આણંદથી મંદિરોનાં દર્શને

                                        આણંદથી મંદિરોનાં દર્શને

આપણા ગુજરાતમાં મંદિરો કેટલાં? એનો જવાબ છે ગણ્યાં ગણાય નહિ એટલાં. દરેક ગામમાં અને શહેરમાં મંદિરો હોય જ. અમે એક વાર આણંદની આજુબાજુ આવેલાં પાંચેક જાણીતાં મંદિરોએ જવાનો પ્લાન બનાવ્યો અને સવારમાં આઠ વાગે આણંદથી ગાડી લઈને નીકળી પડ્યા.

સૌથી પહેલાં અમે કરમસદ અને સંદેસર થઈને અગાસ પહોંચ્યા. અગાસ આણંદથી પંદરેક કી.મી. દૂર છે. અહીં જૈન મુનિ શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ આવેલો છે. જૈનોનું આ પ્રખ્યાત તીર્થ છે. આશ્રમમાં રોજ સવારે તથા સાંજે જૈન ધર્મના ઉપદેશનું પઠન થાય છે. ઘણા લોકો તેનું શ્રવણ કરે છે. આશ્રમમાં રહેવાની તથા ચાનાસ્તા અને જમવાની સરસ સુવિધા છે. બગીચા અને ઝાડપાન પુષ્કળ છે. આવા વાતાવરણમાં બેચાર દિવસ રહી પડવાનું મન થઇ જાય એવું છે.

અમે લોકોની ભક્તિભાવના જોઇને ખુશ થઇ ગયા અને આશ્રમના હોલમાં પ્રભુસ્મરણમાં જોડાઈ ગયા. અડધા કલાકમાં અહીંથી નીકળી અમે ખંભાત તરફ ચાલ્યા. સિહોલ, ભટીયોલ, ફાગણી, દંતાલી, પેટલાદ અને ધર્મજ ચોકડી થઇ ખંભાત પહોંચ્યા. દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ છે. અગાસથી ખંભાત ૪૦ કી.મી. દૂર છે. ખંભાતમાં તળાવને કિનારે શ્રીગુસાંઈજી પ્રભુની બેઠક છે. આશરે પાંચસો વર્ષ પહેલાં શ્રીગુસાંઈજી અહીં બિરાજેલા અને લોકોને ઉપદેશ આપેલો. બેઠક મંદિર ઘણું જ સરસ છે. પાછળ ગિરિરાજજી છે. રહેવાની અને પ્રસાદ લેવાની સગવડ છે. શાંત અને પ્રભુમય વાતાવરણમાં અહીં બેસવાનું ગમે એવું છે.

અમે જમવાનું તો સાથે લઈને જ આવેલા. એ અહીં બેઠકજીના ઓટલે બેસી જમી લીધું. અમારા એક સંબંધી ખંભાતમાં રહે છે, તેમને ત્યાં જઇ થોડો આરામ કર્યો. ભૂખ ન હતી છતાં ય તેમણે આગ્રહ કરીને અમને સમોસા અને ભજીયાં ખવડાવ્યાં.

બપોર પછી અમે ચાલ્યા રાલેજ. ખંભાતથી રાલેજ ૭ કી.મી. દૂર છે. રાલેજમાં દરિયાની નજીક શિકોતર માતાનું પ્રખ્યાત મંદિર છે. તે વહાણવટી માતા તરીકે પણ જાણીતાં છે. મંદિરનું આંગણ વિશાળ છે, ચોખ્ખાઈ પણ ઉડીને આંખે વળગે એવી છે. કહે છે કે દરિયામાં કોઈ વહાણ માર્ગ ભૂલી ગયું હોય તો તેનો ખલાસી વહાણવટી માતાને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે, અને તેને સાચો રસ્તો જડી જાય છે.

શિકોતર માતાના મંદિરની સામે ઘુશ્મેશ્વર મહાદેવનું મંદિર છે. માતાજીના મંદિર પરથી પગથિયાં ઉતરીને આ શિવમંદિરમાં જવાય છે. આ મંદિરનો બહારનો દેખાવ દિલ્હીના પાર્લામેન્ટના મકાન જેવો નળાકાર છે. એની ઉપર ખૂબ જ મોટું શિવલીંગ બનાવ્યું છે. આખો દેખાવ બહુ જ સરસ લાગે છે. મંદિરની અંદર વચ્ચેના ભાગમાં શિવજીનાં બાર જ્યોતિર્લીંગ સ્થાપિત કરેલાં છે, તથા વર્તુળાકાર દિવાલ પર બધા જ દેવીદેવતાનાં નાનાંનાનાં મંદિર બનાવ્યાં છે. મંદિરનું વાતાવરણ બહુ જ શાંત અને ભક્તિમય છે. બેઘડી બેસીને શિવજીનું સ્મરણ કરવાનું ગમે એવું છે. બહાર વિશાળ નંદી છે. અહીં બગીચો બની રહ્યો છે. દૂર અરબી સમુદ્ર નજરે પડે છે.

આ બધું જોઈ અમે રાલેજથી પાછા વળ્યા. ગરમી પુષ્કળ હતી. રાલેજથી ઉંદેલ, જલુંધ અને કનીસા ચોકડી થઈને અમે ધર્મજ તરફ જતા મૂળ રસ્તે આવ્યા. ધર્મજ ચોકડી પહોંચી અમે ત્યાંથી તારાપુરના રસ્તે વળ્યા. આ રસ્તે ધર્મજ ચોકડીથી માત્ર ૪ કી.મી. દૂર માણેજ ગામ આગળ મણીલક્ષ્મી જૈન તીર્થ આવેલું છે. મંદિર બિલકુલ રોડ સાઈડે જ છે. આ તીર્થ હમણાં જ બનીને તૈયાર થયું છે. અંદર દાખલ થતામાં સામે ઉંચા શિખરવાળું મંદિર દેખાય છે. એની પહેલાં બગીચા વચ્ચે, હાથથી ઉંચકાયેલા એક ગોળા પર ‘મણીલક્ષ્મી તીર્થ’ લખેલું નજરે પડે છે. આ ગોળો તરત જ આપણું ધ્યાન ખેંચે છે. એની એક બાજુ ભોજનગૃહ છે. ભોજનગૃહનું મકાન ખૂબ જ ભવ્ય અને કલાત્મક છે.

ગોળાથી સીધા આગળ જતાં, મણીલક્ષ્મી તીર્થનું સફેદ આરસમાં કંડારેલું મંદિર આવે છે. વિશાળ મંદિરનાં બહારથી જ દર્શન કરીને એમ લાગે છે કે આટલું મોટું જૈન તીર્થ કદાચ બીજે ક્યાંય નથી જોયું. મંદિરમાં દાખલ થયા પછી, મન આરસના થાંભલાઓ અને છત પરની અદભૂત કોતરણી જોવામાં પરોવાઈ જાય છે. એમાં કલાકારોએ દેવીદેવતાઓની વિવિધ મુદ્રાઓને આબાદ રીતે પ્રગટ કરી છે. ધારીને જોઈશું તો લાગશે કે કોઈ એક મુદ્રા બીજે ક્યાંય રીપીટ નથી થતી. આટલું સુંદર ઝીણવટભર્યું કામ કરીને કારીગરોએ પ્રભુભક્તિ માટે પ્રાણ રેડી દીધા છે. મંદિરના સભામંડપને પણ એટલો જ સુંદર રીતે સજાવ્યો છે. ગર્ભગૃહમાં તીર્થંકરની મૂર્તિ તો અતિ સુંદર છે. એમનાં દર્શન કરીને મનમાં ખૂબ જ આનંદ થાય છે.

મંદિરની બધી બાજુ સરસ બગીચા બનાવ્યા છે. ફુવારા પણ છે. મંદિરની એક બાજુ ઉપાશ્રય અને બીજી બાજુ ધર્મશાળા છે. રાતના સુંદર રોશની થાય છે. રાતનો નઝારો જોવા જેવો છે. અમે મંદિરના સંકુલમાં ફરીને બહાર આવ્યા, અને ધર્મજ ચોકડી, પેટલાદ, ફાગણી, ભવાનીપુર સંદેસર થઈને આણંદ પાછા આવ્યા.

આણંદથી બોરસદના રસ્તે ૪ કી.મી. દૂર જીટોડિયા ગામ છે. એવું વાંચ્યું હતું કે જીટોડિયાના વૈજનાથ મંદિરમાં શિવલીંગ પરનાં કાણાંમાંથી સતત પાણી ઝરે છે. અમને થયું કે આ શિવલીંગનાં પણ દર્શન કરી આવીએ. જીટોડિયામાં અમારા એક સંબંધી રહે છે .અમે તેમને ત્યાં પહોંચ્યા અને તેમને લઈને વૈજનાથ મહાદેવ ગયા. આવું શિવલીંગ જોવાની તેમને પણ ઈંતેજારી હતી.

મંદિરમાં સાંજની આરતી ચાલુ હતી. અમે આરતીમાં જોડાઈ ગયા. અંદર શિવલીંગ પર નજર કરી. તાંબાના શિવલીંગ પરથી પાણી ઝરતું દેખાતું ન હતું. આરતી પૂરી થયા પછી, અમે પૂજારીજીને વિનમ્રતાથી આ બાબત અંગે પૂછ્યું. તેમણે કહ્યું કે, ‘અસલી શિવલીંગ, આ તાંબાના શિવલીંગની અંદર છે, અને એમાંથી પાણી ઝરે છે. આશરે આઠસો વર્ષ પહેલાં અહીં વિધર્મી લોકોએ ચડાઈ કરી અને શિવલીંગ તોડી નાખ્યું હતું. એ શિવલીંગ વધુ ખરાબ ના થાય એટલા માટે એના પર આ તાંબાનું શિવલીંગ ઢાંકી રાખીએ છીએ. રોજ બપોરે બાર વાગે એ શિવલીંગ સાફ કરવા માટે ખોલીએ છીએ. તમારે એ અસલી શિવલીંગ જોવું હોય તો બપોરે બાર વાગે આવજો. એમાંથી પાણી ઝરતું જોવા મળશે. એ પાણી ગંગા નદીના પાણી જેવું ચોખ્ખું છે. એ ક્યારેય ખરાબ થતું નથી. નિષ્ણાતોએ અહીં આવીને એ પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરીને આ વાતને અનુમોદન આપેલું છે.’

પૂજારીજીની વાત સાંભળીને અમને આનંદ થયો. અસલી શિવલીંગનો ફોટો અહીં મૂકેલો છે, તે જોઇને હાલ તો સંતોષ માન્યો. અહીં વિધર્મીઓના હુમલા દરમ્યાન, આ શિવલીંગનું રક્ષણ કરવા ૧૨૫ જવાનોએ પોતાનાં બલિદાન આપેલાં. આ ૧૨૫ વીરોની સમાધિરૂપે અહીં મંદિરની બાજુમાં ૧૨૫ નાનાંનાનાં મંદિર બનાવેલાં છે. આ હુમલા પછી સિદ્ધરાજ જયસિંહે આજથી ૮૧૪ વર્ષ પહેલાં, આ મંદિર ફરીથી બંધાવ્યું, એ જ મંદિર અત્યારે છે.

મંદિરનો ઈતિહાસ જાણવાનું ગમ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરની મુલાકાતે આવી ગયેલા છે. પૂજારીજીની દિકરી લજ્જા તિલકપુરી ગોસ્વામી, દિલ્હીમાં રાઈફલ શુટીંગ ક્લબની ચેમ્પીયન છે, એ ગૌરવની વાત છે. અસલી શિવલીંગ જોવું હોય તો, પૂજારીજીના સંપર્ક માટેનો ફોન નંબર ૯૮૨૪૪૬૭૩૦૫ છે.

જીટોડિયાના અમારા સંબંધીએ અમને પ્રેમપૂર્વક જમાડ્યા, અંતે અમે આણંદમાં અમારા મુકામે પહોંચ્યા.

તસ્વીરો (૧) રાજચંદ્ર આશ્રમ, અગાસ (૨) ખંભાતની બેઠક (૩) રાલેજમાં શિકોતર માતાનું મંદિર (૪) અને (૫) રાલેજનું ઘુશ્મેશ્વર મહાદેવ (૬) અને (૭) મણીલક્ષ્મી તીર્થ, માણેજ (૮) જીટોડિયાના વૈજનાથ મહાદેવ

1_IMG_9001

3_IMG_9015

4_IMG_9019

9_IMG_9028

15_IMG_9036

3_IMG_9055

Manilaxmi

2_IMG_9066