેની મુલાકાત

                                  અમરીકાના વૈજ્ઞાનિક ડો. વિન્સ્ટન સાથેની મુલાકાત

ડો. રોલેન્ડ વિન્સ્ટન એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વૈજ્ઞાનિક છે. સોલર એનર્જી (સૂર્ય શક્તિ)ના વિષયમાં તેમણે અનેક સંશોધનો કર્યાં છે. તેમની શોધખોળોનો સમાજમાં તથા ઔદ્યોગિક ક્ષેત્રે બહોળો ઉપયોગ થયો છે. તેઓએ સૂર્ય શક્તિનો વ્યાપકપણે ઉપયોગ કરવાના રસ્તાઓ સૂઝાડ્યા છે, એને લીધે વ્યવહારમાં ઉર્જા સ્ત્રોતોની ઘણી બચત થાય છે. ડો. વિન્સ્ટને અમેરીકામાં યુનીવર્સીટી ઓફ શીકાગો અને યુનીવર્સીટી ઓફ મરસીડમાં વર્ષો સુધી પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે. તેઓ આંતરરાષ્ટ્રીય સોલર એનર્જી સોસાયટીના પ્રમુખ રહી ચૂક્યા છે. સોલર એનર્જી ક્ષેત્રમાં તેમનું નામ અગ્રસ્થાને છે. આટલા ઉંચા સ્થાને બિરાજતા હોવા છતાં, તેઓ નમ્ર, વિવેકી અને ઉમદા દિલના માનવી છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિને મળવામાં કેટલો બધો આનંદ થાય ! અહીં મારે તેમની સાથેની મુલાકાતની વાત કરવી છે. તેમની સાથે અંગ્રેજીમાં થયેલી વાતચીત, અહીં મોટાભાગે તો ગુજરાતીમાં જ લખીશ.

૨૦૦૩ના મે મહિનામાં હું અમેરીકામાં ડલાસ શહેરમાં હતો. મારું રીસર્ચનું કામકાજ ચાલતું હતું. મારી રીસર્ચ પણ, ડો. વિન્સ્ટને કરેલી શોધખોળના અનુસંધાનમાં હતી. આથી ડો. વિન્સ્ટનના નામથી અને કામથી હું પરિચિત હતો. મને થયું કે વિન્સ્ટન સાહેબને રૂબરૂ મળવાની અને તેમના માર્ગદર્શનમાં કામ કરવાની તક મળે તો કેવી મજા આવી જાય ! મેં મારા પુત્રને મારો વિચાર જણાવ્યો. તેણે ગુગલ પરથી ડો. વિન્સ્ટનનો ફોન નંબર અને ઠેકાણું શોધી કાઢ્યું. આવી મહાન વ્યક્તિનું ઠેકાણું, ઈન્ટરનેટના જમાનામાં તો સહેલાઇથી મળી જાય. ડો. વિન્સ્ટન અત્યારે યુનીવર્સીટી ઓફ શીકાગોમાં હતા, અને ત્યાં એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટમાં ભૌતિક વિજ્ઞાનીની ફરજ બજાવતા હતા.

મારા પુત્રએ મને એમનો ફોન જોડી આપ્યો. ધડકતે હૈયે મેં વાતની શરૂઆત કરી, ‘Hello Sir, I am Pravin Shah, speaking from Dallas. Can I talk to you for about 2-3 minutes?’

સામેથી વિન્સ્ટન સાહેબનો નમ્ર સ્વર સંભળાયો, ‘Sure, You are welcomed.’

મને વાત કરવાનો ઉત્સાહ આવ્યો. મેં કહ્યું, ‘સર, હું ઇંડિયાથી બેએક મહિના માટે અમેરીકા આવ્યો છું. હું ઇંડિયામાં અમદાવાદની એક એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર છું. હું આપના જ ક્ષેત્રમાં રીસર્ચ કરી રહ્યો છું. જો આપને અનુકૂળ હોય તો, મને આપને મળવાની તથા આપના માર્ગદર્શનમાં થોડા દિવસ કામ કરવાની ઈચ્છા છે.’

