જીવનમાં પૈસાનું મહત્વ કેટલું?
આપણે પૈસાને લગતી ઘણી કહેવતો સાંભળી છે, જેવી કે ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ’, ‘પૈસો બોલે છે’, ‘નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ’ વગેરે. આ બધી કહેવતો જીવનમાં પૈસાનું મહત્વ દર્શાવે છે. પણ જીવનમાં શું ફક્ત પૈસો જ મહત્વનો છે? મારો જવાબ છે, ‘ના’. જીવનમાં પૈસો અગત્યનો ખરો, પણ પૈસો જ સર્વસ્વ છે, એવું નથી. પૈસા એકલાથી બધું જ પ્રાપ્ત થાય નહિ. અહીં આ બાબતે વિગતે વાત કરીશું.
પૈસાની જરૂર શા માટે છે, તેની પહેલાં વાત કરીએ. માણસની મુખ્ય જરૂરિયાતો ખોરાક, કપડાં અને રહેવાનું મકાન, એ માટે પૈસાની જરૂર પડે છે. શિક્ષણ, આરોગ્ય અને હરવાફરવા માટે પણ પૈસા જ જોઈએ. વાહનખરીદી, મોજશોખ વગેરે પૈસાથી જ થાય. આ સિવાય બીજી ઘણી ચીજો જેવી કે ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, ઓવન, એસી, ડાયનીંગ ટેબલ, સોફા કોમ્પ્યુટર, મોબાઈલ….અરે આજે એટલી બધી ચીજો ઉપલબ્ધ છે કે ઢગલો પૈસા પણ ઓછા પડે. લોકો આજે લગ્નપ્રસંગે પણ અઢળક પૈસા વાપરે છે. આમ, પૈસાની જરૂરિયાત એટલી બધી છે કે ના પૂછો વાત. વળી, ખર્ચ ઉપરાંત, બચત કરવી પણ જરૂરી છે કે જેથી આકસ્મિક સંજોગોમાં કે માંદગી વખતે કામ આવે. આ બધાં કારણોસર પૈસા તો કમાવા જ પડે, અને કમાવા જોઈએ જ.
આર્થિક રીતે જોઈએ તો, આપણા સમાજમાં ત્રણ પ્રકારના લોકો છે, ગરીબ, મધ્યમ અને પૈસાદાર. જે ગરીબ લોકોની આવક ઓછી છે, અથવા તો ઉપર જણાવી તેવી બધી જરૂરિયાતો સંતોષાય એટલું નથી કમાતા, તેવા લોકો માટે તો પૈસો કમાવો એ જ જીવનનું ધ્યેય બની જાય છે, અને આખી જિંદગી સુધી કમાયા જ કરવું પડે છે. એવા લોકોને આરામ, આનંદપ્રમોદ કે શોખ પૂરા કરવાનો ટાઈમ કે મોકો મળતો નથી. મધ્યમ વર્ગના લોકો કમાઈને સુખેથી જીવી શકે છે. પોતાના શોખ પણ મહદઅંશે પૂરા કરી શકે છે. પણ તેઓ અઢળક સંપત્તિ ભેગી નથી કરી શકતા.
પણ… જે અમીર લોકો છે, તેઓની વાત કંઇક અલગ જ છે. તેઓ પોતાની જરૂરિયાતો કરતાં ઘણું વધારે કમાય છે. કેટલાક સુપર અમીર લોકો તો એટલું બધું કમાય છે કેતેમની પેઢીઓની પેઢીઓ ખાય તો ય ધન વધે. આમાંના ઘણા લોકો પોતાનું થોડુક ધન ક્યારેક બીજાઓ માટે પણ વાપરે છે, જેમ કે ગરીબોને મદદ, સંસ્થાઓમાં દાન, મંદિરોમાં ધર્માદા વગેરે. આ એક સારી વાત છે. આમ છતાં, આ પ્રકારના લોકો ધન ભેગું કરવાનું સતત ચાલુ રાખે છે. તેઓ પૈસાને જમીનો, મકાનો, શેર, હોટેલો વગેરેમાં રોકી સંપત્તિમાં વધારો કર્યે જ રાખે છે. તેઓને ધન ભેગું કરવાની લાયમાં આનંદ માણવા, શોખ પૂરા કરવા કે ફરવા જવાનો ય ટાઈમ હોતો નથી. જો ભેગા કરેલા પૈસા, વાપરવાનો ય સમય ના હોય તો એ પૈસા કોના માટે ભેગા કરવાના? વારસદારો માટે? ક્યારેક વારસદાર પૈસા વેડફી નાખે, ક્યારેક તે સાચવીને મૂકી રાખે અને તેની પછીની પેઢીને આપતો જાય, આમ પેઢી દર પેઢી પૈસા સચવાયા કરે, પણ તો એ પૈસા વાપરે કોણ?
