દિવાળી, ત્યારે અને આજે
કહે છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણી રોજબરોજની જિંદગી જીવવાની પદ્ધતિમાં પણ ફેરફારો થયા જ કરે છે. દિવાળીના તહેવારનું પણ એમ જ છે. પહેલાં દિવાળી કેવી રીતે ઉજવતા હતા, અને આજે દિવાળીના દિવસોમાં શું કરીએ છીએ, એ તમે સહેજ વિચારશો તો ખ્યાલ આવી જશે.
હું અમારી જ વાત કરું. ઈ.સ. ૧૯૫૦થી ૧૯૬૦ના અરસામાં અમે જયારે ગામડામાં સ્કુલમાં ભણતા હતા, એ દિવસો અમને બરાબર યાદ છે. ત્યારે, દિવાળી આવવાના થોડા દિવસો બાકી હોય ત્યારથી જ મનમાં દિવાળીનો ઉમંગ છવાઈ જતો. દિવાળીના ચાર દિવસો ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ – દરમ્યાન કયાં નવાં કપડાં પહેરીશું, તે અગાઉથી નક્કી કરી નાખતા. દિવાળીના અઠવાડિયા અગાઉથી ઘરમાં દિવાળીના નાસ્તા બનવાનું શરુ થઇ જતું. એમાં મોહનથાળ, મેસુર, ઘુઘરા, સુંવાળી, સક્કરપારા, મઠિયાં, સેવ, ચેવડો, ચણાની તળેલી દાળ, પાપડી વગેરે નાસ્તા બનતા હતા. પિતાજી જરૂર પૂરતું દારૂખાનું ખરીદી લાવતા. દિવાળી પહેલાં ઘર એકદમ સાફસુથરું કરી નાખતા.
……અને પછી દિવાળીના દિવસો શરુ થતા. અમને નવાં કપડાં, નાસ્તા ખાવાનું અને દારૂખાનું ફોડવાનું ખૂબ જ ગમતું. દારૂખાનાની વાત કરું તો, – પીળા કલરનો પાવડર જેને અમે ‘પોટાશ’ કહેતા, તેની નાની નાની ગોળીઓ બનાવી, ‘U’ આકારના ચીપિયાની ખાંડણીમાં ગોઠવી, પત્થર પર ચીપીયો જોરથી અફાળતાં, મોટો અવાજ થતો. સ્ત્રીઓના કપાળમાં લગાડવાના લાલ ચાંલ્લા જેવા આકારની ટીકડીઓ ચીપિયા કે પત્થરથી ફોડતા. સાંજે કોડિયા કે મીણબત્તીથી નાનામોટા ટેટા, તારામંડળ, ભોંયચકરી, બલુન અને હવાઈનો આનંદ માણતા.
બહેન, ઘરના આંગણામાં રોજ રંગોળી પૂરતી. સાથીયો બનાવી તેમાં જાતજાતના રંગ પૂરતી. ઘરમાં એક ટાઈમના જમવામાં પેલો નાસ્તો જ હોય. એની ખૂબ મજા આવતી. સાંજ પડે ઘરના આંગણામાં દિવેલથી સળગતાં કોડિયાં કે મીણબત્તીઓની હારમાળા ગોઠવતા. દિવાળી દરમ્યાન રોજ મંદિરમાં દર્શન કરવા અચૂક જતા. દિવાળીના તહેવારોને અનુલક્ષીને મંદિરમાં પણ ખાસ ઉજવણી થતી.
ધનતેરસના દિવસે દરેક કુટુંબ, પોતાને ત્યાં લક્ષ્મીજીનું પૂજન કરતા, અને આજુબાજુમાં દૂધ કે અન્ય પ્રસાદ વહેંચતા. કાલીચૌદસના દિવસે ગામની બહાર આવેલા માતાજીના સ્થાનકે જવાનો રીવાજ હતો. બેસતા વર્ષને દિવસે, સરસ્વતી દેવીનું અને નવા ચોપડાનું પૂજન થતું. ગોળધાણાનો પ્રસાદ વહેંચાતો. સહુથી વધુ અગત્યની વાત તો એ હતી કે બેસતા વર્ષને દિવસે સાંજે, વડિલો ગામના દરેક જણને ત્યાં જઇ, તેમને મળતા, ભેટતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા. અમે છોકરાઓ પણ તેમની સાથે સાથે દરેકના ઘેર જતા. ગામમાં આ માહોલ બહુ ભવ્ય લાગતો, અને ભાઈચારાની ભાવના જોવા મળતી. ઘરમાં વડિલોને પગે લાગવાનું તો ખરું જ.
દિવાળીના દિવસોમાં બહારગામનાં સગાંવહાલાં અને મિત્રોને ‘નૂતન વર્ષાભિનંદન’નાં દિવાળી કાર્ડ ટપાલથી લખવાની પ્રથા હતી. અમે આ કાર્ડ લખવામાં ખાસ રસ લેતા. ટપાલમાં અમારાં કાર્ડ આવે એની રાહ પણ જોતા. ટપાલખાતામાં દિવાળી પછીના થોડા દિવસો સુધી ટપાલનો જથ્થો ખૂબ રહેતો. મારી ઉંમરના દરેકે આવી દિવાળીઓ માણી હશે.
……અને આજે? આજે દિવાળીના તહેવારોની શું પરિસ્થિતિ છે? કદાચ ગામડાંમાં, આમાંથી થોડીઘણી બાબતો બચી હશે. પણ અમે મોટા ભાગના લોકો તો શહેરોમાં વસી ગયા છીએ. અહીં સાદા દિવસો અને દિવાળીના દિવસો વચ્ચે કોઈ ભેદ દેખાતો નથી. દિવાળીમાં ચારેક રજાઓ મળે એટલે, ઘણા લોકો તો ઘર બંધ કરીને ક્યાંક ફરવા કે રીસોર્ટમાં રહેવા ઉપડી જાય છે. એકબીજાને ત્યાં મળવા જવાનું તો સદંતર બંધ થઇ ગયું છે. દિવાળી કાર્ડ લખવાની પ્રથા સાવ ભુલાઈ ગઈ છે. મોબાઈલથી શુભેચ્છાઓ પાઠવી દેવાય છે. અને બીજી એક બાબત એ જોવા મળે છે કે લોકો દિવાળી કરતાં નાતાલને વધુ રંગેચંગે ઉજવે છે. અમદાવાદમાં નાતાલને દિવસે બધા લોકો બહાર કોઈ મોટા રોડ પર ભેગા થઇ નાતાલ મનાવે છે. શું આપણે જ આપણી દિવાળી ભૂલી જવાની? આપણો ભાઈચારો ક્યાં ખોવાઈ ગયો?