ટેક્સાસ તુલીપની મુલાકાતે

                                                 ટેક્સાસ તુલીપની મુલાકાતે

તમે તુલીપનાં ફૂલ જોયાં હશે. આ ફૂલોનો દેખાવ અને રંગો એટલા સરસ હોય છે કે એને જોઇને મન પ્રસન્ન થઇ જાય. એ ફૂલોના બગીચામાંથી ખસવાનું મન ના થાય, એટલાં આકર્ષક એ ફૂલો દેખાતાં હોય છે. તુલીપનો છોડ સહેજે એક ફૂટ જેટલો ઉંચો વધે છે. દરેક છોડ પર ટોચે એક જ ફૂલ આવે છે. ફૂલને સુગંધ નથી હોતી, પણ ફૂલ, છોડ પર લાંબા સમય સુધી ટકે છે. ફૂલનો આકાર લાઈટના બલ્બ જેવો હોય છે, એટલે એને ઘણી વાર ‘તુલીપ બલ્બ’ પણ કહે છે. આ ફૂલોના રંગની વિવિધતાનું તો પૂછવું જ શું? સફેદ, પીળાં, લાલ, જામલી, કાળાં, ગુલાબી, કેસરી – એમ વિવિધ રંગોનાં તુલીપ જોવા મળે છે.

સામાન્ય રીતે, ખેડૂત તુલીપની વાવણી એવી રીતે કરે છે કે એક લાંબા પટ્ટામાં એક જ રંગનાં તુલીપ હોય, તેની બાજુમાં બીજા કલરનો પટ્ટો, પછી ત્રીજા કલરનો – એમ અલગ કલરના પટ્ટા જોડે જોડે આવે. આ તુલીપ પૂરબહારમાં ખીલ્યાં હોય ત્યારે આ પટ્ટાઓનું ખેતર કેટલું મનમોહક અને સૌન્દર્યસભર લાગે ! જમીન પર જાણે કે રંગીન પટ્ટાઓવાળી શેતરંજી પાથરી હોય એવું લાગે. બે પટ્ટા વચ્ચે ચાલવા જેટલી જગા રાખતા હોય છે. એટલે તમે આસાનીથી તુલીપના બગીચામાં હરીફરી શકો, છોડની બાજુમાં બેસી ફોટા પડાવી શકો અને રંગોનો આનંદ લૂંટી શકો. તમારી જોડે બીજા માણસો પણ બગીચામાં ફરતા હોય, આ આખુ દ્રશ્ય કેટલું બધું સુંદર દેખાય ! કુદરતના આ કરિશ્માને માણવાની મજા આવી જાય.

તુલીપ એ ઠંડા પ્રદેશનો છોડ છે. ગરમી બિલકુલ ના હોય અને ઠંડી પણ પ્રમાણસરની જ હોય એવા પ્રદેશમાં તે થાય છે. દુનિયાના ઘણા દેશોમાં તુલીપના છોડ ઉગે છે. યુરોપમાં નેધરલેન્ડનું લીસ શહેર તુલીપના બગીચા માટે દુનિયાભરમાં જાણીતું છે. આ બગીચા કુકેનહોફ તરીકે ઓળખાય છે. અહીં માર્ચથી મે માસ દરમ્યાન તુલીપના છોડ પર ફૂલો આવે છે. એ વખતે દેશવિદેશના લાખો સહેલાણીઓ તુલીપનાં ફૂલ જોવા માટે નેધરલેન્ડમાં ઉમટી પડે છે., અને બગીચા જોઇને ખુશ ખુશ થઇ જાય છે. ભારતમાં કાશ્મીરના શ્રીનગરમાં તુલીપના બગીચા છે. તમારે તે જોવા હોય તો માર્ચથી મે દરમ્યાન ત્યાં પહોંચી જવું. તમે ‘સિલસિલા’ ફિલ્મ જોઈ છે? એનું ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ….’ગીત, અમિતાભજી અને રેખા પર  તુલીપના બગીચામાં ફિલ્માવાયેલું છે.

આ વર્ષે અમે માર્ચ મહિનામાં USAના ડલાસ શહેરમાં આવ્યા છીએ. અહીં પણ આબોહવા સરસ સમઘાત છે, અને તુલીપના છોડને માફક આવે એવી છે. અહીં ટેક્સાસ તુલીપ નામના ફાર્મમાં તુલીપ ઉગાડ્યા છે. અમે પણ, એક દિવસ, આ બગીચા જોવા માટે ઉપડ્યા. ફેમિલીના નાનામોટા મળી અમે કુલ નવ જણ હતા. ત્યાં પહોંચી, ગાડી પાર્ક કરી, ૩ ડોલરની ટીકીટ લઇ અંદર દાખલ થયા. બગીચાનું દ્રશ્ય અને માહોલ જોઈ ખુશ થઇ ગયા. કેટલા બધા લોકો અહીં તુલીપનાં ફૂલ જોવા આવ્યા હતા ! અહીં ખૂબ જ વિવિધ રંગોનાં તુલીપ ઉગાડ્યાં હતાં. અમે આરામથી બગીચામાં ચાલીને ફર્યા, છોડને સાવ નજીકથી જોયા, છોડની, ફૂલોની સાવ બાજુમાં બેઠા, ફૂલોના સાનિધ્યમાં અઢળક ફોટા પડ્યા, એમ થાય કે બસ અહીંથી ખસવું જ નથી, એટલી બધી પ્રસન્નતા મનમાં છવાઈ ગઈ. મનમાં કાશ્મીર અને નેધરલેન્ડના બગીચા યાદ આવી ગયા. છેવટે તુલીપનાં સંભારણાંરૂપે અમે બે ફૂલ જાતે તોડીને ખરીદ્યાં, એક ફૂલના અઢી ડોલરના ભાવે. ઘરની ફૂલદાનીમાં પાણી ભરીને આ ફૂલ તેમાં મૂક્યાં છે, એને જોઇને અત્યારે પણ તુલીપના એ બગીચા યાદ આવી રહ્યા છે.

8_IMG_0895

11_IMG_0974

13_IMG_0950

15_IMG_0935

16_IMG_0957

17_IMG_4160

18_IMG_4110

30_IMG_0979

32_IMG_0960

33_IMG_4106

IMG_0906

IMG_0929

IMG_4070

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: