તુંગનાથ મહાદેવ

                                          તુંગનાથ મહાદેવ

દુનિયામાં સૌથીં વધુ ઉંચાઈએ આવેલું શિવજીનું મંદિર કયું, અને તે ક્યાં આવેલું છે, તે જાણો છો? એ છે તુંગનાથ મહાદેવ, અને તે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જીલ્લામાં ૩૬૮૦ મીટર (૧૨૦૭૩ ફૂટ) ઉંચાઈએ આવેલું છે. તુંગનાથનો અર્થ જ છે, શિખરોના ભગવાન. આ મંદિર આગળ અને ત્યાં જવાના રસ્તે શિયાળામાં બરફ છવાઈ જાય છે, એટલે શિયાળામાં મંદિર બંધ રહે છે. શિયાળામાં ભગવાનની મૂર્તિ, તુંગનાથથી ૧૯ કી.મી. દૂર, નીચે મુક્કુ ગામના મુક્કુમઠમાં લાવી દેવાય છે. પૂજારીજી પણ મુક્કુમઠમાં આવી જાય છે. એપ્રિલના અંતમાં જયારે બરફ પીગળી જાય ત્યારે મૂર્તિને વાજતેગાજતે તુંગનાથ લઇ જવાય છે, પછી નવેમ્બરના મધ્ય સુધી મંદિર ખુલ્લું રહે છે. એટલે તુંગનાથ મહાદેવનાં દર્શન કરવાં હોય તો આ સમયગાળામાં (ઉનાળામાં) જ ત્યાં જવું જોઈએ.

તુંગનાથનું મંદિર પંચકેદારમાંનું એક છે. પંચકેદાર એ શિવજીનાં પાંચ કેદાર મંદિરોનું ગ્રુપ છે. આ પાંચ મંદિરો એટલે કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર. પાંચે કેદારમાં તુંગનાથ સૌથી વધુ ઉંચાઈએ છે. ઘણા શિવભક્તો પંચકેદારની યાત્રા કરતા હોય છે. કહે છે કે આ પાંચે કેદાર મંદિરો પાંડવોએ બંધાવેલાં. એ હિસાબે, તુંગનાથ મંદિર ૫૦૦૦ વર્ષ જૂનું મનાય છે. તુંગનાથના પૂજારી ઉખીમઠના બ્રાહ્મણોમાંથી નીમવાનો શિરસ્તો છે., જયારે બાકીનાં ચાર કેદારના પૂજારી દક્ષિણ ભારતના હોય છે.

તુંગનાથ મહાદેવ ક્યાં થઈને, કેવી રીતે જવાય? આ માટે પહેલાં તો હરિદ્વારથી ચોપટા જવું પડે. હરિદ્વારથી કેદારનાથના રસ્તે NH-58  પર, હિમાલયના પહાડોમાં ગંગા નદીના કિનારે કિનારે જવાનું. હરિદ્વારથી ઋષિકેશ, દેવપ્રયાગ, કીર્તિનગર, શ્રીનગર, રુદ્રપ્રયાગ, અગત્સ્ય મુનિ અને પછી કુંડ ગામ આવે. કુંડથી ડાબે વળીએ તો કેદારનાથ જવાય, એ બાજુ નહિ જવાનું, એને બદલે સીધા જવાનું. એ રસ્તે કુંડ પછી ઉખીમઠ, દુગ્ગલબીટ્ટા અને પછી ચોપટા ગામ આવે.

(અંતરો: હરિદ્વાર – ૨૪ – ઋષિકેશ – ૭૦ – દેવપ્રયાગ – ૩૪ – શ્રીનગર – ૩૩ – રુદ્રપ્રયાગ – ૧૯ – અગત્સ્ય મુનિ – ૧૦ – કુંડ – ૬ – ઉખીમઠ – ૨૨ – દુગ્ગલબીટ્ટા – ૭ – ચોપટા. આમ, હરિદ્વારથી કુંડ ૧૯૦ અને ત્યાંથી ચોપટા ૩૫ કી.મી. દૂર છે.)

