તમને જંગલમાં સરસ મજાની મઢુલીમાં રહેવાનું ગમે? આજુબાજુ ઝાડપાન હોય, બાજુમાં ખડખડ કરતી નદી વહેતી હોય, પક્ષીઓનો કલરવ સંભળાતો હોય…… હા, આવી જગ્યા તો જરૂર ગમી જ જાય. આજે તો આવી જગ્યાઓએ રિસોર્ટ ઉભા થયા છે, અને લોકો અઢળક પૈસા ખર્ચી, આવા રિસોર્ટમાં થોડા દહાડા રહી આવે છે.
આપણી ગુજરાત સરકારના જંગલ ખાતાએ આવી સુંદર જગ્યાઓએ રેસ્ટ હાઉસ અને કેમ્પ સાઈટો ઉભી કરી છે. તેમાં રિસોર્ટ કરતાં ખૂબ સસ્તામાં રહેવાનું મળે છે. અમુક કેમ્પ સાઈટોમાં ખાવાપીવાની સગવડ પણ છે. આવી કેમ્પ સાઈટોની અહીં વાતો કરું, તો ગમશે ને? આજે વાત કરીએ મહલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસની.
મહલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ
મહલ એ વીસ પચીસ ઘરની વસ્તીવાળું, ડાંગ જીલ્લાની મધ્યમાં આવેલું નાનું સરખું ગામ છે. અહીં ગામના ચાર રસ્તા આગળ, પૂર્ણા નદીને કિનારે, જંગલ ખાતાનું ફોરેસ્ટ રેસ્ટ હાઉસ છે. એને મહલ ઇકો ટુરીઝમ સેન્ટર પણ કહે છે. એમાં રહેવા માટે રૂમો બાંધેલી છે. આ રૂમો રહેવા માટે ભાડે આપે છે. રૂમોમાં એટેચ્ડ સંડાસ, બાથરૂમ, પલંગો, ગાદલાં એમ બધી સગવડ છે. એ.સી. પણ ખરું. પણ ક્યારેક વીજળી જતી રહે કે મચ્છર કરડે, તેની તૈયારી રાખવી. રિસોર્ટ જેવી લક્ઝરી ન મળે. અહીં જમવાની સગવડ નથી, પણ જાતે રાંધીને ખાઈ શકાય. રૂમો આગળ ઝાડપાન અને સુંદર બગીચો છે.
એક બાજુની રૂમોની પાછળ પૂર્ણા નદી અને તેમાં બાંધેલો ચેકડેમ દેખાય છે. નદીમાં ઉતરીને નહાવા જઇ શકાય એવું છે. નદીને સામે કિનારે અડાબીડ જંગલો છે. નદી પરનો પૂલ ઓળંગી સમી બાજુ જવાય છે. જેને કુદરતના સાનિધ્યમાં રહેવાનો શોખ હોય અને જેને નદી, ધોધ, જંગલ વગેરે ગમતું હોય ,તેઓને માટે આ સરસ જગ્યા છે.
અહીં રહેવા માટે અગાઉથી બુકીંગ કરાવવું જરૂરી છે. બુકીંગ માટે
સરનામું: નાયબ વન સંરક્ષકશ્રી, ઉત્તર ડાંગ આહવાની કચેરી, આહવા, ડાંગ.
e-m: mahalecotourism@gmail.com
Phone no. 02631 220203
અહીં પોતાની કે ભાડાની ગાડી કરીને આવવું. અહીં કોઈ વાહન મળતું નથી. એસ.ટી, બસની સગવડ પણ ખૂબ ઓછી છે.
આ જગ્યાએ બેત્રણ દિવસ રહેવાનું રાખી, આજુબાજુનાં કુદરતી સ્થળોએ ફરી શકાય. જેમ કે (૧) પૂર્ણા નદીમાં નહાવાની મજા માણી શકાય. (૨) મહલથી ચારેક કી.મી. દૂર મહલ કેમ્પ સાઈટ આવેલી છે, તે જોવા જઈ શકાય. (૩) મહલથી બરડીપાડાના રસ્તે માત્ર ૧ કી.મી. દૂર એક સરસ ધોધ પૂર્ણા નદીમાં પડે છે, તે જોવા અને તેમાં નહાવા જઈ શકાય. (૪) મહલથી બરડીપાડાના રસ્તે માત્ર ૬ કી.મી. દૂર ક્રેબ નામનો ધોધ છે, તે બિલકુલ રોડ સાઈડે જ છે, અને તેમાં પણ નાહી શકાય એવું છે. (૫) સુબીરમાં આવેલું શબરીધામ અને પમ્પા સરોવર જોવા જઈ શકાય.
મહલ જવા માટે: વ્યારા, સોનગઢ, સુબીર અને આહવાથી મહલ જઇ શકાય છે. મહલ. વ્યારાથી ૪૫ કી.મી., સોનગઢથી ૩૮ કી.મી., સુબીરથી ૨૧ કી.મી. અને આહવાથી ૨૫ કી.મી. દૂર છે.
અનુકૂળ સમય: સામાન્ય રીતે વરસાદની સીઝન પૂરી થયા પછી, એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર સારો સમય છે. આ સમયે ધોધમાં તથા નદીમાં પાણી પણ હોય.