જાણીતા લેખક શ્રી શરદ ઠાકર સાથેની મુલાકાતનાં સંસ્મરણો
શ્રી શરદ ઠાકર સાહેબ સાથે ફોન પર થયેલી પહેલી વાતચીત ……..
‘આપ શ્રી શરદ ઠાકર સાહેબ બોલો છો?’
‘હા, બોલુ છું. આપ કોણ?’
મેં કહ્યું, ‘હું પ્રવીણ શાહ, અમદાવાદથી જ બોલું છું. આપની સાથે બે મિનીટ વાત કરવાની ઈચ્છા છે. વાત થશે?’
‘હા, બોલો’
મેં કહ્યું, ‘સર, હું આપની વાર્તાઓનો ખૂબ ચાહક છું. આપને રૂબરૂ મળવાની મને ખૂબ ઈચ્છા છે. ઉપરાંત, આપને માટે અમેરીકાથી એક મેસેજ છે, તે પણ આપને પહોંચાડવો છે.’
ઠાકર સાહેબ કહે, ‘પ્રવીણભાઈ, તમે જરૂરથી મારે ત્યાં આવો. તમે કયા વિસ્તારમાં રહો છો?’
મેં કહ્યું, હું સાયંસ સીટી વિસ્તારમાં રહું છું. મણીનગરમાં મેં તમારું ઘર બહારથી જોયું છે.’
તેઓ બોલ્યા, ‘તમને આટલે દૂરથી આવવાનું ફાવશે?’
મેં હા પાડી. તેઓ બોલ્યા, ‘આજે બે વાગ્યા સુધી અથવા આવતી કાલે ૧૨-૩૦ થી ૨ સુધીમાં આવો.’
મેં કહ્યું, ‘હું આવતી કાલે આપને ત્યાં આવીશ’, એમ કહી, બે ને બદલે પાંચેક મિનીટ વાતો કરી, તેમનો આભાર માની, વાત પૂરી કરી.
આ અગાઉ મારે તેમની સાથે કોઈ પરિચય થયેલો ન હતો. હું વર્ષોથી તેમની ‘ડોક્ટરની ડાયરી’ અને રણમાં ખીલ્યું ગુલાબ’ની વાર્તાઓ વાંચતો આવ્યો છું. તેમની વાર્તાઓ મોટે ભાગે સત્ય ઘટનાઓ છે. તેમની વાર્તાની રજૂઆત એટલી આકર્ષક હોય છે કે જાણે વાર્તાની ઘટના આપણી નજર સમક્ષ બની રહી હોય એવું લાગે. વાર્તાઓમાં સારી વ્યક્તિઓ અને સારા પ્રસંગો રજૂ કરી, તેઓએ લોકોને સન્માર્ગે વળવાની ખૂબ જ પ્રેરણા આપી છે. તેઓએ જાતે બધે ફરીને ઘણાં સમાજઉપયોગી કાર્યો કર્યા છે. તેઓ છેક નાનામાં નાના માણસ સુધી પહોંચ્યા છે. ફોનમાં એમણે એટલી નમ્રતા અને આત્મીયતાથી વાત કરી કે મને તેઓ મારા જૂના સ્નેહી હોય એવી લાગણી મેં અનુભવી. બીજે દિવસે સાડા બાર વાગે હું અને મારી પત્ની મીના, તેમને ઘેર પહોંચી ગયા. તેમણે ઉમળકાભેર અમને આવકાર્યા.
થોડી પ્રાસ્તાવિક વાતો થઇ. પછી, સમાજ વિષે તથા તેમના અને અમારા વિષે પણ વાતો થઇ. તેઓએ અમને ખૂબ રસપૂર્વક સાંભળ્યા. અમારા પુત્રોની વાતમાં પણ તેમણે રસ લીધો. વાતો એટલી સાહજિક હતી કે અમને જરાય અતડું ના લાગ્યું, બલ્કે અમે તેમના સ્વજનો હોઈએ એવું અનુભવ્યું. આટલા મહાન લેખક હોવાનું તેમને જરાય ગુમાન નહિ. અમને તેમના પ્રત્યે ખૂબ આદર અને માન થયાં.
એમની પાસે ઘણા કિસ્સા આવે છે. એવો એક કિસ્સો તેમણે અમને કહ્યો. એ કિસ્સો તેમના જ શબ્દોમાં અહીં લખું છું.
