વર્ણીન્દ્ર ધામ, પાટડી

                                              વર્ણીન્દ્ર ધામ, પાટડી

સ્વામીનારાયણ સંપ્રદાયનાં ઘણાં મંદિરો આપણા ગુજરાતમાં છે. એમાં કોઈ કોઈ મંદિર તો ખૂબ જ ભવ્ય છે, જેમ કે પોઈચાનું મંદિર. આવું જ એક ભવ્ય સ્વામીનારાયણ મંદિર પાટડી ગામથી ૨ કી.મી. દૂર બન્યું છે. એનું નામ છે વર્ણીન્દ્ર ધામ. આ મંદિરનું ઉદઘાટન હમણાં જ ઓક્ટોબર ૨૦૧૭માં થયું છે, અને પબ્લીકને દર્શન કરવા તથા જોવા માટે ખુલ્લું મૂકાયું છે. આ મંદિર વર્ષના બધા દિવસોએ ખુલ્લું રહે છે. અમદાવાદથી વિરમગામ અને માલવણ થઈને પાટડી જવાય છે. અમદાવાદથી વર્ણીન્દ્ર ધામ સુધીનું અંતર ૧૦૫ કી.મી. જેટલું છે. અમદાવાદથી સવારે નીકળો તો મંદિર જોઈ સાંજે પાછા આવી જવાય.

અમે પાંચ ફેમીલી એક વાર આ મંદિર જોવા માટે અમદાવાદથી નીકળી પડ્યા. અમે નાનામોટા મળી કુલ ૧૪ જણ હતા. મંદિરની બાજુમાં પાર્કીંગની જગા છે, મંદિરના પ્રવેશદ્વારમાં દાખલ થતામાં જ તેની ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. સામસામે મૂકેલા મોટા હાથીઓનાં બાવલાં, એના પર પણ હાથીઓ અને એની ઉપર વચ્ચે બેઠક પર બિરાજેલા ભગવાન – આવું પ્રવેશદ્વાર કેટલું બધું આકર્ષક લાગે ! પ્રવેશ આગળ કુંડ, ફુવારા અને ભગવાનનાં કલરફૂલ બાવલાં તો ખરાં જ. આખા મંદિરમાં અગણિત બાવલાં છે.

પ્રવેશદ્વાર પછી અંદર વિશાળ ખુલ્લું ચોગાન છે. એમાં પણ એક પછી એક, જુદા જુદા પ્રસંગો દર્શાવતાં પૂતળાં છે. દા. ત. એક પ્રસંગ, કૃષ્ણ ભગવાન ગોપીઓનાં વસ્ત્રો લઈને ઝાડ પર ચડી ગયા હતા, તેનો છે. અમે આ બધાં જ પૂતળાં આગળ ઢગલાબંધ ફોટા પાડ્યા. આ મંદિરમાં બધી જ જગાએ ફોટા પડવાની છૂટ છે. અમારી જેમ ઘણા દર્શનાર્થીઓ અહીં આવેલા હતા, એટલે માહોલ તો જાણે કે મોટો મેળો ભરાયો હોય એવો લાગતો હતો. વચ્ચેના ચોગાનની ડાબી બાજુના ભાગમાં પીવાનું પાણી, ટોઇલેટ તથા ભોજનગૃહ છે.

ચોગાનમાં એક સોનેરી થાંભલા પર ગરુડનું પૂતળું છે. ચોગાન પૂરું થયા પછી મોટો ખુલ્લો ઓટલો છે. એના પછી, બે બાજુ, ઢાળવાળા વર્તુળાકાર રસ્તે ચડી મુખ્ય મંદિર આગળ પહોંચાય છે. મંદિર આખું કમળ પર બનાવ્યું હોય એવી એની રચના છે. મંદિરના થાંભલા, કમાનો અને છત પર સુંદર કોતરણી કરેલી છે. બધા જ ભાગો સોનેરી રંગથી સુશોભિત છે. દૂરથી આખું મંદિર જાણે કે સોનાનું બનેલું હોય એવું લાગે છે. આ બધું જોઈ, મુખ્ય મંદિરમાં અમે દર્શન કર્યાં. મંદિરમાં બિરાજમાન શ્રી નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનનાં દર્શન કરી ધન્ય થયાનો અનુભવ થાય છે. દર્શન આખો દિવસ ચાલુ જ હોય છે. મંદિરની એક બાજુ હનુમાનજી અને બીજી બાજુ લાલાને લાડનાં મંદિરો છે. આ મંદિરો પણ ભવ્ય છે. મંદિરની ફરતે વર્તુળાકારમાં ૧૦૮ મોટા સુવર્ણ કળશો બનાવેલાં છે, એમાં દરેકમાં ભગવાન બિરાજે છે. આ સુવર્ણ કળશોની નીચે વર્તુળાકાર ગેલેરીમાં ૧૦૮ ગૌમુખ બનાવ્યાં છે, એ દરેક ગૌમુખમાંથી પાણી પડે છે.

પ્રવેશથી શરુ કરીને આખું મંદિર જોતાં અમને લગભગ બે કલાક લાગ્યા. બપોરનો એક વાગ્યો હતો. એટલે વિચાર્યું કે ભોજનગૃહમાં જમી લઈએ. ભોજનગૃહ આગળ ‘સ્વરુચિકર નીલકંઠ ભોજન પ્રસાદમ’નું મોટું બોર્ડ મારેલું છે. સેલ્ફ સર્વિસ છે. ટોકન કાઉન્ટર પરથી ટોકન લઈને બારી પરથી જે તે વાનગી જાતે લેવાની હોય છે. બપોરના જમવામાં ગુજરાતી થાળી મળે છે, એમાં રોટલી, શક, કઠોળ અને દાળભાત મળે છે. ભાવ ખૂબ જ રીઝનેબલ (ગુજરાતી થાળીના ૬૦ રૂપિયા) છે. આ ઉપરાંત, ભાજીપાઉં, દાબેલી, નમકીન, વેફર, બિસ્કીટ, કોલ્ડડ્રીંક, આઈસક્રીમ વગેરે પણ મળે છે. બપોરે ચાર વાગ્યા પછી ખીચડી અને કઢી મળે છે. જમવા બેસવા માટે મોટા મંડપ નીચે ટેબલો અને પાટલીઓ મૂકેલી છે, પણ તે પૂરતા પ્રમાણમાં નથી. ઉભા ઉભા ખાવું પડે છે, તે અઘરું છે. નીચે ધૂળ જ છે, આથી નીચે બેસીને પણ ખાવાનું ફાવે એવું નથી. આશા રાખીએ કે ભવિષ્યમાં આમાં સુધારો થાય. ચોગાનની બાજુમાં ખરીદી માટેની દુકાનો છે.

વર્ણીન્દ્ર ધામનું બીજું આકર્ષણ અહીંનું પ્રદર્શન છે. પ્રદર્શન મંદિરની નીચે ભોંયરામાં અને સાઈડમાં છે. એમાં કલાનિદર્શન, માછલીઘર, સાહસ શિક્ષા, રામ, શ્યામ, ઘનશ્યામ ચરિત્ર, મીરર હાઉસ, ટીવી કલા, વૈજ્ઞાનિક કરામતો, ધુમ્ર શો, લેસર શો, સાયંસ સીટી, ટ્રેન વિહારમાં હોરર ટનલ, વન ચરિત્ર વગેરે બાબતો જોવા મળે છે. પ્રદર્શનમાં હીંચકા, લપસણી, ફુવારા, લક્ષ્મણઝુલા તથા નૌકાવિહાર પણ છે. આખું પ્રદર્શન જોતાં સહેજે ત્રણેક કલાક લાગે છે. આખું પ્રદર્શન જોવાની ટીકીટ ૧૯૦ રૂપિયા અને ટ્રેન વિહાર સિવાયના ભાગો જોવાની ટીકીટ ૧૫૦ રૂપિયા છે. પ્રદર્શનનો સમય ૧ થી ૭-૩૦ અને રવિવારે ૧૨ થી ૭-૩૦ છે. પ્રદર્શન એટલું વિશાળ છે કે ચાલી ચાલીને થાકી જવાય. અમારામાંના થોડા જણ પ્રદર્શન જોવા ના ગયા, તેમણે મંદિરના ઓટલે આરામ ફરમાવ્યો.

સાંજના પાંચ વાગ્યા હતા. આ સમયે ઢોલ-નગારા અને શરણાઈઓની સુરાવલિ સાથે થાળ લાવીને પ્રભુને અર્પણ કરાય છે, તે અમે જોયું. અહીં સાડા પાંચથી સાડા છ શોભા યાત્રા નીકળે છે. ભગવાનને સોનેરી બગીમાં બેસાડી, તેમને ચોગાનમાં ફેરવવામાં આવે છે. બગીની આગળ બે ઘોડા ચાલે છે, પણ બગીને ઘોડા નથી ખેંચતા. બગીને બે જાડાં લાંબાં દોરડાં બાંધેલાં છે, અને ભાવિક ભક્તો આ દોરડાંથી બગીને ખેંચે છે. બગીની આગળ લોકો રસ્તો સાફ કરે છે, ઢોલમંજીરા સહિત ભક્તિગીત વાગે છે. આખો માહોલ બહુ જ સરસ લાગે છે. આ જોઇને આપણું મન ભક્તિમય બની જાય છે. મનને ખૂબ આનંદ થાય છે. શોભાયાત્રા પૂરી થયા પછી, ચોગાનમાં જ ભગવાનની આરતી થાય છે. આ સાથે આખા દિવસનો કાર્યક્રમ પૂરો થાય છે.

અમે આરતી પૂરી થયા પછી, ભોજનગૃહમાં ખીચડીકઢી ખાધાં. અંધારું પડી ગયું હતું. મંદિર પર રાતની રોશની થઇ હતી. આ રોશનીમાં મંદિર ચાંદનીમાં નહાતું હોય એવું લાગે છે. રોશની જોઈ અમે પાર્કીંગમાંથી અમારી ગાડીમાં અમદાવાદ આવવા નીકળ્યા. પાર્કીંગની જગા ઉંચીનીચી અને ધૂળવાળી છે. એને સમતલ બનાવીને પાકું પાર્કીંગ કરવાની જરૂર છે.

વર્ણીન્દ્ર ધામ પૂરેપૂરું જોવામાણવા માટે એક દિવસ પૂરતો છે. હાલ અહીં રાત રહેવાની વ્યવસ્થા નથી. મંદિરને લગતી માહિતી જાણવા માટે ૮૦૦૦૬૩૫૦૦૦ નંબર પર ફોન કરી શકાય છે. માલવણથી પાટડી ૧૫ કી.મી. દૂર છે. એમાં વચ્ચે થોડો રસ્તો ખરાબ છે. પાટડીથી વર્ણીન્દ્ર ધામનો ૨ કી.મી.નો રસ્તો પણ ખરાબ છે. જો કે ગાડી તથા અન્ય વાહનો જઇ શકે છે. આ મંદિર, રાજકોટ ગુરુકુળની શાખા છે, સુરત ગુરુકુળ તેનું સંચાલન કરે છે.

3_IMG_3194

3c1_IMG_3379

12_IMG_3211

17b_IMG_20171203_120649052

17c_IMG_3248

21_IMG_3216

26_IMG_3222

27_IMG_3224

33c_IMG_20171203_153009573

33_IMG_3237

34b_IMG_3376

38_IMG_20171203_145427295

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: