વિરાસત વન અને ચાંપાનેર

                                     વિરાસત વન અને ચાંપાનેર

ગુજરાત સરકારે, ગુજરાતમાં ઘણી જગાએ વન ઉભાં કર્યાં છે. આવા વનમાં વ્યવસ્થિત રીતે ઝાડપાન અને ફૂલછોડ ઉગાડ્યા હોય છે. તેમાં રસ્તાઓ, ચોતરા, તળાવ વગેરે બનાવ્યા હોય છે. એ ઉપરાંત, દરેક વનને કોઈક થીમ (હેતુ) પણ હોય છે, અને તેનું નામ પણ એ થીમ અનુસાર રાખ્યું હોય છે. દાખલા તરીકે, વાંસદા પાસે આવેલુ જાનકી વન રામાયણના થીમ પર બનાવ્યું છે, અને નામ પણ જાનકી એટલે કે સીતા રાખ્યું છે, જે રામાયણનું એક પાત્ર છે.

આવું એક વન, વિરાસત વન, હાલોલથી છએક કી.મી. દૂર ઉભું કરાયું છે. હાલોલથી ચાંપાનેર-પાવાગઢ જવાના રસ્તે, ૩ કી.મી. પછી ડાબા હાથે જાંબુઘોડા જવાનો રસ્તો પડે છે. એ રસ્તે વળ્યા પછી તરત જ ધાબાડુંગરી આવે, અને એ રસ્તે બીજા ૩ કી.મી. પછી વિરાસત વન આવે છે. વિરાસત એટલે વારસો. આપણી જૂની સંસ્કૃતિ અને ઔષધિઓ વગેરેનાં વૃક્ષો અને છોડ અહીં ઉગાડ્યા છે, એટલે એના વારસાના થીમ તરીકે આ વનનું નામ વિરાસત વન પાડ્યું છે.

હાલોલથી ધાબાડુંગરી થઈને સીધા જઈએ તો, હાલોલથી ૭ કી.મી. પછી ચાંપાનેર અને પાવાગઢ આવે છે. સુલતાન મહેમુદ બેગડાએ ઈ.સ. ૧૪૮૪માં ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી, અને અહીં ઘણી ઈમારતો બાંધી હતી. આમાંની મોટા ભાગની હજુ અસ્તિત્વ ધરાવે છે. યુનેસ્કોએ આ સ્થાપત્યોની જાળવણી માટે ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવ્યું છે. ધાબાડુંગરી, વિરાસત વન અને ચાંપાનેર-પાવાગઢ જોવા જેવાં સ્થળો છે.

અમે એક દિવસ આ સ્થળોએ ફરવાનો પ્રોગ્રામ બનાવી ગોધરાથી ગાડીમાં નીકળી પડ્યા. ગોધરાથી હાલોલ થઈને પહેલાં તો ધાબાડુંગરી પહોંચ્યા. અહીં ટેકરી પર એક વિશાળ હોસ્પિટલ ઉભી કરી છે. હોસ્પિટલ આગળ સિમેન્ટની બનાવેલી એક મોટી આંખ, પ્રવાસીઓનું તરત જ ધ્યાન ખેંચે છે. બાજુમાં માતાજીનું મંદિર છે, બાગબગીચા છે, મહારાજશ્રીની સમાધિ છે, પાછળ બદરીનાથની ગુફા અને દુર્ગામાતાનું મંદિર છે, ટેકરી પરથી હાલોલ ગામ અને પાવાગઢ ડુંગર દેખાય છે.

ધાબાડુંગરીથી અમે વિરાસત વન ગયા. વિરાસત વન રોડની જમણી બાજુ, જેપુરા ગામ આગળ આવેલું છે. વનનું પ્રવેશદ્વાર આકર્ષક છે, બહારનો દેખાવ બહુ જ સરસ છે. પાર્કીંગ માટે પૂરતી જગા છે. બેત્રણ દુકાનો પણ લાગેલી છે. ગેટમાંથી અંદર દાખલ થઈએ ત્યાં એક પીલર પર વિરાસત વનની તકતી મારેલી છે. આ વનનું ૨૦૧૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલું છે. આ વિગતો તકતીમાં લખેલી છે.

સહેજ આગળ, વિરાસત વનનો નકશો મૂકેલો છે. વિરાસત વનમાં શું શું છે, એની વિગતો નકશામાં દર્શાવી છે. અહીં સાંસ્કૃતિક વન, આનંદ વન, આરોગ્ય વન, આરાધના વન, નિસર્ગ વન, આજીવિકા વન અને જૈવિક વન આવેલાં છે. અંદરના રસ્તાઓ પર ફરીને આ બધા વિભાગો જોઈ શકાય છે. દરેક વિભાગમાં તેને લગતાં વૃક્ષો ઉગાડેલાં છે. અંદર કાફેટેરિયા, વનકુટિર અને ટોઇલેટ બ્લોક છે. એક તળાવ અને તેના પર પૂલ બનાવેલા છે. અંદરના રસ્તાઓ અને રસ્તા વચ્ચેનાં સર્કલ સરસ લાગે છે. આ બધું જોઈ અમે ગેટ તરફ પાછા વળ્યા. એક જગાએ, ચાંપાનેર તરફના રસ્તાની વિગતોનો પ્લાન મૂકેલો છે. એમાં, એક મિનારકી મસ્જીદ, હેલીકલ વાવ અને સક્કરખાનની દરગાહનો ઉલ્લેખ છે.

