હેરીટેજ નગર માંડુંના પ્રવાસે
આપણા ઈતિહાસની વારસાસમી માંડું નગરી મધ્ય પ્રદેશમાં ઇન્દોર અને ધારની નજીક આવેલી છે. માંડુંને માંડવ કે માંડવગઢ પણ કહે છે. ઇન્દોરથી તે ૯૭ કી.મી. અને ધારથી ૩૯ કી.મી. દૂર છે. અહીં મધ્ય યુગના રાજાઓના મહેલો, મસ્જીદ, મકબરા વગેરે સ્થાપત્યો જોવા જેવાં છે. ભારતીય પુરાતત્વ ખાતાએ આ સ્થાપત્યોનું સારું જતન કર્યું છે. આ બધું જોવા માટે ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. વળી, ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ અને માહેશ્વર, માંડુંથી નજીક છે. એટલે આ ત્રણ સ્થળો જોવાનો પ્રોગ્રામ બનાવી, ભરૂચથી એક સવારે અમે નીકળી પડ્યા. માંડુંમાં MTDCની હોટેલ માલવા રીટ્રીટમાં બે રાત રહેવાનું બુકીંગ કરાવી લીધું હતું. અમે બે ફેમીલી હતાં, એટલે જવા માટે અહીંથી ઈનોવા ગાડી ભાડે કરી લીધી. ભરૂચથી કરજણ, ડભોઇ, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુર, કુક્ષી અને મનાવર થઈને છએક કલાકે અમે માંડું પહોંચ્યા.
ભરૂચથી માંડુંનું અંતર ૩૩૦ કી.મી. છે. છોટાઉદેપુર પછી મધ્ય પ્રદેશની હદ શરુ થાય છે. મનાવરથી માંડુંનો ૫૦ કી.મી.નો રસ્તો ખરાબ છે. માંડું ઉંચી ટેકરી પર વસેલું છે. એટલે છેલ્લા નવેક કી.મી.નો રસ્તો ચડાણવાળો છે. મનાવરથી ધરમપુરી અને ધામનોદ થઈને પણ માંડું જવાય. એ રસ્તો લાંબો થાય અને એમાય ધામનોદ પછીનો ૧૮ કી.મી.નો રસ્તો ખરાબ જ છે. દાહોદથી ધાર થઈને પણ માંડું જવાય એ રસ્તો ય લાંબો છે.
માંડુંની ટેકરી ચારે બાજુ જંગલોથી છવાયેલી છે. ચોમાસામાં માંડુંનો નઝારો બહુ જ ખૂબસૂરત હોય છે. માંડું ગામ શરુ થતા પહેલાં નીલકંઠ પોઈન્ટ નામની એક જગા આવે છે. અહીં નીલકંઠ મંદિર છે, અહીંથી ખીણનો વ્યૂ બહુ જ સરસ દેખાય છે. અહીં ઝૂંપડી જેવી ચાની દુકાનમાં ચા પીતાં પીતાં, ખીણમાં દોડતાં વાદળો જોવાની બહુ જ મજા આવે છે.
માંડુંમાં એક જ મુખ્ય રસ્તો છે. એની બંને બાજુ માંડુંની વસ્તી રહે છે. આશરે ૩૫૦૦૦ની વસ્તી ધરાવતા માંડુંની પ્રજા બહુ જ ગરીબ છે. કોઈ મોટાં ભવ્ય મકાનો અહીં જોવા નથી મળતાં. પ્રવાસીઓને રહેવા માટે દસેક જેટલી હોટેલો અને ખાણીપીણી માટે દસેક જેટલાં રેસ્ટોરન્ટ છે, તે પણ મુખ્ય રસ્તા પર જ આવેલાં છે. અહીં તમને કોઈ ટ્રાફિક દેખાય નહિ. નગરની મધ્યમાં જે ચોક છે, એમાં વાહનો પાર્ક થયેલાં દેખાય.