એક શેઠની વાત કરું. તેઓએ આખી જિંદગી સુધી ધંધો કરીને ધન એકઠું કર્યે રાખ્યું. પત્ની મરી ગઈ. પુત્ર હતો નહિ. એક ખાસ વિશ્વાસુ નોકર તેમનું બધું કામ કરતો હતો. શેઠના મરી ગયા પછી, બધી દોલત એ નોકરને મળી, ત્યારે એ બોલ્યો, ‘શેઠ આખી જિંદગી મારા માટે કમાયા.’
હા, માણસે જરૂર પૂરતું કમાવું જોઈએ, સારી એવી બચત પણ કરવી જોઈએ. પણ અઢળક પૈસાનો મોહ રાખીને, પૈસા પાછળ પાગલ થઇ જવું એ બરાબર નથી. તમે જુઓ કે પૈસો બધે જ કામ નથી લાગતો. કોઈને શરીરમાં કોઈ અસાધ્ય રોગ પેસી ગયો હોય, ત્યારે ગમે એટલા પૈસા ખર્ચી કાઢો તો પણ રોગ ના મટે એવું બને. પાસે પૈસા ઘણા હોય પણ ઘરમાં પત્ની કર્કશા હોય કે પુત્ર ઉડાઉ અને નશાબાજ હોય, ઘરમાં રોજ કકળાટ થતો હોય તો સુખ ક્યાં? પૈસા બધું સુખ નથી આપી શકતા.
અત્યારે મોટા ભાગના લોકોનું ધ્યેય ફક્ત પૈસો ભેગો કરવા તરફ જ હોય છે. ભણવા માટે કઈ લાઈન લેવી, એ નક્કી કરતી વખતે પણ લોકો ‘શેમાં વધુ પૈસા મળશે’ એ જ વિચારે છે. માબાપ પણ પુત્ર/પુત્રીને, ભણીને વધુ કમાવાય એવી લાઈનમાં એડમીશન લેવાનું કહેતાં હોય છે. કોઈ એવું નથી વિચારતું કે ‘મને શેમાં વધુ રસ છે, કઈ લાઈનમાં ભણવાનું મને વધુ ગમે છે?’ જીવન આખું આજે પૈસાલક્ષી બની ગયું છે. આ યોગ્ય નથી.
જીવનમાં સુખ, સંતોષ અને આનંદ મળે એ અગત્યનું છે. મગજ હમેશાં પ્રફુલિત રહેતું હોય, મગજ પર કોઈ જાતનું ટેન્શન ના હોય, પૈસા હોય કે ના હોય તો પણ દિવસ આખો આનંદમાં પસાર થતો હોય એ વધુ મહત્વનું છે. કુટુંબીઓ, સગાઓ અને સમાજમાં લોકો સાથે સારા, લાગણીભર્યા અને હુંફાળા સંબંધો હોય તો જિંદગી જીવવામાં બહુ જ મજા આવે. કોઈકને કંઇક મદદ કરીને તેના ચહેરા પર સ્મિત લાવો, તેનાથી ઉત્તમ કશું જ નથી. કોઈકને ત્રણ પ્રકારે મદદ કરી શકાય, તેના માટે પૈસા ખર્ચીને, તેનું કોઈક કામ કરી આપીને કે તેને માટે સમય ફાળવીને. જીવનમાં આ બધી બાબતો બહુ મહત્વની છે. પૈસા ઘણા હોય પણ બોલવાચાલવામાં નમ્રતા ના હોય, મન અહંકારથી ભરેલું હોય તો લોકો તમારા તરફ આકર્ષાતા નથી.
ટૂંકમાં પૈસાથી બધું મળતું નથી. તમે સમજદારીપૂર્વક વિચારીને શોધી કાઢો કે તમારા માટે સાચું સુખ શેમાં છે? અને એ રીતે જીવવાનું શરુ કરી દો.