મધુર ગીતોના ગાયક શ્રી નીતિન મૂકેશ સાથે મુલાકાત

મધુર ગીતોના ગાયક શ્રી નીતિન મૂકેશ સાથે મુલાકાત

સુરીલા સ્વરના માલિક શ્રી નીતિન મૂકેશને કોણ નહિ જાણતું હોય? એમણે ગાયેલાં ગીતો એક વાર સાંભળો, તો તમે એમના આશિક બની જાવ, એવો એમના કંઠમાં જાદુ છે. તેમનું નામ લેતાં જ, અનેક ગીતો યાદ આવી જાય છે. ‘આ જા રે, આ જા રે ઓ મેરે…….’(ફિલ્મ નૂરી), ‘જીન્દગીકી ના તૂટે લડી…..’(ક્રાંતિ), ‘તેરી ઝીલ સી ગહરી આંખોમેં…….’(ધુએ કી લકીર) જેવાં અમર ગીતો કાનોમાં ગુંજ્યા કરે છે. મને તો એમના સ્વરમાં ગવાયેલાં ગીતો ખૂબ જ ગમે છે. આમે ય મને ગાયકો માટે બહુ જ આદર છે. આવી વ્યક્તિ અચાનક જ અણધારી ક્યાંક મળી જાય તો કેટલો બધો આનંદ થાય !

અને એક વખત અચાનક જ નીતિન મૂકેશને મળવાનું થઇ ગયું. કઈ રીતે મળવાનું થયું, એની અહીં વિગતે વાત કરું.

હું અને મારી પત્ની મીના એક વાર નાથદ્વારા, શ્રીનાથજીનાં દર્શને ગયેલા. બપોરે અગિયાર વાગે રાજભોગનાં દર્શન કરી, અમે મંદિરના ચોકમાં ઉભા હતા. મીના કહે, ‘મને ધજાજીનાં દર્શન કરવાની ઈચ્છા છે, તો હું ઉપર જઇ ધજાજીનાં દર્શન કરી આવું.’

મેં કહ્યું, ‘ભલે, તું જઇ આવ. મારે ઉપર નથી આવવું. હું અહીં જ ઉભો છું.’

મીના સીડી ચડીને ઉપર ધજાજીનાં દર્શન કરવા ગઈ. દર્શન કરીને ઝડપથી પાછી આવી અને મને કહે, ‘ઉપર ધજાજી પાસે નીતિન મૂકેશ ઉભા છે. તમારે તેમને જોવા હોય અને મળવું હોય તો જલ્દી ઉપર જાવ.’ અમે નીતિન મૂકેશનો ફોટો તો અવારનવાર જોયેલો હતો. એટલે મીના તેમને તરત ઓળખી ગઈ હતી. આમે ય મીના એક વાર કોઈનો ચહેરો જુએ કે ફોટો જુએ, પછી તે ચહેરો તેને કાયમ યાદ રહી જાય. મારું આ બાબતમાં બહુ કાચું.

જેવું મીનાએ મને કહ્યું કે તરત જ હું ઉપર દોડ્યો. ધજાજી આગળ દસેકથી વધુ માણસો ન હતા, એટલે એમાંથી મને નીતિનજીને ઓળખવામાં બહુ વાર ના લાગી. હું તેમની બાજુમાં જઈને ઉભો રહ્યો. બે પળ તો હું તેમને જોઈ જ રહ્યો, અને ખુશ થતો રહ્યો કે એક મહાન ગાયકની બાજુમાં ઉભા રહેવાની મને તક મળી છે. પણ મારે તો તેમની સાથે વાત પણ કરવી હતી. એટલે મેં શરૂઆત કરી, ‘સર, આપ નીતિન મૂકેશ જ છો ને?’

તેઓએ સસ્મિત જવાબ આપ્યો, ‘હા’

મેં કહ્યું, ‘આપને જોઇને મને બહુ જ આનંદ થયો. આપ અહીં છો, એવી ખબર પડતાં જ હું આપને જોવા અહીં દોડી આવ્યો. આપનાં ગીતો મને બહુ જ ગમે છે.’ તેઓ હસતા, મલકાતા રહ્યા. ચહેરા પર ખૂબ જ નમ્રતા, ગાયકના ઉંચા હોદ્દાનું કોઈ જ ગુમાન નહિ, મારા જેવા નાના માણસ સાથે વાત કરવામાં પણ હળીમળી જવાની ભાવના.

તેઓ અહીં ધજાજીની પૂજા કરવા આવ્યા હશે, એટલે એમના હાથમાં ધજાજીની પૂજા માટેની પોથી હતી. તેઓ મને કહે, ‘લો, ધજાજીની પૂજા માટેની આ પોથી, તમે પણ થોડી વાર તમારા હાથમાં રાખો અને પૂજાનું પુણ્ય કમાઓ.’ એમ કહી તેમણે પોથી મારા હાથમાં મૂકી. હું તો ખુશીના ઉન્માદમાં હતો. થોડી વાર હું, આંખો બંધ કરી, પ્રભુસ્મરણ કરતો રહ્યો, પછી નીતિનજીને પોથી પાછી આપી, તેમનો આભાર માન્યો. તેમનો ચહેરો તો સતત સ્મિતસભર જ હતો. તેઓ બોલ્યા, ‘ચાલો, જઈએ, પૂજા પૂરી થઇ.’ અમે બંને તથા બીજા લોકો પણ ધજાજી આગળથી પાછા વળ્યા. ફરીથી તેમને મળ્યાની ખુશી વ્યક્ત કરી અમે છૂટા પડ્યા. મંદિરમાં મોબાઈલ લઇ જવાની છૂટ નથી, એટલે હું ફોટા ના પાડી શક્યો. ગુગલ પરથી નીતિનજીના ફોટા લઈને અહીં મૂક્યા છે.

તેમની આ અનાયાસે થયેલી મુલાકાત એક અદભૂત ક્ષણ હતી. એ ઘટના મને હજુ એવી ને એવી તાજી છે. આવી મહાન વ્યક્તિની નમ્રતા અને ઉદારતા મને ખૂબ સ્પર્શી ગઈ. એમનાં ગીતો સાંભળુ ત્યારે નાથદ્વારાની આ મુલાકાત મનમાં યાદ આવી જાય છે.

Nitin

nitin mukesh