ચિત્તોડ ગઢ

                                 ચિત્તોડ ગઢ

ભારતના અનેક કિલ્લાઓની જેમ, ચિત્તોડ ગઢનો કિલ્લો પણ આપણા ઈતિહાસની ગૌરવગાથાના સાક્ષી સમો ઉભો છે. ચિત્તોડ એ રાજસ્થાનના મેવાડ પ્રદેશની રાજધાની હતી. આ કિલ્લો ચિત્તોડમાં એક ટેકરી પર આશરે ૫ કી.મી લંબાઈ અને પોણો કી.મી. જેટલી પહોળાઈમાં પથરાયેલો છે. સ્થાપત્યની દ્રષ્ટિએ તે એકદમ નિરાળો છે. ભારત સરકારનું પુરાતત્વ ખાતું હાલ તેની સુરક્ષા કરે છે.

આ કિલ્લો મૌર્ય રાજા ચિત્રાંગે બંધાવેલો. મહારાણા કુંભાએ પંદરમી સદીમાં તેનો જીર્ણોધ્ધાર કર્યો. કિલ્લામાં રાણા કુંભાનો મહેલ છે. તેઓ અહીં ભવ્ય જિંદગી જીવ્યા હતા. ચિત્તોડ, નાથદ્વારાથી ૧૦૭ કી.મી. અને ઉદયપુરથી ૧૧૭ કી.મી. દૂર છે.

અમે નાથદ્વારા ગયા ત્યારે ચિત્તોડનો આ કિલ્લો જોવાનો પ્લાન બનાવી દીધો. નાથદ્વારાથી નીકળી માવલી અને કપાસન થઈને અમે ચિત્તોડ પહોંચ્યા. ટેકરી પરનો કિલ્લો દૂરથી જ દેખાય છે. ચિત્તોડ શહેર નાનું અને સાફસુથરું છે. રસ્તાઓ ઘણા સારા છે. વિનાયક નામના રેસ્ટોરન્ટ આગળ ઉભા રહી, નાસ્તામાં કચોરી ખાધી. બહુ જ ટેસ્ટી હતી.

ચિત્તોડગાઢની ટેકરી પર ચડવા માટે પાકો ઢાળવાળો રસ્તો છે. ચડવાની શરૂઆતથી જ કિલ્લાનો કોટ શરુ થઇ જાય છે. કોટની રાંગે કલાત્મક કાંગરા તથા છિદ્રો છે. એ જમાનામાં દરેક છિદ્ર આગળ એક એક સૈનિક ખડે પગે ઉભો રહેતો હતો. અમારો ડ્રાઈવર કમ ગાઈડ માધવસેન અમને બધી માહિતી આપતો જતો હતો. ઉપર જતાં એક પછી એક એમ સાત પોળ કે ગેટ આવે છે. પહેલી પાંડાલ પોળ, બીજી પોળ, ત્રીજી હનુમાન પોળ, ચોથી જોરલા પોળ, પાંચમી લક્ષ્મણ પોળ, છઠ્ઠી રામ પોળ અને સાતમી છેલ્લી બડી પોળ છે. રામ પોળ આગળ ગણેશ મંદિર અને તિજોરી છે. રાજાઓ ધન, આ તિજોરીમાં રાખતા. પોળોની વચ્ચે વચ્ચે લોકોનાં રહેઠાણો આવે છે. ઘણા લોકો અહીં કિલ્લામાં રહે છે.

સાતે પોળ વટાવીને આપણે ઉપર કિલ્લાના ખુલ્લા વિસ્તારમાં પહોંચી જઈએ છીએ. ઉપર ઘણાં બાંધકામો છે. ટીકીટ લઈને આપણે કિલ્લામાં આગળ વધીએ છીએ. પહેલાં તો એક પ્રાચીન જૈન મંદિર આવે છે. ત્યાર બાદ પ્રખ્યાત મીરાં મંદિર છે. મીરાંબાઈ અહીં તેમના ઇષ્ટદેવ ગિરિધર ગોપાલની ભક્તિ કરતાં હતાં. આ મંદિરના કેમ્પસમાં જ પત્થરનું બનેલું એક બહુ મોટું મંદિર છે. આ બધો વિસ્તાર રાધાવિહાર કહેવાય છે.

આગળ જતાં વિજયસ્તંભ આવે છે. કિલ્લાનું આ ભવ્ય અને અગત્યનું સ્થાપત્ય છે. આ એક વિજય સ્મારક છે. રાણા કુંભાએ મહમદ ખીલજી અને ગુજરાતના લશ્કર સામેના વિજયના પ્રતિક સ્વરૂપે આ સ્તંભ, ઈ.સ. ૧૪૪૦ થી ૧૪૪૮ દરમ્યાન બંધાવેલો. બાંધકામ ચૂનાના પત્થરનું છે. સ્તંભને નવ માળ છે. કુલ ઉંચાઇ ૩૭ મીટર તથા તેના પાયાનો ઘેરાવો ૧૦ મીટર છે. બહારની કલાકારીગરી અને ઝરૂખા સરસ દેખાય છે. આ વિસ્તારમાં ફરવાની મજા આવે એવું છે. બાજુમાં ગૌકુંડ અને હાથીકુંડ છે. વાંદરા તો અહીં ઠેર ઠેર જોવા મળે છે. સામે એક તૂટેલો મહેલ દેખાય છે. વિજયસ્તંભ તમારે ફિલ્મમાં જોવો હોય તો ‘ગાઈડ’ ફિલ્મનું ‘કાંટો સે ખીંચ કે યે આંચલ……’ જોઈ લેજો.

આગળ જતાં કાલિકા માતાજીનું મદિર આવે છે. આઠમી સદીનું આ મંદિર પત્થરોનું બનેલું છે. એના પછી રાણી પદ્મિનીનો મહેલ છે. આ મહેલ બહુ જાણીતો છે. દાખલ થયા પછી, બગીચાઓ છે, પછી થોડી રૂમોના અવશેષો છે. તેમાં ઝરૂખાઓ, વોશ રૂમ, નાચગાનના રૂમ, આયનારૂમ એવું બધું છે. આયનારૂમમાં ત્રણચાર મોટા અરીસા મૂકેલા છે. પદ્મિનીના મહેલની બાજુમાં કમળતળાવ નામનું એક તળાવ છે. તળાવની વચમાં બીજો નાનો મહેલ છે. એ મહેલ આયનારૂમની બારીમાંથી દેખાય છે.

આયનારૂમને લગતી વાર્તા કંઇક આ પ્રકારની છે. પદ્મિની એ ચિત્તોડના રાજા રાવળ રત્નસિંહની રૂપાળી મહારાણી હતી. તે હિંમતવાન અને ગૌરવવંતી નારી હતી. દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ પદ્મિનીના રૂપ વિષે સાંભળ્યું હતું. તેણે અહીં આવી, રત્નસિંહ પાસે પદ્મિનીને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પદ્મિનીએ તેની સમક્ષ આવવાની ના પાડી, ત્યારે પદ્મિનીને કમળતળાવના મહેલનાં પગથિયાં પર બેસાડી, તેનું આયનારૂમના અરીસામાં પડતું પ્રતિબિંબ, અલ્લાઉદ્દીન ખીલજીને બતાવવામાં આવ્યું હતું. પછીથી, અલ્લાઉદ્દીન પદ્મિનીને મેળવવા, યુદ્ધ કરીને વિજયી થયો, પણ પદ્મિનીએ અલ્લાઉદ્દીનને તાબે ન થઈને સતી થવાનું પસંદ કર્યું હતું.

પદ્મિનીનો મહેલ જોઇને પાછા વળી, અમે જોડેના બીજા રસ્તે આગળ વધ્યા. વચ્ચે, બાંધકામ અધૂરું છોડી દીધું હોય, એવું એક મંદિર છે. રસ્તાની બાજુમાં એક પછી એક થાંભલા આવે છે. અહીં દરેક થાંભલા આગળ લાલટેન લઈને સૈનિક ઉભા રહેતા.

આગળ, કિલ્લાના એક ગેટમાંથી નીચે વિશાળ મેદાન દેખાય છે. આ યુદ્ધમેદાન હતું. અહીં નીચે તરફ એકદમ સીધો ઢાળ છે. આ ઢાળ ચડીને લશ્કર ઉપર આવી શકે જ નહિ.

થોડું આગળ ગયા પછી એક શીવમંદિર આવે છે. એના પછી એક જૈન મંદિર છે. આ મંદિર પહેલા તીર્થંકર શ્રીઆદિનાથ ભગવાનને સમર્પિત છે. આ મંદિરની બાજુમાં જ કીર્તિસ્તંભ છે. એક જૈન વેપારીએ જૈન ધર્મની મહત્તા દર્શાવવા, બારમી સદીમાં આ સ્તંભ બંધાવેલો. તે સાત માળનો છે. તેની ઉંચાઈ ૨૨ મીટર છે.

કિલ્લામાં બીજાં નાનાં બાંધકામો ઘણાં છે. અમે કીર્તિસ્તંભ જોઇને, મૂળ રસ્તે કિલ્લામાંથી બહાર આવ્યા, અને ચિત્તોડ નગરમાં થઈને નાથદ્વારા તરફ પાછા વળ્યા. ભારતના ગૌરવ સમો આ કિલ્લો એક વાર જરૂર જોવા જેવો છે.

1b

2g

2h

3d

5b

6a

6e

9a

9f

Advertisements