સુંધામાતાના પ્રવાસે

                                      સુંધામાતાના પ્રવાસે

ઘણી વાર સેવેલાં સપનાંને સાચાં પડતાં બહુ વાર લાગતી હોય છે. સુંધામાતા ફરવા જવાની બાબતમાં અમારે એવું જ થયું. પાંચેક વર્ષથી સુંધામાતા વિષે સાંભળ્યું હતું, માહિતી ભેગી કરી રાખેલી હતી. પણ જવાનો મેળ જ પડતો ન હતો. પણ એક વાર જાણે કે માતાજીનો આદેશ થયો હોય એમ, સુંધામાતા જવાનું ગોઠવાઈ ગયું. કુલ ૧૭ જણ આવવા માટે તૈયાર થઇ ગયા. અમે ૨૦ સીટની બસ ભાડે કરી લીધી.

સુંધામાતાનું મંદિર બહુ જ જાણીતું છે. તે રાજસ્થાનમાં રાનીવારાની નજીક સુંધા પર્વતની ટેકરીઓમાં વસેલું છે. અમદાવાદથી મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, રેવદર અને જસવંતપુરાના રસ્તે તે ૨૭૦ કી.મી. દૂર છે. પાલનપુર પછી દાંતીવાડા, કુચાવાડા, પાંથાવાડા, ગુંદરી અને રાનીવારાના રસ્તે જઈએ તો અંતર થોડું ઓછું થાય છે. અમે આ ટૂંકો રસ્તો પસંદ કર્યો.

અમદાવાદથી નીકળી, વચમાં એક જગાએ ચા અને ભજીયાંને ન્યાય આપ્યો. સવારનો પહેલો નાસ્તો તો ખૂબ વહાલો લાગે. દાંતીવાડા ગામથી માત્ર ૧ કી.મી.ના અંતરે બનાસ નદી પર ડેમ બાંધેલો છે. અમે એ ડેમ જોઈ આવ્યા. અત્યારે ડેમમાં પાણી ઘણું ઓછું હતું. જો ચોમાસામાં અહીં આવ્યા હોઈએ તો જાણે કે સાગર લહેરાતો હોય એવું લાગે. એટલું મોટું રીઝર્વોયર છે.

ગુંદરી આગળથી રાજસ્થાનની સરહદ શરુ થાય છે. એટલે અહીં ચેકપોસ્ટ છે. અહીં ટેક્સના પૈસા ભરી આગળ ચાલ્યા. રસ્તો થોડો ખરાબ છે, પણ ચાલે એવો છે. થોડો ડુંગરાળ પ્રદેશ છે. રાનીવારા થઈને અમે લગભગ ચાર વાગે સુંધામાતા પહોંચ્યા. સુંધામાતાની ટેકરીઓ દૂરથી જ દેખાતી હતી. સુંધામાતા ગામમાં અને આજુબાજુ, રહેવા માટે રીસોર્ટ તથા હોટલો છે. અમને આવી બે ત્રણ હોટલો નજરે પડી. સુંધામાતા ડુંગર પર ચડવાના પ્રવેશદ્વાર આગળ પહોંચ્યા. અહીં બસો તથા ગાડીઓ મૂકવા માટે વિશાળ પાર્કીંગ છે, ચા પાણીની દુકાનો છે. પ્રવેશદ્વાર ભવ્ય છે. પ્રવેશદ્વારમાં પેઠા પછી, ડુંગર પર ચડવા માટેનાં પગથિયાં શરુ થાય છે. કુલ ૫૭૦ જેટલાં પગથિયાં છે. ઉપર જવા માટે રોપવેની પણ સગવડ છે. પગથિયાંની બાજુમાં જ રોપવેનું સ્ટેશન છે.

કમનસીબે આજે રોપવે બંધ હતો. રીપેરીંગ ચાલતુ હતું. હવે? પગથિયાં ચડીને ઉપર જવાની બધામાં તાકાત નહોતી. લગભગ અમે બધા જ સીનીયર સીટીઝન હતા. અહીં ડોળીવાળા હતા. તેઓ ડોળીમાં બેસાડીને ઉપર લઇ જવા તૈયાર હતા. પણ અમને આ બહુ ગમતું ન હતું. બીજા માણસ પાસે આપણી જાત ઉંચકાવવી અને તેને કષ્ટ આપવું, એ બરાબર નહોતુ લાગતું. પણ બીજો કોઈ રસ્તો ન હતો. આટલે સુધી આવ્યા છીએ, તો માતાજીનાં દર્શન કર્યાં વગર પાછા કઈ રીતે જવાય? છેવટે નાછૂટકે ડોળીમાં જવાનું સ્વીકારવુ પડ્યું. જેઓમાં તાકાત હતી, તેઓ તો પગથિયાં ચડવા માંડ્યા. મોટા ભાગના અમે, ડોળીમાં ઉપર ગયા. સામાન ઉંચકવા માટે પણ મજૂર કરી લીધા.

પગથિયાં સારાં બનાવ્યાં છે, એટલે તકલીફ ઓછી પડે એવું છે. પગથિયાંવાળા રસ્તાની બંને બાજુ ડુંગરની પથરાળ કરાડો જ છે. એક બાજુ પત્થરોમાં થઈને એક ઝરણું, ઉપરથી નીચે સુધી વહે છે. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે આ ઝરણું ઘણી જગાએ ધોધરૂપે પડતું દેખાય. એ દ્રશ્ય જોવાની મજા આવી જાય. એવે વખતે કોક જગાએ ધોધમાં નહાવા પણ જઇ શકાય. રોપ વેમાં ઉપર જવાનો આનંદ અદભૂત છે. અત્યારે રોપવે બંધ હતો, એટલે પ્રવાશીઓની સંખ્યા ઓછી હતી. ચૌદસ અને પૂનમે, માતાજીનો મહિમા ઘણો વધારે છે, એટલે તે દિવસોમાં તો અહીં પુષ્કળ ગિરદી થાય છે. નીચે તળેટીમાંથી પર્વતનો રાત્રિનો નજારો બહુ જ ભવ્ય લાગે છે.

ડુંગર પર રહેવા માટે ઘણી ધર્મશાળાઓ છે. અમે એક ધર્મશાળામાં રૂમો રાખી લીધી, અને રૂમોમાં ગોઠવાયા. હાશ! ધર્મશાળા સરસ અને ચોખ્ખાઈવાળી હતી. હવે, મુખ્ય તો અમે માતાજીનાં દર્શન માટે જ આવ્યા હતા. હાથમોં ધોઈ, જરા તાજા થઇ દર્શન કરવા નીકળ્યા. સાંજના સાત વાગ્યા હતા. માતાજીની આરતી શરુ થઇ હતી, તેનો મધુર અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. વાતાવરણ બહુ જ પવિત્ર લાગતુ હતું. અમે દસેક મીનીટ જેટલું ચાલીને મંદિરે પહોંચ્યા.

મંદિર બહારથી ઘણુ જ સરસ દેખાતું હતું. પર્વતના ઢોળાવ પર, આરસમાંથી કંડારેલા મંદિરનું સ્થાપ્ય અદભૂત લાગતું હતું. આશરે ૭૦ પગથિયાં ચડી, અમે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા. આરતી ચાલુ જ હતી. ઘણા ભક્તો અહીં દર્શનાર્થે ઉભા હતા. ચૌદસ પૂનમે તો અહીં લાંબી લાઈન લાગેલી હોય.

સુંધામાતા એ ચામુંડા માતા જ છે. માતાજીની મૂર્તિ અંદર ઉંડે ડુંગરના પત્થરોની ગુફામાં છે. મંદિરનું બધું જ બાંધકામ આરસનું છે. ખુલ્લા દેખાતા પત્થરોને પણ સફેદ રંગથી રંગીને શોભા વધારી છે. ક્યાંય ગંદકી કે ધૂળ નથી. ગર્ભગૃહમાં, માતાજીની મૂર્તિની સામે શીવજીની મૂર્તિ છે. આરતી પૂરી થયા પછી, ગુફામાં છેક, માતાજીની મૂર્તિ સુધી, જવા દે છે. અમે અંદર જઇ માતાજીનાં દર્શન કર્યાં. માતાજીની મૂર્તિમાંથી આપણા પર આશીર્વાદ વરસતા હોય એવું અનુભવ થાય છે. દર્શન કરીને પરમ આનંદ અને સંતોષ થયો. થાક ઉતરી ગયો. પછી બહાર આવી ચોગાનમાં થોડું બેઠા.

માતાજીના મંદિરની સામે જ ભોજનશાળા છે. અહીં દર્શને આવતા તમામ યાત્રીઓને રૂ! ૧૦ની નજીવી રકમમાં જમવાની વ્યવસ્થા છે. ચોખ્ખાઈ સારી છે. અમે અહીં જમીને અમારી ધર્મશાળાએ પહોંચ્યા. ઠંડી ખૂબ હતી, છતાં બધા મિત્રો હોલમાં થોડો સમય બેઠા, વાતો અને હાઉસીની રમતમાં મજા આવી ગઈ. પછી તો રૂમમાં જઇ નિદ્રાદેવીને શરણે થયા, તે વહેલી પડે સવાર.

અને સવાર વહેલી જ પડી. સવારનાં દર્શન કરી, અમારે પાછુ નીકળવાનુ હતું. એટલે ઝટપટ નહાવા ધોવાનું પતાવી બહાર નીકળ્યા. એક દુકાને ચા પીધી તથા અમે સાથે લાવેલો નાસ્તો કર્યો. પછી માતાજીનાં દર્શન કર્યાં. ગુફામાંની મૂર્તિ સામે થોડી વાર બેઠા. માતાજીની કૃપા પામીને પાછા આવ્યા, અને બધું પેક અપ કરીને નીકળી પડ્યા. ઘણા લોકોએ ઉતરવામાં પણ ડોળી કરી. નીચે આવી, અમારી બસમાં બેઠા.

પાછા આવવા માટે અમે જસવંતપુરા, રેવધર આબુ રોડવાળો રસ્તો પસંદ કર્યો. કારણ કે આ તરફ આવેલાં પાવાપુરી જૈનતીર્થ અને અંબાજીના દર્શને જવાનો પ્લાન હતો. રેવધરથી થોડું ફંટાઈને અમે પાવાપુરી પહોંચ્યા. પાવાપુરી જૈનતીર્થ એ જૈનોનું મહત્વનું ધાર્મિક સ્થળ છે. મંદિરનું પ્રવેશદ્વાર ખૂબ જ મોટું અને ભવ્ય છે. અંદર આખું સંકુલ ખૂબ જ વિશાળ છે. મુખ્ય મંદિર ઉપરાંત જલમંદિર, રહેવાના આવાસો, ભોજનશાળા, ગૌશાળા તથા અનેક બાંધકામો છે. ભોજનશાળામાં સાત્વિક જમવાનું મળે છે. આખો વિસ્તાર બાગબગીચાથી શોભે છે. અહીં એક ખાસ આકર્ષણ ગાયોના જીવનને લગતું જોવા મળે છે. ઠેર ઠેર ગાયોનાં સ્ટેચ્યુ બનાવીને મૂકેલાં છે. જેવાં કે ગાયોને ચરાવવા લઇ જતો ગોવાળ, મટકીમાંના દહીંને વલોવતી સ્ત્રી, ગાયને ધાવતું વાછરડું, બળદથી ચાલતો રેંટ, બળદગાડું વગેરે. આ બધું જોવાનું ગમે એવું છે. અહીં બેટરીથી ચાલતી ખુલ્લી ગાડીમાં બેસીને આખા સંકુલમાં ફરવાની વ્યવસ્થા છે. અમે એમાં આખું સંકુલ જોયું.

આ બધું જોઈ, માણીને અને જમીને અમે બહાર આવ્યા અને આબુ રોડ થઈને અંબાજી પહોંચ્યા. આબુરોડ અને અંબાજી વચ્ચે ગુજરાતની સરહદનું ચેકપોસ્ટ આવે છે. અંબાજીના રસ્તે આસપાસ ગાઢ જંગલો છે. અંબાજી પહોચ્યા ત્યારે સાડાચાર વાગ્યા હતા. દર્શન છેક સાડા છ વાગે થવાનાં હતાં. એટલો બધો ટાઇમ બેસી રહેવાનું યોગ્ય લાગ્યું નહિ, એટલે અમે અમદાવાદ તરફ પ્રયાણ શરુ કર્યું, અને ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ, ચિલોડા, ગાંધીનગર થઇ અમદાવાદ પહોંચ્યા. વચમાં પ્રાંતિજ આગળ ભોજન લીધું.

પ્રવાસ ઘણો જ સરસ રહ્યો. બધા મિત્રોનો સહકાર ખૂબ જ સારો રહ્યો. બે દિવસ ખૂબ જ મજા કરી. છેલ્લે  બધાનો એક જ સૂર હતો, ‘હવે બીજો પ્રવાસ ક્યારે?’……

img_2184

img_2187

img_2189

img_2194

1_sundha-enterance-gate

2_sundha-mata

img_2223

6_sundha-mata

img_2222

img_2216

img_2235