અમે સીધા પહોંચ્યા અમારી હોટેલ પર. તે ગામને એક છેડે આવેલી છે. હોટેલ બહુ જ સરસ હતી. પેસતામાં જ ઓફિસ અને તેની બાજુમાં રેસ્ટોરન્ટ અને તેની પાછળ રૂમો છે. બાજુમાં પાર્કીંગ છે. માંડુંમાં બધું જોવા માટે ગાઈડ મળી રહે છે. ઓફિસમાં ગાઈડનાં નામ અને તેમના ફોન નંબરનું એક લીસ્ટ લટકાવેલું છે. રૂમોમાં જઇ અમે ફ્રેશ થયા. આજનું જમવાનું તો અમે ઘેરથી લઈને જ આવ્યા હતા, તે જમી લીધું. પૂરી, સૂકી ભાજી, અથાણું, મસાલો અને એવું બધું. થોડોક આરામ કરી એકબે ગાઈડને ફોન કર્યા.
માંડુંની ફરતે જૂના વખતની દિવાલ બાંધેલી છે. એમાં ૧૨ દરવાજા છે. જયારે જયારે યુદ્ધમાં વિજય મળે ત્યારે તેના માનમાં રાજા એક એક દરવાજો બનાવી દેતા. માંડું ૧૦મી અને ૧૧મી સદીમાં પરમારોના સમયમાં બહુ જાહોજલાલીવાળું નગર હતું. પંદરમી સદીમાં હોશંગશાહ પહેલો મુસ્લિમ રાજા થયો. તે સારો અને ઉદાર રાજા હતો. તેણે માંડુંમાં ઘણાં બાંધકામ કરાવ્યાં.
માંડુંના ચોકની આજુબાજુ જામા મસ્જીદ, અશરફી મહેલ, રામ મંદિર અને હોશંગશાહનો મકબરો છે. મસ્જીદથી થોડે દૂર જૈન મંદિર છે. જામા મસ્જીદની બાજુના રસ્તે ૧ કી.મી. દૂર જહાજ મહલ અને હિંડોળા મહલ છે. જામા મસ્જીદથી પાંચેક કી.મી. દૂર રાની રૂપમતીનો પેવેલિયન, રાજા બાજ બહાદુરનો મહલ અને રેવા કુંડ છે.
અમે હોટેલ પરથી નીકળી ચોકમાં થઈને પહેલાં તો જહાજ મહલ પહોંચ્યા. ફોન પર વાત થયેલ ગાઈડ ભાઈ અહીં મળી ગયા. વ્યક્તિ દીઠ ૧૫ રૂપિયાની ટીકીટ લઇ અમે ગેટમાં અંદર દાખલ થયા. સામે જ જહાજ મહલ દેખાયો. મહલ આગળ તેના નામની મોટી તકતી મુકેલી છે અને તેનો ટૂંકો ઈતિહાસ લખેલો છે. પુરાતત્વ ખાતાએ દરેક હેરીટેજ બિલ્ડીંગ આગળ આવું નામ અને લખાણ મૂક્યું છે. આ મહલ ગીયાસુદ્દીન ખીલજીએ પોતાના જનાના માટે બંધાવેલો. મહેલ બે માળનો છે, તેની પહોળાઈ ઓછી અને લંબાઈ વધુ છે, તેની બંને બાજુ એક એક તળાવ છે, એટલે આ મહલ જાણે કે પાણીમાં જહાજ તરતું હોય એવો લાગે છે. આથી તો એને જહાજ મહલ કહે છે. મહલમાં અંદરના હોલ અને કમાનો સરસ છે. મહલનું મજબૂત બાંધકામ આશ્ચર્ય પમાડે એવું છે. નહાવા માટેના હોજ અને તેમાં પાણીના આવનજાવનની સારી વ્યવસ્થા કરેલી છે. બે તળાવોનાં નામ કપૂર અને મુંજ છે. કપૂર તળાવને કિનારે સુંદર બગીચો બનાવેલો છે.
મહલનો સામેથી ઘણો સરસ દેખાય છે. તેના એક છેડે છત પર જવા માટે પગથિયાં છે. મહલની અંદર પણ ઉપર જવા માટે સીડી છે. છત પરથી આજુબાજુનાં તળાવો અને બીજાં બાંધકામોનો નઝારો બહુ જ સરસ લાગે છે. ફોટા પાડવા માટે આ સરસ જગા છે.
જહાજ મહલની સામે પ્રાચીન હિંદુ બાવડી છે. બાવડી એટલે વાવ. આ વાવ ચંપા વાવ તરીકે જાણીતી છે. જહાજ મહલની એક બાજુ તવેલી મહલ છે, હાલ એમાં મ્યુઝીયમ છે. જહાજ મહલની બીજી બાજુ હિંડોળા મહલ છે. આ મહલ પણ ગીયાસુદ્દીનના વખતમાં જ બંધાયેલો. તેની બંને બાજુની દિવાલો બહારથી ત્રાંસી છે, એટલે મહલનો દેખાવ હિંડોળા જેવો લાગે છે, આથી એને હિંડોળા મહલ કહે છે. આ મહલનો ઉપયોગ રાજદરબાર ભરવા માટે થતો હતો. એની આજુબાજુ ઘણાં બાંધકામ છે. પાછળ દિલાવરખાનની મસ્જીદ છે. બીજી બાજુ ઉપરથી ખુલ્લું એક થીયેટર છે. એની રચના એવી છે કે સ્ટેજ ઉપર ગાયક ગાય, તેનો અવાજ આખા હોલમાં બધે સંભળાય. અહીં મહેમાનો માટે ચાંદની રાતમાં મુજરા થતા. બીજો એક હોલ એવો છે કે એમાં એસી જેવી ઠંડક રહે છે. નહાવા માટેના બાથરૂમની રચના ખાસ પ્રકારની છે. રાની રૂપમતી પહેલાં આ મહલમાં રહેતી હતી. મુંજ તળાવની વચ્ચે જલમહલ છે. આ બધી જગાઓએ ‘આ લૌટકે આ જા મેરે મીત’ (રાની રૂપમતી), ‘નામ ગુમ જાયેગા’ (કિનારા). ‘દિલરુબા મૈને તેરે પ્યાર મેં’ (દિલ દિયા દર્દ દિયા) વગેરે ગીતોનાં શુટીંગ થયેલાં છે.
આ મહેલો જોઇને અમે પાછા વળ્યા, ત્યારે બરાબરના થાક્યા હતા. બજારમાં એક હોટેલમાં જમ્યા. અહીં દાલપાણીયા અને દાલબાફલો ખાસ જાણીતી વાનગીઓ છે. દાલબાફલો એ દાલબાટી જ છે. ખાવાની મજા આવી ગઈ. હોટેલ પર પહોંચીને સુઈ ગયા, તે વહેલી પડે સવાર.
બીજે દિવસે નાહીધોઈ પરવારી, હોટેલના રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી ચોકમાં આવ્યા. નાસ્તો સરસ હતો, પૂરી, શાક, બ્રેડબટર, બટાકાપૌંઆ, પપૈયું અને ચા. આજે બાકીનાં સ્થળો જોવાનાં હતાં. ચોકમાં વર્મા નામનો એક ગાઈડ મળી ગયો. તેના માર્ગદર્શન પ્રમાણે, પહેલાં તો રાની રૂપમતીના પેવેલિયન (મંડપ) તરફ ચાલ્યા. પેવેલિયન ટેકરી પર છે. તે મહલ જેવો જ છે. બાજ બહાદુરનો મહલ પેવેલિયનની બાજુમાં નીચે છે. પેવેલિયનમાં જવા માટે લગભગ ૭૫ પગથિયાં ચડવાનાં છે. અમે ચડીને ઉપર ગયા. પેવેલિયન ૨ માળનો છે. નર્મદા નદી આ સ્થળેથી આશરે ૪૦ કી.