કેરીઓ, ત્યારે અને આજે

                                                          કેરીઓ, ત્યારે અને આજે

કેરી ખાવાની કોને ના ગમે? અમે નાના હતા ત્યારે કેરી ખૂબ ગમતી હતી, આજે સાઈઠ વર્ષ પછી પણ એટલી જ ગમે છે. કેરી તો પૃથ્વી પરનું અમૃતફળ છે, આપણા દેશમાં તો ખાસ.

સાઈઠ વર્ષ પહેલાં, હું જયારે દસેક વર્ષનો હતો, એ જમાનાની વાત કરું. હું મારા વતનમાં, પંચમહાલ જીલ્લાના એક ગામડામાં રહેતો હતો. ગામની આજુબાજુ ખેતરોમાં આંબા હતા. હોળી આવે ત્યારથી જ કાચી કેરીની શરૂઆત થઇ જાય. પિતાજી ક્યારેક કેરી ખરીદીને લાવે, પણ જાતે કોઈકના આંબેથી મફતમાં કેરી પાડી લાવવાનો આનંદ અદભૂત હતો. અમે કોઈકના ખેતરમાં ઘૂસી જતા, અને આંબા પર પથરા મારી કેરીઓ પાડતા. (કેરીવાળાને નુકશાન થતું.) ક્યારેક આંબાનો ચોકીદાર ત્યાં બેઠેલો હોય, તો તે આંબેથી કેરીઓ નહિ પાડવાની. એક વાર, એક આંબાએ ચોકીદાર નહોતો, મેં આંબા પર પથરા મારવાના શરુ કર્યા, અને ચોકીદાર ક્યાંકથી ફૂટી નીકળ્યો. એણે મને ઝાલ્યો. હું તો ગભરાઈ ગયો, એવું લાગ્યું કે આજે ચોક્કસ માર પડવાનો. પણ ચોકીદારે મને પૂછ્યું, ‘અલ્યા, કોનો દિકરો છું?’ મેં મારા બાપાનું નામ દીધું. અને એણે મને જવા દીધો. એ મારા બાપાની શાખ હતી.

અમે નાના છોકરા ઘણી વાર સાંજના નદીએ ફરવા જતા. ત્યારે કાચી કેરી, ચપ્પુ અને મીઠુંમરચું સાથે લઈને જતા. ત્યાં બેસી, કેરીઓ કાપી, તેના પર મીઠુંમરચું ભભરાવીને ખાવાનો આનંદ માણતા. ત્યારે કાચી કેરીથી દાંત ખટાઈ નહોતા જતા.

પછી કેરીઓ મોટી થાય. એટલે એ કાચી કેરીઓ થેલીમાં ભરીને ગામડાના લોકો વેચવા આવે. ઉચ્ચક થેલીના ભાવે જ તે ખરીદવાની. થેલીમાં ચારપાંચ કિલોગ્રામ જેટલી કેરી હોય, તે ચાર આનાથી આઠ આનાના ભાવમાં મળી જાય. (ત્યારે ૧ રૂપિયો બરાબર ૧૬ આના). એ કેરીના ટુકડા કરી, એને મીઠું દઈ, સૂકવી, તેનાં અંબોળીયાં બનાવવાનાં અને આખું વર્ષ વાપરવાનાં.

થોડા દિવસ પછી પાકી રસની કેરીઓ આવવાની શરુ થાય. જેને આંબા હોય તેઓ કેરીઓ પકવી, ગામમાં વેચવા આવે. કેરીઓ મોટા ટોપલા કે ગાડામાં લઈને આવે. ભાવની રકઝક પછી, જે ભાવ નક્કી થાય તે ભાવે બધા લોકો કેરી ખરીદે. મોટે ભાગે પાંચ આનાથી માંડી એક રૂપિયાની પાંચ શેર એવો ભાવ હોય. પાચ શેર એટલે આશરે અઢી કિલો. વિચારો કે કેટલી સસ્તાઈ હતી એ જમાનામાં !! આમ જુઓ તો બિચારા કેરી પકવનારનું શોષણ પણ થતું હતું. પણ અમને બચ્ચાંઓને એવી ગતાગમ ત્યારે ન હતી. વળી, કેરી તોલવામાં ‘ધડા’ની એક કેરી કાટલાંના પલ્લામાં મૂકાતી, આમ એક કેરી વધારે પડાવી લેવાની વ્યવસ્થા હતી !!

