ભંડારદારા અને આજુબાજુનાં સ્થળો
વિલ્સન ડેમ, આર્થર લેક અને અમ્બ્રેલા ધોધ: મુંબઈથી આશરે ૧૮૫ કી.મી. દૂર પશ્ચિમઘાટમાં આવેલું ભંડારદારા એક જોવાલાયક જગા છે. ચોમાસામાં અહીં વરસાદ અને ભીનાશને લીધે આ જગા બહુ જ રમ્ય લાગે છે. બહુ જ લોકો અહીંનો માહોલ જોવા આવે છે. નાશિકથી તે ૭૦ કી.મી. દૂર છે. વાપીથી ભંડારદારા સીધું અવાય છે. અહીં ૧૯૧૦માં પ્રવરા નદી પર વિલ્સન ડેમ બાંધેલો છે. તે ૧૫૦ મીટર ઉંચો છે. તેનાથી ભરાયેલા સરોવરને આર્થર સરોવર કે ભંડારદારા લેક કહે છે. તેમાંથી ઉભરાતું પાણી, બાજુમાં થઈને ધોધરૂપે પડે છે, તેનો દેખાવ છત્રી જેવો હોવાથી તે અમ્બ્રેલા ધોધ કહેવાય છે, આ ધોધ મોટે ભાગે ચોમાસામાં જ હોય છે. ડેમની નીચે બગીચો છે.
ભંડારદારામાં અગત્સ્ય ઋષિનો આશ્રમ છે. અગત્સ્ય ઋષિએ અહીં વર્ષો સુધી તપ કર્યું હતું. ભગવાન પ્રસન્ન થયા, અને ઋષિને ગંગા નદીનો પ્રવાહ આપ્યો., જે પ્રવરા નદી બની.
ભંડારદારાથી ઇગતપુરી સીધું જવાય છે, આશરે ૪૫ કી.મી. દૂર છે.
ભંડારદારાની આજુબાજુનાં સ્થળો:
(૧) રંધા ધોધ: ભંડારદારાની જોડે શેન્ડી નામનું ગામ આવેલું છે. રંધા ધોધ શેન્ડીથી ૧૦ કી.મી. દૂર છે. ભંડારદારાથી આવતી પ્રવરા નદી પોતે જ અહીં ૧૭૦ ફૂટ ઉંચાઇએથી ધોધરૂપે પડે છે. ગાડી પાર્કીંગમાં મૂકી ૫ મિનીટ ચાલવાનું છે. નજીકમાં ઘોરપડા દેવીનું મંદિર છે. વ્યૂ પોઈન્ટ બનાવ્યું છે. સરસ ટુરિસ્ટ સ્થળ છે.
(૨) રતનવાડી અને અમૃતેશ્વર મંદિર: આર્થર લેકમાં ૮ કી.મી.નું બોટીંગ કરીને અથવા રોડ રસ્તે રતનવાડી જવાય છે. અહીં અમૃતેશ્વર મંદિર આવેલું છે. આ મંદિર ૧૧મી સદીમાં બનેલું છે.
(૩) રતનગઢ: રતનગઢનો કિલ્લો, રતનવાડીની નજીક આવેલો છે. જમીન રસ્તે કે આર્થર લેકમાં બોટમાં બેસીને ત્યાં જવાય છે. કિલ્લા પર ચડવામાં વચ્ચે બે સીડીઓ, ગુફા, દરવાજો વગેરે છે. ઉંચાઈ ૧૨૯૦ મીટર છે. રતનવાડી બાજુથી ચડવાનું વધુ અનુકુળ છે. અહીં ફૂલના છોડ ખૂબ થાય છે. રતનગઢનું શીખર ખૂંટા જેવું છે, એને ખૂંટા જ કહે છે. શીખર પર સોયના નાકા જેવું કાણું છે, તેને નેધે કહે છે. કિલ્લાને ચાર ગેટ છે, ગણેશ, હનુમાન, કોંકણ અને ત્ર્યંબક. આ ગઢ પ્રવરા નદીનું મૂળ છે. કિલ્લાની ટોચ પરથી આજુબાજુના ગઢ અલંગ, કુલંગ, મદનગઢ, હરિશ્ચંદ્રગઢ અને પટ્ટા દેખાય છે. કિલ્લામાં બે ગુફાઓ છે.
(૪) રીવર્સ ધોધ અને કોંકણ કડા: રતનવાડીની નજીક અને પશ્ચિમે છે. અહીં ધોધનું પાણી ઉંધી દિશામાં નથી વહેતું, પણ ધોધ ખીણમાં પડે ત્યારે સખત પવનને કારણે ધોધનાં ફોરાં ઉપરથી ઉંધી દિશામાં ઉડતાં હોય છે, એટલે એને રીવર્સ ધોધ કહે છે.
(૫) સંધાન વેલી: કોંકણકડા અને સમરાદ ગામની વચ્ચે આવેલી છે. તે સહ્યાદ્રી પર્વતમાળામાં ૩૦૦ ફૂટ ઉંચી બે ઉંચી દિવાલોવાળા પર્વતોની વચ્ચે છે.
(૬) હરિશ્ચંદ્રગડ કિલ્લો: ૧૪૨૨ મીટર. ભંડારદારા નજીક હરિશ્ચંદ્રગડ કિલ્લો જોવા જેવો છે, તેની ટોચે મંદિર છે.
(૭) કલસુબાઈ: ભંડારદારા વિસ્તારમાં કલસુબાઈ શીખર છે. તે ૧૬૪૬ મીટર ઉંચું છે, મહારાષ્ટ્રનું તે સૌથી ઉંચું શીખર છે. ભંડારદારાનો વિલ્સન ડેમ અહીંથી ૬ કી.મી. દૂર છે.
(૮) માલસેજ ઘાટ: માલસેજ ઘાટ એ પશ્ચિમ ઘાટમાંથી પસાર થતો રસ્તો છે. આ રસ્તો ટેકરીઓમાંથી પસાર થાય છે. તેની સરેરાશ ઉંચાઈ ૭૦૦ મીટર છે. ચોમાસામાં આ રસ્તે આજુબાજુની ટેકરીઓ પરથી કેટલાય ધોધ પડે છે, એ દ્રશ્ય બહુ જ મનોહર લાગે છે. કોઈક ધોધ આગળ ઉભા રહી તેને નીરખવાની કે તેમાં નહાવાની મજા લઇ શકાય છે. આ ઘાટ મુંબઈથી ૧૫૪ કી.મી. અને પૂનાથી `ઉત્તરમાં ૧૩૦ કી.મી. દૂર છે. તેની નજીકનું રે.સ્ટે. કલ્યાણ છે. કલ્યાણથી અહમદનગરની બસો માલસેજ થઈને જાય છે. કલ્યાણથી માલસેજ દોઢેક કલાક લાગે. નાશિકથી આવો તો નાશિક-પૂના રોડ પર આડેફાટાથી જમણી બાજુ વળી જવાનું. આડાફાટાથી માલસેજ ૩૯ કી.મી. છે. માલસેજથી ખીરેશ્વર થઈને હરિશ્ચન્દ્રગડ જવાય છે.
(૯) શીવનેરી: જુન્નર પાસે આવેલો લશ્કરી કિલ્લો છે. માલસેજથી તે ૨૮ કી.મી. દૂર છે. શીવાજીનું આ જન્મસ્થળ છે. કિલ્લામાં જીજીબાઈ અને શીવાજીનાં સ્ટેચ્યુ છે. કિલ્લાની વચ્ચે ‘બદામી તળાવ’ નામનું તળાવ છે. કિલ્લામાં બે ઝરા છે, જે ગંગા અને યમુના કહેવાય છે. ઇસ્ટ ઇંડિયા કંપનીના ડો. જોહન ફ્રાયર અહી ૧૬૭૩માં આવ્યા હતા. તેમણે લખ્યું છે કે આ કિલ્લામાં ૧૦૦૦ કુટુંબને ૭ વર્ષ ચાલે એટલો ખોરાક સંગ્રહી શકાય એમ છે. કિલ્લાથી ૨ કી.મી. દૂર લેન્યાદ્રી ગુફાઓ છે, તે આરક્ષિત સ્મારક છે.







