આનંદની ક્ષણો

                                            આનંદની ક્ષણો

દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આનંદની ક્ષણો આવતી હોય છે. તમારી જિંદગીમાં પણ આનંદના પ્રસંગો બન્યા હશે. તમને એ બધા યાદ છે? યાદ કરવા બેસો તો યાદ આવી જાય, એનું લીસ્ટ પણ ઘણું લાંબુ થાય. કેવા પ્રસંગો આનંદના હોય? જેમ કે કોઈને પરીક્ષાનું રીઝલ્ટ ઘણું સારું આવ્યું હોય, કોઈકને ત્યાં સુંદર દેખાવડો પુત્ર જન્મ્યો હોય, કોઈને સરસ મનગમતી જોબ મળી હોય…. આવી વસ્તુઓ પ્રાપ્ત થયાની ક્ષણો બહુ જ સુખદ હોય છે.

મારી આનંદની ક્ષણવાળી એક ઘટનાની અહીં વાત કરું. ૧૯૮૪ની સાલ. મને પી.એચ.ડી.નું ભણવા માટે મદ્રાસ (ચેન્નાઈ) આઈ.આઈ.ટી.માં એડમીશન મળ્યું. મારી કોલેજે મને ત્યાં ભણવા જવા માટે સ્પોન્સર કર્યો. ત્રણ વર્ષ હું ત્યાં ભણ્યો, પણ મારું પી.એચ.ડી. ત્યાં પૂરું ના થયું. ઘણું પ્રાયોગિક કામ તથા થીસીસ લખવાનું અધૂરું રહી ગયું. મારી સ્પોન્સરશીપ પૂરી થઇ ગઈ એટલે મારે મારી કોલેજમાં પાછા આવવાનું થયું. બસ, પછી તો કોલેજમાં મારી જોબનું રૂટીન……..મહિનાઓ, વર્ષો પસાર થઇ ગયાં. હું જાણે કે ભૂલી ગયો કે હું પી.એચ.ડી. કરવા ગયો હતો, અને પૂરું થયું ન હતું. હા, મનમાં ક્યારેક યાદ આવી જતું કે ‘મેં મદ્રાસમાં ૩ વર્ષ સખત મહેનત કરી હતી, તે શું સાવ એળે જશે?’

આમ ને આમ પંદર વર્ષ પસાર થઇ ગયાં. પી.એચ.ડી. પૂરું કરવા તરફ મેં કંઇ ધ્યાન પણ ના આપ્યું. ૨૦૦૨ની સાલ આવી. મારી એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં ડો. એલ.એન. પટેલ સાહેબ પરીક્ષા, સેમીનાર જેવાં કામ અંગે અવારનવાર આવતા હતા. તેઓ ત્યારે વિસનગર એન્જીનીયરીંગ કોલેજમાં પ્રીન્સીપાલ હતા. તેઓ બહુ જ વિદ્વાન પ્રોફેસર હતા, અને ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. મારે ધીરે ધીરે તેમની સાથે પરિચય થયો. બહુ જ મોટા માણસ, મારી અંગત વાતો તો તેમની સાથે કરાય નહિ. પણ એક દિવસ વાતવાતમાં મેં મદ્રાસમાં ૩ વર્ષ દરમ્યાન મારું પી.એચ.ડી. અધૂરું રહી ગયાની વાત કરી. તેઓ બહુ જ માયાળુ સ્વભાવના હતા, તેમણે મને કહ્યું, ‘તુ એક વાર, તેં જે કામ મદ્રાસમાં કર્યું હતું, તે મને બતાવ.’

મેં તો મદ્રાસમાં કરેલું કામ બધું જ સાચવી રાખ્યું હતું. એટલે ફરી જયારે તેઓ અમારી કોલેજમાં આવ્યા ત્યારે મેં મારું કામ, પ્રાયોગિક વર્ક, ગ્રાફ્સ, ફોટાઓ, મેં લખેલી અડધી થીસીસ વગેરે તેમને બતાવ્યું. હું બધી તૈયારી કરીને જ આવ્યો હતો. આ બધું જોઇને પટેલ સાહેબ બોલ્યા, ‘આ તો પી.એચ.ડી. પૂરું થઇ જાય એવુ છે.’