હરિદ્વારથી છેક ચોપટા સુધી પાકો રસ્તો છે. હરિદ્વારના મુખ્ય બસસ્ટેન્ડથી ૫૦૦ મીટર દૂર GMOU નામનું ગઢવાલ મંડળ એસોસીએશનનું બીજું બસસ્ટેન્ડ છે. આ બસસ્ટેન્ડ પરથી ચોપટા જવાની બસો મળે. જો કે ચોપટાની સીધી બસો કોઈ હોતી નથી. કેદારનાથની બસમાં બેસો તો કુંડ ઉતરી જવાનું. બદરીનાથની બસમાં બેસો તો રુદ્રપ્રયાગ ઉતરી જવાનું, અને ત્યાંથી જીપમાં કુંડ જતા રહેવાનું.(રુદ્રપ્રયાગથી બદરીનાથનો રસ્તો ફંટાય છે.) કુંડથી જીપમાં ઉખીમઠ અને ત્યાંથી ચોપટા પહોંચી જવાનું. હરિદ્વારથી સામાન્ય રીતે સવારની બસમાં નીકળવાનું કે જેથી બપોર પછી ૩,૪ વાગતા સુધીમાં ચોપટા પહોંચી જવાય.

હવે ચોપટાથી તુંગનાથ જવાનું છે. આ અંતર ફક્ત ૪ કી.મી. જ છે. પણ અહીં કોઈ વાહન જાય એવો રસ્તો નથી. એટલે ચાલીને ટ્રેકીંગ કરીને જવું પડે. જો કે ઘોડા મળે છે. ચાલીને જવા માટે પત્થરો જડીને રસ્તો બનાવેલો છે, તથા થોડા થોડા અંતરે બાંકડા મૂકેલા છે. ચોપટાની ઉંચાઈ ૨૯૨૬ મીટર અને તુંગનાથની ઉંચાઈ ૩૬૮૦ મીટર છે, એટલે રસ્તો ચડાણવાળો છે. ૪ કી.મી. જતાં સહેજે ૩ કલાક લાગી જાય છે. પીવાનું પાણી સાથે રાખવું. સામાન બહુ સાથે ના રાખવો. રેઇનકોટ સાથે રાખવો, વરસાદ ગમે ત્યારે પડી શકે. ચોપટામાં રહેવા માટે ગેસ્ટ હાઉસ, ધાબાં અને તંબૂઓ છે. ત્યાં રાત રહેવાની વ્યવસ્થા કરી, તુંગનાથ જવા માટે સવારે નીકળવું અને સાંજે ચોપટા પાછા  આવી જવું.

ચોપટાથી ટ્રેકીંગના પ્રવેશદ્વાર આગળ ટીકીટ લેવાની હોય છે. (વ્યક્તિદીઠ આશરે ૧૫૦ રૂપિયા). ટ્રેકીંગના રસ્તે જવાની મજા આવતી હોય છે. રસ્તો ક્યારેક અડાબીડ જંગલોમાં તો ક્યારેક ખુલ્લાં મેદાનોમાં તો વળી ક્યારેક પર્વતની ધારે ધારે થઈને જાય છે. એપ્રિલ-મેમાં ફૂલોની ઋતુ બરાબર ખીલી હોય ત્યારે આ રસ્તે રોડોડેડ્રોન તથા અન્ય ફૂલોનો નજારો જોવા મળે છે. ક્યાંક હિમાલયનું મોનાલ પક્ષી જોવા મળી જાય છે. અને ખાસ તો રસ્તા પરથી તથા તુંગનાથ પહોંચ્યા પછી દૂર દૂર હિમાલયનાં બરફછાયાં શિખરો નજરે પડે છે. આ શિખરોમાં નંદાદેવી, ચૌખંબા, કેદારનાથ, નીલકંઠ, બંદરપૂછ અને પંચચૂલી મુખ્ય છે. આ શિખરોને નજરે જોવાની તક બીજે ક્યાં મળવાની હતી ! તુંગનાથ, અલકનંદા અને મંદાકિની નદીઓનાં પાણી છૂટા પાડતી ધારની ટોચે છે, એમ કહી શકાય.

તુંગનાથ આવતા પહેલાં, રાવણશીલા નામની જગા આવે છે. રાવણે શિવજીને રીઝવવા અહીં તપ કર્યું હતું. તુંગનાથ પહોંચ્યા પછી, મંદિરમાં શિવજીનાં દર્શન કરવાનો લ્હાવો અદ્ભુત છે. મનમાં એક જાતનો રોમાંચ અને ભક્તિભાવ પેદા થાય છે. તુંગનાથ મંદિરની આજુબાજુ ભૈરવનાથ અને અન્ય મંદિરો છે. તુંગનાથમાં પણ રહેવાની સગવડ છે, જો કે તે બહુ સારી નથી.

