નડાબેટ બોર્ડરની મુલાકાતે

                                               નડાબેટ બોર્ડરની મુલાકાતે

બનાસકાંઠા જીલ્લાના નડાબેટ ગામથી ૨૫ કી.મી. દૂર ભારત-પાકિસ્તાનની સરહદ (બોર્ડર) પસાર થાય છે. સરહદ પર તારની મજબૂત વાડ કરેલી છે. સરહદની આ જગાને ઝીરો પોઈન્ટ કહે છે. અહીં સરહદની વાડનો ૯૬૦મો થાંભલો છે. આ સરહદનું રક્ષણ BSF (Border Security Force) કરે છે. ૨૦૧૬ની ૨૪મી ડિસેમ્બરથી પબ્લીકને આ જગા જોવા માટે છૂટ આપેલી છે. આ પ્રોજેક્ટ ‘સીમા દર્શન’ના નામે ઓળખાય છે. ફક્ત શનિ અને રવિવારે જ આ બોર્ડર જોવા જવા દે છે. સરહદ સુધી જઈને તારની વાડને અડકી શકાય છે. સરહદને અડકવાનો રોમાંચ કેવો અદભૂત હોય ! વાડમાંથી સામેની પાકિસ્તાનની જમીન પણ દેખાય છે.

નડાબેટની આ બોર્ડર વિષે બહુ ઓછા લોકોને ખબર છે. અમને આ બોર્ડર વિષે ખબર પડી ત્યારથી જ ત્યાં જવા માટે મન તડપી રહ્યું હતું. છેવટે અમે ૨૪ ડિસેમ્બર ૨૦૧૭ ને રવિવારે ત્યાં જવાનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો. આગલે દિવસે BSFની ઓફિસને એક ફોન પણ કરી લીધો. અમે ત્રણ જણ હતા. ઘરની ગાડીમાં જ જવાનું નક્કી કર્યું હતું.

અમે અમદાવાદથી સવારે નવ વાગે નીકળ્યા. અમદાવાદથી મહેસાણા, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, સુઈગામ અને છેલ્લે નડાબેટ, એ રૂટ લીધો હતો. આ રસ્તે નડાબેટ ૨૩૫ કી.મી. દૂર છે. પાલનપુર થઈને પણ જવાય છે, પણ એ રસ્તો લાંબો પડે. રાધનપુર પસાર થયા પછી, અમે એક ઝાડ આગળ, હનુમાનજીના મંદિરના ઓટલે બેસી, થેપલાં વગેરે ખાઈ લીધું. ઘેરથી લઈને જ આવ્યા હતા. સુઈગામ પછી જેમ નડાબેટ નજીક આવતું ગયું, તેમ બંને બાજુ રણ જેવો વિસ્તાર દેખાવા લાગ્યો. રસ્તો લગભગ નિર્જન હતો. અમે બપોરે અઢી વાગે નડાબેટ પહોંચ્યા. બોર્ડર અહીંથી હજુ ૨૫ કી.મી. દૂર છે.

બોર્ડર જોવાની મંજૂરી નડાબેટમાંથી લેવાની હોય છે. એટલે પહેલાં અમે અહીં BSFની ઓફિસે ગયા. આધાર કાર્ડ બતાવ્યું, એટલે એમના ચોપડામાં નોંધ કરી, અમને સહીંસિક્કાવાળી ચિઠ્ઠી આપી. એ લઈને બોર્ડર તરફ જવાનું હતું.

અહીં ઓફિસની જોડે બે મંડપ બાંધેલા છે. એક પર ‘હથિયાર પ્રદર્શની’ અને બીજા પર ‘સીમા દર્શન’ લખેલું છે. અમે આ બંને મંડપ જોવા ગયા. હથિયાર પ્રદર્શનીમાં યુદ્ધમાં વપરાતાં હથિયારો જેવાં કે રાયફલ, મશીનગન, મોર્ટાર વગેરે મૂકેલાં છે. હથિયારો જોડે ઉભેલા BSFના જવાનો આ હથિયારો પબ્લીકને બતાવે છે, હાથમાં પકડવા પણ આપે છે અને ફોટા પણ પાડવા દે છે. અમને આ હથિયારો હાથમાં પકડવામાં ખૂબ જ રોમાંચ થયો, જાણે કે યુદ્ધભૂમિ પર ઉભા હોઈએ એવી કલ્પના થઇ ગઈ. અમારી જેમ બીજા ઘણા લોકો આ બધું જોવા આવ્યા હતા. પછી બાજુના મંડપમાં ગયા. અહીં, સીમા પર થતા યુદ્ધનાં દ્રશ્યોનો વિડીયો પડદા પર બતાવે છે. તે થોડી વાર જોયો. સામેના મેદાનમાં સાંજે પાંચ વાગે પરેડનો શો યોજાય છે. બોર્ડર પરથી પાછા આવીને અમે તે જોવાના હતા.

BSFના આ સંકુલની નજીક નડેશ્વરી માતાનું મંદિર છે, તે જોવા ગયા. મંદિર બહુ જ સરસ છે. BSFનો સ્ટાફ આ મંદિરનો વહીવટ કરે છે. અમે મંદિરમાં માતાજીનાં દર્શન કરી પ્રસન્નતા અનુભવી. મંદિર તરફથી જમવાની અને બાજુની રૂમોમાં રાત રહેવાની પણ વ્યવસ્થા છે.

હવે અમે બોર્ડર તરફ જવા નીકળ્યા. ૨૫ કી.મી. જવાનું હતું. છેક સુધી પાકો રસ્તો છે. થોડું ગયા પછી, BSFનું ચેકપોસ્ટ આવ્યું. ત્યાં પેલી ચિઠ્ઠી અમે બતાવી. અમારી નોંધણી કરી, સહીં લીધી. પછી આગળ ચાલ્યા. રસ્તાની બંને બાજુ રણવિસ્તાર છે, અને એમાં ક્યાંય સુધી વરસાદી પાણી ભરાયેલું છે. જાણે કે મોટું સરોવર જ જોઈ લ્યો ! આ પાણીમાં ઘણાં દેશીવિદેશી પક્ષીઓ ઉતરી આવેલાં અમે જોયાં. સફેદ રંગનાં બગલા જેવાં, કેસરી ડોકવાળાં હજારો પક્ષીઓ જોઇને અમને બહુ જ આનંદ થયો. પક્ષી અભ્યારણ્યમાં ય કદાચ આટલાં પક્ષી જોવા ના મળે. એક જગાએ તો અમે ગાડીમાંથી ઉતરી, સરોવરને કિનારે જઈને ઉભા રહ્યા. મજા આવી ગઈ.

રસ્તો પ્રમાણમાં સાંકડો છે. સામેથી બજી ગાડી આવે તો તકલીફ જ પડે. સાઈડમાં ઉતરાય એવું નથી. સાઈડમાં ગાડી નમી પડે તો સરોવરના પાણીમાં જ પડે. આથી રોડ પર થોડા થોડા અંતરે સાઈડમાં ગાડી ઉભી રહી શકે એવી જગા બનાવી છે. સામેથી વાહન આવતું દેખાય તો પેલી જગામાં ઉભા રહી જવાનું.

આમ કરીને અમે સરહદ પર પહોંચ્યા. અહીં, ‘Welcome to India-Pakistan Border’નું બોર્ડ મારેલું છે. ‘સૂચિત સીમા દર્શન પોઈન્ટ’નું બોર્ડ પણ છે. પછી ગાડી પાર્ક કરી, તારની વાડ આગળ પહોંચો ત્યાં ‘150 meter, Pakistan, BP 960/Mainનું મોટું બોર્ડ છે. એટલે કે તારની આ વાડથી પાકિસ્તાન ૧૫૦ મીટર દૂર છે, અને અહીં વાડનો ૯૬૦મો થાંભલો છે. બીજાં બોર્ડ પણ છે. અમે તારની વાડને અડક્યા, અને આનંદની એક ઝણઝણાટી અનુભવી કે અમે છેક ભારતની સરહદ સુધી આવ્યા છીએ ! વાડમાંથી પાકિસ્તાનની ધરતી પણ દેખાતી હતી. મનમાં થયું કે જો ભારતના ભાગલા ના પડ્યા હોત તો સામેની ધરતી પણ ભારતની જ હોત. તારની આ વાડ ભારતની આખી સરહદે એટલે કે કચ્છથી શરુ કરી છેક કાશ્મીર સુધી છે. વાડની સમાંતરે જોડે પાકો રોડ પણ છે. એટલે BSFનાં વાહનો વાડની ધારે ધારે બધે ફરી શકે છે. અહીં BSFના જવાનો ફરજ પર હાજર હતા. અમે તેમની સાથે ઘણી વાતો કરી, ફોટા પણ પડાવ્યા. આ જવાનો માટે અહીં કામચલાઉ રહેઠાણો પણ ઉભાં કર્યાં છે.

