હીલ સ્ટેશન તોરણમલ

                                              હીલ સ્ટેશન તોરણમલ

મહારાષ્ટ્રમાં આવેલું તોરણમલ હીલ સ્ટેશન ગુજરાતીઓ માટે કદાચ બહુ જાણીતું નથી. પણ જોવા અને માણવા જેવું તો છે જ. ચોમાસામાં તો અહીં ટેકરીઓ પરથી ખીણમાં પડતા ઘણા ધોધ જોવા મળે છે. અહીંના યશવંત સરોવરની આજુબાજુનું કુદરતી સૌન્દર્ય મનને મોહી લે એવું છે. ખીણના સામા છેડે આથમતા સૂર્યનો નજારો કોઈ ઓર જ છે. આવા હીલ સ્ટેશનની મજા માણવા અમે ભરૂચથી નવેમ્બર મહિનાની એક સવારે નીકળી પડ્યા. અમે બે ફેમીલી, કુલ ચાર જણ હતા. ભાડાની ગાડી કરી હતી. ભરૂચથી વાલિયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, સેલંબા, અક્કલકૂવા, તલોદા, પ્રકાશા અને શાહદા થઈને તોરણમલ – એ રૂટ લીધો હતો. આ રસ્તે ભરૂચથી તોરણમલ ૨૫૦ કી.મી. દૂર છે. ડેડીયાપાડા અને સાગબારાની વચ્ચે દેવમોગરા જવાનો ફાંટો પડે છે. દેવમોગરામાં પાંડેરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અમે સાગબારામાં ચાનાસ્તા માટે રોકાયા. સવારનો પહેલો નાસ્તો કરવાની મજા પડી ગઈ. સાગબારા પછી મહારાષ્ટ્રની હદ શરુ થાય છે. પ્રકાશા ગામમાં તાપી નદીના કિનારે શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં શિવજીનાં દર્શન કર્યાં. અહીં મહાદેવજીના પોઠિયાની સાઈઝ ખૂબ મોટી છે. પ્રકાશાને દક્ષિણનું કાશી કહે છે. અહીં તાપી નદીમાં ડેમ બાંધેલો છે.

શાહદા શહેર ગુજરાતીઓ માટે જાણીતું છે. શાહદાથી તોરણમલ ૫૦ કી.મી. દૂર છે. શાહદાથી પચીસેક કી.મી. આવ્યા પછી, જંગલો અને ચડાણ શરુ થાય છે. અમારી ગાડી વાંકાચૂકા પર્વતીય માર્ગે ચાલી રહી હતી. જંગલોનું દ્રશ્ય આહલાદક હતું. ચોમાસું હોય તો આજુબાજુ ઢોળાવો પર વહેતાં ઝરણાં જોવા મળી જાય. પણ અત્યારે તો એવું કંઇ ન હતું. તોરણમલની નજીક પહોંચવા આવ્યા ત્યારે રોડ પર સાત પાયરી (Seven steps) નામની જગા આવી. બોર્ડ મારેલું હતું, પણ લખાણ મરાઠી ભાષામાં હતું. જો કે થોડીઘણી તો ખબર પડી જાય. અમે અહીં ઉભા રહ્યા. બાજુમાં ખીણનું દ્રશ્ય બહુ જ સરસ લાગતું હતું. આગળ જતાં રોડ પર નાગાર્જુન મંદિર અને મચ્છીન્દ્રનાથની ગુફા તરફ જવાનો ફાંટો આવ્યો. પણ આ સ્થળો આવતાં જોવાનાં રાખી, અમે સીધા તોરણમલ પહોંચ્યા.

તોરણમલ હીલની ઉંચાઇ ૧૧૪૩ મીટર છે. ગામમાં પેસતામાં જ યશવંત લેકનાં દર્શન થયાં. તળાવ છલોછલ ભરેલું હતું. ગામ સાવ નાનું જ છે. તળાવની ફરતે નાનું સરખું બજાર, રહેઠાણ માટેની સુવિધાઓ વગેરે છે. અમે બજારમાં થઈને આગળ વધ્યા. અમે રહેવા માટે અરુણોદય વિશ્રામગૃહમાં બુકીંગ કરાવ્યું હતું. એ  મીશન બંગલોના નામથી પણ ઓળખાય છે. સરોવરને સામે કિનારે આવેલું છે. થોડું પૂછીને અમે એ શોધી કાઢ્યું, અને રૂમોમાં પહોંચ્યા. હાશ ! ઠેકાણે પડ્યા. બપોરના બે વાગ્યા હતા. ભૂખ લાગી હતી. એટલે થોડા ફ્રેશ થઇ, અમારી સાથે લાવેલી વાનગીઓ થેપલાં, હાંડવો, અથાણું વગેરે ખાઈ લીધું. ગુજરાતીઓ પાસે આવી જ વાનગીઓ હોય.

થોડો આરામ કરી, બહાર આવ્યા. અમારા મીશન બંગલાનો ઓટલો બહુ જ સરસ હતો. અહીં ખુરશીઓ નાખીને બેસી રહેવાની પણ મજા આવે. આગળ બગીચો અને ઝાડપાન, પછી પેલા સરોવરનું પાણી. દ્રશ્ય બહુ જ સુંદર હતું. અહીં બધે ફોટા પાડ્યા. બંગલાનાં પગથિયાં ઉતરી તળાવ આગળ ગયા.

પછી, અમારી ગાડીમાં તોરણમલના પોઈન્ટ્સ જોવા નીકળ્યા. મીશન બંગલામાં થોડું પૂછી લીધું હતું. સૌથી પહેલાં સનસેટ પોઈન્ટ આવ્યું. અહીં ઉંડી ખીણને કિનારે ઉભા રહી સૂર્યાસ્ત બહુ જ સરસ રીતે દેખી શકાય એવું છે. જો કે સૂર્યાસ્તને હજુ વાર હતી. અહીંથી ખીણ અને આજુબાજુની ટેકરીઓના ઢોળાવોનો બહુ મોટો વિસ્તાર નજરે પડતો હતો. અહીં બેસવા માટે મંડપ (પેવેલિયન) બનાવેલો છે. બાજુમાં બોટાનીકલ ગાર્ડન છે. અહીંથી ડાબી તરફ એકાદ કી.મી. દૂર આવેલા અંબાદરી પોઈન્ટ પર ગયા. વચમાં એક જગાએ ઘણા બધા તંબૂ જોયા. તંબૂઓ રંગીન અને આકર્ષક દેખાતા હતા. તોરણમલમાં બહુ જ બધા પ્રવાસીઓ આવે ત્યારે હોટેલો ઉપરાંત આ તંબૂઓમાં પણ રહે છે. અંબાદરીમાં પેલી જ ખીણનો એક છેડો દેખાતો હતો. અહીં પણ મંડપ છે. સામાન્ય રીતે બધા પોઈન્ટ પર મંડપ બાંધેલા છે. અંબાદરીથી પાછા આવી, સનસેટ પોઈન્ટથી જમણી તરફ ગયા. બેએક કી.મી. પછી ખડકી પોઈન્ટ આવ્યું. પેલી જ ખીણનો બીજો છેડો અહીં હતો. નીચે ખીણમાં કોઈ કોઈ માણસો પણ દેખાતા હતા. તેઓ કદાચ ખીણમાં રહેતા હશે અને ખેતી કરતા હશે.

અહીંથી પાછા વળી, અમે ગામમાં આવ્યા. બજારમાં મોટા ભાગની દુકાનો તો ખાણીપીણીની જ હતી. હોટેલોમાં વેજ અને નોનવેજ બંને મળતું હતું. અત્યારે પ્રવાસીઓની સીઝન ન હતી, એટલે માણસો કે વાહનો ખાસ દેખાતાં ન હતાં. બજારમાં થઈને અમે તળાવ કિનારે બોટીંગ પોઈન્ટ આગળ પહોંચ્યા. સાંજ પડવા આવી હતી. અહીંથી અમે સૂર્યાસ્ત જોયો. બોટીંગ બંધ થઇ ગયું હતું. થોડી ઠંડી પણ શરુ થઇ હતી. અહીં જ એક શાકાહારી રેસ્ટોરન્ટ હતું. સરસ, અમને લાગ્યું કે અહીં અમને જોઈએ એવું ખાવાનું મળી રહેશે. અને મળ્યું પણ ખરું. રેસ્ટોરન્ટની માલિક બહેને અમને ગરમાગરમ ખીચડી, કઢી અને પાપડ બનાવી આપ્યાં. જમવાની મજા આવી ગઈ. બાજુમાં જ બાળકોને રમવા માટે હીંચકા, લપસણી એવું બધું હતું.

