દેલોલનો ફરતો પત્થર
આપણે ત્યાં ઘણાં ધાર્મિક સ્થળોએ જાતજાતની માન્યતાઓ જોવાસાંભળવા મળે છે. બેચાર ઉદાહરણ આપું. જેમ કે (૧) ફલાણા મંદિરમાં નાળીયેર વધેરવાથી અમુક રોગ મટી જાય છે. (૨) કોઈક ભગવાનને દૂધ ચડાવવાથી માનતાઓ પૂરી થાય છે. (૩) કોઈ મંદિરમાં શ્રીફળનું તોરણ બાંધવાથી, ભગવાન સફળતા અપાવે છે. વગેરે વગેરે. આવી જ કોઈ માન્યતાવાળા એક મંદિરની વિગતે વાત કરું.
પંચમહાલ જીલ્લાનું દેલોલ ગામ. ગોધરાથી વડોદરા જવાના રસ્તે વેજલપુર પછી આ ગામ આવે છે. ગોધરાથી તે ૧૯ કી.મી. દૂર છે. ગોધરાથી આ રસ્તે નીકળીએ ત્યારે આ ગામ આવતા પહેલાં ટોલ બૂથ આવે છે. ટોલ બૂથની સહેજ જ પહેલાં જમણી બાજુ રોડને અડીને સંકટમોચન હનુમાનજીદાદાનું મંદિર છે. કેસરી રંગે રંગેલું, ધજાવાળું મંદિર તરત જ દેખાઈ આવે છે. ગાડીને છેક મંદિરના આંગણ સુધી લઇ જઇ શકાય છે.
ઘણા લોકો અહીં હનુમાનજીનાં દર્શને આવે છે. હનુમાનજીની મૂર્તિ આગળ, બે લંબગોળ પત્થર પડેલા છે. પત્થર આશરે ૮ ઇંચ લાંબો, ૪ ઇંચ પહોળો અને ત્રણેક ઇંચ જાડો છે. પત્થર, ઈંટ જેવા આકારનો કહી શકાય, પણ ઈંટની ધારો અને ખૂણાઓ ધારદાર હોય, જયારે આ પત્થરને ધારો અને ખૂણાઓ ઘસીને સુંવાળા બનાવ્યા હોય એવું લાગે. વળી, પત્થરનો તળિયાનો ભાગ પણ ઘસીને જાણે કે તપેલીના તળિયા જેવો બનાવેલો છે. એટલે પત્થરના તળિયાનો લગભગ વચલો ભાગ જ જમીનને અડકે. પત્થરને બે હાથે ઘુમાવો તો તે તળિયાના વચ્ચેના પોઈન્ટ પર ટેકવાઇને ગોળ ગોળ ફરી શકે. તમને થશે કે આ પત્થરનું આટલું બધું વર્ણન શું કામ કરતા હશે? પણ અહીં આ પત્થર વિષેની જ એક માન્યતાની વાત કરવી છે, એટલે એનું વર્ણન કર્યું. તો આગળ વાંચો.
આ પત્થર વિષે એવી માન્યતા છે કે હનુમાનજીની મૂર્તિની સામેની જગામાં, આ પત્થર પર ઉભા પગે બેસી, તમારે જિંદગીમાં જે કંઇ પ્રાપ્ત કરવું હોય તેની ઈચ્છા મનમાં કરવાની, પત્થર પર બેઠા પછી, આ પત્થર જો ગોળ ફરવા માંડે તો સમજવું કે તમે કરેલી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. પત્થર ગોળ ફરવા માંડે, ત્યારે સાથે સાથે તમે પણ ગોળ ફરશો, તે વખતે તેના પરથી પડી ના જવાય તેનું ધ્યાન રાખવાનું. પત્થર પર બેઠા પછી જો પત્થર ગોળ ના ફરે તો માનવાનું કે તમે કરેલી ઈચ્છાઓ પૂરી નહિ થાય.
દેલોલની આસપાસના વિસ્તારમાં આ પત્થર જાણીતો છે. ઘણા લોકો તો અહીં આ પત્થર જોવા અને પોતાની ઈચ્છાઓ પૂરી થશે કે નહિ, તેની ખાતરી કરવા જ અહીં આવે છે, અને પત્થર પર બેસી, પોતાની આશાઓ ફળશે કે નહિ, તેની ખાતરી કરી લ્યે છે. જેને પત્થર ગોળ ફરે તે ખુશ થાય છે, અને જેને ના ફરે તે જરા નિરાશ થાય છે.
આ તો એક માન્યતા છે. એ કેટલે અંશે સાચી, તે વિષે કંઇ જ કહી શકાય નહિ. કદાચ એવું બને કે પત્થર પર બેસતી વખતે, પત્થરને જાણેઅજાણ્યે સહેજ ધક્કો લાગી જાય તો પત્થર ફરવા માંડે, અને કોઈનાથી આવો ધક્કો ના લાગ્યો હોય, તેના કિસ્સામાં પત્થર ના ફરે. પણ આ એક શ્રદ્ધાનો વિષય છે. જેની જેવી શ્રદ્ધા. બાકી, મારું તો મંતવ્ય છે કે તમે જિંદગીમાં સારાં કામ કરો, મહેનત કરો અને કોઈનું દિલ ના દુભવો તો મહદઅંશે તમારી ઈચ્છાઓ ફળીભૂત થતી હોય છે., પત્થર ફરે કે ના ફરે.
છેલ્લે, એક ખાનગી વાત કહું? અમે દેલોલના આ પત્થર પર બેસી આવ્યા છીએ. ઈચ્છાઓ ફળવાની આશા માટે નહિ, પણ ફક્ત કુતૂહલ ખાતર. મારે પત્થર ગોળ ફર્યો હતો, મારી સાથે આવનાર વ્યક્તિને નહોતો ફર્યો!! મારી કોઈ ઈચ્છા ફળી કે નહિ, તે મને યાદ નથી.
બોલો, તમે તમારી ઈચ્છાઓની પૂર્તિ વિષે જાણવા આ હનુમાન મંદિરે જવાના છો?
તસ્વીરો (૧) ટોલ બૂથ આગળ મંદિર (૨) રોડ પરથી દેખાતું મંદિર (૩) પ્રવેશ (૪) મંદિર (૫) દર્શન (૬) મૂર્તિ અને પત્થર (૭) પત્થર પર બેઠેલ (૮) ફરતો પત્થર