મહેલોલની મેસરી નદીની વાત
મારું ગામ મહેલોલ પંચમહાલ જીલ્લામાં મેસરી નદીને કાંઠે વસેલું છે. આ નદી સાથે નાનપણથી જ અમારો નાતો રહેલો છે. એ જમાનામાં મેસરી નદી કેવી રૂપાળી હતી, અને આજે તે કેવી બદલાઈ ગઈ છે, એની અહીં વાત કરું.
લગભગ ૧૯૫૭ના અરસાની વાત. ત્યારે અમે પ્રાયમરી સ્કુલમાં ભણતા હતા. તે વખતે મેસરી નદીમાં બારે માસ પાણી વહેતું રહેતું. અમે અવારનવાર નદીએ નહાવા જતા, અગિયારસો અને જન્માષ્ટમી જેવા તહેવારોએ તો ખાસ. નદીના ચોખ્ખા, સ્વચ્છ પાણીમાં નહાવાની ખૂબ મજા આવતી. ગામની લગભગ બધી જ સ્ત્રીઓ કપડાં ધોવા નદીએ આવતી. કપડાં ધોતી જાય અને વાતો કરતી જાય. તેઓને અરસપરસ મળવા અને સમાચારોની આપલે માટે આ સરસ જગા હતી. નદીના પાણીમાં ક્ષારો ખૂબ ઓછા હતા, એટલે આ પાણીથી દાળ સહેલાઇથી ચડી જતી. આથી ઘણા લોકો નદીનું પાણી ઘડો ભરીને ઘેર લઇ જતા.
ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તો પૂર જોવા ગામલોકો નદી કિનારે ઉમટી પડતા. નદીમાં એક બહુ મોટો પત્થર હતો, તે ‘કુવારીકાનો પત્થર’ કહેવાતો. આ પત્થર અંગે એક લોકકથા અમે સાંભળી હતી. એ કથા પ્રમાણે, એક વાર ચોમાસામાં નદીમાં પૂર આવ્યું, ત્યારે નદીમાંથી બધી જ સ્ત્રીઓ અને અન્ય લોકો ફટાફટ નદીની બહાર નીકળી ગયા. અઢારેક વર્ષની એક છોકરી બહાર ના નીકળી શકી. તે પેલા મોટા પત્થર પર ચડી ગઈ. પત્થરની થોડી ટોચ પાણીની બહાર દેખાતી હતી, તેના પર તે બેસી રહી. ભૂખી તરસી અને ડરામણી રાતે પણ તે બેસી રહી. ચારે બાજુ જોસમાં વહેતું પૂરનું પાણી જોઇને તેને કેટલો ડર લાગ્યો હશે ! બે દિવસે પાણી ઉતર્યું, ત્યારે તે પત્થર પરથી ઉતરી, નદીની બહાર આવી. તે છોકરી કુંવારી હતી, એના પરથી એ પત્થરનું નામ ‘કુવારીકાનો પત્થર’ પડી ગયું. આ કુવારીકાના પત્થરની નજીક, નદીકિનારે ‘વોટર વર્કસ’ ઉભું કરેલું છે. એના વડે નદીમાંથી પાણી ખેંચી, ઉંચી ટાંકીમાં ચડાવી ગામનાં ખેતરોને ખેતી માટે પાણી પૂરું પડાય છે.
મહેલોલથી આશરે ૨ કી.મી. દૂર, મેસરી નદીના સામા કિનારે ભાટપુરા નામનું ગામ છે. ત્યાં મંદિર અને ફૂલછોડના બગીચા છે. જન્માષ્ટમીના દિવસે ત્યાં મેળો ભરાતો. અમને આ મેળાનું આકર્ષણ ખૂબ હતું. અમે ચાલીને, વહેતી નદીને ઓળંગીને એ મેળામાં અચૂક જતા. મેસરીને કિનારે બીજું એક નીલકંઠ મહાદેવ છે, ત્યાં જવાનું પણ ખૂબ ગમતું. સ્કુલમાંથી અમને ત્યાં પ્રવાસે લઇ જતા.
મહેલોલથી ગોધરા શહેર નજીક જ છે. ગોધરા પણ મેસરી નદીને કાંઠે જ છે. ત્યારે ગોધરાથી વેજલપુર થઈને મહેલોલ આવતી એસટી બસ, નદીમાં બનાવેલા કાચા રસ્તા પર થઈને આવતી. ચોમાસામાં આ રસ્તો તૂટી જાય, એટલે બસ નદીને સામે કાંઠે જ ઉભી રહેતી. બસમાં બેસવા માટે અમારે ચાલીને નદી ઓળંગીને બસ સુધી જવું પડતું. થોડાં વર્ષો પછી, નદી પર પૂલ બન્યો, અને બસ ચોમાસામાં પણ ગામમાં આવતી થઇ. આ પૂલ કુવારીકાનો પત્થર તોડી, તે જગાએ બનાવાયો છે.
હવે અમે કોલેજમાં આવી ગયા હતા. અમે બધા કોલેજમાં ભણવા અમદાવાદ અને બીજાં સ્થળોએ ગયા, પણ વેકેશનમાં તો ઘેર જ આવી જતા. વેકેશનના દિવસોમાં સાંજના ટાઈમે, બધા મિત્રો ભેગા મળી નદી બાજુ ફરવા નીકળી પડતા. નદીની રેતીમાં બેસવાનું, વાતો કરવાની, ક્યારેક નાસ્તાપાણી, પછી અંધારું પડતામાં તો ઘેર પહોંચી જવાનું. પણ હવે નદીમાં પાણી ઓછું થવા માંડ્યું હતું. નદી ચોમાસામાં તો વહેતી રહેતી, પણ બાકીના મહિનાઓમાં સુકાઈ જતી. નદીની આ સ્થિતિ જોઇને મનમાં દુઃખ થતું.
પછી તો અમે બધા નોકરીધંધે વળગ્યા અને શહેરમાં જ સ્થાઈ થવા લાગ્યા. મહેલોલ જવાનું ઓછું થવા માંડ્યું. જયારે જઈએ ત્યારે નદીના પૂલ પરથી પસાર થવાનું થાય, અને કોરીકટ નદી જોઇને મનમાં વિષાદ થાય. નદીમાં કપડાં ધોવાનું, નદીએથી પાણી લાવવાનું અને નદીમાં નહાવાનું બંધ થઇ ગયું છે. જૂનો પૂલ ખરાબ થઇ જતાં, બાજુમાં નવો પૂલ બન્યો છે. હમણાં જયારે મહેલોલ ગયો ત્યારે નદી જોઈ. નદીમાં ઘાસ અને છોડ ઉગી નીકળ્યા છે. પાણી તો નથી, પણ રેતી યે દેખાતી નથી. નદી, નદી જેવી જ રહી નથી. નદીમાં કોઈ માણસ તો દેખાતું જ નથી. આ છે હાલની મેસરી નદીની સ્થિતિ.
અહીં મેસરી નદીના અને જૂના-નવા પૂલના ફોટા મૂકું છું. જો કે આ ફોટા ત્રણેક વર્ષ પહેલાંના છે. ત્યારે નદીમાં ચેક ડેમ બાંધીને પાણી સંગ્રહવામાં આવ્યું હતું.
નોંધ: મારી જાણ પ્રમાણે, મેસરી નદી ગોધરાની નજીક કાલિયા કુવા પાસેથી નીકળે છે, અને મહેલોલથી આગળ જઈને, ટીંબા અને સાવલી વચ્ચે અજબપુરા ગામ આગળ મહી નદીને મળે છે.