મેં કહ્યું, ‘સર, મને પી.એચ.ડી. પૂરું કરવાની ઈચ્છા તો છે. પણ કઈ યુનીવર્સીટીમાં, મારા ગાઈડ કોણ બને, સરકારની મંજૂરી, આ બધાનું શું?’

તેઓ બોલ્યા, ‘તારો ગાઈડ હું, યુનીવર્સીટી, પાટણની નોર્થ ગુજરાત યુનિવર્સીટી, સરકારની મંજૂરી તારે મેળવી લેવાની. બોલ, કરવું છે પૂરું પી.એચ.ડી.?’

મને તો ચમત્કાર થતો હોય એવું લાગ્યું. પી.એચ.ડી. માટે તો ગાઈડ જ ભાગ્યે મળે, એવો એ જમાનો હતો. પટેલ સાહેબ કેટલા સારા માણસ હતા ! આ વાત થઇ તે દિવસ ૨૦૦૨ની ૨૮મી ઓગસ્ટનો હતો. પાટણમાં પી.એચ.ડી. માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ હતી. ફક્ત ત્રણ જ દિવસ બાકી હતા. આ ત્રણ દિવસો દરમ્યાન હું પાટણથી કોરું ફોર્મ લઇ આવ્યો, ફોર્મ ભર્યું, અમારી કોલેજના પ્રીન્સીપાલે સારો સહકાર આપ્યો, તેમણે ફોર્મ recommend કરી આપ્યું. મેં સરકારની મંજૂરી માટે અરજી કરી દીધી, વિસનગર જઇ પટેલ સાહેબની ગાઈડ તરીકે સહી કરાવી, અને ૩૧ ઓગસ્ટે પાટણ જઇ ફોર્મ સુપ્રત પણ કરી દીધું.

આમ પી.એચ.ડી. માટે નવું રજીસ્ટ્રેશન થઇ ગયું. બસ, પછી તો કામ ચાલ્યું. મેં જૂનું કરેલું કામ તાજું કર્યું, નવું ઉમેર્યું, પ્રાયોગિક કામ માટે કોલેજમાં ફેબ્રીકેશન કર્યું, સરકારની મંજૂરી પણ આવી ગઈ. અવારનવાર વિસનગર જઇ, કરેલું કામ પટેલ સાહેબને બતાવતો, અને તેમના માર્ગદર્શન પ્રમાણે કામ આગળ ધપાવતો. વિસનગર પટેલ સાહેબ મારા માટે સમય ફાળવતા. ત્રણેક વર્ષ આમ ચાલ્યું. મને દિવસે સમય બહુ ઓછો મળે, એટલે મેં લગભગ છ મહિના સુધી રાતના ૨ થી ૫ દરમ્યાન ગ્રાફ્સ અને થીસીસનું કામ કર્યું.

પી.એચ.ડી.નું કામ આમ ચાલ્યા કરે. તેનો અંત ક્યારે આવશે, અને ક્યારે મારું કામ પૂરું થશે, એની મને કોઈ ધારણા કે કલ્પના ન હતી. આમ તો કામ પૂરું થવા આવ્યું હતું, પણ હજુ થીસીસમાં સુધારાવધારા ચાલ્યા કરતા હતા. આનંદની ક્ષણ હવે આવે છે. એક વખત મારી વિસનગરની મુલાકાત દરમ્યાન, પટેલ સાહેબે, મારી કલ્પનાની બહાર, મારી થીસીસના સર્ટીફીકેટમાં સહી કરી દીધી ! એમણે સહી કરી એ ખૂબ આનંદની ક્ષણ હતી, કેમ કે ગાઈડની સહી થાય, એટલે પી.એચ.ડી. પૂરું થયું સમજવાનું. પછી તો પ્રોસીજર જ બાકી રહે છે. મારી થીસીસનો બીજા પરીક્ષકો દ્વારા રીવ્યુ, સુધારા, બાઈન્ડીંગ, પરીક્ષકો આગળ અંતિમ પ્રેઝન્ટેશન એ બધું પત્યા થયા પછી ૨૦૦૬માં મારું પી.એચ.ડી. પૂરું થયું. પટેલ સાહેબે સહી કર્યાની ક્ષણ હજુ યે મનમાં તાજી છે.

કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી, તેનું ફળ ગમે ત્યારે પણ મળે જ છે, એ મેં અનુભવ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: