બાકોર ધોધ અને ચાંદણગઢની મુલાકાતે
આજે હું તમને બે સરસ જગાઓની મુલાકાત કરાવું. એમાંની એક છે લુણાવાડાની નજીક બાકોર પાસે ભાદર નદી પર આવેલો ધોધ અને બીજી જગા છે શહેરા પાસે ચાંદણગઢમાં ડુંગરની ગુફામાં આવેલું ખોડિયાર માતાનું મંદિર. ગોધરાથી આ બંને જગાઓ એક જ રૂટ પર આવેલી છે. સવારે નીકળી બંને સ્થળ જોઇને સાંજે ગોધરા પાછા આવી જવાય. અમે ગોધરા ગયા ત્યારે એક દિવસ આ જગાઓએ જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો.
અમે પાંચ જણ ગોધરાથી સવારે ગાડી લઈને નીકળ્યા. ભાદરવા મહિનાનો સખત તાપ હતો. ગોધરાથી મોડાસાના રસ્તે ૨૨ કી.મી. પછી શહેરા, ત્યાંથી ૨૦ કી.મી. પછી લુણાવાડા અને ત્યાંથી ૨૪ કી.મી. પછી બાબલીયા આવ્યું. અહીંથી જમણી બાજુના ફાંટામાં ૫ કી.મી. પછી બાકોર ગામ આવ્યું. દોઢેક કી.મી. પછી, જમણી બાજુ ખાનપુર જવાના રસ્તે વળ્યા. આ રસ્તે બેએક કી.મી. પછી, અમેઠી ગામનું બોર્ડ આવતા પહેલાં, ડાબી બાજુ વળ્યા. હવે રસ્તો સાંકડો હતો. આ રસ્તે પાંચેક કી.મી. પછી વાવકૂવા પહોંચ્યા. રસ્તામાં વચ્ચે જેઠોલા ગામમાંથી અહીંની એક જાણકાર વ્યક્તિ નામે રણછોડને અમારી જોડે લઇ લીધો. વાવકૂવા આગળ ચોક જેવી જગા છે. અહીં પાકો રસ્તો પૂરો થઇ જાય છે. અહીંથી જંગલમાં સાંકડો, ઉંચોનીચો કપચીવાળો કાચો રસ્તો બનાવ્યો છે. એ રસ્તે માંડ ગાડી લીધી. દોઢેક કી.મી. પછી તો એ રસ્તો પણ પૂરો. અહીં ગાડી મૂકી દીધી. પછી અડધો કી.મી. ચાલ્યા. નદી આવી. આડાઅવળા ખડકો પર પગ ગોઠવતા સોએક મીટર જેટલું ગયા પછી ધોધ દેખાયો ! ખડકોના ખાંચામાંથી નદી આશરે પાંચેક મીટર ઉંચેથી ધોધરૂપે પડતી હતી. ધોધની પહોળાઈ પણ પાંચેક મીટર જેટલી જ હતી. આમાં જરાય ઉતરાય એવું ન હતું. એટલે ખડકો પર ઉભા રહીને જ ધોધનાં દર્શન કર્યા. સખત મહેનતે અહીં સુધી આવ્યા હતા. ધોધ એવો ભવ્ય નથી. પાણી આગળ વહીને ફરીથી ધોધરૂપે પડતું હોય એવું દેખાય છે, ત્યાં નાહી શકાય એવું છે. જો કે અમે એ બાજુ ગયા નહિ.
