ગોલ ગુંબજ, બીજાપુર

                                                ગોલ ગુંબજ, બીજાપુર

ગોલ ગુંબજ, કર્ણાટક રાજ્યના બીજાપુર શહેરમાં આવેલો છે. તે આદિલ સામ્રાજ્યના સમ્રાટ મોહમદ આદિલ શાહનો મકબરો છે. આ મકબરો તેની ખૂબ મોટી સાઈઝ અને અંદર અવાજ પરાવર્તનની ખૂબીને લીધે ખાસ જાણીતો છે. દુનિયાભરના પ્રવાસીઓ ગોલ ગુંબજ જોવા આવે છે, અને તેની ખૂબી જોઇને આશ્ચર્યચકિત થઇ જાય છે. આદિલ શાહે જ તેનું બાંધકામ શરુ કરાવેલું અને ૧૬૫૬માં તે પૂરું થયું હતું. ઇન્ડો-ઇસ્લામીક સ્થાપત્ય ધરાવતો આ ઘુમ્મટ તે વખતના પ્રખ્યાત  આર્કિટેક્ટ યાકુત ઓફ દાબુલે બનાવ્યો હતો. અહીં રાજા મોહમદ આદિલ શાહ, તેની પત્નીઓ, દિકરીઓ અને પૌત્રની કબરો છે.

ગોલ ગુંબજ મોટા ક્યુબ આકારનો છે, અને તેની ઉપર અર્ધગોળાકાર ઘુમ્મટ છે. ક્યુબની દરેક સાઈડ ૪૭.૫ મીટર લાંબી છે. બહારની દરેક સાઈડની દિવાલ પર ત્રણ કમાનો છે. વચ્ચેની કમાન વધારે પહોળી છે. ઉત્તર તરફની દિવાલ સિવાય, દરેક દિવાલની વચ્ચેની કમાનમાં બારણું છે. ઉપરના અર્ધગોળાકાર ઘુમ્મટનો બહારનો વ્યાસ ૪૪ મીટર અને અંદરનો વ્યાસ ૩૮ મીટર છે. ઘુમ્મટ શરુ થાય ત્યાં આગળ એની જાડાઈ ૩ મીટર છે. મકાનની અંદરના હોલમાં એક પણ થાંભલો નથી. થાંભલા વગર આટલો મોટો ઘુમ્મટ આ રીતે બાંધવો એ જ તો આ બાંધકામની ખૂબી છે. ભારતનો આ સૌથી મોટો ઘુમ્મટ છે. દુનિયામાં તે બીજા નંબરે  છે. દુનિયાનો એક નંબરનો મોટો ઘુમ્મટ વેટીકન સીટીનો સેન્ટ પીટર બેસીલીકાનો ઘુમ્મટ છે.

ગોલ ગુંબજના અંદરના હોલનો વિસ્તાર ૧૭૦૩ ચો. મી. છે. એક જ હોલનો આટલો મોટો વિસ્તાર, એ પણ એક બેજોડ રચના છે. અંદર હોલમાં વચ્ચે ચોરસ પ્લેટફોર્મ છે, તેના પર ચડવા માટે ચારે બાજુ પગથિયાં છે. પ્લેટફોર્મ પર કબર ચણેલી છે. હોલમાં જમીનથી ૩૩ મીટરની ઉંચાઇએ, ઘુમ્મટની અંદરની સાઈડે ગેલેરી છે. તે સવા ત્રણ મીટર પહોળી છે. એને વ્હીસ્પરીંગ ગેલેરી કહે છે. ઘુમ્મટની  ખરી ખૂબી આ ગેલેરીમાં અનુભવવા મળે છે. ગેલેરીમાં ઉભા રહી, નાનો સરખો અવાજ કરો તો પણ તે ગેલેરીમાં બધે સંભળાય છે. તાલી પાડો તો પડઘા રૂપે બીજી દસ તાળીઓ સંભળાય છે. આનું કારણ એ છે કે ઘુમ્મટની સપાટી પરથી અવાજનું વારંવાર પરાવર્તન થાય છે. લોકો ગેલેરીમાં ઉભા રહી અવાજની આ ખૂબી જોઇને ખુશ થઇ જાય છે. દુનિયાનું આ અજોડ સ્થાપત્ય છે.

ગોલ ગુંબજની બહારના ચારે ખૂણે, ૭ માળવાળા અષ્ટકોણીય ટાવર છે. દરેક ટાવરમાં અંદર સીડી છે. ટાવરના ઉપલા માળમાંથી, સીડીમાંથી ઘુમ્મટ ફરતેની ગેલેરીમાં અવાય છે. અહીંથી આખું બીજાપુર શહેર દેખાય છે. બધા ટાવર પર પણ નાના ઘુમ્મટો છે.

ગોલ ગુંબજની આગળ એક મ્યુઝીયમ છે. આ ઉપરાંત, અહીં મસ્જીદ, નગારખાના અને ધર્મશાળા પણ છે. ગોલ ગુંબજ જોવાનો સમય સવારના ૧૦ થી સાંજના ૫ સુધીનો છે. શુક્રવારે રજા હોય છે. બીજાપુરમાં આ ઉપરાંત, ઈબ્રાહીમ રોજા, મેહતાર મહલ, જુમ્મા મસ્જીદ અને બારા કમાન જોવા જેવી છે. બીજાપુર, કોલ્હાપુરથી પૂર્વમાં ૧૭૮ કી.મી., સોલાપુરથી દક્ષિણમાં ૯૭ કી.મી., પંઢરપુરથી દક્ષિણમાં ૧૧૦ કી.મી.અને  હોસ્પેટ(હમ્પી)થી ઉત્તરમાં ૨૦૫ કી.મી. દૂર છે. ક્યારેક કોલ્હાપુર, પંઢરપુર, સોલાપુર કે હમ્પી જાવ ત્યારે બીજાપુર પણ પહોંચી જજો.

તસ્વીરો ગુગલ પરથી લીધી છે. (૧) ગોલ ગુંબજ (૨) વ્હીસ્પરીંગ ગેલેરી (૩) ઘુમ્મટ (૪) દીવાલો પરનું આર્ટવર્ક (૫) વ્હીસ્પરીંગ ગેલેરીમાં જવા માટેની સીડી.

1_Gol Gumbaj

2_Whispering Gallery

3_Dome, Gol Gumbaz

4_Art on the Walls

5_staircase to go in whispering gallery

Advertisements