વાડની નજીક મેદાનમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકે છે. એક સાઈડે પીવાનું પાણી અને ટોઇલેટની વ્યવસ્થા છે. BSFની ગાથા વર્ણવતાં બોર્ડ છે. શનિ-રવિ સિવાયના દિવસોએ અને રાત્રે તો અહીં કોઈ હોય નહિ. આવી એકલીઅટૂલી એકાંત જગાએ BSFના જવાનો ખડેપગે ફરજ બજાવે છે, એ જોઇને આપણને એમના માટે ગૌરવ અનુભવાય છે. આપણામાં દેશદાઝ પ્રગટે છે.

અહીંથી અમે ચાર વાગે પાછા વળ્યા, અને ચેકપોસ્ટ પર પેલી ચિઠ્ઠી આપીને નડાબેટ પહોંચ્યા. ચેકપોસ્ટ પર ચિઠ્ઠી પરત કરવાનો સમય પાંચ વાગ્યા સુધીનો છે. એથી મોડું નહિ.

નડાબેટ પાછા પહોંચી અમે પેલા પરેડ મેદાનમાં ગયા. અહીં મેદાનમાં બંને બાજુ ખુરશીઓ ગોઠવેલી છે, એમાં અમે ગોઠવાઈ ગયા. પાંચ વાગતા સુધીમાં તો નડાબેટ આવેલા બધા પ્રવાસીઓ અહીં આવી ગયા હતા. લગભગ પંદરસો જેટલા લોકો હતા. અહીં પરેડ જોવાનો પ્રોગ્રામ હતો. માઈકમાં દેશભક્તિનાં ગીતો વાગતાં હતાં….સંદેશે આતે હૈ, હમે તડપાતે હૈ…….આપણને પણ એ સાંભળીને શૂર ચડી જાય એવો માહોલ હતો.

પાંચ વાગે આપણા ગુજરાતી ગરબા શરુ થયા. એમાં ય ઘણા લોકો જોડાઈ ગયા. જાણે કે નવરાત્રિ !  પછી પરેડનો પ્રોગ્રામ શરુ થયો. ઉંટસવાર સૈનિકો, પરેડ, બ્યુગલ વાદન, સાથે સાથે કોમેન્ટ્રી પણ ખરી. સાંજ પડી હતી. એટલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હતો. ખૂબ જ માનપૂર્વક, સલામી સાથે ધ્વજ ઉતારવામાં આવ્યો. લોકોએ ‘જય હિન્દ’ના નારા લગાવ્યા. એ સાથે પ્રોગ્રામ પૂરો થયો. ખૂબ જ આનંદ આવ્યો. આવો જ પ્રોગ્રામ અમૃતસરમાં વાઘા બોર્ડર પર થતો હોય છે. એમાં તો સામે પાકિસ્તાની સૈનિકો પણ હાજર હોય છે.

પ્રોગ્રામ પત્યા પછી લોકો વિખરાવા લાગ્યા. અમારા સહિત ઘણા લોકો સ્ટેજ પર પહોંચ્યા. ત્યાં જવાનો જોડે ફોટા પડાવ્યા. બહુ જ મજા આવી. દેશદાઝની એક લાગણી ઉભરી આવી. છેવટે બરાબર પોણા છ વાગે અમે અમદાવાદ આવવા નીકળ્યા. રસ્તામાં એક હોટેલ પર પંજાબી ખાણું જમ્યા. સાડા અગિયાર વાગે ઘેર પહોંચી ગયા. ભારત-પાકિસ્તાન સરહદ પર ફર્યાનો આજનો દિવસ અમને કાયમ યાદ રહી જશે. બોલો, જય હિન્દ.

4a.jpg

4c.jpg

1c

5a_

5j_

6a_

11c

13a

13d

15b

16c

17b