અહીંથી નીકળી અમે અમારા મીશન બંગલે પહોંચ્યા. રૂમમાં આરામથી બેઠા. વાતોનાં વડાં કર્યાં. ઠંડી વધી ગઈ હતી, એટલે બબ્બે બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયા. હોટેલવાળાના બ્લેન્કેટ ઉપરાંત અમે બે મોટા બ્લેન્કેટ ઘેરથી લઈને આવ્યા હતા, તે અત્યારે કામ લાગ્યા.

સવાર પડી. આજે બાકીના પોઈન્ટ જોઇને પાછા ભરૂચ આવવા નીકળી જવાનું હતું. એટલે બધો સામાન  પેક કરીને, હોટેલનો હિસાબ પતાવીને જ નીકળ્યા. સૌ પહેલાં તો અમે સીતાખાઈ તરફ ગયા. રસ્તામાં પહેલાં લોટસ પોન્ડ (કમળ તળાવ) આવ્યું. અહીં તળાવમાં કમળો જ કમળો ખીલેલાં હતાં. આખું તળાવ કમળોથી ભરેલું હતું. આવું દ્રશ્ય જોવાની કેવી મજા આવે !

અમે તળાવને કિનારે જઇ, કમળોને બસ જોયા જ કર્યાં. અહીંના ગામડાનાં નાનાં બાળકો તળાવમાં જઇ થોડાંક કમળો તોડી લાવ્યાં, તે અમે તેમને પૈસા આપીને લીધાં. પથ્થરો પર બેસી તળાવના ફોટા પાડ્યા. મનમાં ખૂબ આનંદ ભરીને આગળ ચાલ્યા. તળાવને કિનારે એક વિશાળ વડલો છે, તે પાછા વળતાં જોવાનું રાખ્યું. બે કી.મી. પછી અમે સીતાખાઈ પહોંચ્યા.

ખાઈ એટલે ખીણ. આ ખીણ ખરેખર જોવાલાયક છે. અહીં બે પોઈન્ટ બનાવ્યા છે, એક પોઈન્ટ સીતાખાઈ-૨ આ કિનારે, અને બીજો પોઈન્ટ સીતાખાઈ-૧ ખીણને સામે કિનારે. આ ખાઈમાં ચોમાસામાં બધી બાજુથી પાણી અંદર પડતું હશે, અને અનેક ધોધ સર્જતું હશે, એવું લાગતું હતું. આ કિનારે આજુબાજુ ફર્યા પછી, ગાડી લઈને સામેના પોઈન્ટ પર ગયા. અહીંનું દ્રશ્ય પણ જોરદાર હતું. એક નાનકડો ધોધ, ઉપરથી નીચે ખીણમાં પડતો દેખાતો હતો. એ જોતાં, ચોમાસામાં અહીંનો દેખાવ કેવો ભવ્ય હશે, એની કલ્પના જ કરવી રહી. જો બધી બાજુથી ખીણમાં ધોધ પડતા હોય તો, એ દ્રશ્ય અમેરીકાના નાયગરા ધોધ જેવું લાગે. ચોમાસામાં અહીં આવવા જેવું ખરું.

સીતાખાઈથી પાછા વળ્યા. લોટસ તળાવના પેલા વડ આગળ ઉભા રહ્યા. ગાડીમાંથી ઉતરીને વડની વડવાઈઓ વચ્ચે ફર્યા, ચાદર પાથરીને બેઠા, નાસ્તો કર્યો, ફોટા પડ્યા અને પાછા ગામ આગળ આવ્યા. અહીં ગોરક્ષાનાથ મંદિરમાં દર્શન કર્યાં. એક ટેકરી પર તોરણાદેવીનું મંદિર છે, ત્યાં જવાનું માંડી વાળ્યું અને તોરણમલ છોડ્યું. બધા પોઈન્ટ જોવાઈ ગયા હતા.

પાછા વળતાં મચ્છીન્દ્રનાથની ગુફાનો ફાંટો આવ્યો. એ ફાંટામાં ત્રણેક કી.મી. પછી અંદર આ ગુફા આવેલી છે. ગાડી પાર્ક કર્યા પછી, ખીણના કિનારે અડધો કી.મી. ચાલવાનું છે. છેલ્લે, થોડાં પગથિયાં ઉતરી ગુફા આગળ પહોંચાય છે. આ ગુફામાં સંત મચ્છીન્દ્રનાથે ધ્યાન ધર્યું હતું.

