એડમંડ હિલેરી સાથે મુલાકાત

                                         એડમંડ હિલેરી સાથે મુલાકાત

મહાન પર્વતારોહક સર એડમંડ હિલેરીને કોણ નહિ ઓળખતું હોય? તેઓ ન્યુઝીલેન્ડના વતની હતા. તેમણે અને ભારતના તેનસીંગ નોરકેએ દુનિયાના સૌથી ઉંચા પર્વતશિખર એવરેસ્ટ પર ૨૯મી મે, ૧૯૫૩ના રોજ સૌ પ્રથમ સફળ આરોહણ કર્યું હતું. ત્યાર પછી તો ઘણા સાહસિકો એવરેસ્ટ પર ચડી આવ્યા છે. પણ સૌ પ્રથમ ચડનાર તરીકેનું બિરુદ તો આ બેલડીને જ મળ્યું છે. એવરેસ્ટ શિખર નેપાળ અને તિબેટની સરહદ પર આવેલું છે. તેની ઉંચાઈ ૮૮૪૮ મીટર એટલે કે ૨૯૦૩૫ ફૂટ છે. તેના પર કાયમ બરફ છવાયેલો રહે છે. ત્યાં તોફાની પવન સતત ફૂંકાતા હોય છે, હિમવર્ષા થતી રહે છે, અને ગાત્રો થીજાવી દે એવી ઠંડી હોય છે. આવા કાતિલ વાતાવરણમાં પર્વતના સીધા ઢાળ પર ખીલા ઠોકીને, દોરડાના સહારે ચડવું એ સખત કપરું કામ છે. મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારા હિલેરી અને નોરકે જેવા કોઈક વિરલાઓ જ આવું સાહસ કરી શકે.

એડમંડ હિલેરીએ એવરેસ્ટ સર કર્યા પછી, એ વિસ્તારમાં, પર્વત પર ચડવાની તાલિમ માટેની સ્કુલ ખોલી હતી. ઘણા નવલોહિયાઓને એવી તાલિમ આપીને તેમણે તૈયાર કર્યા હતા. આ ઉપરાંત, ઘણાં સેવાકીય કામ તેમણે કર્યાં હતાં. તેઓ ૨૦૦૮ની સાલમાં મૃત્યુ પામ્યા.

તેમના જીવનકાળ દરમ્યાન, ઘણી સંસ્થાઓએ તેમને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. ભારતમાં પણ તેઓ ઘણું ફર્યા હતા. એક વાર ૧૯૮૮ની સાલમાં તેઓ ચેન્નઈ (મદ્રાસ) આવ્યા હતા, ત્યારે ચેન્નઈની IIT એન્જીનીયરીંગ કોલેજે તેમને આમંત્રિત કર્યા હતા. હું તે વખતે ત્યાં Ph.D.નો અભ્યાસ કરતો હતો, એટલે મને સર હિલેરીને જોવાનો અને તેમને સાંભળવાનો મોકો મળ્યો હતો. ત્યારની વાત વિગતે કરું.

તેમના આગમન સમયે અમે બધા એક હોલમાં ગોઠવાઈ ગયા હતા. હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. હિલેરી સમયસર આવી પહોંચ્યા, બધાએ ઉભા થઇ તેમનું સ્વાગત કર્યું. થોડી ઔપચારિક વાતો પછી, સર હિલેરીએ પોતાનું વક્તવ્ય શરુ કર્યું. તેઓએ, એવરેસ્ટ સર કરવા કેવી તૈયારીઓ કરી, પહેરવાનાં કપડાં તથા સાથે રાખવાનાં સાધનો, ખોરાક, પડાવ માટેની વસ્તુઓ – એ બધાની વિગતે વાત કરી.  વાર્તાની જેમ આખી ઘટના વર્ણવી. સાથે સાથે, તેમણે એવરેસ્ટ પર ચડતી વખતે પાડેલા ફોટોગ્રાફ્સ પડદા પર બતાવ્યા. સર હિલેરી કેવી કપરી પરિસ્થિતિમાંથી પાર ઉતરીને સફળ થયા છે, અને રેકોર્ડ સ્થાપ્યો છે, તે જાણવા મળ્યું. આવી બધી દુર્લભ અસલી બાબતો જાણવા બીજે ક્યાં મળે? અમને આ બધું જાણવાની અને જોવાની મજા આવી ગઈ. તેમનું પ્રવચન સાંભળીને આવી બર્ફીલી જગાઓએ જવાની કલ્પના મનમાં આવી ગઈ. પણ હું તો આવી જગાએ ક્યાં જવાનો હતો?

પ્રવચન પછી પ્રશ્નો પૂછવાની છૂટ હતી. મેં એક પ્રશ્ન પૂછ્યો, ‘સર, તમારા બંનેમાંથી એવરેસ્ટની ટોચ પર સૌ પ્રથમ પગ કોણે મૂક્યો હતો?’

તેમનો જવાબ બહુ જ જોરદાર હતો, ‘અમે બંનેએ એકસાથે પ્રથમ પગ મૂક્યો હતો !’ તેઓએ બંને દેશોને સરખું ગૌરવ અપાવ્યું.

પ્રશ્નોત્તરી પૂરી થયા પછી, અમે બધા સ્ટેજની નજીક ગયા. આવા પહાડી પુરુષને નજીકથી જોયા. મેં તેમની સાથે હાથ મિલાવ્યા, ત્યારે મારા મનમાં અદભૂત રોમાંચ પેદા થયો. જે હાથ એવરેસ્ટ પર જઇ આવ્યો છે, તે હાથની સાથે જાણે કે મારો હાથ (અને સાથે સાથે હું પણ) એવરેસ્ટ ચડી આવ્યો હોય, એવી લાગણી મેં અનુભવી. આ ઘટના મારા મનમાં હજુ યે એવી ને એવી તાજી છે. એ જમાનામાં આજની જેમ મોબાઈલ કેમેરા ન હતા, નહીં તો મેં સર હિલેરી સાથે ફોટા પડાવી એ સ્મૃતિને કાયમ સાચવી રાખી હોત. જો કે મેં કાગળ પર તેમના ઓટોગ્રાફ લીધા હતા, અને તે સાચવી રાખ્યા છે. આ સાથે તેનો ફોટોગ્રાફ મૂક્યો છે.

1_Edmund Hillary,

2_Edmund Hillary_old

3_Hillary and Norke

Autograph