ગેટની બહાર આવી, પાછા વળીને અમે ગાડી દોડાવી ચાંપાનેર તરફ. આ રસ્તે એક પછી એક, એક મિનારકી મસ્જીદ, હેલીકલ વાવ અને સક્કરખાનની દરગાહ આવ્યાં. આ ત્રણે પુરાતન ઈમારતો અંદર જઈને જોવા જેવી ખરી. સક્કરખાનની દરગાહની જોડે જ જમણા હાથે, ખૂણિયા મહાદેવને લગતું એક બોર્ડ છે. ખૂણિયા મહાદેવ જવા માટે રસ્તા જેવું કંઇ દેખાતું નથી. પણ કેડી જેવા માર્ગે અંદર જઇ શકાય ખરું. અંદર બેએક કી.મી. જેટલું ગયા પછી ખૂણિયા મહાદેવ આવે. મહાદેવથી આગળના ખડકો પરથી ચોમાસામાં ધોધ પડતા હોય છે. આ બધો ભાગ પાવાગઢના મંદિરની પાછળનો ભાગ છે.

સક્કરખાનની દરગાહ પછી, રોડ પર જ પત્થરનો મોટો ગેટ છે. તે સીટી ગેટ કહેવાય છે. સીટી ગેટમાં થઈને આગળ જાઓ એટલે ડાબા હાથે ચાંપાનેરનો કિલ્લો અને જમણી બાજુ પાવાગઢનો ડુંગર છે. થોડું ગયા પછી ડાબી બાજુ, કિલ્લાનું પ્ર્રવેશદ્વાર આવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટનું અહીં બોર્ડ મારેલું છે. અહીં ખૂબ દુકાનો લાગી ગઈ છે, અને ગાડીઓ ભાડે ફેરવનારાઓએ ઘણું પાર્કીંગ કરી દીધેલું છે, એને લીધે કિલ્લાનું પ્રવેશદ્વાર સાંકડું થઇ ગયું છે. છતાં ગાડી લઈને કિલ્લામાં જઇ શકાય છે.

કિલ્લાની દિવાલોની ઉંચાઈ અને તેના પરના કાંગરાને લીધે કિલ્લો ભવ્ય લાગે છે. અંદરના માર્ગે આગળ વધતાં, સૌ પ્રથમ ડાબા હાથે, શહરકી મસ્જીદ આવે છે. ચાંપાનેરનાં સ્થાપત્યો જોવા માટેની ટીકીટ અહીંથી લેવાની હોય છે. શહરકી મસ્જીદના બે ઉંચા પીલર બહારથી જ દેખાય છે. આ મસ્જીદની બાજુમાં માંડવી છે, જે કસ્ટમ હાઉસ તરીકે વપરાતું હતું. અંદર પુરાતત્વ ખાતાની ઓફિસ છે.

કિલ્લાની અંદર ગામ વસેલું છે. ગામને બીજે છેડે બહાર નીકળીએ ત્યાં જામી કે જુમા મસ્જીદ છે. ચાંપાનેરનાં ભવ્ય બાંધકામોમાંનું આ એક છે. તેનું પ્રવેશદ્વાર સુંદર કોતરકામવાળું છે. મસ્જીદ આગળ ૩૦ મીટર ઉંચા બે મિનારા છે, સુશોભિત જાળીઓ છે, અંદર ૧૭૨ થાંભલા છે, વચમાં મોટો ઘુમ્મટ છે.

એનાથી આગળ, કેડી માર્ગે અંદર કેવડા મસ્જીદ, નગીના મસ્જીદ અને અમીર મંજિલ છે. એ બાજુ આગળ, વડા તળાવ, ખજૂરી મસ્જીદ, કામાની મસ્જીદ વગેરે બાંધકામો છે. ચાંપાનેરના કિલ્લાને નવ દરવાજા છે. અંદર ફરીને આ બધું જોવા જઇ શકાય. ચાલવાનું પણ ઘણું થાય. પણ તમને પુરાણી ઈમારતો જોવાની મજા આવી જાય.

કિલ્લાની બહાર જૈન શ્વેતાંબર મંદિર છે. કિલ્લાની સામે પાવાગઢની ઉપર જવાનો રસ્તો પડે છે. આ રસ્તે માંચી સુધી બસ અને ગાડી જઇ શકે છે. પછી રોપ વેમાં અથવા પગથિયાં ચડીને પાવાગઢની ટોચે પહોંચાય છે. ત્યાં પ્રખ્યાત કાલિકા માતાનું મંદિર આવેલુ છે. પાવાગઢ પર પણ ઘણી જોવાલાયક જગાઓ છે.

અમે ચાંપાનેરની થોડી ઈમારતો જોઈ ગોધરા તરફ પાછા વળ્યા. અહીંની બધી ઈમારતો જોવી હોય તો એક આખો દિવસ ફાળવવો જોઈએ. પાવાગઢ માટે બીજો દિવસ અલગ.

1

4

6

8

9

12

13

14_killo

15

16

17

Advertisements