ગુફા જોઈ મૂળ રસ્તે આવ્યા. આગળ જતાં, રોડની બાજુમાં જ નાગાર્જુન મંદિર આવ્યું. મંદિરમાં દર્શન કરી આગળ ચાલ્યા. આ મંદિર આગળથી આવાસબારી જવાનો રસ્તો પડે છે. આવાસબારી આગળથી મધ્ય પ્રદેશની હદ શરુ થાય છે. અમે એ બાજુ ન ગયા, અને મૂળ રસ્તે આગળ ચાલ્યા. તોરણમલથી દસેક કી.મી. જેટલું આવ્યા પછી, કાલાપાની પોઈન્ટ આવ્યું. આ પોઈન્ટ અમારા ધ્યાનમાં ના આવ્યું, એટલે થોડા આગળ નીકળી ગયા, પૂછીને પાછા આવ્યા. આ પોઈન્ટ આગળ એક ધોધ છે. અત્યારે એમાં પાણી ઓછું હતું.

હવે જોવાનું કંઇ બાકી રહેતું ન હતું. કાલાપાનીથી અમે શાહદા તરફ આગળ વધ્યા. શાહદાથી મૂળ રસ્તે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. વચમાં, તલોદા ગામ આગળ એક ધાબા પર પંજાબી ખાણું ખાધું. સાંજ સુધીમાં તો ભરૂચ પહોંચી ગયા. પ્રવાસનો આનંદ તો કોઈ ઓર જ હોય છે. 1a_IMG_2534

3b_IMG_2504

6d_IMG_2639

8b_IMG_2631

9h_IMG_2617

10f_IMG_2562

11e_IMG_2630

12h_IMG_2565

16a_Kala pani

5f_IMG_2529

14a_IMG_2576

14b_IMG_2577

14c_IMG_2611

સૂરત, દાંડી અને તીથલના પ્રવાસે

                                            સૂરત, દાંડી અને તીથલના પ્રવાસે

દાંડી ગામને કોણ નહિ ઓળખતું હોય? મહાત્મા ગાંધીજીએ ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચ કરી, દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડી, મીઠાનો કાયદો તોડ્યો હતો, અને અંગ્રેજ સત્તા સામે સત્યાગ્રહનાં મંડાણ થયાં હતાં. ત્યારથી દાંડી દેશવિદેશમાં જાણીતું થઇ ગયું છે. અમને આ દાંડી જોવાની બહુ જ ઈચ્છા હતી, એટલે અમે દાંડીની સાથે સાથે સૂરત, તીથલ અને બરૂમાળનો એક પ્રોગ્રામ બનાવી કાઢ્યો.

એક દિવસ અમે સૂરત મારા ભાણા તેજસને ત્યાં પહોંચી ગયા. બપોરે જમીપરવારી, થોડો આરામ કરી, ત્રણેક વાગે સૂરતથી નીકળ્યા. અમે ચાર જણ હતા, અમે બે, તેજસ અને તેની પત્ની સંગીતા. દાંડીમાં જાણીતા લેખક શ્રી મોહન દાંડીકર રહે છે, તેઓ તેજસના સસરા થાય. એ હિસાબે, અમારે પણ તેમની સાથે પરિચય થયો હતો. દાંડીમાં રાત રોકાવાનું અમે તેમને ત્યાં રાખ્યું હતું. સૂરતથી નવસારી થઈને અમે દાંડી પહોંચ્યા. વચ્ચે રસ્તામાં શેરડીનો રસ પીધો.

દાંડી ગામ નવસારીથી ૧૨ કી.મી. દૂર અરબી સમુદ્રના કિનારે વસેલું છે. સાવ નાનું ગામ છે. દરિયા કિનારે ઉગેલાં જંગલો વચ્ચે વસેલા આ ગામમાં માત્ર થોડાં ફળિયાં છે. દુકાનો કે મોટાં મકાનોવાળી કોઈ જાહોજલાલી નથી.

અમે સૌ પ્રથમ તો, મહાત્મા ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું તે જગા જોવા ગયા. અહીં અત્યારે કૃત્રિમ મીઠાનો ઢગલો અને મીઠું ઉપાડતા ગાંધીજીનું બાવલું મૂકેલું છે. તેની બાજુમાં સૈફી વિલા નામનું મકાન છે. ગાંધીજી ઈ.સ. ૧૯૩૦ની પાંચમી એપ્રિલે દાંડી પહોંચ્યા હતા અને આ મકાનમાં રાત રોકાયા હતા. બીજે દિવસે છઠ્ઠી તારીખે સવારે દરિયામાં નાહી, હજારો લોકોની હાજરીમાં દરિયા કિનારે તેમણે ચપટી મીઠું ઉપાડ્યું હતું. સૈફી વિલાનું થોડું રીનોવેશન કરાયું છે, એમાં ગાંધીજીના દાંડીકૂચના ફોટા પ્રદર્શિત કરેલા છે. આ બધું જોઇને આપણને, ભારતના સપૂતોએ સ્વતંત્રતા માટે કેવી લડત ઉપાડેલી તેની યાદ આવી જાય છે. આ જગા જોવા માટે અહીં ઘણા લોકો આવે છે.

આ સ્થળની બાજુમાં પ્રાર્થનામંદિર નામની જગા છે. અહીં ગાંધીજીએ વડ નીચે બેસી જંગી સભાને સંબોધી હતી. અહીં ગાંધીજીનું બેઠેલી મુદ્રામાં સ્ટેચ્યુ મૂકેલું છે. અહીં આપણને શાંતિનો અનુભવ થાય છે.

દરિયા કિનારે સરસ બીચ છે. અહીં દરિયાના પાણીમાં ઉભા રહેવાનું અને દરિયા કિનારે ફરવાનું ગમે એવું છે. અહીં સૂર્યાસ્ત બહુ સ્પષ્ટ દેખાય છે. દૂર દરિયામાં ડૂબતો સૂરજ જોવાની મજા આવે છે.

આ બધું જોઈ અમે શ્રી દાંડીકર સાહેબને ઘેર પહોંચ્યા. મુખ્ય રસ્તાની એક બાજુ સાંકડી ગલીમાં થઈને તેમને ઘેર જવાય છે. આ ગલીની આજુબાજુ ઘણાં ઝાડપાન ઉગી નીકળ્યાં છે. તેમના ફળિયામાં ખેડૂતોનાં આઠદસ મકાન છે. શ્રી દાંડીકર ગુજરાતના એક જાણીતા લેખક છે. તેઓ મૂળ દાંડીના જ વતની છે. ગાંધીજીના જીવનનો તેમના પર ઉંડો પ્રભાવ છે. તેમણે ગુજરાતી પુસ્તકો લખવા ઉપરાંત, ઘણાં હિન્દી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. બધું મળીને તેમણે ૭૩ જેટલાં પુસ્તકો લખ્યાં છે. અત્યારે ૮૫ વર્ષની ઉંમરે પણ તેઓ લખવામાં કાર્યરત છે. તેઓ અહીં તેમની પત્ની સાથે સાદગીભર્યું જીવન જીવે છે.

શ્રી દાંડીકરે અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું. અમે તેમને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. પછી તો એક બાજુ ચાનાસ્તો અને બીજી બાજુ તેમની સાથે વાતો ચાલી. તેમણે લખેલાં પુસ્તકો વિષે વાતો થઇ. ગાંધીજીએ મીઠાનો કાયદો તોડવા, દાંડીને જ કેમ પસંદ કર્યું, તે તેમણે વિગતે સમજાવ્યું. અમે તેમનાં પુસ્તકો જોયાં. અમને તેમના માટે ખૂબ જ માન થયું. રાત્રે જમીને સુઈ ગયા.

સવારે તેમના વાડામાં ઉગાડેલાં આંબો, ચીકુ અને નાળિયેરીનાં વૃક્ષો જોયાં, ઘર આગળ જ સૂર્યોદય જોયો, તેમના ઘર આગળ મોર અને ઢેલ ચણ ચણવા આવે છે તે જોયું. આવું કુદરતી વાતાવરણ શહેરમાં ક્યાં જોવા મળે? સવારે નાહીધોઈ પરવારી, શ્રી દાંડીકરની ભાવભીની વિદાય લઇ અમે વલસાડ તરફ પ્રયાણ કર્યું. વચમાં, બીલીમોરામાં શ્રી અંધેશ્વર મહાદેવનાં દર્શન કરવા ગયા. આ મંદિર નવું જ બન્યું છે, અને ઘણું સરસ છે. અંધેશ્વર શિવલીંગ ઉપરાંત, ભારતનાં બાર જ્યોતિર્લીંગનાં પણ અહીં દર્શન થાય છે.

વલસાડથી અમે સીધા તીથલ ગયા. વલસાડથી તીથલ ૫ કી.મી. દૂર છે. તીથલ પણ અરબી સમુદ્રના દરિયા કિનારે જ છે. તીથલનો બીચ બહુ જાણીતો છે. જો કે અહીંનું પાણી માટીવાળું દેખાય છે. કિનારો બાંધેલો છે. અહીં બેસીને પણ મોજાં જોવાની મજા માણી શકાય છે. અહીં ખાણીપીણીની પુષ્કળ દુકાનો લાગેલી છે. બીચના મુખ્ય ભાગથી જમણી બાજુ એક કી.મી. દૂર સ્વામીનારાયણ મંદિર અને ડાબી બાજુ એક કી.મી. દૂર સાંઇબાબા મંદિર છે. સ્વામીનારાયણ મંદિરમાં જમવા માટે કેન્ટીન, રહેવા માટે રૂમો અને બાળકોને રમવા માટે સરસ ગ્રાઉન્ડ છે.

અમે બીચ જોયા પછી, સ્વામીનારાયણ મંદિરની કેન્ટીનમાં જમ્યા. પછી સાંઇમંદિર જોઈ આવ્યા. અહીંથી અમે ધરમપુર અને ત્યાંથી બિલપુડી ગયા. વલસાડથી ધરમપુર ૨૪ કી.મી. અને ત્યાંથી બિલપુડી ૧૦ કી.મી. દૂર છે. બિલપુડીથી સાઈડમાં ૨ કી.મી. દૂર જોડિયા ધોધ છે. રસ્તો કાચો, સાંકડો અને ચડાણવાળો છે. અમે પૂછીપૂછીને એ બાજુ ગયા, પણ રસ્તો ખૂબ જોખમી હતો, એટલે વચ્ચેથી જ પાછા વળ્યા. ધોધ જોઈ ના શક્યા. પણ ધોધ જોઇને આવેલા એક ભાઈએ કહ્યું કે ‘ખાસ જોવા જેવું કંઇ નથી. પાણી પણ ધધુડી જેટલું જ પડે છે.’ પાછા વળી અમે, વિલ્સન હીલના રસ્તે ચડ્યા. આ રસ્તે ધરમપુરથી માત્ર સાત કી.મી. દૂર બરૂમાળ આવેલું છે. અમે બરૂમાળ પહોંચ્યા.

બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વરનું શિવ મંદિર છે. આ મંદિર એ તેરમું જ્યોતિર્લીંગ ગણાય છે. મંદિરનું પ્રવેશદ્વાર ભવ્ય છે. બે બાજુ બે હાથી વરમાળા લઈને ભક્તોનું સ્વાગત કરવા ઉભા હોય એવું સ્થાપત્ય છે. અંદર જઇ અમે જ્યોતિર્લીંગનાં દર્શન કર્યા. મુખ્ય મંદિરની જોડે બીજા ભગવાનોનાં નાનાં મંદિરો છે. મંદિરની પાછળ ૧૨ જ્યોતિર્લીંગોની સ્થાપના કરેલી છે. મંદિરમાં રહેવાજમવાની સગવડ છે.

અહીં દર્શન કરીને અમે ધરમપુર, વલસાડ થઈને સૂરત પાછા આવવા નીકળ્યા. ધરમપુરથી વલસાડના રસ્તે વચ્ચે ફલધરા જવાનો રસ્તો પડે છે. ફલધરામાં જલારામ બાપાનું પ્રખ્યાત મંદિર છે. અમે એ મંદિર જોવા ગયા નહિ. સાંજે સૂરત પહોંચીને આરામ ફરમાવ્યો. બે દિવસની ટ્રીપ ખૂબ જ આનંદદાયક રહી.

તસ્વીરો: (૧) દાંડીમાં મીઠું ઉપાડતા ગાંધીજીનું સ્ટેચ્યુ (૨) દાંડીના બીચ પર સૂર્યાસ્ત (૩) શ્રી મોહન દાંડીકર સાથે મુલાકાત (૪) દાંડીકર સાહેબના ઘર આગળનું દ્રશ્ય (૫) અંધેશ્વર મહાદેવ, બીલીમોરા (૬) તીથલનો દરિયા કિનારો (૭) બરૂમાળ મંદિરનું પ્રવેશદ્વાર (૮) બરૂમાળ મંદિર

IMG_2294

IMG_2326

1_IMG_2491

10_IMG_2339

5_IMG_2356

2_IMG_2376

IMG_2383

IMG_2486