અને તમે માનશો? એમણે મને, એક સાવ અજાણ્યા માણસને, એમની સાથે બે અઠવાડિયાં રહેવાની મંજૂરી આપી દીધી ! મારે તો હૈયે હરખ ન માય, એવું થયું. નક્કી કરેલી તારીખે હું ડલાસથી વિમાનમાં શીકાગો ઉપડ્યો. તેમના કહેવાથી, યુનીવર્સીટી ઓફ શીકાગોના ગેસ્ટ હાઉસમાં રહેવાનું મળી ગયું. મારે તેમને બીજે દિવસે સવારે નવ વાગે તેમની ઓફિસમાં મળવાનું હતું. મેં એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટ શોધી કાઢી. હું પાંચેક મિનીટ લેટ હતો. ચોથા માળે જવાનું હતું. હું લિફ્ટ આગળ ઉભો રહ્યો. ઉપરથી લિફ્ટ નીચે આવી. લિફ્ટમાંથી ચારેક જણ બહાર નીકળ્યા. તે બધા પર મારી નજર પડી. તેમાંના એક વ્યક્તિ વડિલ જેવા પ્રભાવશાળી દેખાતા હતા. તેમની નજર પણ મારા પર પડી. એકબે ક્ષણમાં તેઓ બોલી ઉઠ્યા, ‘Are you Mr. Pravin Shah?’

મને એક ક્ષણ તો નવાઈ લાગી કે અહીં મને ઓળખે એવું કોણ હોય? પણ પછી તરત જ મગજમાં ઝબકારો થયો કે કદાચ આ વ્યક્તિ ડો. વિન્સ્ટન પોતે તો નહિ હોય? મેં કહ્યું, ‘હા, હું જ પ્રવીણ શાહ છું. આપ……..’ મારી ધારણા સાચી પડી. તેઓ બોલ્યા, ‘હા, હું જ વિન્સ્ટન છું. તમને મારી રૂમ શોધવામાં તકલીફ ન પડે, એ માટે હું તમને લેવા જ નીચે આવ્યો.’

મને પાંચ મિનીટ મોડા પડ્યાનો ક્ષોભ થયો. અને વિન્સ્ટન સાહેબની નમ્રતા તો જુઓ. તેઓ સામેથી મને લેવા માટે આવ્યા ! મોડા પડવા બદલ મેં તેમની માફી માગી અને તેમનો આભાર માન્યો. અમે બંને લિફ્ટમાં ચડીને તેમની કેબીનમાં પહોંચ્યા.

થોડી ઔપચારિક વાતો પછી, તેમણે મને તેમની કેબીનની બાજુની રૂમમાં બેસવાની વ્યવસ્થા કરી આપી. તેમણે જાતે ટેબલખુરશી કટકાથી લુછીને સાફ કર્યાં. અહીં કોઈ પટાવાળાની સીસ્ટીમ તો હોતી જ નથી. બધું જાતે જ કરવાનું. મેં ટેબલખુરશી સાફ કરવાનો અને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, તો તેઓએ મને રોક્યો અને બોલ્યા, ‘No, I will do it. You are my guest.’ એમ કહી મને કશું જ ના કરવા દીધું.

મને રૂમમાં ફોનની સગવડ આપી. એક નવું કોમ્પ્યુટર ગોઠવી આપ્યું. ઈન્ટરનેટ કનેક્શન કરી આપ્યું. મારા વિષયની થોડી ચર્ચા કરી,અને એવું નક્કી કર્યું કે મારે તેમની સાથે ચર્ચા કરવા તેમની રૂમમાં નહિ જવાનું. તેઓ ફ્રી પડશે ત્યારે અવારનવાર મારી રૂમમાં આવી જશે.

