તાજમહાલ

                                                      તાજમહાલ

તાજમહાલ એટલે આરસે મઢેલી પ્રેમકવિતા. દુનિયાના પ્રેમીઓને માટે સાચા નિર્મળ પ્રેમનું પ્રતિક. તાજમહાલ એટલે દુનિયાની જૂની-નવી સાત અજાયબીઓમાંની એક ઈમારત. તાજમહાલ એટલે ચંદ્રની ચાંદનીમાં, દૂધમાં નહાતું આરસનું ગચ્ચું. તાજમહાલ આપણા માટે શું નથી? તાજમહાલ પર શાયરોએ અઢળક શાયરીઓ રચી કાઢી છે. તાજમહાલ વિષે બેસુમાર ગઝલો, કવિતાઓ, વર્ણનો અને લેખો લખાઇ ચૂક્યા છે, ફિલ્મો બની છે. તાજમહાલને ૧૯૮૩થી યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે. દર વર્ષે દેશવિદેશના ત્રીસેક લાખ જેટલા પ્રવાસીઓ તાજમહાલ જોવા આવે છે, અને એમના મોમાંથી શબ્દો સરી પડે છે, ‘વાહ, તાજ !’. આવો, આપણે આવા તાજમહાલ વિષે અહીં થોડી વાતો કરીએ.

તાજમહાલ, મોગલ બાદશાહ શાહજહાંએ, તેની વહાલી પત્ની મુમતાજમહલની યાદમાં બંધાવ્યો હતો. શાહજહાંએ ઈ.સ. ૧૬૨૮થી ૧૬૫૮ સુધી રાજ કર્યું, તેની બધી રાણીઓમાં મુમતાજમહલ તેને સૌથી વહાલી  હતી. મુમતાજમહલનું મૂળ નામ આરઝુમંદ બાનુ હતું, શાહજહાંએ જ તેને મુમતાજમહલ નામ આપ્યુ હતું. આ નામનો અર્થ છે, ‘મહેલનું કિંમતી રત્ન’. મુમતાજમહલે એક પછી એક ૧૪ બાળકોને જન્મ આપ્યો, ત્યાર પછી ઈ.સ. ૧૬૩૧માં તે ખુદાને પ્યારી થઇ ગઈ (મૃત્યુ પામી). શાહજહાં બહુ દુઃખી થઇ ગયો. તેણે મુમતાજમહલની યાદગીરીરૂપે એક ભવ્ય મકબરો બાંધવાનું નક્કી કર્યું. આ મકબરો તે જ તાજમહાલ.

આગ્રામાં યમુના નદીના કિનારે, તાજમહાલનું બાંધકામ ઈ.સ. ૧૬૩૨માં શરુ થયું. મુખ્ય બાંધકામ ૧૬૪૩માં પૂરું થયું. ત્યાર બાદ, આજુબાજુ બગીચા, ફુવારા વગેરેનું બાંધકામ કરતાં બીજાં ૧૦ વર્ષ લાગ્યાં. કુલ ૨૦૦૦૦ કારીગરોએ ૨૦ વર્ષ સુધી કામ કર્યું, ત્યારે આ ભવ્ય મકબરો તૈયાર થયો. શાહજહાંની પાછલી જિંદગીમાં, તેના પુત્ર ઔરંગઝેબે તેને આગ્રાના લાલ કિલ્લામાં કેદ કર્યો, છેવટે શાહજહાં, જેલમાંથી તાજમહાલને જોતાં, ૧૬૬૬માં મૃત્યુ પામ્યો. તેની કબર, તાજમહાલની અંદર મુમતાજમહલની કબરની બાજુમાં જ બનાવવામાં આવી.

તાજમહાલ એક અદભૂત કલાકૃતિ છે, તેનો દેખાવ, પ્રેક્ષકનું મન મોહી લે છે. એને જોનારાને ત્યાંથી ખસવાનું મન નથી થતું. આવો આ તાજમહાલ યમુનાના દક્ષિણ કિનારે ૧૭ એકરના સંકુલમાં પથરાયેલો છે. તે આખેઆખો સફેદ આરસનો બનેલો છે. આ આરસ રાજસ્થાનના મકરાણામાંથી લવાયેલો. તાજમહાલના આરસમાં જુદી જુદી ૨૮ જાતના કિંમતી પત્થરો જડેલા છે. આ પત્થરો, પંજાબ, તિબેટ, ચીન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાથી લાવેલા. બાંધકામ માટેના કડિયા, પત્થર કાપનારા, આરસમાં કોતરકામ કરનારા, ચિત્રકારો, કેલીગ્રાફર, ઘુમ્મટ બાંધનારા – આવા બધા કારીગરો દેશવિદેશથી તેડાવ્યા હતા. ઉસ્તાદ અહમદ લાહોરી મુખ્ય આર્કિટેક્ટ હતો. તે જમાનામાં તાજમહાલ બાંધવાનો ખર્ચ ૩ કરોડ ૨૦ લાખ રૂપિયા થયો હતો. આજના હિસાબે આ રકમ ૫૨૮ અબજ રૂપિયા જેટલી થાય.

