ગોળી રવૈયા, ભમરેચી માતા અને બાવકા

                                  ગોળી રવૈયા, ભમરેચી માતા અને બાવકા

મોટી ગોળીમાં દહીં ભરી, રવૈયાથી તેને વલોવીએ તો માખણ નીકળે, અને છેલ્લે છાશ વધે. શ્રીકૃષ્ણનાં માતા દેવકી, ગોકુલમાં આ રીતે માખણ તૈયાર કરતાં હતાં. આ બહુ જાણીતી કથા છે. પંચમહાલ જીલ્લાના પીપલોદ ગામથી સાતેક કી.મી. દૂર, ખડકાળ ડુંગરો વચ્ચે પત્થરની મોટી ગોળી અને તેમાં રવૈયો મૂકેલો હોય એવી એક રચના એક જગાએ કુદરતી રીતે જ ગોઠવાયેલી જોવા મળે છે. એથી એ જગા ગોળી રવૈયાના નામે ઓળખાય છે. આ જ પીપલોદ ગામ પાસે રણધીકપુર (શીંગવડ)માં ભમરેચી માતાનું જાણીતું મંદિર આવેલું છે. વળી, દાહોદની નજીક જેસાવડા ગામ આગળ બાવકામાં એક જૂનું પુરાણું ઐતિહાસિક શીવ મંદિર જોવા જેવું છે. અમે આ ત્રણ સ્થળો જોવાનો પ્લાન બનાવી એક દિવસ ગોધરાથી ગાડી લઈને નીકળી પડ્યા.

પહેલાં તો પીપલોદ પહોંચ્યા. ગોધરાથી પીપલોદ-દાહોદનો રસ્તો હવે તો સરસ હાઈવે બની ગયો છે. ગોધરાથી પીપલોદ ૨૯ કી.મી. દૂર છે. પીપલોદથી રેલ્વે ક્રોસીંગ અને માર્કેટીંગ યાર્ડ થઈને સાંકડા રસ્તે ગોળી રવૈયા તરફ ચાલ્યા. પીપલોદથી અમે એક ભોમિયો નામે રાકેશ સાથે લીધો હતો. તે બતાવે એ રસ્તે જ જવાનું હતું. ગુણા ગામ પસાર થયું. પીપલોદથી ચારેક કી.મી. ગયા હોઈશું, પછી ઢાળ ઉતરવાનો અને એક નદી આવી. પાણી છીછરું હતું. પણ નદી ઓળંગવાની હતી. મને જરા ડર લાગ્યો કે ગાડી નદીમાં ફસાઈ જશે તો? પણ રાકેશ કહે, ‘તમતમારે દોડાવો, હું બેઠો છું ને.’ અને મેં ગાડી ફર્સ્ટ ગીયરમાં નાખી, સડસડાટ નદી ઓળંગી કાઢી. આગળ રસ્તો કાચો અને ખાડાટેકરાવાળો હતો. બીજો ૧ કી.મી. ગયા પછી ગાડી ખેતરમાં મૂકી દેવી પડી. હવે ગાડી આગળ જઇ શકે એવો કોઈ ચાન્સ નહોતો. કોઈ રસ્તો જ નહોતો. ફક્ત નાનામોટા ખડકો જ હતા. ગોળી રવૈયા હજુ ૨ કી.મી. દૂર હતું. અમે ચાલવા માંડ્યું. પેલી નદીના કિનારે ખડકોમાં માંડ માંડ પગ ગોઠવતા અડધો કી.મી. જેટલું તો ગયા. પછી તો આડાઅવળા ખડકોવાળા ડુંગરો જ દેખાતા હતા. હવે તો ચાલીને જવાય એવું પણ લાગતું ન હતું. માત્ર રાજ એકલો જ રાકેશ જોડે જવા તૈયાર થયો. બાકીના અમે બધા અહીં પથરા પર બેસી ગયા. રાજ અને રાકેશ ખડકોમાં ચડીને છેક ગોળી રવૈયા પહોંચ્યા. ત્યાં તેમણે ફોટા પડ્યા અને લગભગ એક કલાકે તેઓ પાછા આવ્યા. તેમણે પણ ગોળી કે રવૈયાના આકારવાળો કોઈ ખાસ પત્થર જોવા ના મળ્યો. અહીં સરકારે ગોળી રવૈયાની સાચી જગા શોધી, ત્યાં જવા માટે કેડી માર્ગ તો બનાવવો જોઈએ, કે જેથી પ્રવાસીઓ તે જોવા જઇ શકે. ગોળી રવૈયા વિશેની જાણકારી અમને વર્ષો પહેલાં પીપલોદથી જ મળી હતી.

અમે પાછા વળ્યા, ત્યારે રસ્તામાં અહીંના સ્થાનિક લોકો મળ્યા. તેઓએ વાતવાતમાં કહ્યું કે, ‘ગોળી રવૈયા આગળ હમણાં વાઘણ વિઆઈ છે, તેણે બચ્ચાં મૂક્યાં છે.’ ત્યારે થયું કે રાકેશ અને રાજને વાઘણનો ભેટો થયો હોત તો શું થાત? કદાચ પહેલેથી આવી ખબર પડી હોત તો કોઈ ત્યાં જાત જ નહિ. ગાડીમાં બેસી, ખાડા, નદી અને ઢાળ ચડાવી એ જ રસ્તે પીપલોદ પાછા આવ્યા.

પીપલોદથી ૧૮ કી.મી. કાપીને રણધીકપુર ગયા. રસ્તો છેક સુધી સારો છે. રણધીકપુર ગામને છેડે કબૂતરી નદીને કિનારે ભમરેચી માતાનું મંદિર છે. મંદિર સરસ છે. મંદિરમાં દર્શન કર્યાં, અંદર એક ગુફા છે. કહે છે કે અહીં ભમરા બહુ જ હતા, એટલે માતાજીનું નામ ભમરેચી માતા પડ્યું છે. નદીને બેઉ કિનારે ખૂબ જ ઉંચા ડુંગરો છે. એક શિવમંદિર પણ છે. અહીંનો કુદરતી નજરો ગમે એવો છે. અમે જમવાનું ઘેરથી લઈને આવ્યા હતા, તે અહીં જ પતાવ્યું.

પછી પીપલોદ પાછા, અને હાઈવે પર ગાડી દોડાવી દાહોદ તરફ. પીપલોદથી દાહોદ ૪૭ કી.મી. દૂર છે. દાહોદ મોટું શહેર છે. દાહોદના રતલામી સેવભંડારની કચોરી બહુ વખણાય છે. તો થયું કે ચાલો કચોરી ખાતા જઈએ. ત્યાં જઇ કચોરી ખાધી, મજા આવી ગઈ.

અમારે બાવકા જવું હતું. દાહોદથી જેસાવડાના રસ્તે બાવકા ૧૧ કી.મી. દૂર છે. ગામડાં વટાવતા અમે બાવકા પહોંચ્યા. રસ્તો સરસ છે. પૂછીપૂછીને પુરાણું શીવમંદિર શોધી કાઢ્યું. ગામને છેડે ઉંચાઇ પર આવેલું છે. મંદિરની બધી બાજુ વાડ કરીને તેને સુરક્ષિત બનાવ્યું છે. મંદિર પત્થરનું બનેલું છે. કહે છે કે એક દેવદાસીએ આ મંદિર બંધાવ્યું હતું. મહમદ ગઝની ભારત પર ચડી આવ્યો ત્યારે તેણે આ મંદિરનો ઉપરનો ભાગ તોડી પાડ્યો હતો. બાકીના અવશેષો બચેલા છે. દિવાલો અને થાંભલાઓ પરનું શિલ્પકામ કલાત્મક છે. પત્થરોમાં કંડારેલાં દેવીદેવતાઓ, હાથી, માનવયુગલો, ઘટનાઓ વગેરે કોતરણી જોવા જેવી છે. તે મોઢેરા અને ખાજુરાહોની યાદ અપાવે છે. મંદિરની આજુબાજુ, મંદિરના તૂટેલા પત્થરો વિખરાયેલા પડ્યા છે. કેટલાંય સ્ટેચ્યુ અને પત્થરો ચોરાઈ ગયા છે. મંદિરની બાજુમાં એક તળાવ છે. માહોલ બહુ જ સરસ છે. મંદિરના ઓટલે બેસવાનું ગમે એવું છે. આજુબાજુનો ખુલ્લો વિસ્તાર મંદિરની શોભામાં વધારો કરે છે. ભારતીય પુરાતત્વ ખાતાએ બાવકાને રક્ષિત સ્મારક જાહેર કર્યું છે. આ મંદિરને ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવાય એવું છે. અહીં એક ચોકીદાર રાખેલો છે.

બાવકા મંદિર જોઇને, આપણો ભવ્ય ભૂતકાળ મનમાં તાજો થયો. એક વાર તો આ જગા જોવા આવવું જોઈએ. અહીંથી અમે જેસાવડા થઈને દાહોદ પરત ફર્યા, અને ગાડી દોડાવી ગોધરા તરફ. અંધારું પડતામાં તો ગોધરા પહોંચી ગયા.

1

8

16

1

2

1.jpg

3

10

11

Advertisements