અમે ફોટા પાડ્યા, અને ખડકો પર થોડું બેસીને પાછા વળ્યા. ચહેરા અને શરીર પરથી પરસેવો નીતરતો હતો. છેવટે એ જ રસ્તે પેલા જેઠોલા ગામ સુધી પાછા આવ્યા. રણછોડનું ઘર રોડની બાજુમાં જ હતું. એટલે ત્યાં સહેજ આરામ કરવાનો વિચાર કર્યો. તેના ઘરે ગયા. તેના પિતા, કાકા વગેરે લોકો ત્યાં હતા. તેઓએ અમને મહેમાનની જેમ પ્રેમથી આવકાર્યા. આંગણામાં ખાટલા ઢાળ્યા, ગોદડીઓ પાથરી, પાણી પીવડાવ્યું, આજુબાજુ તેમનાં ખેતરો હતાં તેમાંથી તાજી મકાઈ તોડી લાવી, ચૂલા પર શેકીને અમને ખવડાવી. અમે તેમનું ઘર, ખેતર, ઢોર, દૂધી-સીતાફળના છોડ – એ બધું જોયું. તેઓ ખીચડી-રોટલા બનાવવાનું કહેતા હતા, પણ અમે ના પાડી. તેમની ભરપૂર આગતાસ્વાગતા માણી, તેમને બક્ષિસ આપીને અમે પાછા વળ્યા. આપણાં ગામડાંના લોકોમાં હજુ જે આત્મીયતા જળવાઈ રહી છે, એનો સરસ અનુભવ કર્યો.
પાછા વળી અમે લુણાવાડા સુધી આવ્યા. અહીં એક હોટેલમાં જમ્યા. પછી શહેરા આવ્યા. હવે અમારે ચાંદણગઢ જવું હતું. શહેરામાં અણીયાદ ચોકડીથી જમણી બાજુ વળવાનું. આ રસ્તે ૧૨ કી.મી. પછી ચાંદણગઢ આવે છે. રસ્તો ખૂબ જ સરસ છે. અણીયાદ ચોકડીથી ૧૦ કી.મી. પછી ચાંદણગઢનું બોર્ડ છે, અહીંથી ડાબે ૨ કી.મી. જવાનું છે.
અમે જતા હતા, અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. આકાશમાં વાદળાં ચડી આવ્યાં, પવન ફૂંકાવા લાગ્યો, અને વરસાદ પણ વરસી પડ્યો. થોડી ઠંડક થઇ ગઈ. આવો તોફાની વરસાદ સવારે વાવકૂવા બાજુ પડ્યો હોત તો ત્યાં ગાડી ચલાવવાનું મુશ્કેલ બની જાત.
ચાંદણગઢમાં વિશાળ ખુલ્લા મેદાનમાં ગાડી મૂકી દીધી. અહીં મોટા મોટા પત્થરો એકબીજા પર ગોઠવાઈને નાનો ડુંગર બન્યો છે. પત્થરોની ગોઠવણી વચ્ચેની જગામાં કુદરતી ગુફા બની છે. આ ગુફામાં પગથિયાં બનાવ્યાં છે. ગુફાના પ્રવેશદ્વાર આગળ ખુલ્લો ચોક છે. અહીં ‘આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર’ નું બોર્ડ છે. ગુફા સાંકડી છે. માથું નમાવી, વાંકા વળીને, પગથિયાં ચડી માતાજીના મંદિર સુધી પહોંચાય છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ અનુભવે છે. ડુંગરના પત્થરો પર બહારથી પણ ચડી શકાય છે. આ પત્થરો પરથી દૂર દૂર સુધીનો નજારો નજરે પડે છે.
ગુફાના પ્રવેશદ્વારની નજીક રસોડું અને હોલ છે. અહીં દર રવિવારે ભક્તોને જમવાની વ્યવસ્થા છે. મંદિરનું આંગણ ખૂબ વિશાળ છે. બેસવા માટે બાંકડા છે. બાજુમાં બગીચો છે. એમાં બાળકોને રમવાની સરસ સુવિધા છે.
એકંદરે જગા સારી છે. ઘણા ભક્તો અહીં દર્શને આવે છે. પીકનીક મનાવવા માટે આ સારું સ્થળ છે. અમે આ બધું ફરીને સાંજે ગોધરા આવી ગયા. મજા આવી ગઈ.