આમ, ૧૩ દિવસ સુધી હું ત્યાં રોકાયો. તે દરમ્યાન, તેમણે મને મારા વિષયને લગતું ઘણું બધું શીખવાડ્યું. મને યુનીવર્સીટીની લાયબ્રેરીનું કાર્ડ કઢાવી આપ્યું. આથી, મને લાયબ્રેરીમાં ઘણાં પુસ્તકો અને મેગેઝીનો વાંચવા મળ્યાં. એક પ્રસંગની વાત કરું. એક લેટેસ્ટ પુસ્તકમાં વિન્સ્ટન સાહેબે લખેલો ૧૧૨ પાનાનો એક લેખ મારે વાંચવો હતો. લાયબ્રેરીમાં આ ચોપડી હતી નહિ. મેં લાયબ્રેરીના અધિકારીને પૂછ્યું, ‘મને આ ચોપડી ક્યાંથી મળી શકે?’ અધિકારીએ તપાસ કરીને મને કહ્યું, ‘દુનિયાની ફક્ત ૧૩ જગાએ આ પુસ્તક ઉપલબ્ધ છે.’ આવું અલભ્ય પુસ્તક મને તો ક્યાંથી મળે? મેં વિન્સ્ટન સાહેબને આ પુસ્તક માટે વાત કરી. તેઓએ મને ૧૧૨ પાનાંનો આ લેખ કોમ્પ્યુટર પર ઓનલાઈન વાંચવાની વ્યવસ્થા કરી આપી, અને તેની કોપી કરવાની છૂટ આપી. મારી પાસે પ્રિન્ટર હતું નહિ. મેં એ લેખને મારા પુત્ર પર અપલોડ કર્યો, અને મારા પુત્રએ ડલાસમાં તેના કોમ્પ્યુટર પરથી પ્રિન્ટ કાઢી. અહીં મેં એ લેખ ઓનલાઈન વાંચી લીધો. આવી અદભૂત સગવડ બીજું કોઈ આપે ખરું?

મેં આ દિવસોમાં યુનીવર્સીટી ઓફ શીકાગોની સોલર લેબોરેટરી પણ વિગતથી જોઈ. અન્ય એક પ્રોફેસર ડો. ઓ’ગાલાઘરનો પરિચય થયો. તેઓ પણ અઢળક રીસર્ચ પેપરોના લેખક હતા. વિન્સ્ટન અને ગાલાઘર સાહેબો સાથે સરસ ઘરોબો થયો. યાદગીરી રૂપે તેમની સાથે ફોટા પણ પાડ્યા. છેલ્લે, વિન્સ્ટન સાહેબે, સંતોષકારક કામ કર્યાનું મને સર્ટીફીકેટ આપ્યું. બધી જ સગવડો પૂરી પડવાનો કોઈ ચાર્જ લીધો નહિ. ફક્ત ગેસ્ટ હાઉસમાં રહેવા અને જમવાના પૈસા ભરી, હું વિન્સ્ટન સાહેબને વંદન કરી ડલાસ આવવા નીકળ્યો.

ડો. વિન્સ્ટન જેવા પ્રોફેસરો ભારતના મારા જેવા કે અન્ય લોકોની કેટલી બધી દરકાર કરે છે, તે મને અહીં અનુભવવા મળ્યું. આવી મહાન વિભૂતિ આટલી બધી પ્રેમાળ અને નમ્ર હોય, તે મેં જાતે અનુભવ્યું.

મારા ઘરમાં વિન્સ્ટન અને ગાલાઘર સાહેબોની વાત તો નીકળે જ. ઘરવાળાઓએ તેમનાં ટૂંકાં હુલામણા નામ ‘વિનુદાદા’ અને ‘ગાલાબાપુ’ પાડી દીધાં છે. આવા આદરણીય વિનુદાદા મને હંમેશા યાદ રહેશે. અહીં મેં તેમની સાથેના, એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટના અને લેબોરેટરીના ફોટા મૂક્યા છે.

1

2

3

4

5

6

7

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. D N Dave
  ડીસેમ્બર 16, 2016 @ 09:49:56

  Respected masaji,

  We are pride on you and read your post. Post teach so many things in life.

  Thanks

  જવાબ આપો

 2. milanpshah
  ડીસેમ્બર 16, 2016 @ 12:54:26

  Vah!!

