કામરેજના ગળતેશ્વર મહાદેવ

કામરેજના ગળતેશ્વર મહાદેવ

ગુજરાતમાં બે ગળતેશ્વર મહાદેવ બહુ જાણીતાં છે, એક પ્રાંતિજની નજીક અને બીજું ઠાસરા પાસે. આ ઉપરાંત, ઓછું જાણીતું એવું એક ત્રીજું ગળતેશ્વર મહાદેવ સૂરત જીલ્લાના કામરેજ તાલુકામાં ટીંબા ગામમાં તાપી નદીના કિનારે આવેલું છે. સૂરતથી તે ૩૯ કી.મી. અને ભરૂચથી ૭૬ કી.મી. દૂર છે. આ મહાદેવ બોધાન ગામની નજીક છે. આવો, આજે આપણે આજે આ મહાદેવની મુલાકાત લઈએ.

અમે આ સ્થળે જવા માટે ભરૂચથી નીકળ્યા. ભરૂચથી સૂરતના હાઈવે પર આશરે ૬૦ કી.મી. જેટલું ગયા પછી, ડાબા હાથે નાનો રસ્તો પડે છે. ત્યાં, ‘ગૌતમેશ્વર મહાદેવ, બોધાન’ એવું બોર્ડ છે. આ રસ્તે ૧૫ કી.મી. જેટલું ગયા પછી તાપી નદીના કિનારે બોધાન ગામ આવે છે. અહીંથી તાપી નદી પરનો પૂલ ઓળંગી સામે કિનારે જઈએ કે તરત જ જમણી બાજુ ગળતેશ્વર મહાદેવ છે. ગળતેશ્વર મહાદેવમાં શિવજીની ૬૨ ફૂટ ઉંચી મૂર્તિ છે, તે મૂર્તિ રોડ પરથી જ દેખાય છે. અમે ગાડી એ બાજુ લઈને મંદિરના પાર્કીંગમાં મૂકી દીધી. ટીંબા ગામ અહીંથી નજીક જ છે.

મંદિરના પ્રવેશદ્વારની કમાન ભવ્ય છે. તેના પર મોટા અક્ષરે ‘ઓમ નમઃ શિવાય’ લખેલુ છે. પ્રવેશ લીધા પછીના વિશાળ પ્રાંગણમાં ડાબી બાજુ ભોજનાલય છે, એના પર ‘માતાપિતા સ્મૃતિભવન ભોજનાલય’ એવું લખેલું છે. જમણી બાજુ વિશ્રામ કરવા માટે, લાઈનબંધ મંડપો બાંધેલા છે, જે ગજીબો કહેવાય છે. એમાં બેસવા માટે બાંકડા અને હીંચકા છે. આગળ જતાં, સામે જ શિવજીની ૬૨ ફૂટ ઉંચી મૂર્તિ છે. આટલી ભવ્ય મૂર્તિ જોઇને મન આનંદવિભોર બની જાય છે. એમ થાય કે મૂર્તિને જોયા જ કરીએ. મૂર્તિની સામે મોટો નંદી છે. મૂર્તિની નીચેના વિશાળ ખંડમાં બાર જ્યોતિર્લીંગનાં દર્શન થાય છે. વધુમાં, એક સ્ફટિકનું લીંગ પણ છે. શિવજીની આ મૂર્તિની સામે મેદાનમાં ઉભા રહેવાનું ગમે એવું છે.

મૂર્તિની સામે જમણી બાજુ ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. એમાં પંદરેક પગથિયાં ચડીએ એટલે શિવજીનાં દર્શન થાય છે. ડાબી બાજુ રામ, સીતા અને લક્ષમણનું મંદિર છે.

શિવજીની મૂર્તિની જમણી બાજુ તાપી નદી વહે છે. મંદિર આગળથી તે દેખાય છે. આટલે ઉંચેથી દૂર દૂર સુધી દેખાતી નદીનું દ્રશ્ય જોવાની મજા આવે છે.

બીજી એક ખાસ બાબત એ છે કે મંદિરની પાછળ નારદીગંગા નદી વહે છે અને તે તાપીને મળે છે. ત્રીજી એક ગુપ્તગંગા નદી પણ અહીં તાપીને મળે છે. આમ, મંદિરની પાછળ ત્રિવેણી સંગમ થાય છે. આ સંગમમાં નહાવાનું પવિત્ર ગણાય છે તથા તેમાં નહાવાની ખૂબ મજા આવે એવું છે.

શિવજીની મૂર્તિની બાજુમાં ‘ગંગોત્રી ત્રિવેણી સંગમ સ્નાનાગાર’ નું બોર્ડ છે, અહીંથી ટીકીટ લઈને, ૧૧૧ પગથિયાં ઉતરીને નીચે સંગમ આગળ પહોંચાય છે. નારદીગંગા તાપીને મળે એ પહેલાં તેમાં ચેકડેમ જેવું બનાવી એક પછી એક એમ બે મોટા હોજ બનાવ્યા છે. નદીનું પાણી પહેલાં એક હોજમાં અને પછી બીજામાં પડે છે. આ પાણી ધોધરૂપે, કાણાંમાં થઈને કે પગથિયાં પર વહીને એમ વિવિધ રીતે પડે છે. એમાં ઉભા રહીને નહાવાની બહુ મજા આવે છે. હોજ, ધોધ તેમ જ વહેતા પાણીનો દેખાવ બહુ જ સરસ છે.

લોકો અહીં નહાવાનો આણંદ માણે છે, અને આનંદની ચિચિયારીઓ પાડે છે. હોજ વિસ્તારમાં ચોખ્ખાઈ સારી છે, ડૂબી જવાનો કે તાપીમાં તણાઈ જવાનો ભય નથી. અમે પણ અહીં બે કલાક જેટલું નાહ્યા, પછી પગથિયાં ચડીને ઉપર આવ્યા. સ્ત્રીઓ માટે કપડાં બદલવા રૂમની સગવડ છે.

ઉપર આવી ગજીબોમાં બેસી થોડો આરામ કર્યો. અહીં રાત રોકાવુ હોય તો રહેવાની સગવડ છે. પ્રવેશદ્વાર સામે ચાનાસ્તાની દુકાનો પણ છે. અમે એનો લાભ લીધો, અને શિવજીને મનોમન પ્રણામ કરી પાછા ભરૂચ જવા નીકળ્યા. અડધા દિવસની આ ટ્રીપ બહુ જ આનંદદાયક રહી.

બોધાનનું ગૌતમેશ્વર મહાદેવ પણ જાણીતું સ્થળ છે. દર બાર વર્ષે આવતા કુંભમેળા વખતે અહીં મહાદેવને ધજા ચડાવવામાં આવે છે.

1_IMG_9097

2_IMG_9098

7_IMG_9101

10_IMG_9103

14_IMG_9115.JPG

 

19_IMG_9318

1_IMG_20170825_161945.jpg

3_IMG_20170825_155102.jpg

23_IMG_9126.JPG

24_IMG_9127.JPG