તુંગનાથથી હજુ દોઢેક કી.મી. જેટલું આગળ ચડીને ચંદ્રશીલા નામના શિખર પર પહોંચાય છે. આમ જુઓ તો તુંગનાથ, ચંદ્રશીલા શિખરની તળેટીમાં હોય એવું લાગે. ચંદ્રશીલાની ઉંચાઈ ૪૦૦૦ મીટર છે. ચંદ્રશીલા પર પહોંચો એટલે કોઈ પર્વતની ટોચે આવી ગયા હોઈએ એવું લાગે. આ શિખર પર પણ ગંગા ધામ નામનું એક નાનું મંદિર છે. ચંદ્રશીલા પરથી આજુબાજુનો નજારો કેવો ભવ્ય છે, તે તો ત્યાં જાઓ ત્યારે જ અનુભવવા મળે. અહીંથી પેલાં બધાં જ બરફછાયાં શિખરો અને તુંગનાથ તરફની ખીણો જોવા મળે છે. રામ ભગવાને રાવણને માર્યા પછી ચંદ્રશીલા પર ધ્યાન ધર્યું હતું.

બસ, પછી તો આ બધું જોઈ, માણી, તુંગનાથ અને ત્યાંથી ચોપટા પાછા આવી જવાનું. ત્યાંથી હરિદ્વાર અને દિલ્હી થઈને વતનમાં પાછા. હરિદ્વારથી દિલ્હી ૨૨૫ કી.મી. દૂર છે.  

તસ્વીરો ૧ થી ૭ ગુગલ પરથી લીધી છે. (૧) (૨) તુંગનાથ મંદિર (૩) છેલ્લા ૪ કી.મી.નો ટ્રેકીંગનો રસ્તો (૪) તુંગનાથ અને ચંદ્રશીલાનો ટ્રેકીંગ રુટ (૫) ચંદ્રશીલા પરનું નાનું મંદિર (૬) તુંગનાથથી દેખાતું નંદાદેવી શિખર (૭) તુંગનાથ શિયાળામાં (૮) હરિદ્વારથી તુંગનાથના રસ્તાનો નકશો

1a_Tungnath temple

1e

2a_Trek

2d_Tungnath Chandrashila

3_Chandrashila

4a_Nanda devi

6b

Map of Tungnath

ભારતમાં સારું શું? ખરાબ શું?

ભારતમાં સારું શું? ખરાબ શું?

આપણે  ત્યાં લગ્ન કે અન્ય કોઈ પ્રસંગે બધા એકઠા મળ્યા હોય ત્યારે જાતજાતની ચર્ચાઓ થતી હોય છે. એમાં એક ખાસ ચર્ચા એ થતી હોય છે કે ભારત દેશ સારો કે અમેરીકા? બધા લોકોને એની ચર્ચામાં રસ પડતો હોય છે. મોટા ભાગના લોકો કહેતા હોય છે કે ભારતમાં કશી સગવડો નથી, ચોખ્ખાઈ નથી, એના કરતાં અમેરીકા ઘણો આગળ વધેલો દેશ છે, વગેરે વગેરે.

તમે આ બાબત અંગે શું માનો છો? અહીં આપણે આ વિષયની થોડી વાતો કરીએ. અહીં રજૂ કરેલા વિચારો મારા અંગત વિચારો છે. પહેલાં તો હું ભારતની ખામીઓની વાત કરીશ, અને પછી ભારતના સારાપણાની વાત.

એ વાત બિલકુલ સાચી છે કે આધુનિક વૈજ્ઞાનિક શોધખોળોમાંની એક પણ શોધ ભારતમાં થઇ નથી. જેવી કે વીજળીનો દીવો, રેડિયો, ટેપરેકોર્ડ, ટેલિવીઝન, ટ્રેન, પેટ્રોલ-ડીઝલ એન્જીનો, વિમાન, રોકેટ, ઉપગ્રહ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરે. આપણે એમ કહીએ કે ભૂતકાળમાં ભારતીય સંસ્કૃતિ ખૂબ આગળ વધેલી હતી, એનો ભવ્ય વારસો આપણી પાસે છે. પણ એ વારસાનો વ્યવહારુ ઉપયોગ ક્યાંય દેખાય છે ખરો?

અમેરીકામાં ચોખ્ખાઈ ખૂબ જ છે, બધા જ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ભ્રષ્ટાચાર ખૂબ જ નજીવો છે. જયારે ભારતમાં લોકો ચોખ્ખાઈ બાબતે પૂરતા સભાન નથી. ટ્રાફિકના નિયમો પૂરેપૂરા પાળતા નથી.ભ્રષ્ટાચાર ખૂબ જ છે. પ્રામાણિકતાનું પ્રમાણ ખૂબ ઓછું છે. દેશદાઝ ઓછી છે. આ બધાને લીધે દેશ આગળ આવતો નથી.

આમ છતાં ય ભારતમાં થોડીક સારી બાબતો અને સગવડો પણ છે, જે અમેરીકામાં નથી. ભારતમાં દવાખાનું અને ડોક્ટર સહેલાઇથી ઉપલબ્ધ છે, સસ્તું પણ છે. તમારી ગલીની બહાર નીકળો કે કોઈક ને કોઈક ડોક્ટરનું દવાખાનું જરૂર મળી જાય. તાવ, શરદી. ખાંસી જેવા રોગો માટે તો ડોક્ટર અને દવા ખૂબ સહેલાઇથી મળી રહે. અમેરીકામાં નાના રોગ માટે પણ ખૂબ ખર્ચ થાય. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ક્યાંય સુધી ના મળે. મને એક વાર ખાંસી થઇ તો સામાન્ય ડોક્ટરને બતાવવાના જ ૧૧૫ ડોલર (આશરે ૭૫૦૦ રૂપિયા) થયા, દવાના પૈસા તો જુદા.

ભારતમાં ઘરની બહાર નીકળો કે ખરીદી માટેનું બજાર તરત જ મળી રહે. બજારમાં ચાલતા ફરી શકાય. અમેરીકામાં દૂધ કે શાક જેવી સામાન્ય ચીજો ખરીદવા માટે પણ ચાલતા ના જઈ શકાય. ગાડી લઈને સ્ટોરમાં જ જવું પડે.

ભારતમાં કોઈકના ઘેર કંઇક થાય તો આજુબાજુવાળા ભેગા થઈને મદદ કરવા લાગે. રોડ પર પણ અકસ્માત થાય તો બધા ભેગા થઇ ઘાયલને તરત જ હોસ્પિટલ પહોંચાડે. આવી માનવતા અને ભાઈચારો ભારતમાં છે. અમેરીકામાં આ બધું પોલીસની સહાયથી થાય.

ભારતમાં સામાજિક વ્યવસ્થા છે, જે અમેરીકામાં નથી. ભારતમાં કુટુંબીઓ, સગાંવહાલાં, પાડોશીઓ – આ બધા અવારનવાર ભેગા થાય, લગ્ન કે બીજા પ્રસંગોએ બધા એકબીજાને મળે, મંદિરોમાં મળવાનું થાય – આમ, એકબીજા પ્રત્યે હુંફ અને લાગણીઓ  ઉભી થાય, એને લીધે જીવનમાં ખુશી અને આનંદ છવાયેલાં રહે. અમેરીકામાં આવું બધું નથી.

ભારતમાં એક જ ઘરમાં દાદાદાદી, દીકરો અને તેનાં યે બાળકો સાથે રહી શકે છે, તેઓ એકબીજા માટે સ્નેહ અને લાગણી ધરાવતાં હોય છે, અને એકબીજાના સુખદુખમાં ભાગ પડાવે છે. આવી કુટુંબપ્રથા અમેરીકામાં શક્ય નથી.

આમ, ભારતમાં ઘણુંબધું છે, અને જે નથી તે અપનાવાય તો ભારત દેશ અમેરીકા કરતાં પણ વધુ સુખી બની શકે. જેમ કે બધા જ લોકો ચોખ્ખાઈનું મહત્વ સમજે, પાણી કરકસરથી વાપરે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે, ભ્રષ્ટાચાર ના કરે, ભારતના બુદ્ધિધનનો ઉપયોગ ભારતમાં જ થાય, દેશ માટે લાગણી પેદા થાય – આવું બધું થાય તો આપણો દેશ ખૂબ જ આગળ આવી જાય. જય હિન્દ.