“એક વાર એક છોકરી જૂહી તેની મૂંઝવણ લઈને મારી પાસે આવી. તે કહે કે, ‘મને મનોજ નામના એક છોકરા જોડે પ્રેમ થઇ ગયો છે. મારે તેની સાથે લગ્ન કરવું છે, પણ મારાં માબાપ ના પાડે છે.’
મેં તેને કહ્યું, ‘તારાં માબાપ કોઈ કારણસર જ ના પાડતાં હશે ને?’
જૂહી કહે, ‘કારણ કશું જ નથી. તેઓ મારા પ્રેમને સમજતાં નથી. તમે મારાં માબાપને સમજાવો.’
મેં કહ્યું, ‘જૂહી, તુ એક વાર મનોજને લઈને મારી પાસે આવ.’
બે દિવસ પછી જૂહી મનોજને લઈને આવી. મનોજ સાવ લઘરવઘર, વાળ હોળ્યા વગરનો અને વાત કરવામાં કોઈ ઠેકાણા વગરનો હતો. મેં છોકરાને માપી લીધો. જૂહી આવા છોકરામાં શું મોહી ગઈ હશે? તેનાં માતાપિતાની વાત બિલકુલ બરાબર હતી. જૂહી પ્રેમના નામે આંધળી બની ગઈ હતી. મેં મનોજને બહાર બેસવા કહ્યું. પછી મેં જૂહીને કહ્યું, ‘જૂહી બેટા, આ છોકરામાં પડવા જેવું નથી. જો તુ એને છોડી દઈશ તો સુખી થઈશ, અને એની જોડે લગ્ન કરીશ તો તારા પસ્તાવાનો પાર નહિ રહે.’
જૂહીએ મારું કહ્યું માન્યું. અને મનોજને છોડી, માબાપે બતાવેલા સારા છોકરા સાથે પરણી. આજે તે અમેરીકામાં સ્થાઈ થઇ છે. ખૂબ સુખી છે. મારા પર અવારનવાર તેના ફોન આવે છે.”
ઠાકર સાહેબે વાત પૂરી કરી. ઠાકર સાહેબ આવી તથા અન્ય પ્રકારની સમાજસેવા કરતા રહે છે. એમણે કેટલાય લોકોની જિંદગી સુધારી છે.
વાતો ખૂબ જ ચાલી. તેમણે કહ્યું કે, ‘જિંદગીમાં કોઈ અપેક્ષા રાખવી નહિ. અપેક્ષાઓ ના રાખીએ તો ક્યારેય દુઃખી ના થવાય.’ તેમનું આ સોનેરી સૂત્ર અમને ખૂબ ગમી ગયું છે.
પછી મેં કહ્યું, ‘ઠાકર સાહેબ, તમારી સાથે, યાદગીરી રૂપે એક ફોટો પડાવવાની ઈચ્છા છે.’ તેઓએ તરત જ ઉભા થઇ, અમારી સાથે ફોટો પડાવ્યો. તેમના મોબાઈલમાં પણ ફોટો લીધો. પછી મારો વોટ્સ અપ નંબર લઇ, તેમના મોબાઈલમાં ઉમેરી દીધો, અને મને મેસેજ પણ કર્યા. મેં કહ્યું, ‘મને તમારી સેવાકીય પ્રવૃત્તિઓમાં કામ કરવાની ઈચ્છા છે. મને તક આપવા વિનંતી.’
અડધો કલાક તેમની સાથે વાતો કરી. છેલ્લે અમે જવા માટે ઉભા થયા ત્યારે તેઓએ બારણા સુધી બહાર આવી, અમોને વિદાય આપી. મેં તેમનો ખૂબ અભાર માન્યો. તેમની સાથેની આ મુલાકાત અમને કાયમ યાદ રહેશે.
એક ખાસ વાત એ કે અમે અમારા જીવનની ઘટના તેમને કહી હતી, તે, તેઓએ તેમની કોલમ ‘રણમાં ખીલ્યું ગુલાબ’માં વાર્તા રૂપે પ્રસિદ્ધ કરી છે. મેં એ વાંચીને, તેમને ફોન કરી, ફરીથી તેઓનો આભાર માન્યો.