પાકી કેરી ચૂસીને ખાવાની તો શું મજા આવતી હતી ! માંચી પર ટાટીયુ (કોથળા જેવું) બાંધી, પાકી કેરીનો રસ કાઢવામાં આવતો. જમતી વખતે એ રસ ખાવાનો. આ ઉપરાંત, સાખ પડેલી કાચી કેરી ખરીદી, તેને ઘેર પકવતા. આ માટે કાચી કેરીને ઘરના એક ખૂણામાં લીમડા કે ખાખરાનાં પાન પાથરી તેના પર મૂકીને ઢાંકી દેવાની. ધીરે ધીરે તે કેરી પાકતી જાય, પછી એ કેરીઓનો રસ ખાવાનો. આમ, સીઝનમાં ક્યાંય સુધી રસ ખાવા મળતો. કેરીની સીઝન વખતે જ સ્કુલમાં ઉનાળાનું વેકેશન હોય, એટલે મામાને ત્યાં ગયા હોઈએ તો ત્યાં પણ રસની મજા માણવા મળતી.

અમે આ બધી જે કેરીઓ ખાતા, તે બધી દેશી કેરીઓ જ હતી, અને આજુબાજુના વિસ્તારમાં જ પાકતી હતી. કેસર, હાફૂસ, લંગડો એવી કેરીઓનાં નામ સાંભળ્યાં હતાં, પણ એ બધી અમને જોવા મળતી ન હતી. કદાચ કોઈક પૈસાદાર લોકો એવી કેરીઓ શહેરમાંથી લાવીને ખાતા હોય એવું બને.

ક્યારેક ઘરમાં રસના પાપડ પણ બનતા.રસને થાળી કે પાટલા પર પાથરી, તેને તડકામાં સૂકવતા થોડા દિવસમાં રસનો પાપડ તૈયાર. એકાદશી કે વારતહેવારે ખાવા માટે તેને રાખી મૂકતા. પાકી કેરીના ગાળા દરમ્યાન સાખ પડેલી કાચી કેરીઓ ખરીદી, તેનો છૂંદો, કટકી, અથાણું અને તાપનો છૂંદો બનાવાતો. પછી આખું વર્ષ તેનો ખાવામાં ઉપયોગ કરતા.

બોલો, બાળપણની કેરીઓ યાદ આવી ગઈ ને? આજે આ ચિત્ર કેવું છે? અમે ગામડામાંથી શહેરમાં આવીને વસી ગયા છીએ. કેસર, આલ્ફાન્ઝો, લંગડો, રત્નાગીરી એવી બધી કેરીનાં બોક્સ બહુ મોંઘા ભાવે ખરીદીને ખાઈએ છીએ. ટેસ્ટ સરસ છે. પણ ગામડામાં કુદરતી રીતે પકવેલી કેરી ખાવામાં જે આનંદ આવતો હતો, તે નથી. અને બીજું કે ઝાડ પરથી કાચી કેરીઓ પાડી લાવવામાં જે મજા હતી, તે આજે નથી. ગામડામાં હજુ આ બધું છે કે નહિ, તેની ખબર નથી.

1

2

3

4

1 ટીકા (+add yours?)

  1. રૂપેન પટેલ
    મે 29, 2017 @ 07:54:28

    ઉનાળાની ગરમીની સજા કેરીઓ મજામાં ફેરવી નાંખે. કેરી મારુ ફેવરીટ ફ્રુટ છે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: