મોતીશાહી મહેલ
અમદાવાદમાં શાહીબાગમાં આવેલ મોતીશાહી મહેલ એક જોવા જેવી જગા છે. આ મહેલ મુગલ બાદશાહ શાહજહાંએ બંધાવ્યો હતો. એનું રીનોવેશન થયું છે. અત્યારે અહીં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક છે. એમાં સરદાર વલ્લભભાઈને લગતું મ્યુઝીયમ અને પ્રદર્શન છે. એમાં સરદારશ્રીએ કરેલાં કાર્યો, તેમનાં ચિત્રો વગેરે પ્રદર્શિત કરેલાં છે. રવીન્દ્રનાથ ટાગોર આ મહેલમાં રહ્યા હતા. તેમની યાદમાં, મહેલના પહેલા માળે એક રૂમમાં તેમનું સ્ટેચ્યુ, ચિત્રો વગેરે મૂકેલાં છે. એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવે છે. અંધારું પડ્યા પછી લાઈટ એન્ડ સાઉન્ડ શો થાય છે. સ્મારક જોવા માટે ૨૦ રૂપિયાની ટીકીટ છે. સમય ૯-૩૦ થી સાંજના પાંચ સુધીનો છે. સોમવારે બંધ હોય છે. મહેલની અંદર ફોટા પાડવા દેતા નથી. આગળ સરસ બગીચો લોન વગેરે છે. પાર્કીંગ માટે જગા છે. બાજુમાં કેન્ટીન છે, તેમાં નાસ્તો, જમવાનું વગેરે મળે છે.