તાજમહાલનું બાંધકામ મુગલ અને ઈરાની શૈલીનું છે. તેનું પ્લેટફોર્મ યમુના નદીના તટથી ૫૦ મીટર જેટલું ઉંચું છે. પ્લેટફોર્મ પરની મુખ્ય ઈમારત અષ્ટકોણીય છે. તેની દરેક બાજુ ૫૫ મીટર લાંબી છે. કમાન આકારનું પ્રવેશદ્વાર ખૂબ જ ભવ્ય છે. એના પર અરબી ભાષામાં કુરાનની આયાતો લખેલી છે. અંદર મુમતાજ અને શાહજહાંની કબરો છે. અસલી કબરો નીચેના હોલમાં છે. આ કબરો આરસની લંબચોરસ પ્લીન્થ પર બનાવેલી છે. મુમતાજ કરતાં શાહજહાંની કબર થોડી મોટી છે. બંનેના ચહેરા જમણી તરફ, મક્કા તરફ રાખેલા છે. મુમતાજની કબર પર અલ્લાહનાં ૯૯ નામ લખેલાં છે. શાહજહાંની કબર પર, તે ક્યારે ગુજરી ગયા, તેની તવારીખ લખેલી છે.

તાજમહાલની, તેના મુખ્ય ઘુમ્મટ સહિતની કુલ ઉંચાઇ ૭૩ મીટર છે. ઘુમ્મટ પરના સળિયા પર ચંદ્રનું ચિહ્ન છે. મુખ્ય ઘુમ્મટની આજુબાજુ બીજા ૪ નાના ઘુમ્મટ છે. આ ઘુમ્મટો નાના નાના થાંભલા પર ઉભા છે. થાંભલાઓ વચ્ચેની જગામાંથી અંદરના ખંડમાં અજવાળું પ્રવેશે છે. પ્લેટફોર્મ પર ચાર ખૂણે ચાર મિનારા છે. દરેક મિનારો ૪૦ મીટર ઉંચો છે. મિનારા પર જુદી જુદી ઉંચાઈએ કુલ ૩ બાલ્કની છે. ટોચ પર ઘુમ્મટ જેવી છત્રી છે. તાજમહાલની દિવાલો પર ફૂલો વગેરે ડિઝાઇનો તથા જાળીઓ પરનું કોતરકામ ખૂબ જ કલાત્મક છે.

તાજમહાલની આગળ પાણી ભરેલો લાંબો હોજ અને તેમાં ફુવારા છે. તેની બંને બાજુ લોન, ઝાડ, ચાલવાના રસ્તા અને બગીચા છે. મુખ્ય ગેટથી આ રસ્તાઓ પર ચાલીને તાજમહાલ સુધી અવાય છે. એ જમાનામાં મુખ્ય ગેટ આગળ તાજગંજી કે મુમતાજાબાદ નામનું ગામ ઉભું કરાયેલું. એમાં તાજમહાલ જોવા આવનારા માટે ધર્મશાળાઓ, બજાર વગેરે હતાં.

તાજમહાલની બંને બાજુ એક એક ઈમારત છે. ડાબી બાજુની ઈમારત એ મસ્જીદ છે, જમણી બાજુ ગેસ્ટ હાઉસ છે. આ બંને મકાન લાલ પત્થરનાં બનેલાં છે. તાજમહાલની પાછળ કોટની દિવાલ અને એની પાછળ યમુના નદી છે.

તાજમહાલ બન્યા પછી, તે થોડો જીર્ણ થતો ગયો છે, વચ્ચે એનું રીપેરીંગ પણ થયું છે. ૧૮૫૭ના બળવા વખતે અંગ્રેજ સૈનિકોએ તાજમહાલની દિવાલોમાંથી કેટલાક કિંમતી પત્થરો કાઢી લીધેલા. ૧૯મી સદીના અંતમાં વાયસરોય લોર્ડ કર્ઝને અંદર મોટો લેમ્પ મૂકાવેલો. ૧૯૪૨માં બીજા વિશ્વયુદ્ધ વખતે, જાપાનના સંભવિત હુમલા સામે, તાજમહાલના ઉપલા ભાગને ઢાંકી દીધેલો. ૧૯૬૫ અને ૧૯૭૧નાં પાકિસ્તાન સાથેનાં યુદ્ધ વખતે પણ સરકારે આવું કરેલું.

મથુરાની રીફાઈનરીને લીધે યમુનાને કિનારે પ્રદૂષણ વધી રહ્યું છે. તાજમહાલ પીળો પડી રહ્યો છે. ભારત સરકારે, તાજમહાલની આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ન થાય તે માટેના કડક નિયમો અમલમાં મૂક્યા છે. પ્રદૂષણ થાય એવા ટ્રાફિકને નજીક નથી આવવા દેવાતો. પાર્કીંગથી મુખ્ય ગેટ સુધી ઈલેક્ટ્રીક બસની વ્યવસ્થા છે. અત્યારે ભારતીય પુરાતત્વ ખાતું (Archeological Survey of India, ASI) તાજમહાલનો વહીવટ સંભાળે છે.

આવો સુંદર તાજમહાલ મુસ્લિમ કલાનો ઉત્તમ નમૂનો છે. આખી દુનિયાએ તેને એકી અવાજે વખાણ્યો છે. આને લીધે તે દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યો છે. ૨૦૦૭માં દુનિયાની સાત અજાયબીઓની ફરીથી વરણી થઇ, ત્યારે તેમાં પણ તે પસંદ થયો છે.

આવા અદભૂત તાજમહાલને જોવાનું મન કોને ન થાય? તાજમહાલ જોવા માટે ટીકીટ લેવાની હોય છે. ત્રણ ગેટ આગળ ટીકીટ મળે છે, દક્ષિણ ગેટ, પૂર્વ ગેટ અને પશ્ચિમ ગેટ. દક્ષિણ ગેટ એ મુખ્ય ગેટ છે. અહીંથી જ તાજમહાલ સંકુલમાં દાખલ થવાનું હોય છે. સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી ટીકીટ મળે છે. એક વાર અંદર દાખલ થયા પછી સાંજ સુધી અંદર રહી શકાય છે. ભારતીય નાગરિક અને વિદેશીઓ માટે ટીકીટના દર જુદા જુદા છે. ભારતીય માટે ટીકીટના ફક્ત ૪૦ રૂપિયા છે. વિદેશી ટુરિસ્ટ માટે તે ૧૨૫૦ રૂપિયા છે. પંદર વર્ષથી નીચેનાં બાળકો માટે તાજમહાલ જોવાનું મફત છે. ટીકીટ ઓનલાઈન પણ મળે છે. અંદર મોબાઈલ, કેમેરા, પાણીની પારદર્શક બોટલ તથા નાનું લેડીઝ પર્સ લઇ જવા દે છે. ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની છૂટ છે. દર શુક્રવારે રજા હોય છે. આ દિવસે ફક્ત બપોરે ૧૨ થી ૨ દરમ્યાન, મસ્જીદમાં પ્રાર્થના કરવા માટે જવા દે છે.

પૂનમની રાતે તાજમહાલનો નઝારો કોઈ ઓર જ હોય છે. સફેદ આરસ ચંદ્રની ચાંદનીમાં એટલો બધો ઉજળો અને પ્રકાશિત દેખાય છે કે આપણે જાણે કે સ્વર્ગમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે છે. મન રોમાંચિત થઇ ઉઠે છે. આખું દ્રશ્ય કંઇક અલૌકિક લાગે છે. શાહજહાંની આ કૃતિ પર હૃદય આફરીન પોકારી ઉઠે છે. તાજમહાલનું આ રાત્રિદર્શન, મહિનામાં પાંચ દિવસોએ કરી શકાય છે, પૂનમ તથા પૂનમની આગળની અને પાછળની બબ્બે રાતોએ. રાતનો સમય ૮-૩૦ થી ૧૨-૩૦નો છે. દરેક રાતે ફક્ત ૪૦૦ લોકોને પ્રવેશ અપાય છે. તેમાં ય પચાસ પચાસનાં આઠ ગ્રુપ બનાવાય છે, અને દરેક ગ્રુપને ફક્ત અડધો કલાક માટે જ અંદર જવા દેવાય છે. શુક્રવારે અને રમજાન મહિનામાં તાજમહાલનું રાત્રિદર્શન બંધ હોય છે. રાત માટેની ટીકીટ એક દિવસ અગાઉ, આગ્રાની ASIની ઓફિસેથી લેવાની હોય છે. વહેલો તે પહેલોના ધોરણે ટીકીટ મળે છે. આ ટીકીટનો દર ભારતીય માટે ૫૧૦ રૂપિયા અને વિદેશી માટે ૧૨૫૦ રૂપિયા છે. ૩ વર્ષની નીચેના બાળક માટે મફત છે. ભારતની કોઈ પણ વર્લ્ડ હેરીટેજ સાઈટ જોવાની ટીકીટ, કોઈ પણ વર્લ્ડ હેરીટેજ સાઈટના કાઉન્ટર પરથી ખરીદી શકાય છે. દા.ત. તાજમહાલ જોવાની ટીકીટ, દિલ્હીના કુતુબ મિનાર કે હુમાયુના મકબરાના કાઉન્ટર પરથી મળી શકે છે.

તાજમહાલ, આગ્રા કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ૫.૭ કી.મી. અને આગ્રા ફોર્ટ સ્ટેશનથી ૫.૨ કી.મી. દૂર છે. આગ્રા દિલ્હીથી ૨૩૨ અને મથુરાથી ૫૬ કી.મી. દૂર છે. તાજમહાલની વેબસાઈટ tajmahal.gov.in છે. બોલો, તાજમહાલ જોવા ક્યારે જવું છે?

1_from entrance

3_Very near

4_Actual Tombs of Mumtaz and Shah jahan in lower level

7_Decoration on outside wall

8_Marble jali

10_Mumtaz Mahal by Artist

13_Main gate

16_Taj Mahal_Backside

16_IMG_3255