મી. દૂર છે. કહે છે કે રાની રૂપમતી રોજ નર્મદા મૈયાનાં દર્શન કરવાની ઈચ્છા ધરાવતી હતી. આથી, બાજ બહાદુરે આ પેવેલિયન બાંધ્યો હતો કે જેથી આટલે ઉંચેથી નર્મદાનાં દર્શન કરી શકાય. પણ અમે જોયું કે અહીંથી નર્મદા નદી દેખાતી ન હતી. સ્વાભાવિક છે કે આટલે દૂરથી તે ન જ દેખાય. પેવેલિયનના ઉપલા માળે જવા માટે સીડી છે, આ સીડી ખાસ રાની રૂપમતી માટે જ બનાવાઈ હતી. ઉપલા માળે હોલ છે, રાની રૂપમતી હિંદુ હતી, તેને ગાવાનો શોખ હતો. તે સારી ગાયિકા હતી. ઉપરના હોલમાં ગાવાનો પ્રોગ્રામ યોજાતો. રાની અને રાજા સામસામે બેસીને ગાતા, વચ્ચેની જગામાં વાદકો બેસતા. કલ્પના કરો કે હોલમાં જયારે ગાયનવાદન ચાલતું હશે, ત્યારનો માહોલ કેવો ભવ્ય લાગતો હશે ! અમે તો એ દ્રશ્યની કલ્પનામાં ખોવાઈ ગયા. એ દ્રશ્ય પાંચસો વર્ષ જૂનો ભૂતકાળ બની ચૂક્યું હતું. અત્યારે આ જગા ખાલીખમ હતી. છેવટે, અમે નીચે ઉતરી બાજ બહાદુરના મહેલે ગયા.
મહલના રૂમો જોયા. ગાઈડ પાસે જૂના જમાનાના સિક્કા જોયા. બાજ બહાદુરના મહલની સામે જ રેવાકુંડ છે. એવું કહેવાય છે કે એ કુંડમાં નર્મદા નદીનું પાણી લાવીને ભરવામાં આવતું. રાનીને નર્મદા નદીનાં દર્શન ન થાય ત્યારે આ કુંડના પાણીનાં દર્શન કરીને તે સંતોષ માનતી.
અહીંથી પાછા અમે ચોક તરફ આવવા નીકળ્યા. વચ્ચે ઇકો પોઈન્ટ આવ્યો. ઇકો એટલે પડઘા. આ પોઈન્ટ આગળ ઉભા રહી બૂમો પાડો, તો દૂરથી તેનો પડઘો સ્પષ્ટ સંભળાય છે. આથી આ જગાને ઇકો પોઈન્ટ કહે છે. અમે ‘કેમ છો?’, ‘I love you’ એવી બૂમો પાડી, અને સામેથી એના પડઘા સંભળાયા ! અહીં દૂર બે મકાનો દેખાય છે. ગાઈડે કહ્યું કે એમાં એક મકાનમાં હોસ્પિટલ હતી, અને બીજા મકાનમાં નર્સો રહેતી હતી. હોસ્પિટલમાં કોઈ દર્દીને આપત્તિ આવી પડે, તો બૂમ પાડતા, તે બૂમ બીજા મકાનમાં નર્સને પડઘારૂપે સંભળાતી, અને નર્સ દોડીને દર્દી પાસે આવી જતી.
અહીંથી અમે ચોકમાં પાછા આવ્યા. પહેલાં તો ટીકીટ લઈને જામા મસ્જીદમાં દાખલ થયા. આ મસ્જીદ અમદાવાદની જામા મસ્જીદ જેવી જ છે. અંદરથી વિશાળ છે. મૌલવીને બેસવા માટે સ્ટેજ છે. સ્ત્રીઓને પણ આ મસ્જીદમાં આવવાની છૂટ હતી. તેમની બેઠક વ્યવસ્થા પહેલા માળે હતી.
મસ્જીદની પાછળ હોશંગશાહનો મકબરો છે. મસ્જીદમાંથી નીકળીને અમે આ મકબરા આગળ ગયા. મકબરો આરસનો બનેલો છે. શાહજહાંએ તાજમહાલ બાંધતા પહેલાં કારીગરોને આ મકબરો જોવા મોકલ્યા હતા. મકબરાનો દેખાવ સરસ છે. બાજુમાં એક ધર્મશાળા છે. બહારગામથી આવતા મુસાફરો અહીં રોકાતા હશે, એવું અનુમાન છે.
આ બધું જોઈ અમે મસ્જીદની બહાર આવ્યા. ચોકમાં મસ્જીદની સામે અશરફી મહલ છે. તેનાં પગથિયાં ચડીને અંદરનો માહોલ જોવા જઇ શકાય છે. એક જમાનામાં રાજઘરાનાની જાડી વ્યક્તિઓને આ પગથિયાં પરથી ચડઉતર કરવાની ફરજ પડાતી હતી, કે જેથી શરીરની ચરબી ઉતરે. આ પગથિયાં પર અશરફીઓ રાખવામાં આવતી. ચડઉતર કર્યા પછી અશરફીઓ ગરીબોને વહેંચી દેવાતી. આથી આ મહલનું નામ અશરફી મહલ પડ્યું.
અશરફી મહલની બાજુમાં શ્રીરામ મંદિર છે. મંદિરનો વિસ્તાર અંદરથી મોટો છે. રહેવાજમવાની સગવડ છે. ચોકમાંની આ બધી જગાઓ જોઈ, જમીને અમે હોટેલ પર પાછા પહોંચ્યા. બપોરે આરામ ફરમાવ્યો. અને સાંજના ગડાશાની દુકાન તરફ નીકળ્યા. આ જગા અમારી હોટેલની સાવ નજીક હતી. આ દુકાન એક ખંડેર મકાન છે. એ જમાનામાં અહીં લાઈનબંધ દુકાનો હશે એવું લાગે છે. ધાબા પરથી જહાજ મહલ દેખાય છે. અહીંથી આગળ અમે દિલ્હી દરવાજા ગયા. આ, માંડુંનું જૂના જમાનાનું એક પ્રવેશદ્વાર છે. અહીંથી રસ્તો આગળ ધાર અને ઇન્દોર તરફ જાય છે. આ રસ્તે પાંચેક કી.મી. પછી કાકડા ખોહ નામનું પોઈન્ટ છે, ત્યાં આગળ એક ધોધ દેખાય છે. પણ અમે ત્યાં ગયા નહિ. અહીંથી પાછા વળીને, નીલકંઠ પોઈન્ટ પર થોડું બેસીને હોટેલ પર પાછા વળ્યા. માંડું જોવાનું હવે પૂરું થયું હતું. અમારા ગાઈડ રામ વર્માનો ફોન નંબર અહીં જણાવી દઉં. ૦૯૯૯૩૫૩૦૨૨૯. ‘પેડમેન’ નામની એક ફિલ્મ બની છે, એમાં એ થોડી વાર દેખા દે છે, એમ એનું કહેવું છે. માંડુંમાં હજુ બીજાં ઘણાં સ્ટ્રક્ચર છે, જેવાં કે રૂઠી મહલ, રોઝાકા મકબરા, સાગર લેક, જાલી મહલ, હાથી મહલ વગેરે.
બીજે દિવસે સવારે અમે માંડુંથી નીકળ્યા. ઉપરથી ઉતરીને નીચે સમતલ રસ્તા પર આવ્યા. આજે અમે ઓમકારેશ્વર અને માહેશ્વર જવાના હતા. માંડુંથી ધામનોદ આવ્યા. ધામનોદથી માહેશ્વર ૨૨ કી.મી. અને ત્યાંથી ઓમકારેશ્વર ૬૦ કી.મી. છે. માહેશ્વર વળતાં જોવાનું રાખી, પહેલાં અમે ઓમકારેશ્વર પહોંચ્યા.
ઓમકારેશ્વર, શિવજીનાં ૧૨ જ્યોતિર્લીંગોમાંનું એક છે. એ દ્રષ્ટિએ એનું મહત્વ ઘણું છે. અહીં નર્મદા નદી બે ફાંટામાં વહેંચાય છે, અને વચ્ચે માંધાતા નામનો ટાપુ બને છે. આ ટાપુ પર ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે. ઓમકારેશ્વર ગામમાંથી, બોટમાં બેસીને કે પૂલ પર ચાલીને મંદિર પહોંચાય છે.