  જવાબ આપો

 3. હરીશ દવે (Harish Dave)
  ડીસેમ્બર 24, 2016 @ 03:52:18

  આપનો અમેરિકામાં ડૉ. વિંસ્ટન સાહેબ અને યુનિવર્સિટી ઑફ શિકાગોનો અનુભવ ત્યાંની શિક્ષણ વ્યવસ્થા માટે અહોભાવ જગાવે છે. ડૉ. પ્રવિણભાઈ! આપ આ અનુભવો માત્ર ગુજરાત સરકાર કે કેંદ્ર સરકારને જ નહીં, ભારતભરની યુનિવર્સિટીના વ્યવસ્થાપકોને ન કહી શકો? આપણે ત્યાં સંશોધન પ્રત્ય ઉદાસીનતા શા માટે છે તે સમજાય છે.
  હું 46 વર્ષ અગાઉ ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો ત્યારે યુનિવર્સિટીની લાયબ્રેરીની જે સ્થિતિ હતી, લગભગ તેવી જ સ્થિતિ આજે છે. મેમ્બરશીપ માટે આ બારી પરથી પેલી બારી ને લાયબ્રેરીના પાંચ ધક્કા ખાવાના! એમ ફિલ અને રીસર્ચ કરતા મારા વિદ્યાર્થીઓને ઉપેક્ષા અને અપમાન સહન કરીને લાયબ્રેરીનો ઉપયોગ કરવો પડે છે, તો સામાન્ય વિદ્યાર્થીઓની શું વાત કરવી? શાહ સાહેબ! આપનો આ લેખ દેશનાં શિક્ષણવિદો વાંચે અને આપણે ત્યાં શિક્ષણ-સંશોધનને ઉત્તેજન આપવા ઘટિત પગલાં લે તેવી મારી અપેક્ષા છે.
  આપે જે લગનથી આપની સંશોધન પ્રવૃત્તિને ધપાવી તે પણ આજકાલનાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે!

  જવાબ આપો

  • pravinshah47
   ડીસેમ્બર 25, 2016 @ 13:03:07

   હરીશભાઈ,

   આપનો અભિપ્રાય બહુ જ યોગ્ય છે. હું યુનીવર્સીટી કે કોલેજોમાં જ્યાં તક મળે ત્યાં મારા આવા અનુભવો કહેતો રહું છું. મારી કોલેજમાં મેં વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફ તથા દરેકને સારી સુવિધાઓ મળી રહે, કોઈને કશી તકલીફ ન પડે, એ માટે વ્યવસ્થાઓ ઉભી કરેલી.

   જવાબ આપો

 4. હરીશ દવે (Harish Dave)
  ડીસેમ્બર 24, 2016 @ 04:39:59

  આપના આ લેખમાં આપે મહાન ભૌતિકશાસ્ત્રી-વૈજ્ઞાનિક એન્રિકો ફર્મીના નામ સાથે સંલગ્ન એન્રિકો ફર્મી ઇંસ્ટિટ્યૂટ, યુનિવર્સિટી ઓફ શિકાગોની વાત કરી તે કેટલાના ધ્યાનમાં આવશે?
  ફર્મી મહાન ફિઝિસિસ્ટ. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેમનો બહુમૂલ્ય ફાળો… મૂળ ઇટલીના આ વૈજ્ઞાનિક બીજાં વિશ્વયુદ્ધ પૂર્વે અમેરિકા પહોંચ્યા અને પહેલાં કોલંબિયા યુનિ. માં જોડાયા.
  બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકાના મેનહટન પ્રૉજેક્ટમાં તેમનો મોટો રોલ .. પરમાણુ બોંબ બનાવવા માટે જરૂરી ન્યુક્લિયર રિએક્ટર બનાવવામાં ફર્મીનો ખાસ ફાળો.
  આપ નસીબદાર છો આપને ફર્મી ઇંસ્ટિટ્યૂટ માં પગ મૂકવાનું સદ્ભાગ્ય મળ્યું.

  જવાબ આપો

  • pravinshah47
   ડીસેમ્બર 25, 2016 @ 12:42:12

   હરીશભાઈ,
   મને યુનિવર્સીટી ઓફ શીકાગોમાં આવેલી ફર્મી ઇન્સ્ટીટયુટમાં થોડા દિવસ રહેવા મળ્યું, એને હું મારું સદભાગ્ય સમજુ છું. આપની વાત બિલકુલ સાચી છે. એનરીકો ફર્મીએ ન્યુક્લિયર વિજ્ઞાનમાં કરેલાં સંશોધનો અંગે મેં વાંચ્યું છે. ડો. વિન્સ્ટન, ફર્મીના નામવાળી આ સંસ્થામાં જ કાર્યરત હતા. હું નસીબદાર છું કે મને ડો. વિન્સ્ટન સાથે અહીં રહેવા મળ્યું. આપની કોમેન્ટ માટે આભાર.

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: