બેંગ્લોર પેલેસ
બેંગ્લોરનો પ્રખ્યાત મહેલ માયસોરના વડીયાર રાજાની માલિકીનો છે. આ એક સરસ જોવાલાયક સ્થળ છે. મહેલનો દેખાવ અને આગળના ભવ્ય બગીચા જોઇને ટુરિસ્ટો ખુશ થઇ જાય છે. અહીં મુલાકાતીઓને, રાજાના તે જમાનાના રથ પર સવારી કરાવીને બગીચામાં ફેરવે છે, તમે જાણે કે થોડી ક્ષણોના રાજા હો એવો અનુભવ થાય છે, બહુ જ રોમાંચક ! આ રથને ઘોડા જોડેલા હોય છે. દક્ષિણની ઘણી ફિલ્મોનાં શુટીંગ અહીં થયેલાં છે.
કહે છે કે માયસોરના મહારાજા ચામરાજેન્દ્ર વડીયાર ઇંગ્લેન્ડ ગયા, ત્યારે ત્યાંના વિન્ડસર કિલ્લાને જોઈ ખુશ થઇ ગયા, અને તેમને બેંગલોરમાં એવો મહેલ બાંધવાની પ્રેરણા મળી. આ મહેલ જે. ગેરેટ નામના એક અંગ્રેજ શિક્ષકે ૪૨૦૦ ચો.મી. (૪૫૦૦૦ ચો. ફીટ) જમીન પર બાંધ્યો હતો. બેંગ્લોરની સેન્ટ્રલ હાઈ સ્કુલના તે પહેલા પ્રીન્સીપાલ હતા. અત્યારે ત્યાં સેન્ટ્રલ કોલેજ છે. મહેલનું બાંધકામ ૧૮૬૨માં શરુ થયું હતું, અને ૧૯૪૪માં પૂરું થયું હતું. ૧૮૭૩માં આ મહેલ ચામરાજેન્દ્ર વડીયારે ૪૦,૦૦૦ રૂપિયામાં ગેરેટ પાસેથી ખરીદી લીધો, અને પછી તેને સુધાર્યો. અત્યારે તે મૈસુરના રાજવી કુટુંબના શ્રીકાંતદત્ત નરસિંહરાજ વડીયારની માલિકીનો છે. તેમણે મહેલ ૨૦૦૫માં પબ્લીક માટે ખુલ્લો મૂક્યો. ફીની આવકમાંથી મહેલની સાચવણીનો ખર્ચ નીકળે છે.
મહેલમાં બેડરૂમો સહીત કુલ ૩૫ રૂમો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મોટી ખુલ્લી પરસાળ છે, તેની ફરસ બ્લ્યુ રંગના ટાઈલ્સની છે. ચિત્રો (Paintings) મઢેલી સીડી પર ચડીને પહેલા માળે દરબાર ગઢમાં જવાય છે. રાજા એમાં દરબાર ભરતા. હોલને ગોથીક સ્ટાઈલની કાચવાળી બારીઓ છે. પડદાવાળો અમુક વિસ્તાર સ્ત્રીઓને દરબારની વિધિ નિહાળવા માટે અલાયદો છે. મહેલના બોલરૂમમાં રાજા પાર્ટીઓ ગોઠવતા.
મહેલમાં હાથથી ચલાવાતી લિફ્ટ અને લાકડાના પંખા છે. દિવાલો અને સોફા પર પીળા રંગનું પ્રભુત્વ છે. દિવાલો પરનાં ચિત્રોમાં અમુક ડચ અને ગ્રીક પ્રકારનાં છે. રાજા રવિ વર્માનાં ચિત્રો પણ અહીં છે. મહેલમાં વપરાયેલા ઘણા કાચ અને અરીસા ઈંગ્લેંડથી લાવેલા છે. મહેલની અંદર લાકડા પર કોતરકામવાળાં સુશોભનો છે. ભોંયતળિયુ પણ સુશોભિત છે, છત પર પેઈન્ટીંગ્સ છે અને વિક્ટોરીયા સ્ટાઈલનું ફર્નીચર છે.
વડીયાર રાજાઓ શિકારના શોખીન હતા. કહે છે કે જયચામરાજ વડીયારે ૩૦૦ વાઘ અને ઘણાબધા હાથીનો શિકાર કરેલો. આવા એક હાથીનું માથું મહેલના પ્રવેશ આગળ રાખેલું છે. હાથીના પગનું બનાવેલું સ્ટુલ, દંતુશૂળમાંથી બનાવેલ ફૂલદાની અને મેળવેલી ટ્રોફીઓ મહેલમાં પ્રદર્શિત કરેલી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન, પ્રદર્શન, સંગીત સમારોહ, રમતો વગેરે મહેલના ગ્રાઉન્ડ પર યોજાય છે. લંડનના આયર્ન મેઈડન બેન્ડે ૨૦૦૭માં અહીં યોજેલી મ્યુઝીક કોન્સર્ટ ભારતમાં યોજાયેલ સૌથી મોટી કોન્સર્ટ હતી, દેશવિદેશથી ૩૮૦૦૦ પ્રેક્ષકો જોવા સાંભળવા આવ્યા હતા. મહેલના સંકુલમાં એમ્યુઝમેન્ટ પાર્ક છે, તે ફન વર્લ્ડના હુલામણા નામે જાણીતો છે.
૧૯૯૫માં રીલીઝ થયેલી હિન્દી ફિલ્મ ગેમ્બલર માટે કુમાર સાનૂ અને સાધના સરગમે ગાયેલા અને શિલ્પા શેટ્ટી તથા ગોવિંદા પર ફિલ્માવાયેલા ગીત ‘હમ ઉનસે મહોબત કરકે’નું શુટીંગ આ મહેલ આગળ થયેલું. ૨૦૧૨ની રાઉડી રાઠોડ ફિલ્મના ગીત ‘ધડંગ ધાંગ’માં પણ આ મહેલ સહેજ વાર માટે દેખા દે છે.
આ મહેલ, બેંગ્લોરમાં વસંતનગરમાં પેલેસ રોડ પર, માઉન્ટ કાર્મલ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અને સદાશીવનગરની નજીક આવેલો છે. મહેલ જોવાનો સમય સવારના ૧૦થી સાંજના ૫ – ૩૦ સુધીનો છે. રવિવારે બંધ હોય છે. એન્ટ્રી ફી ૨૧૦ રૂપિયા, મોબાઈલ રાખવાના ૧૦૦ રૂપિયા અને કેમેરો રાખવાના ૬૭૫ રૂપિયા છે. પેલેસની ટુર એક કલાકની ઓડિયો ટુર છે, જે સાત ભાષામાં છે. એમાંની એક ભાષા હિન્દી છે. સંપર્ક માટેના ફોન નંબર 080 8023315789 and 080 23360818 તથા વેબસાઈટ karnatakatourism.org છે.
અત્યારે શ્રીકાંતદત્ત વડીયારની દેખરેખ હેઠળ મોટું રીનોવેશન ચાલી રહ્યું છે. અહીં ૧૦૦૦ જેટલા ફોટોગ્રાફ્સ, રાજાના પોષાકો અને સીલ્કનાં કપડાં પ્રદર્શનમાં મૂકાશે. પબ્લીક તે ખરીદી પણ શકશે. બોલરૂમ, પાર્ટીઓ માટે ભાડે અપાશે. મહેલ પર રોશની લગાડવાનું પણ ચાલી રહ્યું છે.