અમે ગામમાં ગાડી પાર્ક કરી. પાર્કીંગની વ્યવસ્થા બહુ જ ખરાબ છે. આશરે ૧૧૫ પગથિયાં ઉતરી, અમે બોટ આગળ પહોંચ્યા. પગથિયાં પણ બહુ સારાં નથી. નર્મદાનું પાણી ઓઈલ કે બીજા કોઈ કારણસર કાળું પડી ગયેલું છે. બોટવાળા પોતાની મનમાની કરે છે. છેવટે અમે બોટમાં સામે કિનારે પહોંચ્યા. અહીં આશરે ૧૫૦ પગથિયાં ચડીને મંદિરે પહોંચ્યા. પગથિયાં પર લોકો પૂજાપો અને બીજી જાતજાતની વસ્તુઓ વેચવા બેઠેલા હોય છે. ઉપર પહોચીને અમે લાઈનમાં ઉભા રહી, જ્યોતિર્લીંગનાં દર્શન કર્યા. આટલું પ્રખ્યાત જ્યોતિર્લીંગ, પણ બે મિનીટ શાંતિથી દર્શન કરી શકાતાં નથી. બે મિનીટ બેસવા માટે પણ જગા નથી. શિવજી પરની અપાર શ્રદ્ધાને લીધે, દર્શન કર્યાનો બહુ જ આનંદ થયો. ગરમી પુષ્કળ હતી. અમે બધા પરસેવે રેબઝેબ હતા. પછી, અમે એ જ બોટમાં પાછા આવ્યા. બોટવાળાએ નદીમાં થોડું આજુબાજુ ફેરવ્યા, અને દૂરથી કિનારા પરનાં બીજાં મંદિરો બતાવ્યાં. નદીના ઉપરવાસ તરફ, નદીમાં બંધ બાંધેલો દેખાય છે. ઓમકારેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે.
અમે પાછા માહેશ્વર તરફ ચાલ્યા. આ જ નર્મદા નદી માહેશ્વર આગળ થઈને વહે છે. અહીં નદી કિનારે રાણી અહલ્યાબાઈ હોળકરના વખતનો કિલ્લો અને મહેલ છે. કિલ્લાને અડીને નદી કિનારે વિશાળ પ્લેટફોર્મ બનાવ્યું છે. એ રીવરફ્રન્ટ જેવું લાગે. પહેલાં તો અમે અહલ્યાબાઈના રહેઠાણની જગા જોઈ. અહીં તેમનું એક સરસ સ્ટેચ્યુ બનાવેલું છે. તેમની દેવપૂજાનો ખંડ, સભામંડપ વગેરે જોયું. થોડાં પગથિયાં ઉતર્યા પછી, બે શિવમંદિરો છે. મંદિરની આજુબાજુની લોબીઓમાં સુંદર શિલ્પકામ કરેલું છે. થોડાં વધુ પગથિયાં ઉતરી, નદી કિનારે પ્લેટફોર્મની ખુલ્લી જગામાં ગયા. અહીં કિલ્લાની બહારની દિવાલ અને ઝરૂખા નજરે પડે છે. નર્મદામાં પુષ્કળ પાણી વહેતું હોય, ત્યારે રાણીને ઝરૂખામાં બેસીને નર્મદા જોવાની કેટલી મજા આવતી હશે ! ઘણા લોકો અહીં પ્લેટફોર્મ પર લટાર મારે છે.
આ બધા વિસ્તારોમાં ફિલ્મ ‘અશોકા’, બાજીરાવ મસ્તાની’ તથા અન્ય ફિલ્મોનાં શુટીંગ થયેલાં છે. અહીં બધે ફરી, ઉપર ચડી અમારી ગાડી સુધી પહોંચ્યા. ખૂબ થાક લાગ્યો હતો. છેવટે, શિવજીને મનોમન યાદ કરી, આ શિવમય ભૂમિ છોડીને અમે પાછા આવવા નીકળ્યા, અને એ જ રૂટ પર થઈને રાતે દસેક વાગે ભરૂચ પહોંચ્યા. બોલો, હરિ ઓમ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય I