શ્રી મોહન દાંડીકર સાથે મુલાકાત

                                  શ્રી મોહન દાંડીકર સાથે મુલાકાત

પહેલાં તો શ્રી મોહન દાંડીકર વિષે થોડી વાત કરું. તેઓ ગુજરાતના એક જાણીતા લેખક છે. મહાત્મા ગાંધીજીના જીવન વિષે તેમણે બહુ ઉંડાણથી અભ્યાસ કર્યો છે. તેઓએ કેટલાંએ હિન્દી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. તેમણે કુલ ૭૩ જેટલાં પુસ્તકો લખ્યાં છે. આજે ૮૫ વર્ષની ઉંમરે પણ તેમનું લેખનકાર્ય ચાલુ છે. ગાંધીજીના જીવનનો તેમના પર ઉંડો પ્રભાવ છે.

એક ખાસ બાબત એ છે કે તેઓ મૂળ દાંડી ગામના વતની છે. દાંડીને કોણ નહિ જાણતુ હોય? આ ગામ દેશવિદેશમાં પ્રખ્યાત છે. મહાત્મા ગાંધીજીએ ઈ.સ. ૧૯૩૦માં દાંડીયાત્રા યોજી હતી, અને દાંડીમાં દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાને તોડ્યો હતો. મોહન દાંડીકરે પોતાની અટક ‘દાંડીકર’ પણ દાંડીના નામ પરથી રાખી છે. તેઓ આજીવન શિક્ષક રહ્યા છે. તેઓ સાવરકુંડલા, જામનગર, વેડછી વગેરે સ્થળોએ નોકરી કર્યા બાદ, નિવૃત જીવન, પત્ની સાથે વતન દાંડીમાં પસાર કરી રહ્યા છે. ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. નવસારીથી આશરે ૧૨ કી.મી. દૂર, જંગલ વચ્ચે વસેલું દાંડી સાવ નાનું ગામ છે. ગામના એક ફળિયામાં તેમનું મકાન છે. મુખ્ય રસ્તા પરથી એક સાંકડી કેડી જેવા રસ્તેથી, તેમને ઘેર જવાય છે. કેડીની બંને બાજુ ઝાડપાન છે. તેમના ફળિયામાં બીજાં આઠદસ મકાન છે, એમાં ખેતી અને મજૂરી કરતા લોકો વસે છે. કોઈને પણ કલ્પના ના આવે કે આવી ગલીમાં આવા મશહુર લેખક વસતા હોય. તેમના આ ઘરમાં મોરારિબાપુ, યાસીન દલાલ, રતિલાલ બોરીસાગર અને ગુણવંત શાહ જેવા મહાનુભાવો તેમને મળવા માટે આવી ગયા છે.

મારી બહેનનો પુત્ર એટલે કે મારો ભાણો તેજસ શ્રી મોહન દાંડીકરની પુત્રી સંગીતા સાથે પરણ્યો છે, એ હિસાબે, મને તેજસ પાસેથી શ્રી મોહન દાંડીકર વિષે ઘણું જાણવા મળ્યું હતું. મને શ્રી દાંડીકરને મળવાની તથા તેમના વ્યક્તિત્વને નજીકથી નિહાળવાની બહુ ઈચ્છા હતી. એટલે એક દિવસ હું અને મારી પત્ની મીના સૂરત તેજસને ઘેર પહોંચી ગયા. બીજે દિવસે દાંડી જવાનો પ્લાન હતો. શ્રી દાંડીકરને આ અંગે અગાઉથી જાણ પણ કરી દીધી. બીજા દિવસે અમે, તેજસ અને સંગીતા દાંડી જવા નીકળ્યા.

પહેલાં તો અમે, દાંડીમાં ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું તે જગા, દરિયા કિનારો વગેરે જોઈ આવ્યા, અને પછી તેમના ઘેર પહોંચ્યા. સાંજનો સમય હતો, ખબર પડતાં જ શ્રી દાંડીકર અને તેમનાં પત્ની બહાર આવ્યાં અને હાથ જોડી અમારું સ્વાગત કર્યું. અમે બધા તેમને પગે લાગ્યા અને ઘરમાં પ્રવેશ્યા. એક મહાન લેખક અને મહાત્મા જેવા વ્યક્તિના ઘરમાં જવામાં અમે બહુ જ ગૌરવ અનુભવ્યું.

બસ, પછી તો અમારી પાસે સમય જ સમય હતો. રાત અહીં રહેવાનું હતું. એક બાજુ ચાપાણી નાસ્તો અને બીજી બાજુ વાતો ચાલી. તેમના વિષે મને ઘણું જાણવા મળ્યું. તે વિષે થોડી વાતો કરું. તેઓ કોઈ પુસ્તક લખે કે અનુવાદ કરે ત્યારે પ્રથમ તો કાચું લખાણ હાથે લખે છે. પછી તેમાં ભૂલો સુધારે છે. ત્યાર બાદ પાકું લખાણ ફરી લખે છે, અને પછી છાપવા માટે મોકલે છે. પ્રકાશક પાસે મહેનતાણું માંગતા નથી, પણ તે જે આપે તે સ્વીકારી લે છે. ગાંધીજી વિષે ઘણી નાની નાની બાબતો પણ તેમને યાદ છે. ગાંધીજીએ મીઠાનો કાયદો તોડવા દાંડી કેમ પસંદ કર્યું, તે તેમણે બહુ જ વિગતે અમને સમજાવ્યું. ગિરિરાજ કિશોર લિખિત પુસ્તક ‘પહેલો ગિરમીટિયો’નું તેમણે હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. ૯૦૦ પાનાંનું આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય છે. આ પુસ્તકમાં, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો સામે કરેલા સત્યાગ્રહની કથા વર્ણવી છે.

તેમણે ઘરમાં પોતાનાં તથા અન્ય પુસ્તકોની લાયબ્રેરી વસાવી છે. તેમાંથી ઘણાં પુસ્તકો તેમણે અમને બતાવ્યાં. દાંડીયાત્રાનો પરિચય કરાવતી એક પુસ્તિકા મને ભેટ આપી. હું તો એક સામાન્ય માણસ છું, છતાં તેમણે મારા અભ્યાસ, નોકરી અને કુટુંબ વિષે જાણવાની ઘણી તત્પરતા દેખાડી.

તેમના ઘરના વાડામાં તેમણે નાળિયેરી, ચીકુ અને આંબો ઉગાડ્યાં છે. તેઓ ચાર પુત્રીઓ અને એક પુત્રના પિતા છે. હાલ તેઓ ખાસ બહાર જતા નથી. તેઓ ખાદીનાં કપડાં પહેરે છે. તેઓ સાંજનું સાદું ભોજન કરી આઠસાડાઆઠ વાગે સુઈ જાય છે, અને સવારે ચાર વાગે ઉઠી, પ્રાતઃસ્મરણ કરી, પોતાનું લખવાનું કામ શરુ કરી દે છે. આપણે ઈચ્છીએ કે તેમની તંદુરસ્તી આવી ને આવી જ સારી રહે. અને તેઓ તેમનું મનગમતું કામ કર્યા કરે.

ત્રણેક કલાકની વાતો પછી અમે બધા જમ્યા. આજે અમે અહીં મહેમાન હતા, એટલે તેઓ થોડા મોડા સુઈ ગયા. સવારે ઉઠીને અમે તેમના વાડામાં વૃક્ષો જોયાં, આજુબાજુનો જંગલ વિસ્તાર જોયો, સૂર્યોદય જોયો, તેમના ઘર આગળ મોર અને ઢેલ ચણ ચણવા આવે છે, તે જોયું. આવું કુદરતી દ્રશ્ય શહેરમાં ક્યાં જોવા મળે? અમે તેમની સાથે ફોટા પડાવ્યા. સવારનો ચાનાસ્તો અને નહાવાધોવાનું પતાવી અમે જવા માટે તૈયાર થયા. આટલા ટૂંકા ગાળામાં તેઓ એટલા બધા હળીમળી ગયા કે તેઓ અમારા સ્વજન વડિલ હોય એવું અમને લાગ્યું. આટલા પ્રખ્યાત લેખકની નમ્રતા અમને પ્રભાવિત કરી ગઈ. છેવટે તેમના આશિર્વાદ લઇ, તેમને શુભેચ્છાઓ પાઠવી અમે તેમની વિદાય લીધી. તેમની સાથેની આ મુલાકાત અમને સતત પ્રેરણાદાયી બની રહેશે.

1_IMG_2491

3_IMG_2346

6_IMG_2348

9_IMG_2343

14_IMG_2352

16_IMG_2349

 

 

Advertisements